Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 51

નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.

હે પ્રેમાળ દયાળુ દેવ!
    મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
    મારા પાપો ભૂંસી નાખો.
હે યહોવા, મારા અપરાધ
    અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
    હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
    હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
    તેથી તમે તમારા નિર્ણયો
    અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
હું પાપમાં જન્મ્યો હતો,
    મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
    મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
    અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
    જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
મારા પાપો તરફ જોશો નહિ,
    ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
    અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
    અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
    મારા આત્માને મજબૂત,
    તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ,
    અને પાપીઓ તમારા તરફ ફરશે.
14 હે મારા દેવ, મારા તારણહાર;
    મને મૃત્યુદંડથી બચાવો;
હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ,
    અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.
15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો;
    એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
16 તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
    તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
17 દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત,
    પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ.

18 દેવ, તમે સિયોનનું ભલું કરો,
    અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો.
19 અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે,
    અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી,
    દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે.

યશાયા 58:1-12

સાચો ઉપવાસ

58 યહોવા કહે છે, “કોઇ પણ સંકોચ વિના મોટે સાદે પોકાર કર કઇ પણ બાકી ન રાખ.
    રણશિંગા જેવો તારો સાદ ઊંચો કર.
મારા લોકો યાકૂબના વંશજોને
    તેઓના પાપ વિષે જણાવી દે.
રોજ રોજ તેઓ મારી ઉપાસના કરવા આવે છે,
    તેઓ કહે છે કે, તેમને મારા માર્ગો જાણવાનું ગમે છે,
જો કે તેઓ ન્યાયનું આચરણ કરનારી પ્રજા છે
    અને જેમણે પોતાના દેવના શાસનનો અંત લાવ્યો નથી.
તેઓએ મારી પાસે ન્યાયની અને સત્યની માગણી કરી
    અને તેઓ દેવની નજીક રહેવા માગે છે.”

લોકો પૂછે છે કે, “યહોવા, તમે જો જોતા જ ન હોય તો પછી અમે ઉપવાસ શા માટે કરીએ? તું જો ધ્યાન જ ન આપતો હોય તો અમે શા માટે અમારી જાતને નમાવીએ?”

પરંતુ યહોવા તેમને કહે છે, “તમે ઉપવાસ કરો છો ત્યારે પણ તમે તમારી મરજી મુજબ કરો છો અને તમારા મજૂરો ને ત્રાસ આપો છો. જુઓ, તમે ઉપવાસ કરો છો અને તે જ સમયે તમે લડો-ઝગડો અને એકબીજા સાથે હિંસક મારામારી કરો છો, પછી ઉપવાસ કરવાનો અર્થ શો? આ પ્રકારના ઉપવાસથી તમારો સાદ સ્વગેર્ નહિ પહોંચે. શું હું તમારી પાસેથી આ પ્રકારના ઉપવાસ સ્વીકારું છું? જેમાં આ પ્રમાણે પ્રાયશ્ચિત કરવું અને હવામાં બરૂની જેમ માથું નમાવવું અને શોકના વસ્ત્રો પહેરીને પોતાના શરીર ઉપર રાખ ચોપડવી? શું તમને લાગે છે કે યહોવા આ પ્રકારના ઉપવાસને સ્વીકારે છે?

“ના, હું એવા પ્રકારના ઉપવાસ સ્વીકારીશ જેમાં તમે ન્યાયથી વતોર્ અને કચડાયેલાને મુકત કરો. તમારે ભૂખ્યા સાથે વહેંચીને ખાવું, ઘર વગરનાને પોતાના ઘરમાં આશરો આપવો, ઉઘાડાને જોતાં તેને વસ્ત્ર પહેરાવવાં. અને માનવબંધુઓને ભીડમાં જોઇને આંખ આડા કાન કરવાં નહિ.”

જો તમે આ બાબતોનો અમલ કરશો, તો દેવ પોતાનો મહિમાવંત પ્રકાશ તમારા પર પાડશે; અને તમારા ઘા જલદી રૂઝાઇ જશે; તમારો સદાચાર તમને આગળ દોરી જશે અને યહોવાનો મહિમા તમને અનુસરશે. અને તમારી પાછળ યહોવાનો મહિમા પણ આવતો હશે. ત્યારબાદ તમે યહોવાને વિનંતી કરશો, તો તે તમને અવશ્ય પ્રત્યુત્તર આપશે, તે ઝડપથી પ્રત્યુત્તર આપતાં કહેશે; “હા હું આ રહ્યો.”

તમારે કેવળ આટલું કરવાનું છે: નિર્બળ પર ત્રાસ આપવાનું બંધ કરો. કોઇના તરફ આંગળી ચીંધીને ખોટા આક્ષેપો કરવાનું છોડી દો; 10 જો ભૂખ્યાઓને તમે તમારો રોટલો આપો અને દીન દુ:ખીજનની આંતરડી ઠારો, તો પ્રકાશ અંધકારમાં પ્રકાશી ઊઠશે અને સંધ્યાકાળ તમારે માટે બપોરની જેમ ઝળાંહળાં થશે.

11 હું સતત તમને દોરતો રહીશ, અને મરુભૂમિમાં પણ તમને કશાની ખોટ નહિ પડવા દઉં. હું તમારા અંગોમાં બળ પૂરીશ. અને તમે જળ સીંચેલી વાડી જેવા, સદા વહેતાં ઝરા જેવા બની જશો.

12 ઘણા સમયથી ખંડેર પડેલા તમારા નગરોને તમારાં સંતાનો ફરીથી બાંધશે, અને “ભીતો અને ધોરી માર્ગોને બાંધનારા લોકો” એવા નામથી તમે ઓળખાશો.

માથ્થી 18:1-7

ઈસુ કહે છે મહાન કોણ

(માર્ક 9:33-37; લૂ. 9:46-48)

18 તે વખતે શિષ્યો ઈસુ પાસે આવ્યા અને પૂછયુ, “આકાશના રાજ્યમાં મોટું કોણ છે?”

ઈસુએ એક નાના બાળકને તેની પાસે આવવા કહ્યું અને તેમની વચ્ચે તેને ઊભો રહેવા કહ્યું, પછી શિષ્યોને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી તમે લોકો બદલાશો નહિ અને બાળક જેવા નહિ બનો ત્યાં સુધી તમે આકાશના રાજ્યમાં પ્રવેશ નહિ કરી શકો. તેથી જે કોઈ, પોતાને આ બાળકના જેવું નમ્ર બનાવશે તે આકાશના રાજ્યમાં સૌથી મહાન વ્યક્તિ છે.

“જે કોઈ મારા નામે આવા બાળકનો સ્વીકાર કરે છે તે મારો સ્વીકાર કરે છે.

પ્રલોભનો વિષે ચેતવણી

(માર્ક 9:42-48; લૂ. 17:1-2)

“પરંતુ જે કોઈ મારા પર વિશ્વાસ કરનાર એક પણ નાનામાં નાની વ્યક્તિને ઠોકર ખવડાવે તે કરતાં એવા માણસના ગળે ઘંટીનું પડ બાંધી અને તેને ઊંડા દરિયામાં ડુબાડી દેવામાં આવે તે વધારે સારું છે. જગતને અફસોસ છે, કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની. પણ તે વ્યક્તિને અફસોસ છે કે જે ઠોકર લાવવા માટે જવાબદાર છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International