Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત. માસ્કીલ.
1 જેના દોષને માફી મળી છે,
તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
તેને ધન્ય છે અને તે જ સુખી છે.
2 જેને યહોવા દોષિત ગણતા નથી,
અને જેના આત્મામાં કંઇ કપટ નથી
તે માણસ આશીર્વાદિત છે.
3 હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
4 આખો દિવસ અને આખી રાત,
તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.
5 પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.
6 તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
7 જીવનનાં સર્વ સંકટોમાં
તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.
8 યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
9 ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”
10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.
સિનાઇ પર્વત પર એલિયા
19 એલિયાએ જે કંઈ કર્યું હતું તે, ને તેણે કેવી રીતે સઘળા પ્રબોધકોને તરવારથી માંરી નાખ્યા હતા, તે પણ આહાબે ઇઝેબેલને કહ્યું, 2 પછી ઈઝેબેલે કાસદ મોકલી એલિયાને કહેવડાવ્યું કે, “તેં જેમ તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું તારા પ્રાણ આવતી કાલે રાત્રે બરાબર આવી જ રીતે આ સમય પહેલા હું તને માંરી નાખીશ. જો હું તેમ નહિ કરૂં તો, ભલે દેવ તેવું જ અને તેનાથી વધારે ખરાબ માંરા પ્રત્યે કરે.”
3 તેથી એલિયા ડરી ગયો, ને જીવ બચાવવા યહૂદામાં આવેલા બેર-શેબા નગરમાં દોડી ગયો, પછી તેણે પોતાના નોકરને ત્યાં છોડી દીધો. 4 અને તેણે એક આખો દિવસ મુસાફરી કરી, ત્યાં તે એક ઝાડ નીચે બેઠો અને પ્રાર્થના કરી કે પોતે મરી જાય, તેણે કહ્યું “યહોવા દેવ, માંરા પ્રાણ લઇ લો, હું માંરા પિતૃઓથી જરાય સારો નથી.”
5 પછી તે વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દેવદૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે,” 6 તેણે જોયું, તો તેના માંથા આગળ હૂંફાળો રોટલો અને પાણીનો કૂજો હાજર હતો, તે ખાઈ પીને પાછો સૂઈ ગયો.
7 યહોવાના દૂતે ફરી આવીને તેને બીજી વાર સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ, ને ખાઈ લે, તારે લાંબો પંથ કાપવાનો છે.” 8 તેણે ઊઠીને ખાઈને પાણી પીધું અને તે ખોરાકને આધારે 40 દિવસ અને ચાળીસ રાતનો પંથ કાપીને તે યહોવાનો પર્વત જે હોરેબ પર્વત કહેવાય છે ત્યાં સુધી પહોંચી ગયો.
10 દેવે સર્વસ્વ બનાવ્યું છે. અને તે પોતાના મહિમાને અર્થે બનાવ્યું છે. આ મહિમામાં ઘણા લોકો ભાગ લે તેવું દેવ ઇચ્છતો હતો. તેથી દેવને એક (ઈસુ) પરિપૂર્ણ તારનાર બનાવવો પડ્યો જે ઘણા લોકોને તેમના તારણ તરફ દોરી જાય છે. અને તે ઘણાને તે મુક્તિમાર્ગે દોરી ગયો. દેવે તે કર્યું.
11 જે એક (ઈસુ) લોકોને પવિત્ર બનાવે છે અને જે લોકો પવિત્ર બનાવાયા છે તે એક જ પરિવારના છે. એટલે તે (ઈસુ) તેઓને પોતાના ભાઈઓ અને બહેનો કહેતાં જરાપણ શરમ અનુભવતો નથી. 12 ઈસુ કહે છે,
“હે દેવ, હું મારા ભાઈઓ અને બહેનોને તારા વિષે કહીશ.
તારા સર્વ લોકો આગળ હું તારાં સ્તોત્રો ગાઇશ.” (A)
13 તે એમ પણ કહે છે,
“હું દેવ પર ભરોસો રાખીશ” (B)
અને તે કહે છે,
“દેવે મને આપેલા બાળકો અને હું અહીંયા છીએ.” (C)
14 તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે. તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો, તેથી કરીને તે મરણ સહન કરીને, દુ:ખો સહીને તે શેતાનનો નાશ કરી શકે. 15 ઈસુ લોકો જેવો થયો અને મરણ પામ્યો અને જીવનપર્યત મરણના ભયને લીધે દાસ જેવી દશામાં જીવતા મનુષ્યોને છુટકારો અપાવી શકે. 16 એ સ્પષ્ટ છે કે ઈસુ દૂતોને નહિ, પરંતુ મનુષ્યો જે ઇબ્રાહિમનાં[a] સંતાનો છે તેમને મદદ કરે છે. 17 આ કારણે ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈઓ અને બહેનોમાં બધા બાબતોમાં સમાન બને એ જરુંરી હતું, એ માટે તે આપણા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે એવો દયાળુ અને આપણા લોકોના પાપનું પ્રાયશ્ચિત કરીને દેવ સમક્ષ સજા ભોગવે એવો વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. 18 ઈસુ જે લોકો પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓને મદદ કરવા શક્તિમાન છે કારણ કે તે પોતે જાતે યાતનાઓમાંથી પસાર થયો હતો અને તેનું પરીક્ષણ થયું હતું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International