Revised Common Lectionary (Semicontinuous)
દેવે ઇબ્રામને બોલાવ્યો
12 યહોવાએ ઇબ્રામને કહ્યું,
“તું તારો દેશ, તારા સગાંસંબંધી,
અને તારા પિતાના પરિવારને છોડી દે
અને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા.
2 હું તને આશીર્વાદિત કરીશ.
હું તને એક મહાન રાષ્ટ બનાવીશ.
હું તારા નામને પ્રસિધ્ધ કરીશ.
લોકો તારા નામ દ્વારા
બીજાને આશીર્વાદ આપશે.
3 જે લોકો તારું ભલું કરશે તે લોકોને
હું આશીર્વાદ આપીશ.
પરંતુ જેઓ તને શ્રાપ આપશે તેઓને હું શાપ દઈશ.
પૃથ્વી પરના બધા મનુષ્યોને આશીર્વાદ આપવા માંટે હું તારો ઉપયોગ કરીશ.”
ઇબ્રામનું કનાન ગમન
4 ઇબ્રામે યહોવાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેણે હારાન છોડયું. અને લોત તેની સાથે ગયો. તે સમયે ઇબ્રામ 75 વર્ષનો હતો.
મંદિર તરફ ચઢવા માટેનું ગીત.
1 હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું,
મને સહાય ક્યાંથી મળે?
2 આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર
યહોવા પાસેથી મને સહાય મળે છે.
3 તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ.
તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
4 જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી
અને નિદ્રાવશ થતો નથી.
5 યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે;
યહોવા તમારા રક્ષક છે.
6 સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે,
અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.
7 યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે.
યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
8 તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે.
તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.
ઈબ્રાહિમનું દૃષ્ટાંત
4 તો આપણા લોકોના પૂર્વજ ઈબ્રાહિમ વિષે આપણે શું કહી શકીએ છીએ? વિશ્વાસ વિષે તેઓ શું શીખ્યા? 2 જે કામો ઈબ્રાહિમે કર્યા એનાથી જ દેવે તેને ન્યાયી ઠરાવ્યો હોત તો તેને બડાશ મારવાનું બહાનું મળી જાત. પરંતુ ઈબ્રાહિમ દેવ આગળ બડાશ મારી શક્યો નહિ. 3 ધર્મશાસ્ત્ર કહે છે: “ઈબ્રાહિમ દેવમાં માનતો હતો. અને દેવે તેના વિશ્વાસનો સ્વીકાર કર્યો. તે વિશ્વાસે ઈબ્રાહિમને દેવ સાથે ન્યાયી ઠરાવ્યો.”(A)
4 જ્યારે કોઈ વ્યક્તિ કામ કરે છે, ત્યારે એને આપવામાં આવતો પગાર બક્ષિસ તરીકે અપાતો નથી. તે જે પગાર મળે છે તે તેનાં કામની કમાણી છે. 5 પરંતુ મનુષ્ય એવું કોઈ પણ કામ કરી શકતો નથી કે જે તેને દેવ સાથે ન્યાયી ઠરાવી શકે. તેથી તે માણસે દેવમાં વિશ્વાસ રાખવોજ જોઈએ. પછી જ દેવ તે વ્યક્તિના વિશ્વાસનો સ્વીકાર કરે છે અને તે વિશ્વાસ તેને દેવ સાથે ન્યાયી ઠરાવે છે. દેવ એક છે જે અધર્મીને પણ ન્યાયી બનાવે છે.
વિશ્વાસથી દેવની કૃપા પ્રાપ્ત થાય છે
13 ઈબ્રાહિમ અને તેના વંશજોને નિયમના પાલનથી નહિ પણ વિશ્વાસથી દેવ સાથે ન્યાયી ઠરાવ્યા હતા. તેથી દેવનું વચન મળ્યું કે આખી દુનિયાની સમૃદ્ધિ અને સુખ તેને વારસામાં મળે. 14 દેવના વચન પ્રમાણે ધર્મશાસ્ત્રને અનુસરવાથી જ જો લોકોને બધું વારસામાં મળી જતું હોય, તો પછી વિશ્વાસનું કોઈ મૂલ્ય નથી. અને એ રીતે ઈબ્રાહિમને મળેલું વચન પણ નિરર્થક છે. 15 શા માટે? કેમ કે નિયમનું લક્ષણ એ છે કે જ્યારે તેનું પાલન કરવામાં આવતું નથી, ત્યારે દેવનો કોપ ઉતરે છે. પરંતુ જો નિયમનું અસ્તિત્વ જ ન હોય તો, તેનું ઉલ્લંઘન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.
16 આમ લોકો દેવનું વચન વિશ્વાસ દ્વારા મેળવે છે. દેવે વિશ્વાસનો માર્ગ સૂચવ્યો છે, તેથી તે સઘળાંને વિનામૂલ્યે ભેટ તરીકે આપી શકાય. તેથી ઈબ્રાહિમના બધા વંશજોને દેવનું વચન વિનામૂલ્ય ભેટ છે. તે એમ નથી કે દેવની કૃપા માત્ર નિયમ પ્રમાણે જીવનારા માટે જ છે. કોઈ પણ માણસ કે જે ઈબ્રાહિમના જેમ વિશ્વાસથી જીવે છે તેને પણ વચન મળી શકે છે. ઈબ્રાહિમ આપણા સૌને પૂર્વજ છે. 17 શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે, “મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે.”(A) દેવની સાક્ષીએ આ વાત સત્ય છે. ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો તે દેવ કે જે મૂએલાઓને સજીવન કરે છે, અને જે વસ્તુઓ કે ઘટનાઓ હજી સુધી બની નથી તેને પ્રગટ કરનાર છે.
ઈસુ અને નિકોદેમસ
3 ત્યાં નિકોદેમસ નામનો માણસ હતો નિકોદેમસ ફરોશીઓમાંનો એક હતો. તે એક અગત્યનો યહૂદિ અધિકારી હતો. 2 એક રાત્રે નિકોદેમસ ઈસુ પાસે આવ્યો. નિકોદેમસે કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તું દેવનો મોકલેલો ઉપદેશક છે. તું જે ચમત્કારો કરે છે તે દેવની મદદ વગર બીજું કોઈ કરી શકે નહિ.”
3 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. માણસે નવો જન્મ પામવો જોઈએ. જો તે વ્યક્તિ નવો જન્મ પામ્યો ન હોય તો પછી તે વ્યક્તિ દેવના રાજ્યમાં જઈ શકતો નથી.”
4 નિકોદેમસે કહ્યું, “પણ જો માણસ ખરેખર વૃદ્ધ હોય તો તે કેવી રીતે ફરીથી જન્મી શકે? વ્યક્તિ માના ઉદરમાં ફરીથી કેવી રીતે પ્રેવશી શકે! તેથી માણસ બીજી વખત જન્મ ધારણ કરી શકે નહિ!”
5 પણ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. તે વ્યક્તિ પાણીથી અને આત્માથી જન્મેલો હોવો જોઈએ. જો વ્યક્તિ પાણી અને આત્માથી જન્મ્યો ન હોય તો પછી તે દેવના રાજ્યમાં પ્રવેશી શકતો નથી. 6 વ્યક્તિનો દેહ તેના માતાપિતાના દેહમાંથી જન્મે છે પરંતુ વ્યક્તિનું આત્મિક જીવન આત્મામાંથી જન્મે છે. 7 મેં તને કહ્યું કે, તારે નવો જન્મ ધારણ કરવો જોઈએ તેથી આશ્ચર્ય પામતો ના. 8 પવન જ્યાં જવા ઈચ્છે ત્યાં વાય છે. તું ફૂંકાતા પવનને સાંભળે છે, પણ તું જાણતો નથી કે પવન ક્યાંથી આવે છે અને પવન ક્યાં જાય છે. આત્મામાંથી જન્મેલું છે, તે પ્રત્યેક સાથે પણ તેવું જ છે.”
9 નિકોદેમસે પૂછયું, “આ બધું કેવી રીતે શક્ય બને છે?”
10 ઈસુએ કહ્યું, “તું ઈસ્રાએલનો એક અગત્યનો ઉપદેશક છે. પણ હજુ આ વાતો તું કેમ સમજી શકતો નથી? 11 હું તને સત્ય કહું છું. અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ. અમે જે જોયું છે તે અમે કહીએ છીએ. પણ તમે લોકો અમે તમને જે કહીએ છીએ તે સ્વીકારતા નથી. 12 મેં તને પૃથ્વી પરની અહીંની વાતો વિષે કહ્યું છે. પણ તું મારામાં વિશ્વાસ કરતો નથી. તેથી ખરેખર જો હું તને આકાશની વાતો વિષે કહીશ તો પણ તું મારામાં વિશ્વાસ કરીશ નહિ! 13 ફક્ત એક જે ઊચે આકાશમાં ગયો તથા તે જે આકાશમાંથી નીચે આવ્યો તે જ માણસનો દીકરો છે.”
14 “મુસાએ રેતીના રણમાં સર્પને ઊચો કર્યો. માણસના દીકરા સાથે પણ એમ જ છે. માણસના દીકરાને પણ ઊચો કરવાની જરૂર છે. 15 પછી પ્રત્યેક વ્યક્તિ જે માણસના દીકરામાં વિશ્વાસ રાખે છે તે અનંતજીવન પામવા માટે શક્તિમાન થશે.”
16 હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. 17 દેવે તેના દીકરાને દુનિયામાં મોકલ્યો. દેવે તેના દીકરાને જગતનો ન્યાય કરવા મોકલ્યો નથી. દેવે તેના દીકરાને એટલા માટે મોકલ્યો કે તેના દીકરા દ્વારા જગતને બચાવી શકાય.
મૂસા અને એલિયાને ઈસુએ સાથે જોયા
(માર્ક 9:2-13; લૂ. 9:28-36)
17 છ દિવસ પછી, ઈસુ પિતરને તથા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને એક ઊંચા પર્વત પર એકાંતમાં ચાલ્યો ગયો. ત્યાં તેઓ એકલા જ રહ્યા. 2 અને શિષ્યો આગળ તેનું રૂપાંતર થયું. તેનો ચહેરો સૂર્ય જેવો પ્રકાશિત થયો અને તેનાં વસ્ત્રો પ્રકાશ જેવાં તેજસ્વી થયાં. 3 એકાએક મૂસા અને એલિયા ત્યાં દેખાયા અને ઈસુની સાથે વાત કરવા લાગ્યાં.
4 પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે, જો તારી ઈચ્છા હોય તો, હું ત્રણ માંડવા અહીં ઊભા કરી દઉં, એક તારા માટે, એક મૂસા માટે, એક એલિયા માટે.”
5 જ્યારે પિતર વાત કરતો હતો, ત્યારે એક ચમકતા વાદળે તેઓના પર આવી તેમને ઢાંકી દીધા અને વાદળમાંથી વાણી થઈ, “આ (ઈસુ) મારો વહાલો દીકરો છે, જેનાથી હું ખૂબજ પ્રસન્ન છું, તમે બધા તેને ધ્યાનથી સાંભળો!”
6 તે શિષ્યોએ આ વાણી સાંભળી અને તેઓ ખૂબ ભયભીત થયા. જેથી તેઓ જમીન પર પડ્યા. 7 ઈસુએ પાસે આવીને તેમને સ્પર્શ કર્યો અને કહ્યું, “ઊઠો, બીશો નહિ.” 8 તેઓએ ઊચે નજર કરી તો ત્યાં એકલા ઈસુ સિવાય બીજા કોઈને જોયા નહિ.
9 ઈસુ અને તેના શિષ્યો પર્વત પરથી નીચે ઉતરતા હતા, ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા કરી, “તમે જે કાંઈ પર્વત પર જોયું તે વિષે કોઈપણ વ્યક્તિને વાત કરતાં નહિ, જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી ઊઠે નહિ ત્યાં સુધી રાહ જુઓ. તેના પછી તમે જે કાંઈ દર્શન કર્યા છે તે વિષે વાત કરી શકશો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International