Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા,
ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
2 અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં;
ત્યારે વિદેશીઓએ કહ્યું,
“યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
3 યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે
જેથી અમે આનંદ પામીએ છીએ.
4 હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો,
અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે;
તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
6 જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે;
તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.
ઇસ્રાએલના લોકોનું પ્રાયશ્ચિત
9 એ જ મહિનાને ચોવીસમાં દિવસે ઇસ્રાએલી લોકો શોકકંથા પહેરીને અને માથે ધૂળ નાખીને ઉપવાસ કરવા ભેગા થયા. 2 તે બધાં જેઓના પૂર્વજ ઇસ્રાએલી હતા, તેઓએ પોતાને વિદેશીઓથી જુદા કર્યા અને તેઓએ ઉભા થઇને પોતાના અને પોતાના પૂર્વજોના પાપ કબૂલ કર્યા. 3 અને તેઓએ ત્રણ કલાક સુધી પોતાના દેવ યહોવાના નિયમશાસ્રનું પુસ્તક વાચ્યું; બીજા ત્રણ કલાક સુધી તેઓએ પાપ કબૂલ કરીને તેમના યહોવા દેવની ઉપાસના કરી.
4 પછી આ લોકો લેવીઓના ઊંચા આસન પર ઊભા રહીને તેમના યહોવા દેવને મોટેથી વિનંતા કરી. તેમના નામ: યેશૂઆ, બાની, કાદ્મીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, તથા કનાની હતા.
5 ત્યારબાદ લેવીઓ, યેશૂઆ, કાદ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા, અને પથાહ્યાએ કહ્યું, “ઊભા થાઓ અને તમારા યહોવા દેવની સ્તુતિ કરો!
“જે અનાદિ અને અનંત છે,
ધન્ય છે તારું મહિમાવંતુ નામ જે કોઇપણ ધન્યવાદ
અને પ્રશંસાની પરિસીમાથી પર છે.
6 તું જ એક માત્ર યહોવા છે,
તેં આકાશ અને સૌથી ઉંચુ સ્વર્ગ,
તારા, પૃથ્વી અને જે બધી વસ્તુ તેમાં છે,
અને સમુદ્ર અને તેમાં જે બધું છે,
તેં બધું બનાવ્યું. બધાંને જીવતા રાખ્યાં છે,
અને આકાશના તારાઓ પણ તને નમન કરે છે!
7 તું તે જ યહોવા દેવ છે કે,
જેણે ઇબ્રામને પસંદ કર્યો,
તેં જ તેને ખાલ્દીઓના ઉરમાંથી બહાર કાઢયો
અને તેં જ તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું.
8 તેનું અંત:કરણ તારી પ્રત્યે વિશ્વાસુ જાણ્યુ;
તેં તેની સાથે એક કરાર કર્યો
અને તેને કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો, પરિઝઝીઓનો, યબૂસીઓનો,
અને ગિર્ગાશીઓનો દેશ
તેનાઁ વંશજોને આપવાનું તેને વચન આપ્યું.
તું ન્યાયી હોવાથી તેઁ તારૂં વચન પાળ્યું છે.
ઈસુના બાર પ્રેરિતોની પસંદગી
(માથ. 10:1-4; માર્ક 3:13-19)
12 તે દિવસો દરમ્યાન ઈસુ પ્રાર્થના કરવા માટે પહાડ પર ગયો. અને તેણે આખી રાત દેવની પ્રાર્થનામાં વિતાવી. 13 અને પછી જ્યારે પ્રભાત થયું ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને ચેઓનામાંથી બારની પસંદગી કરી અને તેઓને “પ્રેરિતો” નામ આપ્યું.
14 એટલે સિમોન (ઈસુએ તેનું નામ પિતર પાડ્યું)
અને તેના ભાઈ આંન્દ્ધિયાને,
યાકૂબ
તથા યોહાનને,
ફિલિપને
તથા બર્થોલ્મીને,
15 માથ્થીને
તથા થોમાને,
યાકૂબને (અલ્ફીના દીકરો)
તથા સિમોન,
જેને ઝેલોટીસ કહેતા હતા. તેને,
16 યહૂદા (યાકૂબનો દીકરો)
આ યહૂદા ઇશ્કરિયોત હતો જેણે ઈસુને તેના દુશ્મનોને સોંપ્યો.
ઈસુનો ઉપદેશ અને લોકોને સાજાપણું
(માથ. 4:23-25; 5:1-12)
17 ઈસુ અને પ્રેરિતો પહાડ પરથી નીચે ઉતર્યાને ઈસુ સપાટ મેદાનમાં આવીને ઊભો રહ્યો. ત્યાં મોટા સમૂહમાં તેના શિષ્યો હતા. અને સમગ્ર યહૂદિયામાંના તથા યરૂશાલેમના અને તૂર તથા સિદોનના સમુદ્ધકિનારાના ઘણા લોકો મોટા સમૂહમાં હતા. 18 જેઓ ભેગા થયા હતા તે તેનો ઉપદેશ સાંભળવા તથા તેઓના રોગોમાંથી સાજા થવા માટે આવ્યા હતા. તે લોકો અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા. ઈસુએ તે બધા લોકોને સાજા કર્યા. 19 બધાજ લોકો ઈસુને સ્પર્શ કરવા કોશિશ કરતાં હતા, કારણ કે તેનામાંથી જે પરાક્રમ નીકળી રહ્યુ હતુ તેનાથી દરેક સાજા થયા હતા!
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International