Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.
1 હે પ્રેમાળ દયાળુ દેવ!
મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
મારા પાપો ભૂંસી નાખો.
2 હે યહોવા, મારા અપરાધ
અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
તેથી તમે તમારા નિર્ણયો
અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
5 હું પાપમાં જન્મ્યો હતો,
મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
6 તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
7 મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
9 મારા પાપો તરફ જોશો નહિ,
ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
મારા આત્માને મજબૂત,
તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ,
અને પાપીઓ તમારા તરફ ફરશે.
14 હે મારા દેવ, મારા તારણહાર;
મને મૃત્યુદંડથી બચાવો;
હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ,
અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.
15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો;
એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
16 તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
17 દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત,
પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ.
18 દેવ, તમે સિયોનનું ભલું કરો,
અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો.
19 અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે,
અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી,
દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે.
દેવનું આમંત્રણ અને યૂનાનુ આજ્ઞા પાલન
3 પછી યહોવાએ યૂના સાથે બીજી વાર વાત કરી, 2 “ઊભો થા, મહાનગર નિનવેહ જા, હું તને કહું તે બોધ તેમને આપ.”
3 આથી યૂના ઉભો થયો અને યહોવાએ કહ્યું હતું તેમ નિનવેહ ગયો. નિનવેહ બહુ મોટુઁ શહેર હતું. શહેરમાંથી પસાર થતાં ત્રણ દિવસ લાગ્યાં.
4 પ્રથમ દિવસે યૂના શહેરમાં ગયો અને જાહેર કર્યું, “ચાળીસ દિવસ પછી નિનવેહનો નાશ થશે.”
5 નિનવેહના લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો; અને તેઓએ ઉપવાસ કરવાનો અને વિશિષ્ટ શોક વસ્ત્રો ધારણ કરવાનો નિર્ણય કર્યો. નાનાથી મોટા બધાંએ આમ કર્યું.
6 નિનવેહનો રાજા સમાચાર સાંભળી તેની ગાદી પરથી નીચે આવ્યો અને તેનો ઝભ્ભો ઉતારી શણના શોક વસ્ત્રો ઘારણ કર્યા અને રાખમાં બેઠો. 7 રાજાએ એક વિશેષ સંદેશો બહાર પાડ્યો:
રાજા અને તેના અધિકારીઓના પ્રભુત્વથી આ નિયમ હતો.
માણસ કે ચોપગા પશુ, કે પશુપક્ષીના સમૂહને કંઇ ખાવા ન દો. તેમને ચરવા કે પાણી પીવાની પરવાનગી ન આપો. 8 માણસો અને પ્રાણીઓએ શણના વસ્રો પહેરવા જ અને દેવ તરફ જોરથી વિલાપ કરવો જ. દરેકે તેના દુષ્ટ રસ્તાઓ બદલવા અને તેમનાં ખરાબ કૃત્યો બંધ કરવા. 9 કોને ખબર દેવ, કદાચ વિચાર બદલે અને તેના રોષથી ફરી જાય, જે તેથી આપણો નાશ ન થાય.
10 દેવે તેમનાઁ કૃત્યો જોયાઁ. તેણે જોયું કે તેઓએ તેમનાઁ દુષ્ટ રસ્તાઓ છોડી દીધાં હતાં. તેથી તેણે તેઓ પર દયા વરસાવી. તેણે વિચાર બદલ્યો અને સજાની યોજના પડતી મૂકી. તેણે તેની યોજના પાર કરી નહિ.
1 બધા લોકોને દેવની સુવાર્તા સંભળાવવા હું પસંદગી પામેલ છું.
દેવે મને એક પ્રેરિત થવા બોલાવ્યો છે. એવા ખ્રિસ્ત ઈસુના દાસ પાઉલ તરફથી કુશળતા હો.
2 તેના લોકોને આ સુવાર્તા આપવાનું વચન દેવે તેના પ્રબોધકો મારફતે આપ્યું હતું. પવિત્ર શાસ્ત્રમાં આ વચન લખેલું છે. 3-4 આ સુવાર્તા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે કે જે દેવનો દીકરો છે, જો કે એક વ્યક્તિ તરીકે તેનો જન્મ દાઉદના કુટુંબમાં થયો હતો. પવિત્ર આત્માના પ્રતાપે મૂએલામાંથી પાછા ઉઠવાના પરાક્રમથી તેને દેવનો દીકરો જાહેર કરવામાં આવ્યો હતો.
5 દેવે ખ્રિસ્ત દ્વારા, તેના પ્રેરિત બનવાનું આ ખાસ મહત્વનું કામ મને સોંપ્યું છે. બધા દેશોના લોકો દેવમાં વિશ્વાસ રાખીને તેની આજ્ઞા પાળે એવું માર્ગદર્શન આપવાનું કામ દેવે મને આપ્યું છે. ખ્રિસ્ત માટે આ કાર્ય હું કરી રહ્યો છું. 6 હે રોમવાસીઓ, તમે પણ ઈસુ ખ્રિસ્તના થવા માટે તેડાયેલાં છો.
7 તમે તે લોકો છો જેઓને દેવ ચાહે છે અને પોતાના પવિત્ર લોકો થવા માટે તમને બોલાવ્યા છે. એવા તમ સર્વ લોકોને હું આ પત્ર લખું છું.
આપણા પિતા દેવથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા અને શાંતિ થાઓ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International