Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો.
હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
2 મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
3 તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
કારણકે તેમની પાસે તારણ નથી.
4 તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો,
સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.
યહોવાની સ્તુતિ થાઓ!
ઇસાએલના પાપોથી મુશ્કેલીઓનું આવવું
9 તેથી આપણને ન્યાય મળતો નથી,
આપણી મુકિત હજી દૂર છે.
અમે અજવાળાની આશા રાખીએ છીએ,
પણ જુઓ અંધકારમાં; તેજ ઝંખીએ છીએ
અને અંધકારમાં અટવાઇએ છીએ.
10 આપણે અંધજનની જેમ ભીંતે
હાથ દઇને ફાંફા મારીએ છીએ,
આપણે ભરબપોરે જાણે અંધારી
રાત્રિ હોય એમ ઠોકર ખાઇએ છીએ;
જાણે આપણે ભટકતાં મૃત લોકો ના હોઇએ!
11 આપણે બધા રીંછની જેમ ઘૂરકીએ છીએ,
ને હોલાની જેમ કણીએ છીએ.
આપણે ન્યાયને ઝંખીએ છીએ,
પણ ન્યાય મળતો નથી,
તારણની આશા રાખીએ છીએ,
પણ તે અમારાથી દૂર રહે છે.
12 હે યહોવા, અમે તારા અનેક અપરાધો કર્યા છે
અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.
અમને અમારા પાપોનું ભાન છે,
અમારા પાપ અમે જાણીએ છીએ.
13 તારી સામે અમે બળવો કર્યો છે
અને તારો નકાર કર્યો છે,
અમે તમને,
અમારા દેવને અનુસરવાનું છોડી દીધું છે,
અમે ઘોર ત્રાસ
અને બળવાની વાતો કરીએ છીએ,
અમે જૂઠાણાંઓ વિચારીએ છીએ
અને તેને જ ઉચ્ચારીએ છીએ.
14 અમે ન્યાયને પાછો કાઢીએ છીએ
અને ધર્મને આઘો રાખીએ છીએ.
ન્યાયીપણું નગરનાં ચોકમાં ઠોકર ખાય છે,
અને પ્રામાણિકતાને પ્રવેશવા દેવામાં આવતી નથી.
15 હા, સત્યનો સદંતર અભાવ છે,
અને જે સત્યને વળગી રહેવા પ્રયત્ન કરે છે તેના ઉપર આક્રમણ થાય છે.
યહોવાએ સર્વ દુષ્ટતા નિહાળી છે
અને પાપની વિરુદ્ધ કોઇ પગલું લેવામાં આવ્યું નથી તેથી તે નારાજ થાય છે.
16 યહોવાએ આ જોયું છે અને તે ન્યાયના અભાવથી અપ્રસન્ન થયા છે.
દીનદલિતોની સાથે થવા કોઇ તૈયાર નથી,
એ જોઇને તે નવાઇ પામ્યા છે.
આથી તે પોતાના જ બાહુબળથી અને ન્યાયીપણાથી વિજય પ્રાપ્ત કરશે.
17 તે મુકિતનું બખતર ચઢાવશે
અને માથે વિજયનો ટોપ ધારણ કરશે,
વેરના વાઘા પહેરશે
અને ઉપર ક્રોધનો ઝભ્ભો ઓઢશે.
18 તે દરેકને તેના કર્મ પ્રમાણે બદલો આપશે.
શત્રુઓ પર રોષ ઉતારશે,
દુશ્મનોને દંડ દેશે
અને દૂર દેશાવરના લોકોને પણ સજા કરશે.
19 ત્યારબાદ પૂર્વથી પશ્ચિમ સુધી લોકો યહોવાના નામથી ડરશે
અને તેના પ્રતાપથી થરથર ધ્રુજશે;
કારણ તે ધસમસતા પૂરની
અને પ્રચંડ વાયુની જેમ ઘસી આવશે.
શાઉલનું બદલાણ
9 યરૂશાલેમમાં શાઉલ હજુ પણ પ્રભુના શિષ્યોને બધીજ વખતે હત્યા કરવાની ધમકીઓ આપતો હતો. તેથી તે પ્રમુખ યાજક પાસે ગયો. 2 શાઉલે તેને દમસ્ક શહેરની સભાઓના યહૂદિઓને પત્રો લખવાનું કહ્યું. શાઉલે ખ્રિસ્તના માર્ગના શિષ્યોને દમસ્કમાં શોધવાનો અધિકાર પ્રમુખ યાજક પાસેથી માગ્યો. જો તેને કોઈ સ્ત્રી કે પુરુંષ મળે તો તેઓને યરૂશાલેમ લઈ આવે.
3 તેથી શાઉલ દમસ્ક ગયો. જ્યારે તે શહેરની નજીક આવ્યો. તેની આજુબાજુ એકાએક આકાશમાંથી તેજસ્વી પ્રકાશ ઝબૂક્યો. 4 શાઉલ જમીન પર પટકાયો. તેણે તેને કહેવાતી એક વાણી સાંભળી. “શાઉલ, શાઉલ! તું શા માટે મને સતાવે છે?”
5 શાઉલે કહ્યું, “તું કોણ છે, પ્રભુ?”
જવાબમાં વાણી સંભળાઇ, “હું ઈસુ છું, તું જેની સતાવણી કરે છે. તે હું છું. 6 હવે ઊભો થા, શહેરમાં જા, ત્યાં ત્યારે શું કરવું જોઈએ તે તને કોઈ કહેશે.”
7 શાઉલ સાથે મુસાફરી કરતા માણસો ત્યાં ઊભા રહ્યા. તેઓ કંઈ બોલ્યા નહિ. તે માણસોએ વાણી સાંભળી, પણ તેઓએ કોઇને જોયો નહિ. 8 શાઉલ જમીન પરથી ઊભો થયો. તેણે તેની આંખો ઉઘાડી. પણ તે કંઈ જોઈ શક્યો નહિ. તેથી શાઉલની સાથેના માણસોએ તેનો હાથ પકડ્યો અને તેને દમસ્ક દોરી ગયા. 9 ત્રણ દિવસ સુધી શાઉલ કંઈ જોઈ શક્યો નહિ. તે ખાઈ કે પી શક્યો પણ નહિ.
10 ત્યાં દમસ્કમાં ઈસુનો શિષ્ય હતો. તેનું નામ અનાન્યા હતું. પ્રભુ તેને દર્શન દઇને બોલ્યો. પ્રભુએ કહ્યું, “અનાન્યા!”
અનાન્યાએ કહ્યું, “હું અહી છું, પ્રભુ.”
11 પ્રભુએ અનાન્યાને કહ્યું, “ઊભો થા અને પાધરા નામના રસ્તે જા. યહૂદિયાનું ઘર શોધી કાઢ. તાર્સસના શહેરમાં શાઉલ નામના માણસની તપાસ કર. તે હમણાં ત્યાં પ્રાર્થના કરે છે. 12 શાઉલે એક દર્શન જોયું છે. આ દર્શનમાં આનાન્યા નામનો માણસ તેની પાસે આવ્યો અને તેના પર હાથ મૂક્યો. પછી શાઉલ ફરિથી જોઈ શક્યો.”
13 પણ આનાન્યાએ જવાબ આપ્યો, “પ્રભુ, ઘણા લોકોએ મને આ માણસ વિષે કહ્યું છે. તેઓએ યરૂશાલેમમાં તારા પવિત્ર લોકોને કેટલું બધું દુ:ખ આપ્યું હતું તેના સંબંધમાં મને કહ્યું હતું. 14 હવે શાઉલ અહીં દમસ્કમાં આવ્યો છે. મુખ્ય યાજકોએ જે લોકોને તારામાં વિશ્વાસ છે તે બધાને પકડવા માટેનો તેને અધિકાર આપ્યો છે.”
15 પણ પ્રભુએ અનાન્યાને કહ્યું, “જો! મેં એક અગત્યના કામ માટે શાઉલને પસંદ કર્યો છે. તેણે રાજાઓને, યહૂદિ લોકોને અને બીજા રાષ્ટ્રોને મારા વિષે કહેવું જોઈએ. 16 મારા નામે એને કેટલું બધું દુ:ખ સહન કરવું પડશે. એ હું તેને બતાવીશ.”
17 તેથી અનાન્યા ત્યાંથી છોડીને યહૂદાના ઘરે ગયો. તેણે તેના હાથો શાઉલ પર મૂક્યા અને કહ્યું, “શાઉલ, મારા ભાઈ, પ્રભુ ઈસુએ મને મોકલ્યો છે. તું જ્યારે અહીં આવ્યો ત્યારે રસ્તા પર જે તને દેખાયો તે એ જ છે. ઈસુએ મને એટલા માટે મોકલ્યો કે જેથી તું ફરીથી જોઈ શકે. અને તું પવિત્ર આત્માથી ભરપૂર થાય.” 18 અચાનક તેની આંખોમાંથી છાલાં જેવું કંઈ ખરી પડ્યું, એટલે તે જોઈ શકવા સમર્થ બન્યો, શાઉલ ઊભો થયો અને તે બાપ્તિસ્મા પામ્યો. 19 પછી તેણે થોડુંક ખાધું અને ફરીથી સાર્મથ્ય અનુભવવા લાગ્યો.
શાઉલનો જમસ્કમાં બોધ
શાઉલ દમસ્કમાં ઈસુના શિષ્યો સાથે થોડા દિવસો માટે રહ્યો. 20 તેથી જલદીથી તેણે સભાસ્થાનોમાં ઈસુ વિષે બોધ આપવાની શરુંઆત કરી. તેણે લોકોને કહ્યું, “ઈસુ એ દેવનો દીકરો છે!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International