Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: ગિત્તિથ આસાફના ગીતોમાંનુ એક.
1 દેવ જે આપણું સાર્મથ્ય છે તેમની સમક્ષ મોટેથી સ્તુતિ ગાઓ,
યાકૂબના દેવ સમક્ષ હર્ષનાદ કરો.
2 ઢોલક અને સિતાર
અને મધુર વીણા સાથે
તેમના સ્તુતિ-ગાન ગાઓ.
3 રણશિંગડું વગાડો! આવો અને પૂનમનો દિવસ ઉજવો,
નૂતન ચંદ્રનો પવિત્ર દિવસ અને અન્ય સર્વ પવિત્રપવોર્; ઉમંગે ઊજવો.
4 એમ કરવુંએ ઇસ્રાએલનાં લોકો માટે તે વિધિ છે,
દેવે યાકૂબને તે હુકમ આપ્યો છે.
5 જ્યારે તે મિસરમાંથી ઇસ્રાએલીઓને લાવ્યાં
ત્યારે દેવે યૂસફ[a] સાથે કરાર કર્યો;
જ્યાં અમે એક ભાષા સાંભળી જે અમે સમજ્યાં નથી.
6 દેવ કહે છે, “મેં તમારા ખભાને બોજથી મુકત કર્યા,
મેં તમારા હાથોને વજનદાર ટોપલાંથી મુકત કર્યા.
7 સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યાં;
ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુતર આપ્યો;
મરીબાહનાં પાણી આગળ મેં તમારી પરીક્ષા કરી.
8 “હે મારા લોકો, સાંભળો; હે ઇસ્રાએલ માત્ર મારું સાંભળો;
હું તમને કડક ચેતવણી આપું છું.
9 અન્ય દેવતાઓની આરાધના તમારે કદાપિ કરવી નહિ,
અને ઘરમાં મૂર્તિ રાખવી નહિ.
10 કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર
હું ‘યહોવા’ તમારો દેવ છું!
તમારું મુખ ઉઘાડો અને હું તેને ભરી દઇશ.
હું તમને ખવડાવીશ.
11 “પણ ના! મારા લોકોએ મને સાંભળી નહિ;
ઇસ્રાએલ મારી ચેતવણી સ્વીકારવા ઇચ્છતુ નથી.
12 તેથી તેઓને મેં જવા દીધા તેમના અંધારિયાં તથા હઠીલા માર્ગે;
અને તેઓની ઇચ્છા પ્રમાણે જીવવા દીધા.
13 મારા લોકો મારું સાંભળે તો કેવું સારું! અરે,
ઇસ્રાએલ મારું અનુસરણ કરો અને મારા માર્ગો પર ચાલે તો કેવું સારું!
14 તો હું તેઓના શત્રુઓને પરાજીત કરું અને વહેલા નમાવું;
અને તેઓના વેરીની વિરુદ્ધ, મારો હાથ ઝડપથી ઉપાડું!
15 જેઓ યહોવાને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી ધૂજશે;
પણ તેમની સજા તો સદાને માટે રહેશે.
16 પરંતુ તમને હું, શ્રેષ્ઠ ઘઉંથી તૃપ્ત કરીશ;
અને તમને, ખડકમાંના મધથી સંતોષ આપીશ.”
4 હે યાકૂબના કુટુંબો, ઇસ્રાએલના કુળસમૂહો,
યહોવાની વાણીનો સંદેશો સાંભળો.
5 યહોવા કહે છે,
“તમારા પિતૃઓને મારામાં શો દોષ દેખાયો
કે તેઓ મને છોડીને દૂર ચાલ્યા ગયા?
તેઓ વિસાત વગરની મૂર્તિઓને ભજવા લાગ્યા
અને પોતે વિસાત વગરના થઇ ગયા.
6 તેઓએ પૂછયું નહી કે યહોવા ક્યાં છે?
જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા
અને અમને રેતી
અને ખડકોની ભૂમિમાંથી દોરી ગયાં,
જ્યાં સદાકાળ દુકાળ
અને અંધકાર હોય છે,
જ્યાં નથી કોઇ માણસના
ક્યારેય પગલાં પડ્યાં
કે નથી કોઇ ત્યાં ક્યારેય વસ્યું”
7 યહોવાએ કહ્યું, “હું જ તેમને ફળદ્રુપ પ્રદેશમાં લઇ આવ્યો,
જેથી તેઓ તેની મબલખ ઊપજ ભોગવે.
પણ તેમણે તો
તેમાં પ્રવેશ કરતાં
વેંત તેને અશુદ્ધ બનાવ્યો,
મેં આપેલી ભૂમિને ઘૃણાપાત્ર બનાવી દીધી.
8 “યાજકોએ કદી પૂછયું નથી કે,
‘યહોવા ક્યાં છે?’
શાસ્ત્રના જાણકારોએ મને ઓળખ્યો નથી,
લોકોના આગેવાનોએ મારી સામે બળવો કર્યો છે.
પ્રબોધકોએ બઆલદેવની આરાધના કરી
અને નકાંમા દેવોને ભજવામાં સમય બગાડ્યો.”
9 “આથી હું, યહોવા, ફરી એકવાર મારા લોકો સામે આરોપ મુકું છું-
તેમની અને તેમના વંશજો સામે.
10 સાગર પાર કરી પશ્ચિમમાં જાઓ
કે પૂર્વમાં તપાસ કરો.
ધ્યાનથી જુઓ અને વિચાર કરો,
આવું કદી બન્યું છે ખરુ?
11 કોઇ પ્રજાએ કદી દેવોને બદલ્યા છે?
ભલેને એ પછી નામના હોય?
પરંતુ મારા લોકોએ તો પોતાના ગૌરવશાળી
દેવના બદલામાં નકામી મૂર્તિઓને સ્વીકારી છે.
12 “આ જોઇને આઘાત પામો.
ઓ સ્વર્ગ આઘાત પામો,
અને સંપૂર્ણ વિનાશ પામો.”
આ યહોવાની વાણી છે.
13 મારા લોકોએ બે પાપ કર્યા છે;
તેમણે મારો ત્યાગ કર્યો છે,
જે જીવનજળનું ઝરણું છે તેના જળનો ત્યાગ કર્યો છે,
અને જેમાં જળ રહી શકતું નથી એવા ભાંગેલા ટાંકા
તેઓએ પોતાને માટે બાંધ્યા છે.
ઈસુનો યરૂશાલેમમાં બોધ
14 પર્વ લગભગ અડધુ પૂરું થયુ હતુ. પછી ઈસુ મંદિરમાં ગયો અને બોધ શરું કર્યો. 15 યહૂદિઓ આશ્ચર્ય પામ્યા. તેઓએ કહ્યું, “આ માણસે શાળામાં કદી અભ્યાસ કર્યો નથી. આટલી બધી વિધા તે કેવી રીતે શીખ્યો?”
16 ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે બોધ આપું છું તે મારો પોતાનો નથી પણ જેણે મને મોકલ્યો છે તેનો (દેવ) છે. 17 જો કોઈ માણસ દેવ જે ઈચ્છે છે તે કરવા ઈચ્છે તો પછી તે વ્યક્તિ જાણશે કે મારો બોધ દેવ પાસેથી આવે છે. અથવા 18 કોઈ વ્યક્તિ તેના વિચારનો બોધ આપે છે તેના પોતાના માટે માન મેળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જે વ્યક્તિ તેને મોકલનાર માટે માન મેળવવા પ્રયત્ન કરે છે તે વ્યક્તિ સાચું કહે છે. તેનામાં કશું ખોટું હોતું નથી. 19 તમને નિયમશાસ્ત્ર આપ્યુ. ખરું ને? પરંતુ તમારામાંના કોઈએ તેનું પાલન કર્યુ નથી. તમે શા માટે મને મારી નાખવા પ્રયત્ન કરો છો?”
20 લોકોએ ઉત્તર આપ્યો, “તારામાં અશુદ્ધ આત્મા પ્રવેશેલો છે અને તને ગાંડો બનાવ્યો છે! અમે તને મારી નાખવાનો પ્રયત્ન કરતા નથી.”
21 ઈસુએ તેઓને કહ્યું, “મેં એક ચમત્કાર કર્યો અને તમે બધા અચરજ પામ્યા. 22 મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે. (પરંતુ ખરેખર મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો નથી. મૂસાના પહેલા જે લોકો જીવી ગયા તેઓની પાસેથી સુન્નતનો નિયમ આવ્યો છે.) તેથી કેટલીક વાર વિશ્રામવારે શિશુની સુન્નત કરવામાં આવે છે. 23 આ બતાવે છે કે વ્યક્તિ વિશ્રામવારે મૂસાના નિયમનું પાલન કરવા સુન્નત કરાવી શકે છે. તેથી વિશ્રામવારના દિવસે માણસના આખા શરીરને સાજા કરવા માટે મારા પર શા માટે ગુસ્સે થયા છો? 24 વસ્તુઓ જે રીતે દેખાય છે તેના આધારે ન્યાય કરવાનું બંધ કરો. ન્યાયી બનો અને જે સાચું છે તેનો યથાર્થ ન્યાય કરો.”
લોકો નવાઈ પામે છે કે ઈસુ જ ખ્રિસ્ત છે
25 પછી કેટલાક લોકો જે યરૂશાલેમમાં રહે છે તેઓએ કહ્યું, “આ તે માણસ છે જેને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે. 26 પરંતુ તે જ્યાં બધા જોઈ શકે અને તેને સાંભળી શકે ત્યાં બોધ આપે છે. અને કોઈ પણ વ્યક્તિ તેને બોધ આપતા અટકાવવાનો પ્રયત્ન કરતા નથી. અધિકારીઓએ શું ખરેખર નિર્ણય કર્યો હશે કે તે ખરેખર ખ્રિસ્ત જ છે? 27 પણ અમે જાણીએ છીએ કે આ માણસનું ઘર ક્યાં છે. પણ ખરેખર ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે કોઈ વ્યક્તિ જાણશે નહિ કે તે ક્યાંથી આવે છે?”
28 ઈસુ હજી મંદિરમાં શીખવતો હતો. ઈસુએ કહ્યું, “હા, તમે મને જાણો છો અને હું ક્યાંનો છું એ પણ તમે જાણો છો. પણ હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. જેણે મોકલ્યો છે તે (દેવ) સત્ય છે. તમે તેને ઓળખતા નથી. 29 પણ હું તેને ઓળખું છું અને હું તેની પાસેથી આવ્યો છું. તેણે મને મોકલ્યો છે.”
30 જ્યારે ઈસુએ આ કહ્યું, લોકોએ તેની ધરપકડ કરવા પ્રયત્ન કર્યો. પણ કોઈ વ્યક્તિએ ઈસુ પર હાથ નાખ્યો નહિ. હજુ ઈસુને મારી નાખવા માટેનો યોગ્ય સમય ન હતો. 31 પરંતુ લોકોમાંના ઘણા ઈસુમાં વિશ્વાસ રાખતા હતા. લોકોએ કહ્યું, “અમે ખ્રિસ્તની આવવાની રાહ જોઈએ છીએ. જ્યારે ખ્રિસ્ત આવશે, ત્યારે તે શું આ માણસ (ઈસુ) કરતા વધારે ચમત્કારો કરશે? ના! આથી આ માણસ જ ખ્રિસ્ત હોવો જોઈએ.”
ઈસુ પવિત્ર આત્મા વિષે કહે છે
37 પર્વનો છેલ્લો દિવસ આવ્યો. તે ઘણો જ અગત્યનો દિવસ હતો. તે દિવસે ઈસુ ઊભો થયો અને મોટા સાદે કહ્યું, “જો કોઈ માણસ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ. 38 જો કોઈ માણસ મારામાં વિશ્વાસ મૂકે છે તો તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્ર જે કહે છે તે એ જ છે.” 39 ઈસુ પવિત્ર આત્મા વિષે કહેતો હતો. પવિત્ર આત્મા હજુ લોકોને આપવામાં આવ્યો ન હતો કારણ કે હજુ ઈસુ મૃત્યુ પામીને મહિમાવાન થયો ન હતો. પણ પાછળથી પેલા લોકો જે ઈસુમાં વિશ્વાસ રાખશે તેઓ આત્માને પ્રાપ્ત કરશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International