Revised Common Lectionary (Semicontinuous)
27 યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હુ ઇસ્રાએલને અને યહૂદિયાને માણસોને તથા તેના પશુધનને પુષ્કળ વધારીશ. 28 ભૂતકાળમાં જેમ હું તેમને ઉખેડી નાખવા, તોડી પાડવા, ઉથલાવી પાડવા, નાશ કરવા, અને હાનિ કરવા માટે નજર રાખતો હતો તેમ હવે તેમના પર કાળજી રાખીને તેઓને સંસ્થાપિત કરીશ.” આ યહોવાના વચન છે.
29 “તે દિવસે પછી કોઇ એમ નહિ કહે કે,
‘પિતૃઓના પાપની કિમત
તેઓનાં બાળકો ચૂકવે છે.’
30 કારણ કે દરેક માણસ પોતાના પાપને લીધે મરશે. જે ખાટી દ્રાક્ષ ખાશે તેના દાંત ખટાઇ જશે.”
નવો કરાર
31 યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હું ઇસ્રાએલ અને યહૂદિયા સાથે નવો કરાર કરીશ. 32 મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢયા હતા ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેમનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે.
33 “પરંતુ હવે ઇસ્રાએલના લોકો સાથે જે કરાર કરીશ તે આવો હશે: હું મારા નિયમો તેમના અંતરમાં ઠસાવીશ અને તેમનાં હૃદય પર લખીશ. હું તેમનો દેવ થઇશ. અને તેઓ મારી પ્રજા થશે. 34 તે સમયે યહોવાને ઓળખવા માટે એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કારણ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઇ મને ઓળખશે. હું તેમના દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ.” આ યહોવાના વચન છે.
મેમ
97 તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું!
હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે;
કારણકે મારી પાસે સર્વદા છે.
99 મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે
કારણ કે હું તમારા સાક્ષ્યો વિષે અભ્યાસ અને ચર્ચા કરતો રહું છું.
100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું;
કારણકે મેં તમારા નિયમો પાળ્યાં છે.
101 હું તમારું વચન પાળી શકું તે માટે મેં
મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પણ પાછા વાળ્યા છે.
102 તમારા ન્યાયી વચનોને મેં ત્યજ્યા નથી;
કારણકે તમે મને તે શીખવ્યા છે.
103 મારી રૂચિને તમારાં વચનો કેવા મીઠાઁ લાગે છે!
મારા મુખને તે મધથીય વધુ મીઠાઁ લાગે છે.
104 તમારાં શાસનોથી મને સમજણ મળે છે;
માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
14 પરંતુ જે વાતો તું શીખ્યો છે તેને અનુસરવાનું તારે ચાલુ રાખવું જોઈએ. તું જાણે છે કે એ બધી વતો સાચી છે. તું એ બાબતો શીખવનારાઓ પર પૂરો વિશ્વાસ રાખી શકે છે એની તને ખબર છે. 15 તું બાળક હતો ત્યારનો પવિત્ર શાસ્ત્રથી પરિચિત છે. એ પવિત્રશાસ્ત્ર[a] તને વિવેકબુદ્ધિવાળો બનાવવાની ક્ષમતા ધરાવે છે અને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્ધારા તારણના માર્ગે જવા એ વિવેકબુદ્ધિ તને ઉપયોગી નીવડશે. 16 દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે. લોકોના જીવનમાં ક્યાં ખોટું થાય છે તે બતાવવા અને બોધ આપવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે. ભૂલો સુધારવા અને ન્યાયી જીવન જીવવાના શિક્ષણમાં ભૂલો સુધારવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે. 17 શાસ્ત્રોનો ઉપયોગ કરીને જે વ્યક્તિ દેવની સેવા કરશે, તે બધાજ સારા કાર્યો કરવા માટે પૂરેપૂરો સુસજજ થશે.
4 દેવ તથા ઈસુ ખ્રિસ્ત સમક્ષ હું તને આદેશ આપું છું કે મરણ પામેલા તેમજ જીવતા લોકોનો એક માત્ર એવો ખ્રિસ્ત ઈસુ ન્યાય કરશે. ઈસુનું રાજ્ય છે, અને તે ફરીથી આવી રહ્યો છે. તેથી હું તને આ આદેશ આપું છું: 2 લોકોને તું સુવાર્તા પ્રગટ કર. તે સંદેશ એ છે કે, લોકોનાં પાપ માફ થઈ શકે અને તેઓ દેવના સાન્નિધ્યમાં રહી શકે, એવો માર્ગ દેવે હવે સર્વ માટે ખૂલ્લો કરી દીધો છે. દરેક સમયે તું તૈયાર રહેજે. લોકોએ શું શું કરવાની જરુંર છે તે તું તેઓને કહે, તેઓની ભૂલ થાય ત્યારે તું તેઓને ધમકાવ અને તેઓને પ્રોત્સાહિત કર. આ બધું તું ખૂબજ ધીરજપૂર્વક તથા કાળજીપૂર્વકના ઉપદેશ વડે કર.
3 એવો સમય આવશે કે જ્યારે લોકો સાચો ઉપદેશ નહિ સાંભળે. પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાના માટે ભેગા કરશે. 4 લોકો સત્ય તરફ આડા કાન કરશે. કાલ્પનિક વાતોના શિક્ષણને અનુસરવાનું શરું કરશે. 5 પરંતુ હર ઘડીએ તું સર્વ બાબતોમાં સાવધ રહેજે. જ્યારે મુસીબતો આવે ત્યારે તેઓને તું સ્વીકારી લેજે. સુવાર્તા પ્રચારનું કામ કરતો રહેજે. દેવના સેવકની બધી જ ફરજો તું અદા કરી બતાવજે.
દેવ તેના લોકોને ઉત્તર આપશે
18 પછી ઈસુએ તેના શિષ્યોને શીખવ્યું કે તેઓએ હંમેશા પ્રાર્થના કરવી જોઈએ અને કદાપિ આશા ગુમાવવી જોઈએ નહિ. ઈસુએ તેઓને શીખવવા એક વાર્તાનો ઉપયોગ કર્યો: 2 “એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તે દેવની પરવા કરતો નહિ. ન્યાયાધીશ પણ લોકો તેના વિષે શું વિચારે છે તેની ચીંતા કરતો નહિ. 3 તે જ ગામમાં એક સ્ત્રી હતી, તેના પતિનું અવસાન થએલ હતું. તે સ્ત્રી ઘણીવાર આ ન્યાયાધીશ પાસે આવતી અને કહેતી કે, ‘એક માણસ મારું ખરાબ કરી રહ્યો છે, મને મારા હક્કો અપાવ.’ 4 પરંતુ ન્યાયાધીશ તે સ્ત્રીને મદદ કરવા ઈચ્છતો ન હતો. લાંબા સમય પછી ન્યાયાધીશે તેની જાતે વિચાર્યુ, ‘હું દેવથી ડરતો નથી અને લોકો શું વિચારે છે તેની પણ પરવા કરતો નથી. 5 પણ આ સ્ત્રી મને તકલીફ આપે છે. જો હું તેને જે જોઈએ છે તે આપીશ તો તે મારો પીછો છોડશે. પણ જો હું તેને જે જોઈએ છે તે નહિ આપુ તો હું માંદો પડીશ ત્યાં સુધી તે મને તકલીફ કરશે!’”
6 પ્રભુએ કહ્યું કે, “ધ્યાનથી સાંભળ, અન્યાયી ન્યાયાધીશે જે કહ્યું તેનો પણ અર્થ છે. 7 દેવના લોકો તેને રાત દિવસ બૂમો પાડે છે. દેવ હંમેશા તેના લોકોને જે સાચું છે તે હંમેશા આપશે. દેવ તેના લોકોને ઉત્તર આપવામાં ઢીલ કરશે નહિ. 8 હું તમને કહું છું, દેવ જલ્દીથી તેના લોકોની મદદ કરશે! તે તમને બહુ જ જલ્દીથી આપશે! પણ જ્યારે માણસનો દીકરો ફરીથી આવશે, ત્યારે તેનામાં વિશ્વાસ હોય એવા લોકો તેને પૃથ્વી પર જડશે?”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International