Revised Common Lectionary (Semicontinuous)
ઇબ્રાહિમ પુત્રનું બલિદાન આપવા તૈયાર
22 આ બધું થઈ ગયા પછી દેવે ઇબ્રાહિમના વિશ્વાસની કસોટી કરવાનું નકકી કર્યુ. દેવે તેને કહ્યું, “ઇબ્રાહિમ!”
ત્યારે ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “હું આ રહ્યો.”
2 દેવે કહ્યું, “તારા પુત્રને, તારા એકનાએક પુત્રને, જે તને વહાલો છે તે ઇસહાકને લઈને તું મોરિયા પ્રદેશમાં જા. અને ત્યાં હું કહું તે ડુંગર ઉપર તું તેનું દહનાર્પણ કર.”
3 તેથી ઇબ્રાહિમ સવારે વહેલો ઊઠયો અને તેણે ગધેડા પર જીન નાખ્યું. ઇબ્રાહિમે તેના પુત્ર ઇસહાક અને બે નોકરોને સાથે લીધા. ઇબ્રાહિમે યજ્ઞ માંટે લાકડાં કાપીને તૈયાર કર્યા. અને પછી દેવે કહ્યું હતું તે જગ્યાએ જવા નીકળ્યા. 4 ત્રણ દિવસના પ્રવાસ પછી ઇબ્રાહિમે ઉપર જોયું અને જે જગ્યાએ એ જતાં હતા તે જગ્યા દૂર નજરે પડી. 5 પછી ઇબ્રાહિમે પોતાના નોકરોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, હું માંરા પુત્રને તે જગ્યાએ લઈ જઈશ અને ઉપાસના વિધી કરીશ, પછી અમે પાછા આવીશું.”
6 ઇબ્રાહિમે યજ્ઞ માંટેનાં લાકડાં લીધાં અને પોતાના પુત્ર ઇસહાકના ખભા પર ચઢાવ્યાં. અને ઇબ્રાહિમે પોતાના હાથમાં અગ્નિ અને છરો લીધો પછી ઇબ્રાહિમ અને તેનો પુત્ર બંને ઉપાસના માંટે તે જગ્યાએ એક સાથે ગયા.
7 ઇસહાકે પોતાના પિતા ઇબ્રાહિમને કહ્યું, “પિતાજી!”
ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “હા, બેટા, શું છે?”
ઇસહાક બોલ્યો, “જુઓ, અગ્નિ અને લાકડાં હું જોઉં છું. પણ દહનાર્પણ માંટે ઘેટું કયાં છે?”
8 ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “બેટા, દહનાર્પણ માંટેનું ઘેટું દેવ જાતે જ આપણને પૂરું પાડશે.”
તેથી, તેઓ બંને આગળ વધ્યા. 9 જયારે તેઓ દેવે કહેલી જગ્યાએ આવી પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે એક વેદી તૈયાર કરી, તેના પર લાકડાં ગોઠવ્યાં અને પોતાના પુત્ર ઇસહાકને બાંધીને વેદી પરનાં લાકડાં ઉપર ચઢાવી દીધો. 10 પછી ઇબ્રાહિમે પોતાનો છરો કાઢયો અને પુત્રનો વધ કરવાની તૈયારી કરી.
11 ત્યારે યહોવાના દૂતે ઇબ્રાહિમને રોકયો. દેવદૂતે આકાશમાંથી બોલાવ્યો. “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!”
ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “જી!”
12 દેવદૂતે કહ્યું, “તારા પુત્રને માંરીશ નહિ, તેને કોઇ સજા કરીશ નહિ, મેં જોયું કે, તું દેવનો આદર કરે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે. મેં જોઇ લીધું છે કે, તું તારા એકના એક પુત્રને માંરા માંટે બલિ ચઢાવતાં ખચકાયો નથી.”
13 ઇબ્રાહિમે ઊંચી નજર કરીને જોયું તો તેની પાછળ ઝાડીમાં એક ઘેટો શિંગડા ભરાઈ જવાથી ફસાઈ ગયો હતો. ઇબ્રાહિમે તેને પકડયો અને પોતાના પુત્રને બદલે દહનાર્પણ તરીકે ચઢાવ્યો. અને ઇબ્રાહિમનો પુત્ર બચી ગયો. 14 તેથી ઇબ્રાહિમે તે જગ્યાનું નામ “યહોવા-યિરેહ”[a] પાડયું. આજે પણ લોકો કહે છે, “આ પર્વત પર યહોવાને જોઇ શકાય છે.”
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો?
શું સદાને માટે?
હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
2 આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું:
જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો?
કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો?
કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?
3 હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો.
જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.
4 શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે.
મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં.
5 મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે.
તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે.
6 યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ,
કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.
12 તમારા ર્મત્ય શરીરમાં પાપને રાજ કરવા ન દો અને તમારી પાપની દુર્વાસનાને આધીન થશો નહિ. તમારું પાપયુક્ત શરીર જો તમને પાપકર્મ કરવા પ્રેરતું હોય તો તમારે એનાથી ગેરમાર્ગે દોરવાઈ જવું નહિ. 13 પાપકર્મમાં તમારા શરીરનાં અવયવોને સમર્પિત ન કરો. અનિષ્ટ કાર્યો કરવાના સાધન તરીકે તમે તમારાં શરીરોનો ઉપયોગ ન કરો. પરંતુ તમારે પોતે દેવને સમર્પિત થઈ જવું જોઈએ. જે લોકો મરણ પામીને પણ હવે ફરીથી સજીવન થયા છે એવા તમે થાવ. તમારાં શરીરનાં અવયવો દેવને સમર્પિત કરો જેથી શુભ કાર્યો માટે એનો ઉપયોગ થાય. 14 હવે “પાપ” તમારો “માલિક” થઈ શકશે નહિ. શા માટે? કેમ કે તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી. હવે તમે દેવની કૃપા હેઠળ જીવી રહ્યા છો.
ન્યાયીપણાના દાસ
15 તો આપણે શું કરવું જોઈએ? આપણે પાપ કરવાનું ચાલું રાખવું જોઈએ? કેમકે આપણને નિયમનું બંધન નથી, પણ આપણે કૃપાને આધીન છીએ? ના! 16 સાચે જ તમે જાણો છો કે જ્યારે તમે કોઈની આજ્ઞા પાળવા તૈયાર થઈ જાઓ છો, ત્યારે તમે તે વ્યક્તિના ખરેખર દાસ બની જાવ છો. જે વ્યક્તિની આજ્ઞા તમે માનો છો તેના તમે દાસ છો. ગમે તો પાપને અનુસરો અથવા દેવની આજ્ઞા માથે ચડાવો. પાપ તો આધ્યાત્મિક મૃત્યુને નોંતરે છે. પરંતુ જે દેવની આજ્ઞા પાળે છે તે દેવની સાથે ન્યાયી ઠરે છે. 17 ભૂતકાળમાં તમે પાપના દાસ હતા-તમારા પર પાપનું શાસન ચાલતું હતું, પરંતુ દેવનો આભાર કે તમને જે (નૈતિક-ધાર્મિક સંસ્કારો) શીખવવામાં આવ્યા તેને તમે પૂર્ણ અંત:કરણથી સ્વીકાર્યા. 18 પાપમાંથી તમને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તમે ન્યાયપણાના દાસ છો. 19 જે દૃષ્ટાંત લોકો જાણે છે તે દૃષ્ટાંત આપીને હું તમને આ સમજાવવા પ્રયત્ન કરીશ કારણ કે એ બધું સમજવું તમારા માટે કઠિન છે. તેથી હું આ રીતે સમજાવું છું. ભૂતકાળમાં તમે અશુદ્ધતા અને અનિષ્ટની સેવામાં તમારા શરીરનાં અવયવો અર્પણ કર્યા હતા. તમે દુષ્ટતામાં જ જીવતા હતા. તમે હવે તમારાં અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાના દાસ તરીકે સુપ્રત કરો અને પછી તમે ફક્ત દેવ માટે જ જીવવા શક્તિમાન થશો.
20 ભૂતકાળમાં તમે પાપના દાસ હતા, અને તમે ન્યાયીપણાના અંકુશથી સ્વતંત્ર હતા. 21 તમે જે અનિષ્ટ કાર્યો કર્યા હતાં, એ માટે હવે તમે શરમ અનુભવો છો. શું એ અનિષ્ટ કાર્યો તમને કોઈ લાભદાયી હતાં ખરાં? ના. એવાં કાર્યો તો માત્ર આધ્યાત્મિક મૃત્યુ જ લાવી શકે છે. 22 પરંતુ હવે તમે પાપની ગુલામીમાંથી મુક્ત થઈને દેવના દાસ થયા છો. અને આ (પરિવર્તન) તમને એવું જીવન આપશે કે જે માત્ર દેવને જ સમર્પિત હોય. અને એના દ્વારા તમને અનંતજીવન પ્રાપ્ત થશે. 23 જ્યારે લોકો પાપ કરે છે, ત્યારે પાપનું વેતન-મરણ કમાય છે. પરંતુ દેવ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકોને અનંતજીવનની બક્ષિસ આપે છે.
જે વ્યક્તિ આપણી વિરુંદ્ધ નથી તે આપણા પક્ષનો છે
(માર્ક 9:41)
40 “જે માણસ તમને સ્વીકારે છે, તે મને સ્વીકારે છે, અને જે વ્યક્તિ મને સ્વીકારે છે તે જેણે મને મોકલ્યો તેને સ્વીકારે છે. 41 જો કોઈ વ્યક્તિ પ્રબોધકને સ્વીકારે છે કારણ કે તે એક પ્રબોધક છે પછી તે પ્રબોધક જે મેળવે છે તે બદલો તે વ્યક્તિ પ્રાપ્ત કરશે. જે કોઈ વ્યક્તિ સાચા માણસને સ્વીકારે છે, તે એક સારો માણસ છે પછી કે સાચો માણસ પ્રાપ્ત કરે છે તે બદલો તે વ્યક્તિને મળશે. 42 હું તમને સત્ય કહું છું કે જો કોઈ વ્યક્તિ શિષ્યના નામે નાનામાંના એકને પણ ઠંડા પાણીનો પ્યાલો પીવા આપે તો તેનું ફળ મળ્યાં વગર રહેશે જ નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International