Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો.
હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
2 મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
3 તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
કારણકે તેમની પાસે તારણ નથી.
4 તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો,
સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.
યહોવાની સ્તુતિ થાઓ!
દેવ સહનશીલતા રાખે છે
14 યહોવા કહે છે, “લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું,
મેં મૌન જાળવ્યું છે અને હું ગમ ખાઇ ગયો છું,
હવે હું પ્રસવ વેદનાથી પીડાતી સ્રીની જેમ બૂમો પાડી ઊઠીશ;
હું ઊંડા શ્વાસ લઇશ.
15 હું પર્વતો અને ડુંગરોને ભોંયભેગા કરી નાખીશ,
તેમની બધી લીલોતરીને ચિમળાવી દઇશ;
હું નદીઓનાં ભાઠાં બનાવી દઇશ
અને તળાવોને સૂકવી નાખીશ.
16 પછી હું આંધળાઓને દોરીશ,
એવા રસ્તે ચલાવીશ જેની તમને ખબર નથી.
તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં ફેરવી નાખીશ.
અને ખરબચડા રસ્તાને સીધા બનાવી દઇશ.
આ બધું હું કરીશ.
અને કશું બાકી નહિ રાખું.
17 પરંતુ જેઓ મૂર્તિઓમાં વિશ્વાસ રાખે છે
અને તેઓને દેવ તરીકે માને છે,
તેઓ મોટી નિરાશામાં આવી પડશે.
તેઓને હાંકી કાઢવામાં આવશે.”
ઇસ્રાએલે દેવનું ના સાંભળ્યું
18 યહોવા કહે છે, “હે બહેરા માણસો,
સાંભળો! હે આંધળા માણસો, જુઓ!
19 મારા સેવક જેવું આંધળું કોણ છે?
મારા સંદેશવાહક જેવું બહેરું કોણ છે?
મારા નક્કી કરેલા
એક યહોવાના સેવક જેવું આંધળું કોણ છે?
20 તે જુએ છે ઘણું પણ,
કંઇ યાદ રાખતો નથી;
તેના કાન ખુલ્લા છે,
પણ તે કંઇ સાંભળતો નથી.”
21 યહોવાએ પોતાના નિયમ શાસ્ત્રને મહાન અને સાચે જ મહિમાવંત બનાવ્યા છે.
પોતે ન્યાયી છે તે આખા જગતને દર્શાવવા તેમણે તેનું આયોજન કર્યુ છે.
9 જે દિવસથી અમે આ બાબતો તમારા વિષે સાંભળી તે દિવસથી તમારે સારું પ્રાર્થના કરીએ છીએ. અમે આ બાબતો માટે પ્રાર્થના કરીએ છીએ:
કે તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ; 10 તમે આ બાબતોનો જીવનમાં એ રીતે ઉપયોગ કરો કે જેથી પ્રભુ તેમના વડે સમ્માનિત થાય, અને સર્વ પ્રકારે તેનાથી તે પ્રસન્ન થાય; કે તમે દરેક પ્રકારના સત્કાર્યો કરો અને દેવ અંગેના જ્ઞાનમાં વિકસિત થાવ; 11 દેવ તેના મહિમાના સાર્મથ્ય પ્રમાણે તમને શક્તિશાળી બનાવે, જેથી જ્યારે આપત્તિઓ આવે ત્યારે તમે ડગી ન જાવ અને સહનશીલ બનો.
પછી તમને આનંદ પ્રાપ્ત થશે. 12 અને (દેવ) બાપની આભારસ્તુતિ કરો. જે વસ્તુઓ તેણે તમારા માટે તૈયાર કરી છે, તેને પામવા માટે તેણે જ તમને યોગ્ય બનાવ્યા છે. તેણે આ વસ્તુઓ તેના બધા જ લોકો માટે બનાવી છે, કે જે લોકો પ્રકાશમાં (સારું) જીવે છે. 13 દેવે આપણને અંધકારની (શૈતાન) સત્તામાંથી મુક્ત કર્યા છે. અને તે જ આપણને તેના પ્રિય પુત્ર (ઈસુ) ના રાજ્યમાં લઈ આવ્યો. 14 પુત્રએ આપણને છોડાવવા માટે કિમત ચુક્વી છે. તેનામાં જ આપણને આપણા પાપોની માફી પ્રાપ્ત થઈ છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International