Revised Common Lectionary (Semicontinuous)
15 યહોવા દેવે તે માંણસને એદનના બગીચાને ખેડવા તથા તેનું રક્ષણ કરવા ત્યાં મૂકયો. તેનું કામ બાગમાં વૃક્ષો અને છોડવાં ઉગાડવાનું હતું. 16 યહોવા દેવે મનુષ્યને આજ્ઞા કરી કે, “તારે બાગમાંનાં કોઈ પણ વૃક્ષનાં ફળો ખાવાં. 17 પરંતુ તમે સારાનરસાની સમજ આપનારાં વૃક્ષનાં ફળ તારે ખાવાં નહિ, જો તું એ વૃક્ષનાં ફળ ખાઈશ તો તારું મૃત્યુ અવશ્ય તે જ દિવસે થશે.”
માંનવીનું પતન-પાપનો આરંભ
3 યહોવા દેવ દ્વારા બનાવેલાં કોઈ પણ જંગલી પ્રાણી કરતાં સાપ વધારે કપટી હતો. (તે સ્ત્રીને દગો કરવા ઈચ્છતો હતો.) સાપે સ્ત્રીને કહ્યું, “હે સ્ત્રી, તમને દેવે ખરેખર એમ કહ્યું છે કે, તમાંરે બાગનાં કોઈ પણ વૃક્ષનાં ફળ ખાવાં નહિ?”
2 સ્ત્રીએ સાપને કહ્યું, “ના, દેવે એવું કહ્યું નથી. અમે બાગનાં વૃક્ષોનાં ફળ ખાઈ શકીએ છીએ. 3 પણ એક વૃક્ષ છે જેનાં ફળ અમે ખાઈ શકતાં નથી. દેવે અમને કહ્યું છે કે, ‘બાગની વચ્ચોવચ્ચ જે વૃક્ષ છે તેનાં ફળ તમાંરે ખાવાં નહિ, તેમજ તેને અડવું પણ નહિ, નહિ તો મૃત્યુ પામશો.’”
4 પરંતુ સાપે સ્ત્રીને કહ્યું, “તમે મરશો નહિ. 5 દેવને ખબર છે કે, જો તમે એ વૃક્ષનાં ફળો ખાશો તો તમને ખરાખોટાની સમજ પડશે અને તમે દેવ જેવા થઈ જશો.”
6 સ્ત્રીએ જોયું કે, વૃક્ષ સુંદર છે અને તેનાં ફળ પણ ખાવા માંટે સારાં છે અને વૃક્ષ તેને બુદ્વિશાળી બનાવશે. પછી સ્ત્રીએ તે વૃક્ષનું ફળ લીધું અને ખાધું. તેનો પતિ પણ તેની સાથે હતો, તેથી તેણીએ થોડાં ફળ તેને પણ આપ્યાં અને તેણે પણ તે ખાધાં.
7 પછી પુરુષ અને સ્ત્રી બંન્ને બદલાઈ ગયાં. અને તેઓની આંખો ઉઘડી ગઇ. તેઓેએે જોયું કે, તેઓ વસ્રહીન છે; એટલે તેમણે અંજીરીનાં પાંદડાં સીવીને પોતાના અંગ ઢાંકયાં.
દાઉદનું ગીત. માસ્કીલ.
1 જેના દોષને માફી મળી છે,
તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
તેને ધન્ય છે અને તે જ સુખી છે.
2 જેને યહોવા દોષિત ગણતા નથી,
અને જેના આત્મામાં કંઇ કપટ નથી
તે માણસ આશીર્વાદિત છે.
3 હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
4 આખો દિવસ અને આખી રાત,
તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.
5 પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.
6 તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
7 જીવનનાં સર્વ સંકટોમાં
તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.
8 યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
9 ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”
10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.
આદમ અને ખ્રિસ્ત
12 એક માણસના (આદમના) લીધે આ જગતમાં પાપ પેઠું. પાપ દ્વારા મૃત્યુ પણ આવ્યું. આ જ કારણે સૌ લોકોને મરવું જ પડશે-કેમકે સઘળાએ પાપ કર્યું છે. 13 મૂસાના નિયમશાસ્ત્ર અગાઉ આ દુનિયામાં પાપનું અસ્તિત્વ હતું. પરંતુ જ્યાં સુધી કોઈ નિયમશાસ્ત્ર જ ન હોય ત્યાં સુધી દેવ લોકોને પાપના અપરાધી ગણતો નથી. 14 પરંતુ આદમથી મૂસા સુધીના સમયગાળા દરમ્યાન સૌ લોકો મૃત્યુ પામ્યા હતા. દેવના આદેશનું ઉલ્લંઘન કરવાના પાપને કારણે આદમ મૃત્યુ પામ્યો હતો. પરંતુ જે લોકોએ આદમની જેમ પાપ કર્યા ન હતાં તેમને પણ મરવું પડ્યું.
આદમ ભવિષ્યમાં આવનાર ખ્રિસ્તની પ્રતિચ્છાયારૂપ હતો. 15 એક માણસના પાપના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા. પરંતુ દેવે લોકો પર જે કૃપા કરી તે ઘણી વધારે હતી. પરંતુ ઘણા લોકોને જીવનદાન મળ્યું. જે એક માણસ એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા તથા દાન થયાં છે, જેથી જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. 16 આદમે એક પાપ કર્યું કે તરત જ તેને અપરાધી ઠરાવવામાં આવ્યો. પરંતુ દેવની બક્ષિસની વાત તો કાંઈ જુદી જ છે. અનેક પાપો થયાં પછી દેવની બક્ષિસ મળી. એ બક્ષિસ તો એવી છે કે જે લોકોને દેવ સાથે ન્યાયી બનાવે છે. 17 એક માણસનાં પાપથી મરણે સઘળાં પર રાજ કર્યું, પણ હાલ કેટલાએક લોકો દેવની પૂર્ણ કૃપા મેળવે છે, અને દેવ સાથે ન્યાયી થવાની ભેટ મેળવે છે. હજુ પણ આ લોકો ઈસુ ખ્રિસ્ત દ્વારા ખૂબ ખાતરીપૂર્વક ખરું જીવન મેળવશે.
18 આમ આદમનું એક જ પાપ સર્વ માણસો માટે મૃત્યુદંડ લાવ્યું. પરંતુ એ જ રીતે ખ્રિસ્તે એક જ ન્યાયી કૃત્યને કારણે બધા લોકોને દેવ સાથે ન્યાયી ઠેરવ્યા. 19 એક માણસે દેવના આદેશનું ઉલ્લંઘન કર્યું અને તેના પરિણામે અનેક લોકો પાપમાં પડ્યા. પરંતુ એ જ રીતે એક માનવે દેવનો આદેશ પવિત્ર અને ધાર્મિક રીતે પાળી બતાવ્યો. અને તેના પરિણામે અનેક લોકો દેવ સાથે ન્યાયી બનશે.
ઈસુનું પરીક્ષણ
(માર્ક 1:12-13; લૂ. 4:1-13)
4 પછી શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થાય તે માટે આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઈ ગયો. 2 ઈસુએ ચાળીસ દિવસ અને રાત કાંઈ જ ખાધુ નહિ. આ પછી તે ખૂબ જ ભૂખ્યો થયો. 3 ઈસુ પાસે લલચાવનાર શેતાન આવ્યો અને કહ્યુ કે, “જો તું દેવનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.”
4 ઈસુએ તેને ઉત્તરમાં કહ્યું કે, “ધર્મશાસ્ત્રમા[a] લખ્યું છે કે,
‘માણસ ફક્ત રોટલીથી નહિ પરંતુ
દેવના મુખમાંથી આવતા પ્રત્યેક વચનથી જીવન પામે છે.’”(A)
5 પછી શેતાન ઈસુને પવિત્ર શહેર યરૂશાલેમમાં લઈ ગયો અને ઈસુને મંદિરના સૌથી ઊચા સ્થળે બેસાડે છે. 6 પછી શેતાને કહ્યું કે, “જો તું દેવનો દીકરો હોય તો કૂદકો માર. શા માટે? કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે,
‘દે પોતાના દૂતોને આજ્ઞા કરશે,
અને તેમના હાથમાં તને ઝીલી લેશે,
જેથી તારા પગ ખડક પર અથડાશે નહિ.’”(B)
7 ઈસુએ તેને ઉત્તર આપ્યો, “એના વિષે પણ શાસ્ત્રમા કહ્યું છે કે,
‘પ્રભુ તારા દેવની પરીક્ષણ તું ન કર.’”(C)
8 પછી શેતાન ઈસુને ખૂબ ઊંચા પર્વત ઉપર લઈ ગયો અને અને ત્યાં તેને વિશ્વના બધાંજ રાજ્યો અને તેમાં આવેલ બધીજ ભવ્યતાનું દર્શન કરાવ્યું. 9 તેણે કહ્યુ, “જો તું પગે પડીને મારું ભજન કરીશ, તો હું આ બધી જ વસ્તુઓ તને આપીશ.”
10 ઈસુએ શેતાનને કહ્યુ, “શેતાન! ચાલ્યો જા, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે,
‘પ્રભુનું તારા દેવનું જ ભજન કર.
ફક્ત તેની જ સેવા કર!’”(D)
11 પછી શેતાન ઈસુને છોડી ચાલ્યો ગયો, ત્યાર પછી કેટલાએક દૂતો આવી તેને મદદ કરવા લાગ્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International