M’Cheyne Bible Reading Plan
સારાના પુત્ર ઇસહાકનો જન્મ
21 યહોવાએ સારાને આપેલ વચન જાળવી રાખ્યું. અને યહોવાએ પોતાના વચન અનુસાર સારા પર કૃપા કરી. 2 સારા ગર્ભવતી થઈ અને તેણે વૃદ્વાવસ્થામાં ઇબ્રાહિમને માંટે દેવે કહેલા સમયે એક પુત્રને જન્મ આપ્યો. દેવે જે વચન આપ્યું હતું તે જ પ્રમાંણે થયું. 3 સારાએ પુત્રને જન્મ આપ્યો અને ઇબ્રાહિમે તેનું નામ ઇસહાક પાડયું. 4 અને દેવની આજ્ઞા અનુસાર તેણે પોતાનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો, ત્યારે તેની સુન્નત કરાવી.
5 જયારે ઇબ્રાહિમનો પુત્ર ઇસહાક જન્મ્યો ત્યારે એની ઉંમર 100 વર્ષની થઈ હતી. 6 અને સારાએ કહ્યું, “દેવે મને સુખનાં દિવસ આપ્યા છે. જે કોઈ વ્યકિત આ સાંભળશે તે પણ માંરી સાથે પ્રસન્ન થશે. 7 કોઈ પણ એમ ધારતું નહોતું કે, સારા ઇબ્રાહિમ માંટે પુત્રને જન્મ આપશે, છતાં મેં એના ઘડપણમાં દીકરાને જન્મ આપ્યો છે.”
ઘરમાં વિપત્તિઓનાં વાદળ
8 હવે બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. તે દિવસે ઇબ્રાહિમે એક મોટી ઉજવણી કરી. 9 પછી મિસરી દાસી હાગારથી ઇબ્રાહિમને એક પુત્ર થયો હતો. એક વાર સારાએ હાગારના પુત્રને ઇસહાકની મશ્કરી કરતા જોયો. 10 તેથી સારાએ ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી સ્ત્રી તથા તેના પુત્રને અહીંથી કાઢી મૂકો, આપણા મૃત્યુ પછી આપણી સંપત્તિનો માંલિક ઇસહાક જ થશે. હું નથી ઈચ્છતી કે, આ દાસીનો દીકરો માંરા દીકરા ઇસહાક સાથે વારસ થાય.”
11 આ બધી વાતોથી ઇબ્રાહિમ બહુજ દુ:ખી થયો. તે પોતાના પુત્ર ઇશ્માંએલને કારણે ખૂબ દુ:ખી હતો. 12 પરંતુ દેવે ઇબ્રાહિમને કહ્યું, “એ પુત્રને કારણે તથા દાસી સ્ત્રીને કારણે મનમાં દુ:ખી થઈશ નહિ. સારા તને જે કંઈ કહે તે તેના કહ્યાં પ્રમાંણે કર. કારણ કે તારો વંશવેલો ઇસહાકથી ચાલુ રહેશે. 13 પરંતુ હું તારા દાસીપુત્રને પણ આશીર્વાદ આપીશ અને હું એ દાસ્ત્રીના પુત્રને પણ મોટો પરિવાર આપીશ, અને તે પરિવારનું પણ એક મોટું રાષ્ટ બનાવીશ. કારણ કે એ તારું સંતાન છે.”
14 તેથી બીજે દિવસે વહેલી સવારે ઇબ્રાહિમે રોટલા અને પાણીના મશક લઈને હાગારને આપ્યાં અને છોકરાંને ખભે ચઢાવીને તેને વિદાય કરી. તે ચાલી ગઈ અને બેર-શેબાના રણમાં ભટકવા લાગી.
15 થોડા સમય પછી હાગારની મશકનું પાણી ખૂટી ગયું ત્યારે તેણે તે બાળકને એક નાના ઝાડ નીચે છોડી દીધું. 16 હાગાર ત્યાંથી થોડા અંતરે ગઇ અને નીચે બેઠી. હાગારે વિચાર્યું કે, ત્યાં પાણી નથી તેથી તેણીનો પુત્ર મૃત્યુ પામશે. તેણી તેને મૃત્યુ પામતો જોવા નહોતી ઈચ્છતી. તેણી ત્યાં બેઠી હતી ત્યારે રડવા લાગી.
17 દેવે બાળકને રડતો સાંભળ્યો. અને આકાશમાંથી એક દૂતે હાગારને બોલાવી તેણે હાગારને પૂછયું, “હાગાર, તારે શી સમસ્યા છે? દેવે બાળકને રડતો સાંભળ્યો છે, ડરીશ નહિ, 18 ઊઠ, બાળકને ઉપાડી લે, અને તેનો હાથ પકડ અને તેને દોરવ, કારણ કે, હું તેનાથી એક મહાન રાષ્ટ બનાવવાનો છું.”
19 પછી દેવે હાગારને પાણીથી ભરેલો કૂવો દેખાય તેવું કર્યુ. તે ત્યા ગઇ અને મશકમાં પાણી ભરી લીધું. અને બાળકને પાણી પાયું.
20 બાળક જયાં સુધી મોટો ન થયો ત્યાં સુધી દેવ તેની સાથે રહ્યો. તે રણપ્રદેશમાં રહેતો હતો અને તેથી તે ધનુષ્ય ચલાવતા શીખ્યો અને નિપુણ શિકારી થઈ ગયો. 21 તેની માંતા તેના માંટે મિસરની વહુ લાવી અને તેઓએ પારાનના રણમાં રહેવાનું ચાલુ રાખ્યું.
ઇબ્રાહિમ અને અબીમેલેખ વચ્ચેની સંધિ
22 તે સમયે અબીમેલેખ તેના સેનાપતિ ફીકોલ સાથે જઈ ઇબ્રાહિમને કહ્યું, “તું જે કાંઈ કહે છે તેમાં દેવ તને સહાય કરે છે. 23 તેટલા માંટે આ ઘડીએ તું માંરી આગળ દેવના નામે એવા સમ લે અને વચન આપ કે, તું માંરી સાથે અને માંરા બધા વંશજો સાથે ન્યાયી બનશે, અને હું જેમ તારી સાથે દયાળુ રહ્યો છું તેમ તું માંરી સાથે અને જે દેશમાં તું રહ્યો છે તેના વતનીઓ સાથે દયાળુ રહીશ.”
24 ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હું વચન આપું છું કે, તેં જે વ્યવહાર માંરી સાથે કર્યો છે એવો જ વ્યવહાર હું તારી સાથે પણ રાખીશ.” 25 ત્યારે ઇબ્રાહિમે અબીમેલેખને ફરિયાદ કરી. કારણ કે અબીમેલેખના નોકરોએ એક કૂવો પડાવી લીધો હતો.
26 અબીમેલેખે કહ્યું, “આના વિષે મેં પહેલી વાર સાંભળ્યું છે. મને ખબર નથી કે, આ કોણે કર્યુ છે અને તેં મને કહ્યું નથી, અને આજપર્યત માંરે કાને આવ્યું નથી.”
27 એટલે ઈબ્રાહિમ અને અબીમેલેખે એક સંધિ કરી. ઇબ્રહિમે સંધિના પ્રમાંણના રૂપમાં અબીમેલેખને ઘેટાં-બકરાં અને બળદો આપ્યાં. 28 ઇબ્રાહિમે પ્રાણીઓના ટોળામાંથી સાત ઘેટીઓ અલગ કરીને તેમને અબીમેલેખની સામે મૂકી.
29 અબીમેલેખે ઇબ્રાહિમને પૂછયું, “તેં આ સાત ઘેટીઓ તેમને તેમ કેમ મૂકી છે? તેનો અર્થ શો?”
30 ઇબ્રાહિમે કહ્યું, “જયારે તમે આ સાત ઘેટીઓ માંરી પાસેથી લેશો ત્યારે આ કૂવો મેં ખોદાવ્યો છે એનો એ પુરાવો થશે.”
31 એટલા માંટે એ જગ્યાનું નામ બેર-શેબા પાડયું કારણ કે ત્યાં બંને જણે સમ ખાધા હતા.
32 આ રીતે બેર-શેબામાં અબીમેલેખે ઇબ્રાહિમ સાથે સંધિ કરી. પછી અબીમેલેખ અને તેનો સેનાપતિ ફીકોલ પલિસ્તિઓના પ્રદેશમાં પાછા ગયા.
33 ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ ઝાડ રોપ્યું અને ત્યાં ઇબ્રાહિમે યહોવા જે સનાતન દેવ છે તેની પ્રાર્થના કરી. 34 અને ઇબ્રાહિમ પલિસ્તીઓની ભૂમિમાં ઘણો સમય રહ્યો.
ઈસુ ખેત મજૂરોનું દૃષ્ટાંત આપે છે
20 “આકાશનું રાજ્ય એક જમીનદાર જેવું છે. આ માણસ તેના ખેતરમાં દ્રાક્ષ ઉગાડે છે. એક મળસકે તે માણસ પોતાના ખેતરમાં કામ કરવા માટે મજૂરો લેવા ગયો. 2 અને તેણે તેઓની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને ખેતરમાં મજૂરોને મોકલ્યા.”
3 “નવ વાગ્યાની આસપાસ તે જમીનદાર બજારમાં ગયો ત્યારે કેટલાક માણસો કશુંય કામ કર્યા વિના ત્યાં ઊભા હતા. 4 તેથી તે માણસે કહ્યું, તમે મારા ખેતરમાં જઈને કામ કરશો તો હું તમને યોગ્ય વળતર આપીશ.” 5 તેથી લોકો ખેતરમાં કામ કરવા ગયા.
“ફરી બાર વાગે અને બીજી વાર ત્રણ વાગે બજારમાં ગયો ત્યારે પણ લોકોને ખેતરમાં કામ કરવા માટે લઈ આવ્યો. 6 પછી સાંજે પાંચે વાગે તે બજારમાં ફરીથી ગયો ત્યારે પણ કેટલાક માણસો ત્યાં ઊભા હતા, તેઓને જમીનદારે પૂછયું, ‘તમે આખો દિવસ કોઈપણ કામ વિના અહીં કેમ ઊભા રહ્યા છો?’
7 “તે લોકોએ કહ્યું, ‘અમને કોઈએ કામ આપ્યું નથી.’
“તે માણસે તેઓને કહ્યું, ‘તમે મારા ખેતરમાં જાવ અને કામે લાગો,’
8 “સાંજ પડી એટલે, દ્રાક્ષની વાડીના ધણીએ તેના મુખ્ય કારભારીને બોલાવીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને તેમની મજૂરી ચૂકવી દો. પહેલાથી છેલ્લા જે મજૂરો આવ્યા તેમને મજૂરી આપવાનું શરૂ કરો અને પહેલા મજૂરીએ આવ્યા હતાં તેમને આપતા સુધી ચાલુ રાખો.’
9 “જે મજૂરો પાંચ વાગે આવ્યા હતા તેમાંના દરેકને એક દીનારનો સિક્કો મળ્યો. 10 પછી જે સૌથી પહેલા સવારમા કામ પર આવ્યા હતા તે તેમનું મહેનતાણું લેવા આવ્યા. તેઓએ વિચાર્યુ તેઓ વધારે મહેનાતાણું મેળવશે પણ તે દરેકને એક જ દીનારનો સિક્કો મળ્યો. 11 જ્યારે તેમને એક દીનારનો સિક્કો મળ્યો ત્યાર પછી દ્રાક્ષની વાડીના માલિકને તેમણે ફરિયાદ કરી. 12 ‘જે લોકો છેલ્લાં આવ્યા હતા અને એક કલાક જ કામ કર્યુ તેમને તેં અમારા જેટલી જ મજૂરી આપી. જ્યારે અમે તો આખો દિવસ સૂર્યની ગરમીમાં કામ કર્યુ છે.’
13 “પણ ખેતરના માલિકે તેઓમાંના એક જણાને કહ્યું, ‘મિત્ર, મેં તારી સાથે કોઈ જ અન્યાય કર્યો નથી. શું તમે કબૂલ થયા ન હતા કે હું તમને એક દીનાર આપીશ? 14 તેથી આ તારી મજૂરી લે અને ચાલતો થા, માટે જે છેલ્લો માણસ મજૂરી કરવા આવ્યો છે તેને આટલી જ મજૂરી આપવાની મારી ઈચ્છા છે. 15 મારે મારા પૈસાનું જે કરવું હોય તે કરું. તમને અદેખાઈ આવે છે કારણ કે એ લોકો સાથે હું સારો છું.’
16 “એ પ્રમાણે જેઓ છેલ્લા છે તેને હવે ભવિષ્યમાં પ્રથમ સ્થાન મળશે. અને જેનું પ્રથમ સ્થાન હશે તેને ભવિષ્યમાં છેલ્લું સ્થાન મળશે.”
ઈસુના તેના મરણ વિષેનો સંકેત
(માર્ક 10:32-34; લૂ. 18:31-34)
17 ઈસુ જ્યારે પોતાના બાર શિષ્યો સાથે યરૂશાલેમ જઈ રહ્યો હતો. ત્યારે તેણે એ બધાને એકાંતમાં એક બાજુએ બોલાવીને કહ્યું, 18 “જુઓ, આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. માણસનો દીકરો મુખ્ય યાજક અને શાસ્ત્રીઓને સોંપવામાં આવશે, અને તેને મોતની સજા ફટકારવામાં આવશે. 19 પછી તે લોકો માણસના દીકરાને બીનયહૂદિઓને સોંપી દેશે જેઓ તેની ક્રૂર મશ્કરી કરશે. તેના પર કોરડા વીંઝશે અને તેને વધસ્તંભ પર જડાવી દેશે, પરંતુ ત્રીજા દિવસે તે સજીવન થશે.”
માતાની ખાસ માંગણી
(માર્ક 10:35-45)
20 પછી ઝબદીની પત્ની પોતાના દીકરાઓને સાથે રાખીને ઈસુની પાસે આવી. તેણે પગે પડીને ઈસુની પાસે માંગણી કરી.
21 ઈસુએ પૂછયું, “તારે શું જોઈએ છે?”
તેણે ઉત્તર આપ્યો, “મને વચન આપ કે તારા રાજ્યમાં મારા બે દીકરાઓમાંથી એક દીકરો તારી જમણી બાજુ અને બીજો દીકરો તારી ડાબી બાજુએ બેસે.”
22 ઈસુએ બે દીકરાઓને કહ્યું, “તમે શું માંગી રહ્યા છો તે તમે જાણતા નથી. જે પ્યાલો મારે પીવાનો છે તે તમારાથી પીવાશે?”
તેઓએ કહ્યું, “હા, અમે પી શકીશું!”
23 ઈસુએ તેઓને કહ્યું, “અલબત્ત હું જે કંઈ પીઉ તે તમે પી શકશો તો ખરા. પણ મારી જમણી કે ડાબી બાજુ કોને સ્થાન આપવું, તે મારા હાથની વાત નથી. એ સ્થાનો મારા પિતાએ નક્કી કરેલ વ્યક્તિઓ માટે છે.”
24 જ્યારે આ માંગણી વિષે બાકીના દશ શિષ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ આ બે ભાઈઓ પર બહું ગુસ્સે થયા. 25 પછી ઈસુએ શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તમે જાણો છો કે યહૂદી રાજ્ય કર્તાઓ પોતાની પ્રજા પર સત્તાનો પૂર્ણ અમલ કરે છે અને તેમના મોટા માણસો તેમના અધિકારનું લોકોને ભાન કરાવવા ચાહે છે. 26 પણ તમારી સાથે આ રીતે થવું ન જોઈએ. તમારામાં જે આગેવાન થવા ઈચ્છે તે તમારો સેવક હોવો જોઈએ. 27 અને જે સૌથી મોટો થવા ઈચ્છે છે, તેણે એક ગુલામ તરીકે તમારી સેવા કરવી જોઈએ. 28 તમારે માણસના દીકરા જેવા થવું જોઈએ, માણસનો દીકરો સેવા કરાવવા નહિ પણ સેવા કરવા અને ઘણા લોકોને માટે મુક્તિ મૂલ્ય તરીકે પોતાનું જીવન સમર્પણ કરવા આવ્યો છે.”
ઈસુએ બે આંધળા માણસોને દેખતા કર્યા
(માર્ક 10:46-52; લૂ. 18:35-43)
29 જ્યારે ઈસુ અને તેના શિષ્યો યરીખોથી નીકળીને જતા હતા ત્યારે ઘણા લોકો ઈસુને અનુસરતા હતા. 30 રસ્તાની બાજુએ બે અંધજનો બેઠા હતા. એ રસ્તે થઈને ઈસુ પસાર થાય છે એવું સાંભળીને તેઓ જોરશોરથી બૂમો પાડવા લાગ્યા, “હે પ્રભુ, દાઉદના દીકરા અમારા પર દયા કર!”
31 લોકોએ તેઓને ધમકાવીને શાંત રહેવા કહ્યું છતાં તેઓ તો વધારે જોરથી બૂમો પાડતા હતા, “હે પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કર!”
32 તે સાંભળીને ઈસુ ઊભો રહ્યો અને તેઓને બોલાવીને પૂછયું, “તમે મારી પાસે તમારા માટે શું કરાવવા ઈચ્છો છો?”
33 તેઓએ કહ્યું, “પ્રભુ, અમારે દેખતા થવું છે.”
34 ઈસુને તેમના પર દયા આવી અને તેઓની આંખોને સ્પર્શ કર્યો. અને તરત જ તેઓ જોઈ શક્યા. અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.
10 મહોર મારેલા કરાર પર:
હખાલ્યાનો પુત્ર પ્રશાસક નહેમ્યા અને સિદકિયાના નામ છે; 2 સરાયા, અઝાર્યા, યર્મિયા; 3 પાશહૂર, અમાર્યા, માલ્કિયા, 4 હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ, 5 હારીમ મરેમોથ ઓબાદ્યા, 6 દાનિયેલ, ગિન્નથોન, બારૂખ, 7 મશુલ્લામ, અબિયા, મીયામીન 8 માઆઝયા, બિલ્ગાય, અને શમાયા; આ બધા યાજકો છે.
9 અને લેવીઓ:
યેશૂઆ, તે અઝાન્યાનો પુત્ર, બિન્નૂઇ, હેનાદાદના પુત્રોમાંનો એક કાદ્મીએલ, 10 અને તેમના સગાંવહાંલા, શબાન્યા, હોદિયા, કલીટા, પલાયા, હાનાન, 11 મીખા, રહોબ, હશાબ્યા, 12 ઝાક્કૂર, શેરેબ્યા, શબાન્યા, 13 હોદિયા, બાની અને બનીનુ,
14 લોકોના આગેવાન:
પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તુ, બાની, 15 બુન્ની, આઝગાદ, બેબાય, 16 અદોનિયા, બિગ્વાય, આદીન, 17 આટેર, હિઝિક્યા, અઝઝૂર, 18 હોદિયા, હાશુમ, બેસાય, 19 હારીફ, અનાથોથ, નેબાય, 20 માગ્પીઆશ, મશૂલ્લામ, હેઝીર, 21 મશેઝાબએલ, સાદોક, યાદૂઆ, 22 પલાટયા, હાનાન, અનાયા, 23 હોશિયા, હનાન્યા, હાશ્શૂબ, 24 હાલ્લોહેશ, પિલ્હા, શોબેક, 25 રહૂમ, હશાબ્નાહ, માઅસેયા, 26 અહિયા, હાનાન, આનાન, 27 માલ્લૂખહારીમ તથા બાઅનાહ.
28 બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, મંદિરના સેવકો અને તે દરેક જેણે ભૂમિના લોકોથી પોતાને જુદા પાડ્યાં હતાં, તેમની પત્નીઓ, તેમના પુત્રો, અને પુત્રીઓ સાથે અને જેમનામાં જ્ઞાન અને સમજણ છે. 29 તેઓએ પોતાના સગાંવહાંલા અને ઉમરાવો સાથે મળીને, દેવના નિયમ પ્રમાણે ચાલવાના સમ ખાધા, જે દેવના સેવક મૂસાએ આપ્યા હતા કે, અમે યહોવા અમારા દેવની આજ્ઞા અને નિયમોનું આદેશ અનુસાર પાલન કરીશું અને તેમના હુકમોને માનીશું.
30 “અમે અમારી પુત્રીઓ બીજી ભૂમિના લોકોને આપીશું નહિ, તેમ તેમની પુત્રીઓ અમારા પુત્રો માટે લઇશું નહિ.
31 “વળી જો ભૂમિના લોકો કંઇ વેચવા માટે અથવા અનાજ લાવશે, તો અમે તે સાબ્બાથના દિવસે કે બીજા કોઇ પવિત્ર દિવસે ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વર્ષે અમે ભૂમિને ખેડશું નહિ અને અમારું બધું લેણું માફ કરીશું.
32 “અમે અમારા પોતાના દેવના મંદિરની પૂરતી કાળજી રાખવા માટે પ્રતિવર્ષ 1/3 શેકેલ[a] આપવાનો નિયમ કર્યો. 33 પવિત્ર રોટલી,[b] નિત્યના ખાદ્યાર્પણો માટે, નિત્યના દહનાર્પણો માટે, સાબ્બાથ અને ચંદ્રદર્શન માટે, તે ઉત્સવો માટે જે ઉજવવા માટે અમને નિયમશાસ્રમાં જણાવાયું છે, અને પવિત્ર અર્પણો માટે પૈસાની જરૂર છે, આ ઇસ્રાએલ માટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાપણો અને દેવના મંદિરનાં સર્વ કામો કરવા માટે જરૂરી છે.
34 “ત્યારબાદ નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા દેવ યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં પરિવારો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા દેવના મંદિરમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે, યાજકો, લેવીઓ તથા લોકો વચ્ચે ચિઠ્ઠીઓ નાખી.
35 “અમે પ્રતિવર્ષ, અમારી ભૂમિનો પ્રથમ પાક અને દરેક વૃક્ષના પ્રથમ ફળો યહોવાના મંદિરમાં લાવવા માટે નિયમ પણ બનાવીએ છીએ.
36 “વળી, નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારાં પુત્રોમાંના પ્રથમજનિત, અને પશુઓ અને ઢોરઢાંખરનાઁ તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા યહોવાના મંદિરમાં, અમારા દેવના મંદિરનાં યાજકો પાસે લાવીશું.
37 “અમે અમારા યાજકોને તથા દેવનાં મંદિરની ઓરડીમાં અમારા બાંધેલા લોટનો પહેલો ભાગ, અને દરેક વૃક્ષના ફળો, દ્રાક્ષારસ અને તેલનું અર્પણ લાવીશું. વળી અમારી ભૂમિની પેદાશમાંથી પ્રત્યેક વસ્તુનો દશમો ભાગ અમે લેવીઓ માટે લાવીશું. કારણ કે અમારા સર્વ દેશના નગરોમાંથી દશાંશ એકત્ર કરવાની જવાબદારી લેવીઓની છે. 38 અમારા બધાં ખેતીવાડીવાળાં ગામોમાંથી ઊપજનો દશમો ભાગ ઉઘરાવવા આવનાર લેવીઓને અમારી જમીનની ઊપજનો દશમો ભાગ આપીશું. દશમો ભાગ ઉઘરાવતી વખતે હારુનના વંશના એક યાજક લેવીઓની સાથે રહેશે, અને લેવીઓએ ઉઘરાવેલા દશમા ભાગનો દશમો ભાગ દેવના મંદિરનાં ભંડારમાં લઇ જશે અને એક ઓરડામાં મુકશે. 39 તેથી ઇસ્રાએલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલ વગેરે ભંડારના ઓરડાઓમાં લાવવાં, જ્યાં મંદિરની સેવાની સામગ્રી રાખવામાં આવે છે, અને જ્યાં તે વખતે સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે.
“આમ અમે સૌ અમારા દેવનાં મંદિરની અવગણના નહિ કરીએ.”
પાઉલનું મકદોનિયા અને ગ્રીસમાં ગમન
20 જ્યારે મુશ્કેલીનો અંત આવ્યો ત્યારે પાઉલે શિષ્યોને તેની પાસે બોલાવ્યા, તેમને પ્રોત્સાહિત કર્યા. પછી તેઓને તેણે છેલ્લી સલામ પાઠવી અને મકદોનિયાનો પ્રવાસ શરૂ કર્યો. 2 મકદોનિયાના માર્ગમાં જુદા જુદા સ્થળોએ તેણે ઈસુના શિષ્યોને દ્રઠ કરવા પાઉલ જ્યાં સુધી ગ્રીસ પહોંચ્યો નહિ ત્યાં સુધી સતત લોકોને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ દેશમાં આવ્યો. 3 ત્યાં તે ત્રણ માસ રહ્યો.
તે સિરિયા હોડી હંકારવાની તૈયારીમાં હતો. પરંતુ કેટલાક યહૂદિઓ તેની વિરૂદ્ધ યોજનાઓ કરતા હતા. તેથી પાઉલે મકદોનિયાના દ્ધારા સિરિયા પાછા જવાનો નિર્ણય કર્યો. 4 કેટલાક માણસો તેની સાથે હતા. તેઓમાં બરૈયાના પૂરસનો દીકરો સોપાત્રસ થેસ્સાલોનિકીઓમાંના અરિસ્તાર્ખસ અને સકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી અને આશિયાના બે માણસો તુખિકસ અને ત્રોફિમસ હતા. 5 પાઉલની આગળ આ માણસો પહેલા ગયા. તેઓ ત્રોઆસ શહેરમાં અમારી રાહ જોતા હતા. 6 બેખમીરની રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પી શહેરમાંથી નીકળ્યા. અમે ત્રોઆસમાં આ માણસોને પાંચ દિવસ પછી મળ્યા અને સાત દિવસ રોકાયા.
પાઉલની ત્રોઆસની છેલ્લી મુલાકાત
7 સપ્તાહના પહેલા દિવસે, અમે બધા રોટલી ભાંગવાને એકઠા થયા હતા. પાઉલે સમૂહને વાત કરી. તે બીજે દિવસે વિદાય થવાની યોજના કરતો હતો. પાઉલે મધરાત સુધી વાતો ચાલુ રાખી. 8 અમે બધા મેડા પર ઓરડામાં એક સાથે હતા, અને ત્યાં ઓરડામાં ઘણી બત્તીઓ હતા. 9 ત્યાં યુતુખસ નામનો યુવાન માણસ બારીમાં બેઠો હતો. પાઉલે વાતો કરવાનું ચાલુ રાખ્યુ. અને યુતુખસને ઝોકા આવતા હતા. આખરે યુતુખસ ગાઢ નિંદ્રામાં ગયો અને બારીમાંથી નીચે પડ્યો. તે ત્રીજે માળથી જમીન પર પટકાયો. જ્યારે લોકો ત્યાં ગયા અને તેને ઊચક્યો, ત્યારે તે મૃત્યુ પામ્યો હતો.
10 પાઉલ નીચે યુતુખસ પાસે ગયો. તે ઘૂંટણે પડ્યો અને યુતુખસને બાથમાં લીધો. પાઉલે બીજા વિશ્વાસીઓને કહ્યું, “ચિંતા કરશો નહિ. હવે તે જીવે છે.” 11 પાઉલ ફરીથી મેડા પર ગયો. તેણે રોટલીનો ટુકડો કર્યો અને ખાધો. પાઉલે તેઓને લાંબો સમય સુધી બોધ આપ્યો. જ્યારે તેણે વાત કરવાનું બંધ કર્યુ, તે વહેલી સવાર હતી. પછી પાઉલે વિદાય લીધી. 12 લોકો યુતુખસ ને ઘરે લઈ ગયા. તે જીવતો હતો, તેથી લોકો ઘણો આનંદ પામ્યા.
ત્રોઆસથી મિલેતેસનો પ્રવાસ
13 અમે આસસ શહેર જવા માટે વહાણ હંકાર્યુ. અમે પાઉલની આગળ પહેલા ગયા. તેની ઈચ્છા અમને આસસમાં મળવાની અને ત્યાં વહાણમાં અમારી સાથે જોડાવાની હતી. પાઉલે અમને આ કરવા માટે કહ્યું. કારણ કે તે જમીન માર્ગે આસસ જવા ઇચ્છતો હતો. 14 પાછળથી, અમે આસસમાં પાઉલને મળ્યા, અને પછી તે અમારી સાથે વહાણ પર આવ્યો. અમે બધા મિતુલેની શહેરમાં આવ્યા. 15 બીજે દિવસે અમે મિતુલેનીથી દૂર વહાણ હંકારી ગયા. અમે ખિયોસ ટાપુ નજીકની જગ્યાએ આવ્યા. પછી બીજે દિવસે અમે સામોસ ટાપુ તરફ હંકારી ગયા. એક દિવસ પછી અમે મિલેતસ શહેર આવ્યા. 16 પાઉલે એફેસસ નહિ રોકાવવાનો નિર્ણય કરી જ લીધો. તેની ઈચ્છા આસિયામાં લાંબો સમય રોકાવવાની ન હતી. તેને ઉતાવળ હતી કારણ કે શક્ય હોય તો પચાસમાના પર્વને દિવસે તેની ઈચ્છા યરૂશાલેમમાં હાજર રહેવાની હતી.
એફેસસના વડીલો સમક્ષ પાઉલનું ભાષણ
17 પાઉલે મિલેતસથી પાછો એક સંદેશો એફેસસમાં મોકલ્યો. પાઉલે એફેસસના વડીલોને પોતાની પાસે આવવા નિમંત્રણ પાઠવ્યું.
18 જ્યારે વડીલો આવ્યા, ત્યારે પાઉલે તેઓને કહ્યું, “આશિયામાં હું આવ્યો તેના પ્રથમ દિવસથી તમે મારા જીવન વિષે જાણો છો. હું તમારી સાથે હતો ત્યારે આટલો બધો સમય તમારી સાથે કેવી રીતે રહ્યો હતો તે તમે જાણો છો. 19 યહૂદિઓ મારી વિરૂદ્ધ કાવતરું ધડી રહ્યા હતા. તેથી મને બહુ મુશ્કેલી પડી અને તેથી હું ઘણી વાર રડ્યો. પણ તમે જાણો છો કે મેં હંમેશા પ્રભુની સેવા કરી છે. મેં કદી મારા વિષે પહેલા વિચાર્યુ નથી. 20 મેં હંમેશા તમારા માટે જે ઉત્તમ હતું તે જ કર્યુ છે. મેં લોકોની સમક્ષ જાહેરમાં ઈસુ વિષેની સુવાર્તા તમને કહી. અને તમારા ઘરોમાં પણ બોધ કર્યો. 21 મેં બધા લોકોને કહ્યું, યહૂદિ લોકો અને ગ્રીક લોકો તેઓ પસ્તાવો કરે અને દેવ પાસે આવે. મેં તેઓ બધાને આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવા કહ્યું.
22 “પણ હવે મારે પવિત્ર આત્માને માન આપીને યરૂશાલેમ જવું જોઈએ. ત્યાં મારું શું થશે તે હું જાણતો નથી. 23 હું ફક્ત એટલું જાણું છું કે પવિત્ર આત્મા મને કહે છે કે પ્રત્યેક શહેરમાં મારે માટે મુશ્કેલીઓ અને યરૂશાલેમમાં બંદીખાનાં રાહ જોઈ રહ્યા છે. 24 હું મારા પોતાના જીવનની જરા પણ ચિંતા કરતો નથી. પણ ખૂબ મહત્વની વસ્તુ એ છે કે હું મારું કામ પૂર્ણ કરું. પ્રભુ ઈસુએ મને દેવની કૃપાની સુવાર્તા લોકોને કહેવાનું કાર્ય સોંપ્યુ છે તે પણ મારે પૂર્ણ કરવું છે.
25 “અને હવે મને ધ્યાનથી સાંભળો. હું જાણું છે કે તમારામાંનું કોઈ પણ મને ફરીથી જોઈ શકશે નહિ. હું બધો જ સમય તમારી સાથે હતો. મેં તમને દેવના રાજ્ય વિષેની સુવાર્તા કહી છે. 26 તેથી આજે હું તમને એક વાત કહીશ કે મને ખાતરી છે કે જો તમારામાંના કેટલાકનો બચાવ ન થાય તો દેવ મને દોષ દેશે નહિ! 27 હું આ કહી શકું છું કારણ કે હું જાણું છું કે દેવ તમને જે જણાવવા ઈચ્છતો હતો તે બધું મેં તમને કહ્યું છે. 28 તમારી જાત માટે તથા દેવ જે બધા લોકો તમને આપ્યા છે તેઓને માટે સાવધાન રહો. પવિત્ર આત્માએ આ ઘેટાં જેવા ટોળાની (દેવનાં લોકો) કાળજી રાખવાનું કામ તમને સોંપ્યું છે. તમારે દેવની મંડળી માટે ભરવાડો જેવા બનવું જોઈએ. આ તે મંડળી છે જે દેવે તેના પોતાના લોહીથી ખરીદી છે. 29 હું જાણું છું કે મારા વિદાય થયા પછી કેટલાક માણસો તમારા સમૂહમાં આવશે. તેઓ જંગલી વરુંઓ જેવા હશે. તેઓ ઘેટાં જેવા ટોળાનો વિનાશ કરવા પ્રયત્ન કરશે. 30 અને તમારા સમૂહના માણસો પણ ખરાબ આગેવાનો બનશે. તેઓ જે ખોટી વાતો છે તે શીખવવાની શરુંઆત કરશે. તેઓ ઈસુના કેટલાક શિષ્યોને સત્યથી દૂર દોરી જશે. 31 તેથી સાવધાન રહો! હંમેશા આ યાદ રાખો. હું તમારી સાથે ત્રણ વર્ષ માટે હતો. આ સમય દરમ્યાન મેં તમને કદાપિ ચેતવણી આપવાનું બંધ કર્યુ નથી. મેં તમને રાત અને દિવસ શીખવ્યું છે. મેં વારંવાર તમારા માટે આંસુઓ પાડ્યા છે.
32 “હવે હું તમને દેવને સોપું છું. હું તમને ઉન્નતિ કરવાને દેવની કૃપાના વચન પર આધાર રાખું છું. તે વચનો તમને વારસો આપવા સમર્થ છે જે દેવ તેના બધા લોકોને આપે છે. 33 જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે મેં કદાપિ કોઇના પૈસા કે સુંદર વસ્ત્રોની ઈચ્છા કરી નથી. 34 તમે જાણો છો કે મેં તારી તથા મારી સાથે જે લોકો, તેમની જરૂરિયાત પૂરી પાડવા માટે મારી જાતે જે મહેનત કરી છે. 35 મેં હંમેશા તમને બતાવ્યું છે કે મેં જે કર્યુ તેવું કામ તમારે કરવું જોઈએ. અને જે લોકો નબળા છે તેમને મદદ કરવી જોઈએ. મેં તમને પ્રભુ ઈસુનું વચન યાદ રાખવા શીખવ્યું છે. ઈસુએ કહ્યું છે, ‘જ્યારે તમે પ્રાપ્ત કરો છો તેના કરતાં તમે આપો છો ત્યારે વધારે સુખી થશો.’”
36 જ્યારે પાઉલે આ વાતો કરવાની પૂરી કરી, તે ઘૂંટણે પડ્યો અને તેઓ બધાએ સાથે પ્રાર્થના કરી. 37-38 તેઓ બધા બહુ રડવા લાગ્યા. તે માણસો ઘણા દુ:ખી હતા, કારણ કે પાઉલે કહ્યું હતું કે તેઓ કદાપિ ફરી તેને જોઈ શકશે નહિ. તેઓ પાઉલની કોટે વળગ્યા અને તેને ચુંબન કર્યુ. પછી તેઓ તેની સાથે વહાણ સુધી વિદાય આપવા ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International