Revised Common Lectionary (Semicontinuous)
દેવે ઇબ્રામને બોલાવ્યો
12 યહોવાએ ઇબ્રામને કહ્યું,
“તું તારો દેશ, તારા સગાંસંબંધી,
અને તારા પિતાના પરિવારને છોડી દે
અને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા.
2 હું તને આશીર્વાદિત કરીશ.
હું તને એક મહાન રાષ્ટ બનાવીશ.
હું તારા નામને પ્રસિધ્ધ કરીશ.
લોકો તારા નામ દ્વારા
બીજાને આશીર્વાદ આપશે.
3 જે લોકો તારું ભલું કરશે તે લોકોને
હું આશીર્વાદ આપીશ.
પરંતુ જેઓ તને શ્રાપ આપશે તેઓને હું શાપ દઈશ.
પૃથ્વી પરના બધા મનુષ્યોને આશીર્વાદ આપવા માંટે હું તારો ઉપયોગ કરીશ.”
ઇબ્રામનું કનાન ગમન
4 ઇબ્રામે યહોવાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેણે હારાન છોડયું. અને લોત તેની સાથે ગયો. તે સમયે ઇબ્રામ 75 વર્ષનો હતો. 5 ઇબ્રામે જયારે હારાન છોડયું ત્યારે તે એકલો ન હતો. ઇબ્રામે પોતાની પત્ની સારાયને અને પોતાના ભાઈના દીકરા લોતને હારાનમાં હતા ત્યારે તેમણે ભેગી કરેલી બધી સંપત્તિને તથા તેમણે રાખેલા બધા નોકરોને સાથે લીધાં અને તેઓ કનાન દેશ જવા નીકળ્યાં અને ત્યાં પહોંચ્યાં. 6 ઇબ્રામે કનાનના પ્રદેશમાં થઇને શખેમ નગર સુધી યાત્રા કરી. અને મોરેહના મોટા વૃક્ષ સુધી ગયો. એ સમયે તે દેશમાં કનાની લોકો વસતા હતા.
7 યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું કે, “હું આ દેશ તારા વંશજોને આપીશ.”
આથી યહોવા ઇબ્રામ સામે જે જગ્યાએ પ્રગટ થયો તે જગ્યાએ ઇબ્રામે યહોવાની ઉપાસના માંટે એક વેદી બંધાવી. 8 તે પછી ઇબ્રામે તે જગ્યા છોડી અને તે બેથેલની પૂર્વમાં આવેલા પહાડી પ્રદેશમાં ગયો અને ત્યાં સ્થાયી થયો. પશ્ચિમમાં બેથેલ શહેર અને પૂર્વમાં આય શહેર હતુ, અને ત્યાં તેણે યહોવાને માંટે બીજી એક વેદી બંધાવી. અને ઇબ્રામે યહોવાની પ્રાર્થના કરી. 9 ત્યાંથી ઇબ્રામે ફરી યાત્રાનો આરંભ કર્યો અને નેગેબ તરફ આગળ વધ્યો.
1 હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ;
શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે.
2 વીણા વગાડી યહોવાની સ્તુતિ કરો, દશ તારનું વાજીંત્ર વગાડી ગાઓ;
સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ.
3 યહોવાના નૂતન ગીતો ગાઓ;
વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો.
4 યહોવાનો પ્રત્યેક શબ્દ ન્યાયી છે,
તેનાં સર્વ કાર્ય ભરોસાપાત્ર છે.
5 તે ન્યાય અને નિષ્પક્ષતાને ચાહે છે.
પૃથ્વી યહોવાની કૃપાથી ભરાઇ ગઇ છે.
6 એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું,
અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
7 તેમણે સમુદ્રો બનાવ્યાં અને મશકની માફક પાણી ભેગા કર્યાર્
અને તેના અતિશય ઊઁડાણોને વખારોમાં ભરી રાખે છે.
8 સમગ્ર પૃથ્વી યહોવાથી બીઓ,
અને પૃથ્વીવાસી તેનું ભય રાખો અને આદર કરો.
9 કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ;
અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ.
10 યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે.
જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
11 યહોવાની યોજનાઓ સદાકાળ ટકે છે.
તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
12 જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.
તેઓને ધન્ય છે.
વિશ્વાસથી દેવની કૃપા પ્રાપ્ત થાય છે
13 ઈબ્રાહિમ અને તેના વંશજોને નિયમના પાલનથી નહિ પણ વિશ્વાસથી દેવ સાથે ન્યાયી ઠરાવ્યા હતા. તેથી દેવનું વચન મળ્યું કે આખી દુનિયાની સમૃદ્ધિ અને સુખ તેને વારસામાં મળે. 14 દેવના વચન પ્રમાણે ધર્મશાસ્ત્રને અનુસરવાથી જ જો લોકોને બધું વારસામાં મળી જતું હોય, તો પછી વિશ્વાસનું કોઈ મૂલ્ય નથી. અને એ રીતે ઈબ્રાહિમને મળેલું વચન પણ નિરર્થક છે. 15 શા માટે? કેમ કે નિયમનું લક્ષણ એ છે કે જ્યારે તેનું પાલન કરવામાં આવતું નથી, ત્યારે દેવનો કોપ ઉતરે છે. પરંતુ જો નિયમનું અસ્તિત્વ જ ન હોય તો, તેનું ઉલ્લંઘન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.
16 આમ લોકો દેવનું વચન વિશ્વાસ દ્વારા મેળવે છે. દેવે વિશ્વાસનો માર્ગ સૂચવ્યો છે, તેથી તે સઘળાંને વિનામૂલ્યે ભેટ તરીકે આપી શકાય. તેથી ઈબ્રાહિમના બધા વંશજોને દેવનું વચન વિનામૂલ્ય ભેટ છે. તે એમ નથી કે દેવની કૃપા માત્ર નિયમ પ્રમાણે જીવનારા માટે જ છે. કોઈ પણ માણસ કે જે ઈબ્રાહિમના જેમ વિશ્વાસથી જીવે છે તેને પણ વચન મળી શકે છે. ઈબ્રાહિમ આપણા સૌને પૂર્વજ છે. 17 શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે, “મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે.”(A) દેવની સાક્ષીએ આ વાત સત્ય છે. ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો તે દેવ કે જે મૂએલાઓને સજીવન કરે છે, અને જે વસ્તુઓ કે ઘટનાઓ હજી સુધી બની નથી તેને પ્રગટ કરનાર છે.
18 ઈબ્રાહિમને ત્યાં બાળકો થાય એવી કોઈ આશા ન હતી. પરંતુ ઈબ્રાહિમને દેવમાં વિશ્વાસ હતો, અને આશા સેવવાનું તેણે ચાલુ રાખ્યું. તેથી જ તો ઘણી પ્રજાઓનો તે પૂર્વજ થયો. દેવે તેને કહ્યું હતું, “તને ઘણાં વંશજો મળશે.” (B) 19 ઈબ્રાહિમ જ્યારે લગભગ સો વર્ષનો થયો, ત્યારે તે બાળકોના પિતા બનવાની ઉંમર વિતાવી ચૂક્યો હતો. વળી, તેણે આ જાણ્યું કે સારા ને બાળકો થાય એવી કોઈ શક્યતા ન હતી. તે પોતાના દૃઢ વિશ્વાસમાંથી જરા પણ ડગ્યો નહિ. 20 દેવનું વચન ધ્યાનમાં રાખીને તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહિ પણ દેવનો મહિમા કર્યો અને ધીમે ધીમે તેનો વિશ્વાસ દૃઢ બનતો ગયો. તેણે હંમેશા દેવની સ્તુતિ કરી. 21 ઈબ્રાહિમને મનમાં ખાતરી હતી જ કે દેવે જે વચન આપ્યું છે તે પરિપૂર્ણ કરવા દેવ સંપૂર્ણપણે સમર્થ છે. 22 તો આમ, “દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો અને એ વિશ્વાસે જ ઈબ્રાહિમને દેવ સાથે ન્યાયી બનાવ્યો.”(C) 23 (“તેને ન્યાયી ગણવામાં આવ્યો.”) એ શબ્દો માત્ર ઈબ્રાહિમ માટે જ લખવામાં આવ્યા ન હતા. 24 પણ આપણા પ્રભુ ઈસુને મરણમાંથી સજીવન કરનાર દેવ પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને માટે પણ એ જ શબ્દો લખેલા છે. અને આપણે તે દેવમાં વિશ્વાસ કરીએ છીએ. 25 આપણા પાપોને લીધે ઈસુને મરણને સ્વાધીન કરવામાં આવ્યો, અને આપણે દેવની સાથે ન્યાયી થઈએ તે માટે તેને મૃત્યુમાંથી ઊઠાડવામાં આવ્યો.
ઈસુએ માથ્થીની પસંદગી કરી
(માર્ક 2:13-17; લૂ. 5:27-32)
9 ઈસુ તે રસ્તે થઈને જતો હતો ત્યારે, તેણે કર ઉઘરાવવાની ઓફિસમાં માથ્થી નામના માણસને જોયો. ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ ચાલ.” અને માથ્થી ઊભો થયો અને ઈસુને અનુસર્યો.
10 ઈસુએ માથ્થીના ઘરે તેના શિષ્યો સાથે ભોજન લીધું. ત્યારે ત્યાં કર ઉઘરાવનારા અને પાપીઓ પણ જમતા હતાં. 11 ફરોશીઓએ ઈસુને આવા માણસો સાથે ખાતાં જોયો તેથી તેના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક કર ઉઘરાવનારા તથા પાપીઓ સાથે શા માટે ભોજન લે છે?”
12 ઈસુએ આ સાંભળીને કહ્યું, “જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી. જેઓ બિમાર છે તેમને વૈદની જરૂર છે.” 13 ઈસુએ કહ્યું, “તમે શાસ્ત્રનો અર્થ સમજો; ‘હું પશુઓના બલિદાન નથી ઈચ્છતો, હું દયા ઈચ્છું છું,’ હું સારા લોકોને આમંત્રણ આપવા નથી આવ્યો પણ પાપીઓને તેડવા આવ્યો છું.”(A)
ઈસુ મૃત દીકરીને જીવન આપે છે અને બિમાર સ્ત્રીને સાજી કરે છે
(માર્ક 5:21-43; લૂ. 8:40-56)
18 ઈસુ જ્યારે આ વાતો કહતો હતો, ત્યારે સભાસ્થાનનો એક અધિકારી આવ્યો અને તેને પગે પડ્યો અને કહ્યું કે, “મારી દીકરી હમણાં જ મરણ પામી છે. તું આવીને માત્ર તારા હાથથી તેને સ્પર્શ કર તો તે સજીવન થશે.”
19 તેથી ઈસુ ઊભો થયો અને તેને ઘેર ગયો. તેના શિષ્યો તેની પાછળ ગયાં.
20 એક સ્ત્રી હતી, જે છેલ્લા બાર વર્ષથી લોહીવાના રોગથી પીડાતી હતી તેણે પાછળથી આવીને ઈસુના ઝભ્ભાની નીચલી કોરને સ્પર્શ કર્યો. 21 સ્ત્રી વિચારતી હતી કે, “જો હું માત્ર તેના ઝભ્ભાને સ્પર્શ કરીશ તો હું સાજી થઈ જઈશ.”
22 ઈસુ તેની તરફ વળ્યો અને તે સ્ત્રીને જોઈ કહ્યું, “દીકરી હિંમ્મત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે.” તે જ પળે તે સ્ત્રી સાજી થઈ ગઈ.
23 ઈસુ અધિકારીની સાથે તેના ઘેર આવી પહોચ્યો અને ઘરમાં ગયો ત્યારે તેણે વાંસળી વગાડનારાઓને અને ઘણા લોકોનેદન કરતા જોયા. 24 ઈસુએ કહ્યું, “આઘા ખસો, કારણ કે છોકરી મરણ નથી પામી. તે ઊંધે છે.” આ સાંભળી લોકો તેના તરફ હસવા લાગ્યા. 25 લોકોનું ટોળું ઘરની બહાર ગયું. ઈસુ છોકરીના ઓરડામાં ગયો. ઈસુએ છોકરીનો હાથ પકડ્યો અને તે છોકરી ઉભી થઈ. 26 આ સમાચાર આજુબાજુના સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International