M’Cheyne Bible Reading Plan
આદમના પરિવારનો ઈતિહાસ
5 આ પ્રકરણ આદમના પરિવારનો આ ઇતિહાસ છે. દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં જ બનાવ્યો. 2 દેવે એક પુરુષ અને એક સ્ત્રીને બનાવ્યાં. જે દિવસે દેવે એમને બનાવ્યા ત્યારે તેઓને આશીર્વાદ આપ્યા અને એમનું નામ આદમ રાખ્યું.
3 જયારે આદમ 130 વર્ષનો થયો, ત્યારે તે એક બીજા બાળકનો પિતા બન્યો. તે પુત્ર બરાબર આદમ જેવો જ દેખાતો હતો. આદમે તે પુત્રનું નામ શેથ પાડયું. 4 શેથના જન્મ પછી આદમ 800 વર્ષ સુધી જીવ્યો. તે સમય દરમ્યાન તેને બીજા પુત્ર અને પુત્રીઓ થયાં. 5 આમ, આદમ એકંદરે 930 વર્ષ જીવ્યો, અને પછી મૃત્યુ પામ્યો.
6 જયારે શેથ 105 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં અનોશનો જન્મ થયો. 7 અનોશના જન્મ પછી શેથ 807 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં. 8 આમ, શેથનું એકંદરે આયુષ્ય 912 વર્ષનું હતું. પછી તેનું મરણ થયું.
9 અનોશ જયારે 90 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં કેનાન જન્મ્યો. 10 કેનાનના જન્મ પછી અનોશ 815 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રી થયાં. 11 આમ, અનોશનું એકંદરે આયુષ્ય 905 વર્ષનું હતું. પછી તેનું મરણ થયું.
12 જયારે કેનાન 70 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં માંહલાલએલ જન્મ્યો. 13 માંહલાલએલના જન્મ પછી કેનાન 840 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રી થયાં. 14 આમ, કેનાનનું કુલ આયુષ્ય 910 વર્ષનું હતું ત્યારબાદ તેનું મરણ થયું.
15 જયારે માંહલાલએેલ 65 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં યારેદનો જન્મ થયો. 16 યારેદના જન્મ પછી માંહલાલએલ 830 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રી થયાં. 17 આમ, માંહલાલએલનું કુલ આયુષ્ય 895 વર્ષનું હતું. ત્યારબાદ તેનું મરણ થયું.
18 જયારે યારેદ 162 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં એક હનોખ નામનો બાળક જન્મ્યો. 19 હનોખના જન્મ પછી યારેદ 800 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રી થયાં. 20 આમ, યારેદ કુલ 962 વર્ષ જીવ્યો અને પછી મરણ પામ્યો.
21 જયારે હનોખ 65 વર્ષનો થયો ત્યારે તેને ત્યાં મથૂશેલાહનો જન્મ થયો. 22 મથૂશેલાહના જન્મ પછી 300 વર્ષ સુધી “હનોખ” દેવની સાથે સાથે ચાલ્યો, અને તેને બીજા પુત્રપુત્રી થયાં. 23 આમ, હનોખ કુલ 365 વર્ષ જીવ્યો. 24 એક દિવસ હનોખ દેવની સાથે ચાલી રહ્યો હતો, ત્યારે તે એકદમ અદ્રશ્ય થઈ ગયો; કેમ કે, દેવે તેને લઇ લીધો.
25 જયારે મથૂશેલાહ 187 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં લામેખનો જન્મ થયો. 26 લામેખના જન્મ પછી મથૂશેલાહ 782 વર્ષ જીવ્યો, ને તેને બીજા પુત્રપુત્રી થયાં. 27 આમ, મથૂશેલાહ કુલ 969 વર્ષ જીવ્યા પછી મરણ પામ્યો.
28 જયારે લામેખ 182 વર્ષનો થયો, ત્યારે તે એક પુત્રનો પિતા બન્યો. 29 લામેખના પુત્રનું નામ નૂહ રાખ્યું. લામેખે કહ્યું, “અમે ખેડૂત લોકો ઘણી સખત મહેનત કરીએ છીએ કારણ કે દેવે ભૂમિને શ્રાપ આપ્યો છે. પરંતુ નૂહ અમને લોકોને મહેનતમાંથી દિલાસો આપશે.”
30 નૂહના જન્મ પછી લામેખ 595 વર્ષ જીવ્યો, ને તેને બીજા પુત્રપુત્રી થયાં. 31 આમ, લામેખનું કુલ આયુષ્ય 777 વર્ષનું હતું; ત્યાર પછી તેનું મરણ થયું.
32 જ્યારે નૂહ 500 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં શેમ, હામ અને યાફેથનો જન્મ થયો.
ઈસુ લોકોને શિક્ષણ આપે છે
(લૂ. 6:20-23)
5 ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા. તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો, ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં. 2 ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું:
3 “જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે.
કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે.
4 જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે.
કારણ કે તેઓને દેવ દિલાસો આપશે.
5 જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે.
કેમ કે તેઓ પૃથ્વીનું વતન[a] પામશે.
6 બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે,
તેઓને ધન્ય છે. કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે.
7 જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે.
કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.
8 જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે.
કારણ કે તેઓને દેવના દર્શન થશે.
9 જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે.
કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે.
10 સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે.
કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.
11 “તમે મારા શિષ્યો છો માટે લોકો તમારા વિષે ખરાબ બોલે, તમારી ઉપર જુલ્મ ગુજારે કે તમારા વિરૂદ્દ જુઠ્ઠાણું લાવે તો પણ તમને ધન્ય છે. 12 ખૂબજ પ્રસન્ન રહો અને આનંદમાં રહો કારણ આકાશમાં તમને ખૂબજ મોટો બદલો મળશે. યાદ રાખજો કે તમારી અગાઉના પ્રબોધકો ઉપર જુલ્મ ગુજારાયો હતો.
તમે મીઠા સમાન છો અને પ્રકાશ સમાન છો
(માર્ક 9:50; 4:21; લૂ. 14:34-35; 8:16)
13 “તમે જગતનું મીઠું છો. પરંતુ મીઠું જો એનો સ્વાદ ત્યજી દેશે તો પછી તે ફરીથી ખારાશવાળું નહિ જ થઈ શકે. જો મીઠું તેનો સ્વાદ ગુમાવી દેશે તો તે નકામું છે એમ સમજીને તેને ફેંકી દેવાશે અને લોકો તેને પગ તળે છુંદી નાખશે.
14 “તમે સ્વયં પ્રકાશ છો, જે આખા જગતને પ્રકાશિત કરે છે. પર્વત ઉપર બાંધેલ નગરને છુપાવી શકાતું નથી, તેને દરેક જણ જોઈ શકે છે. 15 અને લોકો દીવો સળગાવીને પછી તેને વાટકા નીચે મૂકતા નથી, પણ તેઓ તેને દીવી પર મૂકે છે પછી તે દીવો ઘરમાં જે બધા લોકો રહે છે તેમને પ્રકાશ આપે છે. 16 તે રીતે તમારે પણ બીજા લોકોને પ્રકાશ આપવો જોઈએ. જેથી તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને લોકો તમારા આકાશમાં બાપની સ્તુતિ કરે.
ઈસુ અને જૂનું નિયમશાસ્ત્ર
17 “એવું ના માનશો કે હું મૂસાના નિમયશાસ્ત્રનો કે પ્રબોધકોના ઉપદેશોનો નાશ કરવા આવ્યો છું. હું તેના ઉપદેશોનો નાશ કરવા માટે નહિ પરંતુ તેનો પૂરો અર્થ સમજાવવા આવ્યો છું. 18 હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી કશું જ અદ્રશ્ય થઈ શકશે નહિ, આવું બનશે નહિ (વિનાશ સજાર્શે નહિ) ત્યાં સુધી નિમયશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતો રહેશે નહિ.
19 “મનુષ્યે નિયમની દરેક આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ પછી ભલે તે આજ્ઞાની કોઈ અગત્યતા ન જણાય. મનુષ્ય જો આજ્ઞાઓનું પાલન કરવાની ના પાડશે અને બીજાઓને તેમ કરવા શીખવશે તો આકાશના રાજ્યમાં તે મનુષ્ય બીન મહત્વનો ગણાશે. જેઓ નિયમ અને નિયમશાસ્ત્રનું પાલન કરશે તેમજ બીજા લોકોને તેનું પાલન કરવા જણાવશે, તેઓ આકાશના રાજ્યમાં મહાન હશે. 20 હું તમને જણાવું છું કે તમારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં દેવને જેની જરૂર છે તે માટે કઈક વધુ સારું કરનારા થવું જોઈએ નહિ તો તમે આકાશના રાજ્યમાં દાખલ પણ થઈ શકશો નહિ.
ઈસુ ક્રોધ વિષે શિક્ષણ આપે છે
21 “તમે સાંભળ્યુ હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણા લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ‘કોઈપણ મનુષ્યની હત્યા ન કરે,(A) જે મનુષ્યની હત્યા કરે છે તેનો ન્યાય થશે અને તે અપરાધી ઠરવાના જોખમમાં પડશે.’ 22 પણ હું તમને કહું છું કે, બીજા ઉપર ક્રોધીત ના થાવ, દરેક તમારો ભાઈ છે. જો તમે બીજા કોઈ ઉપર ક્રોધ કરશો તો તમારો ન્યાય ન્યાયસભામાં થશે. બીજી કોઈ વ્યક્તિ સાથે બીજા માટે ખરાબ બોલશે તો તમારો યહૂદીના દરબારમાં ન્યાય થશે. જો તમે બીજાને મૂર્ખ કહેશો તો તમારે નરકની આગના ભયમાં મૂકાવું પડશે.
23 “તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો, અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે. 24 તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે, અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે. અને પછી આવીને તારું અર્પણ ચઢાવ.
25 “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે. 26 હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ.
ઈસુ વ્યભિચારના પાપ વિષે શિક્ષણ આપે છે
27 “તમે સાંભળ્યું છે કે એમ કહેવામાં આવ્યું હતું: ‘વ્યભિચારનું પાપ કરવું નહિ.’(B) 28 પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઈચ્છાથી તેના તરફ નજર કરો તો તમે તમારા મનથી તેની સાથે વ્યભિચાર કર્યો છે. 29 જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે. 30 જો તમારો જમણો હાથ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દો. આખુ શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે તમારા માટે વધુ હિતાવહ છે.
ઈસુ છૂટા છેડા વિષે શિક્ષણ આપે છે
(માથ. 19:9; માર્ક 10:11-12; લૂ. 16:18)
31 “એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ.’ 32 પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે. પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય. અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે.
ઈસુ સમ વિષે શિક્ષણ આપે છે
33 “તમે સાંભળ્યું કે આપણા પૂર્વજોને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે પ્રભુના નામે લીધેલા સમનો ભંગ કરશો નહિ.[b] પ્રભુને જે વચન આપ્યું છે તે હમેશા અવશ્ય પાળો.’ 34 પણ હું તમને કહું છું કે, કદી સમ ન ખાઓ, કદી આકાશના નામે સમ ના ખાઓ કારણ કે આકાશ તો દેવનું રાજ્યાસન છે. 35 પૃથ્વીના નામે કદી સમ ખાઓ નહિ કારણ કે પૃથ્વી દેવનું પાયાસન છે. અને યરૂશાલેમના નામે પણ સમ ન ખાઓ કારણ એ મહાન રાજાનું શહેર છે. 36 તમારા માથાના પણ સમ ન ખાઓ. તમે માથાના એક પણ વાળને સફેદ કે કાળો કરી શકશો નહિ. 37 ફક્ત ‘હા’ કે ‘ના’ કહો એટલું પૂરતું છે. તમે તેમાં જે કંઈ ઉમેરશો તો તે ભૂંડાથી આવેલું છે.
ઈસુ વેર વિષે શિક્ષણ આપે છે
(લૂ. 6:29-30)
38 “તમે સાંભળ્યું કે એમ કહેવાયુ હતુ, ‘આંખ ને બદલે આંખ અને દાંત ને બદલે દાંત.’(C) 39 પરંતુ હું તમને કહું છું કે દુષ્ટ વ્યક્તિનો પ્રતિકાર ન કરો. જો તમને કોઈ જમણા ગાલ પર તમાચો મારે, તો તમારે બીજો ગાલ દરવો. 40 જો તમારું ખમીસ લઈ લેવા માટેનો દાવો કરીને તમને કોઈ ન્યાયસભામાં લઈ જવા ઈચ્છે તો તમારો કોટ પણ તેને આપી દો. 41 જો કોઈ સૈનિક તમને તેની સાથે એક માઈલ ચાલવા બળજબરી કરે તો તમે તેની સાથે બે માઈલ ચાલો. 42 જો કોઈ તમારી પાસે કંઈક માગે તો તેને અવશ્ય આપો, તમારી પાસે કોઈ ઉછીનું માંગવા આવ તો ના પાડશો નહિ.
બધાને પ્રેમ કરો
(લૂ. 6:27-28, 32-36)
43 “તમે સાંભળ્યું કે એમ કહેવાયું હતું કે, ‘તું તારા પડોશીને પ્રેમ કર અને દુશ્મનને ધિક્કાર.’(D) 44 પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલ્મ કરે છે તેમના માટે પ્રાર્થના કરો. 45 જો તમે આ પ્રમાણે કરશો તો તમે આકાશમાં રહેલા તમારા પિતાના સાચા દીકરા ગણાશો અને તમારા પિતા, સૂર્યનો પ્રકાશ ભલા અને ભૂંડા લોકો માટે મોકલે છે. વરસાદ પણ ભલૂં કરનાર અને ભૂંડુ કરનાર માટે મોકલે છે. 46 જે તમને પ્રેમ કરે છે તેમને તમે પ્રેમ કરશો તો તમને કોઈક બદલો મળશે. દાણીએ પણ આમ જ કરે છે. 47 જો તમે તમારા મિત્રો પ્રત્યે સારા હશો તો તમે બીજા કરતા સારા નહિ ગણાવ, જે લોકો દેવ વિનાના છે તે પણ તેમના મિત્રો માટે સારા છે. 48 એટલે આકાશમાં રહેલા તમારા પિતા જેટલા પરિપૂર્ણ છે તેટલા તમારે પણ પરિપૂર્ણ થવુ જોઈએ.
5 પરંતુ તે સમયે પ્રબોધકો હાગ્ગાય તથા ઉદ્દોના પુત્ર ઝખાર્યાએ ઇસ્રાએલના દેવ યહોવાના નામે જેઓની તેમના પર કૃપા હતી યહૂદા તથા યરૂશાલેમમાં જે યહૂદીયાઓ હતા, તેઓને ભવિષ્યવાણી સંભળાવી. 2 ત્યારે શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ તથા યોસાદાકના પુત્ર યેશૂઆએ યરૂશાલેમમાં યહોવાનું મંદિર બાંધવાનું શરૂ કરી દીધું. દેવના પ્રબોધકો તેમને ટેકો આપતાં હતાં. 3 પરંતુ તે જ સમયે યુફ્રેતિસ નદીની પશ્ચિમ તરફના પ્રદેશનો પ્રશાસક તાત્તનાય અને શથાર-બોઝનાય તથા તેઓના સાથીદારો યરૂશાલેમ આવ્યા અને પૂછયું, “આ મંદિર ફરીથી બાંધવાની અને લાકડાનું કામ પુરું કરવાની પરવાનગી તમને કોણે આપી છે?” 4 પછી તેઓએ પૂછયું, “જે માણસો આ મંદિર બાંધે છે તેમના નામ શાં છે?”
5 પરંતુ યહૂદીઓના વડીલો પર તેઓના દેવ યહોવાની કૃપાદ્રષ્ટિ હતી, માટે આ બાબત દાર્યાવેશને કાને પહોંચ્યા પછી રાજાનો જવાબ આવે ત્યાં સુધી તેમને કામ કરતા અટકાવવામાં આવ્યા નહિ.
6 તાત્તનાય પ્રશાસક, શથાર-બોઝનાય તથા બીજા અધિકારીઓએ દાર્યાવેશ રાજા પર નીચે પ્રમાણે પત્ર મોકલ્યો: 7 પ્રતિ:
દાર્યાવેશ રાજા:
સલામ! ક્ષેમકુશળ હશો.
8 આપને વિદિત થાય કે, અમે યહૂદા પ્રાંતમાં મહાન દેવના મંદિરમાં ગયાં હતા, તે મંદિર પથ્થરની મોટી શિલાઓથી બાંધવામાં આવી રહ્યું છે, એની ભીંતોએ લાકડાની તખ્તીઓ જડવામાં આવે છે, ખૂબ સફળતાપૂર્વક અને ઉત્સાહથી કામ ચાલી રહ્યું છે.
9 અમે ત્યાં આગેવાનોને પૂછયું, “તમને આ મંદિરનું બાંધકામ કરવાની અને તેનું લાકડાનું કામ પુરું કરવા માટે કોણે પરવાનગી આપી છે?” 10 વળી અમે તેમના નામ પણ પૂછયાં, જેથી અમે આપને જણાવવા માટે આગેવાનોના નામની યાદી તૈયાર કરી શકીએ.
11 તેઓએ અમને ઉત્તર આપ્યો કે,
“અમે આકાશ અને પૃથ્વીના દેવના સેવકો છીએ; ઇસ્રાએલના એક મહાન રાજાએ ઘણાં વર્ષો પહેલાં બંધાવેલ મંદિરનો અમે જીણોર્દ્ધાર કરીએ છીએ. 12 અમારા પિતૃઓએ સ્વર્ગના દેવને ગુસ્સે કર્યા, તેથી તેણે તેઓનો ત્યાગ કર્યો. તેણે નબૂખાદનેસ્સાર રાજા દ્વારા આ મંદિરનો નાશ કરાવ્યો અને રાજાએ લોકોનો દેશનિકાલ કરીને બાબિલ મોકલ્યા.” 13 પણ બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં દેવના આ મંદિરનો જીણોર્દ્ધાર કરવાની પરવાનગી આપી. 14 ઉપરાંત દેવના મંદિરની સોના ચાંદીની વસ્તુઓ નબૂખાદનેસ્સાર યરૂશાલેમના દેવના મંદિરમાંથી કાઢીને બાબિલના મંદિરમાં લઇ ગયો હતો, ને તે બધી વસ્તુઓ કોરેશ રાજાએ બાબિલના મંદિરમાંથી પાછી લઇને શેશ્બાસ્સારને સોંપી જેને તેણે પ્રશાસક નિમ્યો હતો.
15 “રાજાએ તેને સૂચના આપી કે, તે સર્વ વસ્તુઓ યરૂશાલેમના મંદિરમાં પાછી મોકલે અને દેવના મંદિરને તેની અસલ જગ્યાએ બંધાવે.”
16 પછી તે જ શેશ્બાસ્સારે આવીને દેવના એ મંદિરનો પાયો યરૂશાલેમમાં નાખ્યો; અને ત્યારથી તેનું બાંધકામ ચાલુ છે, તે હજી પૂરું થયું નથી.
17 તેથી આપ નામદારને યોગ્ય લાગે તો બાબિલના ભંડારમાં તપાસ કરાવશો કે રાજા કોરેશે યરૂશાલેમમાં દેવનું મંદિર ફરી બાંધવાની પરવાનગી આપી હતી કે કેમ, અને આ બાબતમાં આપનો નિર્ણય જણાવશો.
અનાન્યા તથા સફિરા
5 અનાન્યા નામે એક માણસ હતો તેની પત્નીનું નામ સફિરા હતું. અનાન્યા પાસે જે જમીન હતી, તે તેણે વેચી દીધી. 2 પણ તેણે પ્રેરિતોને ફક્ત પૈસાનો કેટલોક હિસ્સો આપ્યો. તેણે કેટલાક પૈસા તેના માટે ખાનગીમાં રહેવા દીધા. તેની પત્નીએ પણ આ જાણ્યું અને તે તેની સાથે સમંત થઈ.
3 પિતરે કહ્યું, “અનાન્યા, શા માટે શેતાનને તારા હ્રદય પર સવાર થવા દે છે? તેં જૂઠું બોલીને પવિત્ર આત્માને છેતરવાનો પ્રયત્ન શા માટે કર્યો તેં તારું ખેતર વેચ્ચું, પણ તેં શા માટે પૈસાનો ભાગ તારી જાત માટે રહેવા દીધો? 4 તેં ખેતર વેચ્યું તે પહેલાં તે તારું હતું અને તે વેચ્યા પછી પણ તેં તારી ઈચ્છાનુસાર તે પૈસાનો કોઇ રીતે ઉપયોગ કર્યો હોત. તેં શા માટે આ ખરાબ કરવાનું વિચાર્યુ છે? તું દેવ સમક્ષ જૂઠું બોલ્યો છે, માણસો સમક્ષ નહિ!”
5-6 જ્યારે અનાન્યાએ આ સાંભળ્યું, તે નીચે પડ્યો અને મૃત્યુ પામ્યો. કેટલાક જુવાનો આવ્યા અને તેના શરીરને (કફનમાં) વીંટાળ્યું. તેઓ તેને બહાર લઈ ગયા અને દફનાવી દીધો અને દરેક માણસે જેણે આ અંગે સાંભળ્યું તે બધા ભયભીત થયા.
7 ત્રણેક કલાફ પછી તેની પત્ની અંદર આવી. સફિરા તેના પતિનું જે કંઈ થયું એ અંગે કશું જાણતી નહોતી. 8 પિતરે તેને કહ્યું, “તારા ખેતરના તને કેટલા પૈસા મળ્યા તે મને કહે. શું તે આટલા જ હતા (જે રકમ અનાન્યાએ કહી)?”
સફિરાએ જવાબ આપ્યો, “હા, ખેતર માટે જે મળ્યું તે બધું જ.”
9 પિતરે તેને કહ્યું, “પ્રભુના આત્માનું પરીક્ષણ કરવા માટે તું અને તારો પતિ કેમ સંમત થયા? ધ્યાનથી સાંભળ! તું પેલા પગલાંનો અવાજ સાંભળે છે? તારા પતિને દફનાવનારા બારણે આવી પહોંચ્યા છે! તેઓ તને પણ આ રીતે લઈ જશે.” 10 તે જ વખતે સફિરા તેના પગે પડી અને મૃત્યુ પામી. જુવાન માણસો અંદર આવ્યા અને જોયું કે તે મૃત્યુ પામી હતી. તે માણસો તેને બહાર લઈ ગયા અને તેના પતિની બાજુમાં જ દફનાવી. 11 બધા જ વિશ્વાસીઓ અને બીજા બધા લોકો જેમણે આ વિષે સાંભળ્યું તે બધા ભયભીત થઈ ગયા.
દેવ તરફથી સાબિતી
12 પ્રેરિતોએ ઘણાં અદભૂત ચમત્કારો અને પરાક્રમો કર્યા. બધા લોકોએ આ બધી વસ્તુઓ જોઈ. પ્રેરિતો સુલેમાનની પરસાળમાં ભેગા થયા હતા. તેઓ બધાનો હેતુ સામાન્ય હતો. 13 બીજા લોકોમાંથી કોઇની પણ હિંમત તેઓની સાથે ઊભા રહેવાની ન હતી. બધા જ લોકો પ્રેરિતોના વિષે સારું બોલતાં હતા. 14 વધારે ને વધારે લોકો પ્રભુમાં વિશ્વાસ કરતાં થયા-ઘણા માણસો અને ઘણી સ્ત્રીઓ વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાવા લાગ્યા. 15 તેથી લોકો તેઓના માંદાઓને શેરીઓમાં લાવવા લાગ્યાં. લોકોએ સાંભળ્યું કે પિતર બાજુમાં આવી રહ્યો છે. તેથી લોકોએ તેઓના માંદા માણસોને પથારીઓમાં તથા ખાટલાઓમાં સુવાડ્યા. તેઓએ વિચાર્યુ કે જો માંદા લોકો નજીકમાં હોય તો પિતરના પડછાયાનો તેઓને સ્પર્શ થાય તો, તેઓને સાજા થવા માટે પૂરતું છે. 16 યરૂશાલેમની આજુબાજુ બધા શહેરોમાંથી લોકો આવ્યા. તેઓ તેઓના માંદા લોકોને અને જે લોકો અશુદ્ધ આત્માથી પીડાતા હતા તે સૌને લાવ્યા. તેઓમાંના બધાને સાજા કરવામાં આવ્યા હતા.
યહૂદિઓનો પ્રેરિતોને અટકાવવાનો પ્રયત્ન
17 પ્રમુખ યાજક અને તેના બધા મિત્રોને (જેઓ સદૂકી પંથ તરીકે ઓળખાતા) ઘણી ઈર્ષા થઈ. 18 તેઓએ પ્રેરિતોની ધરપકડ કરી તેમને બંદીખાનામાં પુર્યા. 19 પરંતુ રાત્રી દરમ્યાન પ્રભુના દૂતે બંદીખાનાનાં બારણાં ઉઘાડ્યાં. દૂતે પ્રેરિતોને બહાર લઈ જઈને કહ્યું, 20 “જાઓ અને મંદિરના વાડામાં ઊભા રહો અને ઈસુમાં આ નવી જીંદગીની બધી બાબતો લોકોને કહો.” 21 જ્યારે પ્રેરિતોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ તેની આજ્ઞા માનીને મંદિરમાં ગયા. વહેલી પ્રભાતે પ્રેરિતોએ લોકોને બોધ આપવાનો આરંભ કર્યો.
પ્રમુખ યાજક અને તેના મિત્રો મંદિરમાં આવ્યા. તેઓએ યહૂદિ આગેવાનો અને મહત્વના વડીલ માણસોની સભા બોલાવી. તેઓએ કેટલાક માણસોને બંદીખાનામાંથી પ્રેરિતોને તેની પાસે લાવવા મોકલ્યા. 22 જ્યારે તે માણસો બંદીખાનામાં પહોચ્યાં ત્યારે તેઓએ ત્યાં પ્રેરિતોને જોયા નહિ. તેથી તેઓ પાછા ગયા અને યહૂદિ આગેવાનોને આ બાબત કહી. 23 તે માણસોએ કહ્યું, “બંદીખાનામાં બારણાં બંધ હતાં ને તેને તાળાં મારેલાં હતાં. રક્ષકો દરવાજા પાસે ઊભા હતા. પણ જ્યારે અમે બારણાં ઉઘાડ્યા ત્યારે બંદીખાનું ખાલી હતું!” 24 મંદિરના રક્ષકોના સરદારે અને મુખ્ય યાજકોએ આ સાંભળ્યું ત્યારે તેઓ મૂંઝવણમાં પડ્યા, “આના કારણે શું પરિણામ આવશે?”
25 બીજા એક માણસે તેને આવીને કહ્યું, “ધ્યાનથી સાંભળો, તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો મંદિરની પરસાળમાં ઊભા છે. તેઓ લોકોને બોધ આપે છે!” 26 પછી સરદાર અને તેના માણસો મંદિરની બહાર ગયા અને પ્રેરિતોને પાછા લાવ્યા. પરંતુ સૈનિકોએ બળનો ઉપયોગ કર્યો ન હતો, કારણ કે તેઓ લોકોથી બીતા હતા. સૈનિકોને લોકોના ગુસ્સે થવાનો અને પથ્થરોથી મારી નાખવાનો ભય હતો.
27 સૈનિકોએ પ્રેરિતોને સભામાં લાવીને યહૂદિ આગેવાનોની આગળ તેઓને ઊભા રાખ્યા. પ્રમુખ યાજકે પ્રેરિતોને પ્રશ્ર કર્યો. 28 તેણે કહ્યું, “અમે તમને આ માણસ વિષે કદાપિ નહિ શીખવવા કહ્યું છે! પણ જુઓ તમે શું કર્યુ છે! તમે તમારા બોધથી આખા યરૂશાલેમને ગજાવ્યું છે. તમે આ માણસના મૃત્યુ માટે અમને જવાબદાર ઠેરવવા પ્રયત્ન કરો છો.”
29 પિતર અને બીજા પ્રેરિતોએ જવાબ આપ્યો, “અમારે માણસો કરતાં દેવની આજ્ઞાનું પાલન વધારે કરવું જોઈએ. 30 તમે ઈસુને મારી નાખ્યો. તમે તેને વધસ્તંભે લટકાવ્યો. પણ દેવે, અમારા પૂર્વજોના એ જ દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો છે. 31 ઈસુને દેવે તેની જમણી બાજુએ ઊંચો કર્યો છે. દેવે ઈસુને આપણા રાજા અને તારનાર બનાવ્યો છે. દેવે આમ કર્યુ તેથી યહૂદિઓ પસ્તાવો કરે. પછી દેવ તેઓનાં પાપોને માફ કરી શકે. 32 અમે આ બધું બનતાં જોયું છે. અમે કહી શકીએ છીએ કે આ બધું સાચું છે. પવિત્ર આત્મા પણ એ બતાવે છે કે આ સાચું છે. દેવે બધા લોકો જે દેવની આજ્ઞાનું પાલન કરે છે તે સૌને પવિત્ર આત્મા આપેલો છે.”
33 યહૂદિ આગેવાનોએ આ શબ્દો સાંભળ્યા. તેઓ ઘણા ગુસ્સે થયા. તેઓએ પ્રેરિતોને મારી નાંખવા માટે યોજના કરવા માંડી. 34 ફરોશીઓમાંનો એક સભામાં ઊભો થયો. તેનું નામ ગમાલ્યેલ હતું. તે ન્યાયશાસ્ત્રી હતો, અને બધા જ લોકો તેને માન આપતા. થોડી મિનિટો માટે પ્રેરિતોને સભા છોડી જવા માટે કહેવા તેણે માણસોને કહ્યું. 35 પછી તેણે તેઓને કહ્યું, “ઈસ્ત્રાએલી માણસો, આ લોકો તમે જે કંઈ કરવા ધારો છો તે વિષે સાવધાન રહો. 36 યાદ કરો, જ્યારે થિયુદાસે બળવો કર્યો ત્યારે તેણે કહ્યું કે તે એક મહત્વનો માણસ હતો. આશરે 400 માણસો તેની સાથે જોડાયા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને જે બધા તેને અનુસર્યા હતા તેઓ વેરવિખેર થઈને ભાગી ગયા. અને તેઓ કશું જ કરી શક્યા નહિ. 37 તે પછી, ગાલીલમાંથી યહૂદા નામનો માણસ આવ્યો. વસતિ ગણતરીનો સમય હતો ત્યારે તે બન્યું. તે શિષ્યોના એક સમૂહને દોરતો હતો. પરંતુ તે પણ માર્યો ગયો. અને તેના બધા શિષ્યો વિખેરાઈને નાસી ગયા. 38 અને તેથી હવે, હું તમને કહું છું, આ લોકોથી દૂર રહો. તેઓને એકલા છોડી દો. જો તેઓની યોજના જે મનુષ્યસર્જિત છે તો, તે નિષ્ફળ જશે. 39 પણ જો આ યોજના દેવ નિર્મિત હશે, તો તમે કોઇ તેઓને અટકાવી શકવાના નથી. ઊલટું તમે દેવની સાથે લડનારા મનાશો!”
ગમાલ્યેલે જે કહ્યું તે સાથે યહૂદિ આગેવાનો સંમત થયા. 40 તેઓએ પ્રેરિતોને ફરીથી અંદર બોલાવ્યા. પ્રેરિતોને માર્યા અને ઈસુ વિષે ફરીથી લોકોને નહિ કહેવા તેઓને કહ્યું. પછી તેઓએ પ્રેરિતોને મુક્ત કર્યા. 41 પ્રેરિતો સભા છોડી જતા રહ્યાં. પ્રેરિતો ખુશ હતા કારણ કે ઈસુના નામને લીધે તેઓ અપમાન સહન કરવાને પાત્ર ઠર્યા. 42 પ્રેરિતોએ લોકોને બોધ આપવાનું બંધ કર્યુ નહિ. પ્રેરિતોએ લોકોને ઈસુ એ જ ખ્રિસ્ત છે એ સુવાર્તા કહેવાનું ચાલું રાખ્યું. તેઓ પ્રતિદિન મંદિરમાં પરસાળમાં અને લોકોને ઘરે આમ કહેતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International