Old/New Testament
યાજકો અને લેવીઓ
12 શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ અને યેશૂઆની સાથે જે યાજકો આવ્યાં તેઓનાં નામની યાદી:
સરાયા, યર્મિયા, એઝરા,
2 અમાર્યા, માલ્લૂખ, હાટ્ટૂશ,
3 શખાન્યા, રહૂમ, મરેમોથ,
4 ઇદ્દો, ગિન્નથોઇ, અબિયા,
5 મીયામીન, માઆદ્યા, બિલ્ગાહ,
6 શમાયા, યોયારીબ, યદાયા,
7 સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા.
યેશૂઆના સમયમાં આ લોકો યાજકોના અને તેના સંબંધીઓના આગેવાનો હતા.
8 વળી તેઓની સાથે આવેલા લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્નૂઇ, કાદ્મીએલ, શેરેબ્યા, યહૂદા, માત્તાન્યા માત્તાન્યાએ પોતાના સગાંવહાંલાની સાથે આભાર સ્તુતિનું ગીતનું માર્ગદર્શન આપ્યું. 9 સેવા દરમ્યાન લેવીઓના સગાંવહાંલા બાકબુક્યા અને ઉન્નો વારાફરતી પહેરો ભરવા ઉભા રહ્યાં હતાં. 10 યેશૂઆ યોયાકીમનો પિતા હતો. યોયાકીમ એલ્યાશીબનો પિતા હતો. એલ્યાશીબ યોયાદાનો પિતા હતો; 11 યોયાદા યોનાથાનનો પિતા હતો; યોનાથાન યાદૂઆનો પિતા હતો.
12 યોયાકીમ મુખ્ય યાજકના હાથ નીચે જે યાજકો સેવા કરતા હતા તેઓના આગેવાનોના નામ નીચે પ્રમાણે છે:
સારાયા ગોત્રનો આગેવાન મરાયા;
યર્મિયા ગોત્રનો આગેવાન હનાન્યા.
13 એઝરા ગોત્રનો આગેવાન મશુલ્લામ,
અમાર્યા ગોત્રનો આગેવાન યહોહાનાન.
14 મેલીકુ ગોત્રનો આગેવાન યોનાથાન;
શબાન્યા ગોત્રનો આગેવાન યોસેફ.
15 હારીમ ગોત્રનો આગેવાન આદના;
મરાયોથ ગોત્રનો આગેવાન હેલ્કાય.
16 ઇદ્દો ગોત્રનો આગેવાન ઝખાર્યા;
ગિન્નથોન ગોત્રનો આગેવાન મશુલ્લામ.
17 અબિયા ગોત્રનો આગેવાન ઝિખ્રી;
મિન્યામીન તથા મોઆદ્યા ગોત્રનો આગેવાન પિલ્ટાય.
18 બિલ્ગાહ ગોત્રનો આગેવાન શામ્મૂઆ;
શમાયા ગોત્રનો આગેવાન યહોનાથાન.
19 યોયારીબ ગોત્રનો આગેવાન માત્તાનાય;
યદાયા ગોત્રનો આગેવાન ઉઝઝી.
20 સાલ્લાય ગોત્રનો આગેવાન કાલ્લાય;
આમોક ગોત્રનો આગેવાન એબેર.
21 હિલ્કિયા ગોત્રનો આગેવાન હશાબ્યા;
યદાયા ગોત્રનો આગેવાન નથાનએલ.
22 લેવીઓ માટે એલ્યાશીબ, યોયાદા, યોહાનાન અને યાદૂઆના સમયમાં કુટુંબોના આગેવાનોની સંપૂર્ણ યાદી તૈયાર થઇ હતી, એવી એક યાદી યાજકોને માટે ઇરાનના રાજા દાર્યાવેશના શાસન દરમ્યાન પણ તૈયાર કરી હતી. 23 લેવીય કુટુંબોના આગેવાનોના નામ એલ્યાશીબના પુત્ર યોહાનાનના સમય સુધી જ ઇતિહાસના પુસ્તકમાં નોંધ કરવામાં આવી હતી. 24 લેવીઓના મુખ્ય આગેવાનો આ પ્રમાણે હતા, હશાબ્યા, શેરેબ્યા તથા કાદ્મીએલનો પુત્ર યેશૂઆ, તથા તેઓના સગાંવહાંલા. આ સમૂહો સામસામે ઊભા રહીને ગાતા, વારાફરતી પોતપોતાના સમયે ઇશ્વર ભકત દાઉદની આજ્ઞા પ્રમાણે, સ્તુતિના ગીત ગાતા હતા.
25 માત્તાન્યા, બાકબુક્યા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કૂબ, તેઓ ભંડારોના દરવાજાની ચોકી કરતાં દ્વારપાળો હતા. 26 તેઓ યોસાદાકના પુત્ર યેશૂઆના પુત્ર યોયાકીમના સમયમાં તેમજ પ્રશાસક નહેમ્યાના સમયમાં તથા એઝરા યાજક જે લહિયો હતો તેના સમયમાં હતા.
કોટની પ્રતિષ્ઠા
27 યરૂશાલેમની દીવાલની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢયા અને તેમને, દેવની આભારસ્તુતિનાં ગાયનો ગાવા, તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ યરૂશાલેમમાં લાવે, તેઓએ પ્રતિષ્ઠા વિધિ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવી.
28 ગવૈયાઓના પુત્ર યરૂશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓનાં ગામોમાંથી એકઠા થયા; 29 વળી તેઓ બેથ ગિલ્ગાલથી તથા ગેબાના અને આઝમાવેથનાઁ પ્રદેશમાંથી પણ એકઠા થયા; કારણકે ગવૈયાઓએ પોતાને માટે યરૂશાલેમની આસપાસ ગામો બાંધ્યા હતાં.
30 યાજકોએ તથા લેવીઓએ પોતાની જાતને પવિત્ર કરી અને પછી લોકોને, દરવાજાઓને તથા દીવાલોને પણ પવિત્ર કર્યા.
31 ત્યાર પછી મેં યહૂદાના આગેવાનોને બે મોટા સમૂહ બનાવી દેવનો આભાર માનવા ભેગા કર્યા. તેઓ ચાલતા ચાલતા આભાર સ્તુતિના ગીત ગાતા હતા અને એક સમુહ દીવાલની ધારેધારે ચાલીને “કચરાના દરવાજા” પાસે ગયા. 32 હોશાયા તેઓની પાછળ ચાલતો હતો અને યહૂદાના અડધા આગેવાનો તેની પાછળ ચાલતા હતા. 33 તેમાં અઝાર્યા, એઝરા, મશુલ્લામ, 34 યહૂદા, બિન્યામીન, શમાયા અને યર્મિયાનો સમાવેશ થતો હતો. 35 તથા યાજકોના સમૂહમાંના કેટલાક રણશિંગડા લઇને ચાલ્યા; ઝખાર્યા પણ તેમાંનો એક હતો, (ઝખાર્યા યોનાથાનનો પુત્ર હતો, યોનાથાન શમાયાનો પુત્ર, જે માતાન્યાનો પુત્ર હતો તે મીખાયાનો પુત્ર હતો, મીખાયા ઝાક્કૂરનો પુત્ર હતો, અને ઝાક્કૂર આસાફનો પુત્ર હતો.) 36 અને તેના સગાંવહાંલા દરમ્યાન, શમાયા તથા અઝારએલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનએલ, યહૂદા તથા હનાની, તેઓ ઇશ્વર ભકત દાઉદના વાજિંત્રો લઇને ચાલ્યા. અને લહિયો એઝરા તેઓની આગળ ચાલતો હતો; 37 તેઓ “ઝરાના દરવાજા” પાસે આવ્યા. ત્યાંથી તેઓ સીધા આગળ ચાલીને દાઉદના શહેરના પગથિયાં પર ચઢયા જ્યાં દીવાલ દાઉદના મહેલની પર થઇને જાય છે અને પછી પૂર્વ તરફ “પાણીના દરવાજા” તરફ વળી જાય છે.
38 આભારસ્તુતિ કરનારાઓની બીજી ટોળી તેઓની ડાબી બાજુ તરફ ગઇ. હું બાકીના અડધા લોકો સાથે દીવાલ પર તેની પાછળ ગયો અને ભઠ્ઠીના મિનારાને વટાવીને પહોળી દીવાલ સુધી ગયો, 39 અને ત્યાંથી એફ્રાઇમ દરવાજાના પર, “જૂનો દરવાજો,” મચ્છી દરવાજો, હનાનએલનો બૂરજ અને હામ્મેઆહ બૂરજ વટાવીને ઘેટાં-દરવાજા સુધી ગયા. ચોકીદારના દરવાજા આગળ આવીને અમે અટક્યા. 40 પછી બંને આભાર સ્તુતિના ગાયક વૃંદના સમૂહો દેવના મંદિરમાં ઉભા રહ્યાં. હું તથા મારી સાથે અડધા અધિકારીઓ પણ મંદિરમાં ઊભા રહ્યા; 41 પછી આ યાજકો તેમની જગ્યાએ ઉભા રહ્યાં. એલ્યાકીમ, માઅસેયા, મિન્યામીન, મીખાયા, એલ્યોએનાય, ઝખાર્યા, હનાન્યા, એ યાજકો રણશિંગડા લઇને ઊભા રહ્યા; 42 અને યાજકો માઅસેયા, શમાયા, એલઆઝાર, ઉઝિઝ, યહોહાનાન, માલ્કિયા, એલામ અને એઝેર અને ગવૈયાઓએ તેમના નેતા યિઝાહ્યાની સાથે ગાતા હતાં.
43 તે દિવસે તેમણે પુષ્કળ બલીઓ અપીર્ તથા આનંદોત્સવ કર્યો; કારણ કે દેવે તેઓને આનંદથી અને સુખથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરૂશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.
44 તે દિવસે અર્પણો, દશાંશો, અને પ્રથમ ફળોના અર્પણો નિયમો પ્રમાણે એકત્ર કરીને તેને ભંડારોમાં મૂકવા માટે માણસોની નિમણૂંક કરવામાં આવી. આ અર્પણો યાજકો તથા લેવીઓને આપવામાં આવતા હતા. યહૂદાના લોકો, યાજકો તથા લેવીઓની સેવાથી ખૂબ જ પ્રસન્ન હતા. 45 તેઓએ, ગવૈયાઓએ તથા દ્વારપાળોએ પોતાના દેવની સેવા કરી, તથા દાઉદ તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે લોકોને પવિત્ર કર્યા. 46 કારણ કે પ્રાચીનકાળમાં દાઉદના અને આસાફના સમયમાં ગાયકોનો એક આગેવાન થતો હતો. વળી દેવના સ્તવનનાઁ તથા આભારસ્તુતિના ગીતો પણ હતાઁ.
47 ઝરુબ્બાબેલનાઁ તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇસ્રાએલીઓએ ગવૈયાઓને તથા દ્વારપાળોને દરરોજ તેમનો હિસ્સો આપ્યો; જે લેવીઓને માટે હતું તે તેઓએ એક બાજુ મુકી દીધું, અને લેવીઓએ જે હારુનના વંશજો માટે હતું તે એક બાજુ મૂક્યું.
નહેમ્યાની અંતિમ આજ્ઞા
13 તે દિવસે મૂસાનું પુસ્તક લોકોને વાંચી સંભળાવવામાં આવ્યું હતું. ત્યાં તેમને એવું લખાણ મળ્યું કે, કોઇ પણ આમ્મોનીને કે મોઆબીને દેવની મંડળીમાં કદી દાખલ ન કરવો. 2 કારણ કે એ લોકો ઇસ્રાએલીઓને માટે અન્નપાણી લઇને સામે મળવા આવ્યા નહોતા, પણ તેમણે ઇસ્રાએલીઓને શાપ આપવા માટે પૈસા આપીને બલામને રોક્યો હતો; જોકે આપણા દેવે તે શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો હતો. 3 જ્યારે લોકોએ આ નિયમશાસ્ત્ર સાંભળ્યું ત્યારે સર્વ વિદેશીઓને ઇસ્રાએલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
4 પરંતુ આ અગાઉ યાજક એલ્યાશીબ જોડે એક ઘટના બની, જેને દેવના મંદિરની ઓરડીનો કારભારી નીમ્યો હતો, તે ટોબિયાના સગાંમાંથી એક હતો. 5 ટોબિયાને તે વિશાળ ઓરડી વાપરવા માટે આપી; જે ઓરડીમાં ખાદ્યાર્પણો, ધૂપ, વાસણો તથા અનાજ, નવો દ્રાક્ષારસ અને જૈતતેલના દશાંશ રાખવામાં આવતા હતા. આ વસ્તુઓ નિયમ પ્રમાણે લેવીઓ, ગવૈયાઓ તથા દ્વારપાળોને આપવામાં આવતી હતી અને આમાંની થોડી વસ્તુઓ યાજકો માટે પણ રાખવામાં આવતી હતી.
6 તે સમયે જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે હું યરૂશાલેમમાં નહોતો, કારણ, રાજા આર્તાહશાસ્તાના અમલના બત્રીસમાં વર્ષે હું રાજાને મળવા બાબિલ ગયો હતો. ત્યાર પછી મેં રાજા પાસે રજા માંગી. 7 અને પાછો યરૂશાલેમ આવ્યો, ત્યારે મને ખબર પડી કે એલ્યાશીબે દેવના ઘરના ચોકમાં ટોબિયાને ઓરડી આપીને ભૂલ કરી છે. 8 ત્યારે હું ઘણો ક્રોધિત થયો અને મેં તે ઓરડીમાંથી ટોબિયાનો સર્વ સામાન બહાર ફેંકી દીધો. 9 પછી મેં તેં ઓરડીને સંપૂર્ણપણે શુદ્ધ કરવાનો હુકમ કર્યો. પછી હું દેવના ઘરના પાત્રો, ખાદ્યાર્પણો અને ધૂપ પાછાં લાવ્યો.
10 મને એ પણ ખબર પડી કે લેવીઓ અને યાજકો પોતપોતાના ખેતરમાં પાછા ફર્યા હતા, કારણ, તેમને તેમનો જે ભાગ મળવા પાત્ર હતો તે તેઓને ન મળ્યો. 11 મેં તરત જ આગેવાનોને તેની ફરિયાદ કરી અને કહ્યું, “તમે દેવના મંદિરની શા માટે અવગણના કરી છે?” ત્યારબાદ મેં સર્વ લેવીઓને પાછા બોલાવ્યા અને ફરીથી તેઓને ફરજ પર મંદિરમાં નીમ્યા. 12 ત્યારબાદ બધા ઇસ્રાએલીઓ અનાજ, દ્રાક્ષારસ અને તેલનો દશમો ભાગ ભંડારમાં લાવવા લાગ્યા.
13 અને મેં યાજક શેલેમ્યા તથા સાદોક ચિટનીસ, અને લેવી પદાયાને ભંડાર સંભાળવા મૂક્યા અને મેં તેમની મદદમાં માત્તાન્યાના પુત્ર, ઝાક્કૂરના પુત્ર હાનાનને તેઓને મદદ કરવા નીમ્યો. આ માણસોની શાખ ઘણી સારી હતી. તેઓનું કામ પોતાના સાથી લેવીઓને પ્રામાણિકપણે પૂરવઠાની વહેંચણી કરી આપવાનું હતું.
14 હે મારા દેવ, આ મારાં સારાં કાર્યોને યાદ રાખજો અને દેવના મંદિર માટે અને તેમની સેવા માટે મેં જે સારા કામ કર્યા છે તે ભૂલી જશો નહિ.
15 એક દિવસ હું જ્યારે બહાર યહૂદામાં હતો, ત્યારે મેં કેટલાક લોકોને સાબ્બાથના દિવસે દ્રાક્ષા પીલવાનું કામ કરતા જોયા તથા અનાજની ગુણો અંદર લાવી ગધેડા પર લાદતાં હતાં અને સાબ્બાથના દિવસે દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના ભાર યરૂશાલેમમાં લાવતાઁ જોયા. તેથી મેં તેમને ત્યાં જ ચેતવણી આપી અને એ બધી વસ્તુઓ વેચવાની મનાઇ કરી.
16 તૂરથી આવેલા કેટલાક લોકો જેઓ યરૂશાલેમમાં રહેતાં હતાં, તેઓ પણ માછલી અને બીજી બધી જાતનો માલ લઇને આવ્યાં અને તેને સાબ્બાથના દિવસે યહૂદાના લોકો અને યરૂશાલેમમાં પણ વેચ્યો. 17 મેં યહૂદાના ઉમરાવોને ફરિયાદ કરી અને કહ્યું, “આ કઇ રીતનું અનિષ્ટ છે? તમે પોતાનું સામાન્ય કામ સાબ્બાથના દિવસે કરી રહ્યાં છો? 18 તમારા પિતૃઓએ પણ બરાબર આ કર્યુ હતું અને તેથી આપણા દેવે આપણા પર અને આ નગર પર આ બધાં દુ:ખો વરસાવ્યા હતાં. તમે સાબ્બાથ દિવસને ષ્ટ કરીને ઇસ્રાએલ પર નવેસરથી દેવનો રોષ ઉતારો છો?”
19 તેથી મેં તેઓને આજ્ઞા કરી કે શુક્રવારની રાતે અંધારું થતાં નગરના દરવાજાઓ બંધ કરવામાં આવે અને સાબ્બાથનો દિવસ પૂરો થાય ત્યાં સુધી તેને ઉઘાડવામાં ન આવે. મારા કેટલાક સેવકોને મેં દરવાજા આગળ ગોઠવી દીધા કે જેથી સાબ્બાથે કોઇ પણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે.
20 એક બે વખત તો જુદી જુદી જાતના માલના વેપારીઓ રાત્રે યરૂશાલેમ બહાર પડી રહ્યા. 21 પણ મેં તેમને ચેતવણી આપી કે, “તમે રાત્રે નગરની દીવાલ આગળ કેમ પડી રહો છો? જો ફરી એ પ્રમાણે કરશો તો તમારી સામે પગલાં લઇશ.” ત્યાર પછી તેઓ સાબ્બાથના દિવસે ક્યારેય આવ્યા નહિ.
22 અને મેં લેવીઓને પોતાની જાતને પવિત્ર કરવાની અને દરવાજો સાચવવાની આજ્ઞા કરી, જેથી સાબ્બાથનો દિવસ પવિત્ર રહે.
હે મારા દેવ, આ બધું પણ યાદ રાખી મારા પર કૃપા કરજે, હે કરુંણાના સાગર, મારા પર દયા રાખજે કારણ કે તારી કરંણા અપાર છે.
23 હવે તે સમય દરમ્યાન મારા જાણવામાં આવ્યું કે કેટલાક યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે. 24 અને તેઓમાંના અડધા બાળકો આશ્દોદી ભાષા બોલે છે, અને તેઓ યહૂદાની ભાષા બોલી શકતા નથી. તેને બદલે પોતપોતાના લોકોની ભાષા બોલતા હતા. 25 તેથી મેં તેઓને તેમની બૂરાઇ માટે કહ્યું અને તેમને શ્રાપ આપ્યો. તેઓમાંના કેટલાકને મેં માર્યા, તેઓના વાળ ખેંચી કાઢયા, ને તેઓ પાસે દેવનાં સમ લેવડાવ્યા કે, અમે અમારી પોતાની પુત્રીઓને તેઓના પુત્રો સાથે પરણાવીશું નહિ અને તેઓની પુત્રીઓને અમારી કે અમારા પુત્રો સાથે પરણાવીશું નહિ. 26 ઇસ્રાએલના રાજા સુલેમાને શું આવી સ્ત્રીઓને કારણે પાપ કર્યુ નહોતું? જો કે ઘણાં રાષ્ટ્રોમાં તેના જેટલો મહાન રાજા કોઇ નહોતો. તે પોતાના દેવનો વહાલો હતો અને દેવે તેને સર્વ ઇસ્રાએલીઓ પર રાજા ઠરાવ્યો હતો; તેમ છતાં વિદેશી સ્ત્રીઓએ તેને પાપ કરવા પ્રેર્યો હતો. 27 શું અમે તમારા વિષે પણ સાંભળીએ કે તમે વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને આપણા દેવની વિરૂદ્ધ મહા પાપ આચર્યા છે?
28 હવે યોયાદાના પુત્રોમાંથી એકા, યોયાદા મુખ્ય યાજક એલ્યાશીબનો પુત્ર હોરોની સાન્બાલ્લાટનો જમાઇ હતો. તેથી મેં તેને મારી આગળથી હાંકી કાઢયો.
29 હે મારા દેવ, યાદ કર કે તે લોકોએ યાજકો તથા લેવીઓનો કરારનો ભંગ કરીને યાજકપદને કલંકિત કર્યુ છે, 30 આ રીતે મેં સર્વ લોકોને બધી વિદેશીઓ સંબંધમાંથી શુધ્દ કર્યા. અને મેં યાજકો તથા લેવીઓને માટે તેમની ફરજો માટે નિયમો બનાવ્યા. 31 અને મેં ઠરાવેલા સમયે કાષ્ટાર્પણ માટે અને પ્રથમ ફળોના અર્પણ માટે વ્યવસ્થા કરી જ્યારે તે નિર્ધારિત હતું.
હે મારા દેવ, આ યાદ કરી મને આશીર્વાદ આપજે!
પિતર અને યોહાનનું વિશ્વાસીઓમાં પાછા જવું
23 પિતર અને યોહાને યહૂદિ આગેવાનોની સભાનો ત્યાગ કર્યો અને તેઓ પોતાના સમૂહમાં ગયા. તેઓએ મુખ્ય યાજકો અને વડીલ યહૂદિ આગેવાનોએ તેમને જે કંઈ કહ્યું હતું તે બધું સમૂહને કહ્યું. 24 જ્યારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ બધાએ પ્રાર્થના કરી અને એ જ વિનંતી કરી. “પ્રભુ, પૃથ્વી, આકાશ, સમુદ્ર અને જે બધી વસ્તુઓ જગતમાં છે તેને ઉત્પન્ન કરનાર તું જ છે. 25 અમારો પૂર્વજ દાઉદ તારો સેવક હતો. પવિત્ર આત્માની સહાયથી તેણે આ શબ્દો લખ્યા:
‘શા માટે રાષ્ટ્રો બૂમો પાડે છે?
શા માટે વિશ્વના લોકો દેવની વિરૂદ્ધ યોજના ઘડે છે? તે નિરર્થક છે!
26 ‘પૃથ્ની પરના રાજાઓ તેઓની જાતે લડવા સજજ થયા છે,
અને બધા અધિકારીઓ પ્રભુની (દેવ) વિરૂદ્ધ અને તેના ખ્રિસ્તની વિરૂદ્ધ ભેગા થયા છે.’(A)
27 જ્યારે અહીં યરૂશાલેમમાં ઈસુની વિરૂદ્ધ હેરોદ, પોંતિયુસ પિલાત, રાષ્ટ્રો અને બધા યહૂદિ લોકો આવીને ભેગા મળ્યા ત્યારે ખરેખર આ બાબતો બની. ઈસુ તારો પવિત્ર સેવક છે. તે એક છે જેને તેં ખ્રિસ્ત બનાવ્યો છે. 28 આ લોકો જે ઈસુની વિરૂદ્ધ આવીને ભેગા મળ્યા છે જેથી તારી યોજના પૂર્ણ થઈ. તારા સાર્મથ્ય અને તારી ઈચ્છાથી તે બન્યું. 29 અને હવે, પ્રભુ, તેઓ શું કહે છે તે સાંભળ, તેઓ અમને ધમકાવે છે! પ્રભુ, અમે તારા સેવકો છીએ. તું અમારી પાસે જે કહેવડાવવા ઇચ્છતો હોય તે અમે ભય વગર બોલીએ તેમાં અમને સહાય કર. 30 તારું સાર્મથ્ય બતાવીને અમને સાર્મથ્યવાન થવામાં મદદ કર. માંદા લોકોને સાજા કર, સાબિતીઓ આપ, અને ઈસુના નામના અદભૂત સાર્મથ્યથી તે અદભૂત ચમત્કારો થવા દે, જે તારો પવિત્ર સેવક છે.”
31 વિશ્વાસીઓની પ્રાર્થના પછી તેઓ જ્યાં ભેગા થયા હતા તે મકાન હાલ્યું. તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને તેઓએ દેવનો સંદેશો નિર્ભય રીતે કહેવાનું ચાલુ કર્યું.
વિશ્વાસીઓનો ભાગ
32 વિશ્વાસીઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. સમૂહનો કોઇ પણ વ્યક્તિ તેઓની પાસે જે વસ્તુઓ હતી તેની માલિકી તરીકેનો દાવો તેમાંના કોઈએ કર્યો નહિ. તેને બદલે તેઓ દરેક વસ્તુના ભાગ કરી વહેંચતા. 33 મહાન સાર્મથ્યથી પ્રેરિતોએ લોકોને કહ્યું કે પ્રભુ ઈસુ ખરેખર મૃત્યુમાંથી ઉઠ્યો છે. અને દેવે બધા વિશ્વાસીઓને ઘણા આશીર્વાદ આપ્યા હતા. 34 તેઓ બધાને તેઓને જરુંરી બધું મળ્યું હતું. દરેક માણસે પોતાની માલિકીનાં ખેતરો અને મકાનો વેચી નાખ્યાં. 35 તેઓએ પૈસા લાવીને પ્રેરિતોને આપ્યા. પછી દરેક વ્યક્તિને તેની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ આપવામાં આવી.
36 વિશ્વાસીઓમાં એકનું નામ યૂસફ હતું. પ્રેરિતો તેને બાર્નાબાસ કહેતા. (આ નામનો અર્થ “બીજાને મદદ કરનાર વ્યક્તિ.”) તે લેવી હતો સૈપ્રસમાં તેનો જન્મ થયો હતો. 37 યૂસફની માલિકીનું એક ખેતર હતું. તેણે ખેતર વેચીને પૈસા લઈને તે પૈસા પ્રેરિતોને આપ્યા હતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International