Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 66:1-12

નિર્દેશક માટે. સ્તુતિગીત.

હે સર્વ પૃથ્વીવાસી લોકો,
    તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
    સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
    શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
    અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.

આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
    કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
    તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
    ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
    પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
    બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.

હે પ્રજાજનો, આપણા દેવને,
    ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
    અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
    અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
    અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
    અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
    પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.

યર્મિયા 28

જુઠો પ્રબોધક હનાન્યા

28 તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં ચોથા વર્ષનાં પાંચમા મહિનામાં ગિબયોનના વતની આઝઝુરના પુત્ર પ્રબોધક હનાન્યાએ યહોવાના મંદિરમાં, યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું, “સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે; ‘બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે. બે વર્ષની અંદર હું બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાના મંદિરની જે સાધન-સામગ્રી બાબિલ લઇ ગયો હતો તે બધી અહીં પાછી લાવીશ. તેમ જ હું યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યકોન્યાને તેમ જ બાબિલમાં દેશવટે ગયેલા યહૂદિયાના બધા લોકોને પાછા લાવીશ, કારણ, હું બાબિલના રાજાની સત્તા તોડી નાખીશ.’” આ યહોવાના વચન છે.

ત્યારબાદ પ્રબોધક યર્મિયાએ મંદિરમાં યાજકો અને બધા લોકો સમક્ષ પ્રબોધક હનાન્યાને જવાબ આપ્યો: “આમીન! યહોવા એ પ્રમાણે કરો. તમે જે વચનો ઉચ્ચાર્યા છે તેને તો તમે સાચાં પાડો અને મંદિરની બધી સાધન-સામગ્રી અને દેશવટે ગયેલા બધા લોકોને તે બાબિલથી ફરી અહીં લઇ આવો.

“તેમ છતાં મારે તને અને આ સૌ લોકોને જે કહેવાનું છે તે સાંભળો. તારા અને મારા પહેલાં થઇ ગયેલા પ્રાચીન પ્રબોધકોએ અનેક દેશો વિરુદ્ધ પ્રબોધ કર્યો હતો. અને હંમેશા યુદ્ધ, દુકાળ તથા મરકી વિષે ચેતવણી આપી હતી. જ્યારે પણ કોઇ પ્રબોધક સુખશાંતિની આગાહી કરે છે અને તેનાં શબ્દો સાચાં પડે છે, ત્યારે ખાતરી થાય છે કે યહોવાએ તેને મોકલ્યો છે.”

10 પછી પ્રબોધક હનાન્યાએ યર્મિયાની ડોક પર મૂકેલી ઝૂંસરી લઇ લીધી અને તેને ભાંગી નાખી. 11 તેણે બધા લોકો સમક્ષ કહ્યું, “આ યહોવાના વચન છે; ‘આ જ રીતે આજથી બે વર્ષ પછી હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધી પ્રજાઓની ડોક પરથી ઉઠાવી લઈને ભાંગી નાખીશ.’”

એ પછી યર્મિયા મંદિરમાંથી ચાલ્યો ગયો.

12 ત્યારબાદ તરત જ યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો. 13 “તું હનાન્યા પાસે જઇને તેને કહે કે, ‘યહોવા કહે છે, તેં લાકડાની ઝૂંસરી ભાંગી નાખી છે, પરંતુ હું એની જગ્યાએ લોઢાની ઝૂંસરીઓ મુકીશ. 14 હા મેં આ બધી પ્રજાઓની ડોક પર લોઢાની ઝૂંસરી મૂકી છે અને તેઓ બાબિલના રાજા નબૂખાદનેસ્સારના તાબામાં છે. તેઓ તેની આજ્ઞા માનશે. આ હુકમને કોઇ બદલી શકશે નહિ, એમ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવા કહે છે, જંગલી પશુઓ પણ નબૂખાદનેસ્સારનું દાસત્વ સ્વીકારશે.’”

15 ત્યારબાદ યર્મિયાએ પ્રબોધકને કહ્યું, “સાંભળ હનાન્યા, યહોવાએ તને મોકલ્યો નથી, અને તારે કારણે આ લોકો જૂઠાણામાં માને છે, 16 તેથી આ એ છે, જે યહોવા કહે છે, ‘હું પૃથ્વીના નકશા પરથી તારું નામોનિશાન મીટાવી દઇશ. આ વર્ષના અંત પહેલા તું મૃત્યુ પામીશ. કારણ કે તે જ લોકો પાસે દેવની આજ્ઞાનો અનાદર કરાવ્યો છે.’”

17 અને સાચે બન્યું પણ એમ જ. પ્રબોધક હનાન્યા તે જ વર્ષે સાતમા મહિનામાં મૃત્યુ પામ્યો.

લૂક 5:12-16

ઈસુ માદાં માણસને સાજો કરે છે

(માથ. 8:1-4; માર્ક 1:40-45)

12 પછી એક વખત ઈસુ એક શહેરમાં હતો, ત્યારે આખા શરીરે રક્તપિત્તના રોગથી પીડાતો એક માણસ ત્યાં હતો. ઈસુને જોઈને તે માણસે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “પ્રભુ! મને સાજો કર, તું ચાહે તો મને સાજો કરી શકવા સમર્થ છે.”

13 ઈસુએ કહ્યું, “હું તને સાજો કરવા ઈચ્છું છું, તું સાજો થઈ જા!” ઈસુનો સ્પર્શ થતાં જ દર્દીનો રક્તપિત્તનો રોગ મટી ગયો. તે રોગ મુક્ત થઈ ગયો. 14 ઈસુએ આ વાત કોઈને પણ ન કહેવાની આજ્ઞા કરીને કહ્યું, “તું યાજક પાસે જા અને તારી જાત તેને બતાવ અને મૂસાના આદેશ પ્રમાણે દેવને ભેટ અર્પણ કર. જેથી લોકોને ખબર પડશે કે તું સારો થઈ ગયો છે.”

15 પરંતુ ઈસુના આ સમાચાર તો વધુ ને વધુ પ્રસરવા લાગ્યા. ઘણા લોકોના ટોળેટોળા ઈસુને સાંભળવા તથા પોતાના રોગમાંથી મુક્ત થવા આવવા લાગ્યા. 16 તેથી ઈસુ વારંવાર એકાંત સ્થળોએ જતો જેથી એકાંતે પ્રાર્થના કરી શકતો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International