Revised Common Lectionary (Semicontinuous)
4 હે યાકૂબના કુટુંબો, ઇસ્રાએલના કુળસમૂહો,
યહોવાની વાણીનો સંદેશો સાંભળો.
5 યહોવા કહે છે,
“તમારા પિતૃઓને મારામાં શો દોષ દેખાયો
કે તેઓ મને છોડીને દૂર ચાલ્યા ગયા?
તેઓ વિસાત વગરની મૂર્તિઓને ભજવા લાગ્યા
અને પોતે વિસાત વગરના થઇ ગયા.
6 તેઓએ પૂછયું નહી કે યહોવા ક્યાં છે?
જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા
અને અમને રેતી
અને ખડકોની ભૂમિમાંથી દોરી ગયાં,
જ્યાં સદાકાળ દુકાળ
અને અંધકાર હોય છે,
જ્યાં નથી કોઇ માણસના
ક્યારેય પગલાં પડ્યાં
કે નથી કોઇ ત્યાં ક્યારેય વસ્યું”
7 યહોવાએ કહ્યું, “હું જ તેમને ફળદ્રુપ પ્રદેશમાં લઇ આવ્યો,
જેથી તેઓ તેની મબલખ ઊપજ ભોગવે.
પણ તેમણે તો
તેમાં પ્રવેશ કરતાં
વેંત તેને અશુદ્ધ બનાવ્યો,
મેં આપેલી ભૂમિને ઘૃણાપાત્ર બનાવી દીધી.
8 “યાજકોએ કદી પૂછયું નથી કે,
‘યહોવા ક્યાં છે?’
શાસ્ત્રના જાણકારોએ મને ઓળખ્યો નથી,
લોકોના આગેવાનોએ મારી સામે બળવો કર્યો છે.
પ્રબોધકોએ બઆલદેવની આરાધના કરી
અને નકાંમા દેવોને ભજવામાં સમય બગાડ્યો.”
9 “આથી હું, યહોવા, ફરી એકવાર મારા લોકો સામે આરોપ મુકું છું-
તેમની અને તેમના વંશજો સામે.
10 સાગર પાર કરી પશ્ચિમમાં જાઓ
કે પૂર્વમાં તપાસ કરો.
ધ્યાનથી જુઓ અને વિચાર કરો,
આવું કદી બન્યું છે ખરુ?
11 કોઇ પ્રજાએ કદી દેવોને બદલ્યા છે?
ભલેને એ પછી નામના હોય?
પરંતુ મારા લોકોએ તો પોતાના ગૌરવશાળી
દેવના બદલામાં નકામી મૂર્તિઓને સ્વીકારી છે.
12 “આ જોઇને આઘાત પામો.
ઓ સ્વર્ગ આઘાત પામો,
અને સંપૂર્ણ વિનાશ પામો.”
આ યહોવાની વાણી છે.
13 મારા લોકોએ બે પાપ કર્યા છે;
તેમણે મારો ત્યાગ કર્યો છે,
જે જીવનજળનું ઝરણું છે તેના જળનો ત્યાગ કર્યો છે,
અને જેમાં જળ રહી શકતું નથી એવા ભાંગેલા ટાંકા
તેઓએ પોતાને માટે બાંધ્યા છે.
નિર્દેશક માટે. રાગ: ગિત્તિથ આસાફના ગીતોમાંનુ એક.
1 દેવ જે આપણું સાર્મથ્ય છે તેમની સમક્ષ મોટેથી સ્તુતિ ગાઓ,
યાકૂબના દેવ સમક્ષ હર્ષનાદ કરો.
10 કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર
હું ‘યહોવા’ તમારો દેવ છું!
તમારું મુખ ઉઘાડો અને હું તેને ભરી દઇશ.
હું તમને ખવડાવીશ.
11 “પણ ના! મારા લોકોએ મને સાંભળી નહિ;
ઇસ્રાએલ મારી ચેતવણી સ્વીકારવા ઇચ્છતુ નથી.
12 તેથી તેઓને મેં જવા દીધા તેમના અંધારિયાં તથા હઠીલા માર્ગે;
અને તેઓની ઇચ્છા પ્રમાણે જીવવા દીધા.
13 મારા લોકો મારું સાંભળે તો કેવું સારું! અરે,
ઇસ્રાએલ મારું અનુસરણ કરો અને મારા માર્ગો પર ચાલે તો કેવું સારું!
14 તો હું તેઓના શત્રુઓને પરાજીત કરું અને વહેલા નમાવું;
અને તેઓના વેરીની વિરુદ્ધ, મારો હાથ ઝડપથી ઉપાડું!
15 જેઓ યહોવાને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી ધૂજશે;
પણ તેમની સજા તો સદાને માટે રહેશે.
16 પરંતુ તમને હું, શ્રેષ્ઠ ઘઉંથી તૃપ્ત કરીશ;
અને તમને, ખડકમાંના મધથી સંતોષ આપીશ.”
13 તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો છો આથી એકબીજા પર પ્રીતિ કરવાનું ચાલું રાખો. 2 મહેમાનોનો સત્કાર કરવાનું ના ભૂલશો. એમ કરવાથી કેટલાક લોકોએ અજાણતા પણ આકાશના દૂતોનું સ્વાગત કર્યુ છે. 3 જેઓ કારાવાસમાં છે તેઓને ભૂલો નહિ, જાણે તમે તેઓની સાથે જેલમાં હોય એમ તેઓની યાતનાઓના સહભાગી બનો. અત્યાચાર સહન કરે છે તેઓની સ્થિતિમાં તમે પણ છો એમ માની તેઓના દુ:ખમાં સહભાગી બનો.
4 સર્વમાં લગ્ન માન યોગ્ય માનો. લગ્નમાં બે જણ વચ્ચેના સંબંધો શુદ્ધ હોવા જોઈએ. જેથી બિછાનું નિર્મળ રહે; કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. 5 નાણાનાં લોભથી દૂર રહો તમારી પાસે જેટલું હોય તેટલામાં સંતોષ માનો. દેવે કહ્યું છે:
“હું તને કદી મૂકી દઇશ નહિ;
અને તને તજીશ પણ નહિ.” (A)
6 તેથી જરા પણ સંકોચ રાખ્યા વગર આપણે કહી શકીએ કે,
“પ્રભુ મને સહાય કરનાર છે;
હું ડરીશ નહિ.
માણસ મને શું કરનાર છે?” (B)
7 તમને દેવના વચનો શીખવનાર તમારા આગેવાનોને યાદ કરો. તેઓ જે રીતે જીવ્યા અને તેમનું જીવન પૂર્ણ કર્યુ તેનો વિચાર કરો અને તેઓની માફક દેવમાં વિશ્વાસ રાખો. 8 ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદાને માટે એવો ને એવો જ છે.
15 તેથી ઈસુ દ્ધારા આપણા અર્પણો દેવને આપવાનું સતત ચાલું રાખવાનું છે. તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ એ આપણી સ્તુતિ છે. 16 બીજાના માટે ભલું કરવાનું ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે.
વિશ્રામવારે સાજાં કરવું યોગ્ય છે?
14 ઈસુ ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારે તેમની સાથે ખાવા માટે ગયો. ત્યાં લોકો ઈસુને ખૂબ નજીકથી તાકી રહ્યાં હતા.
તમારી જાતને મહત્વ ન આપો
7 પછી ઈસુનું ધ્યાન કેટલાએક મહેમાનો ઉત્તમ જગ્યાએ બેસવાની પસંદગી કરતા હતા તે તરફ ગયું, તેથી ઈસુએ તેઓને આ વાર્તા કહી; 8 “જ્યારે કોઈ માણસ તમને લગ્નમાં નિમંત્રણ આપે તો સૌથી મહત્વની બેઠક પર ના બેસો. તે માણસે કદાચ તમારા કરતાં વધારે મહત્વના માણસને નિમંત્રણ આપ્યું હોય. 9 અને જો તમે સૌથી મહત્વની બેઠક પર બેઠા હોય અને પછી જે માણસે તમને નિમંત્રણ આપ્યું હોય તે તમારી પાસે આવે અને કહે, ‘આ માણસને તારી બેઠક આપ.’ પછી તમે છેલ્લી જગ્યાએ જવાની શરૂઆત કરશો. અને તમે ખૂબ શરમિંદા બનશો.
10 “તેથી માણસ જ્યારે તમને નિમંત્રણ આપે તો જે ઓછી મહત્વની હોય એ બેઠક પર બેસવા માટે જાઓ. પછા જે માણસે તમને નિમંત્રણ આપ્યું છે તે તમારી પાસે આવશે અને કહેશે, ‘મિત્ર, આ તરફ વધારે મહત્વની બેઠક પર આવ.’ પછી બીજા બધા મહેમાનો પણ તમને માન આપશે. 11 પ્રત્યેક માણસ જે પોતાને અગત્યનો બનાવે છે. તેને નીચો કરવામાં આવશે. પણ જે માણસ પોતાને નીચો બનાવે છે તે મહત્વનો બને છે.”
તમને બદલો મળશે
12 પછી ઈસુએ જે ફરોશીઓને નિમંત્રણ આપ્યું હતું તેને કહ્યું, “જ્યારે તું દિવસનું કે રાતનું ખાણું માટે નિમંત્રણ આપે ત્યારે તારા મિત્રો, ભાઈઓ, સબંધીઓ તથા પૈસાદાર પડોશીઓને જ ના આપ. કેમ કે બીજી કોઈ વાર તેઓ તને જમવા માટે નિમંત્રણ આપશે. ત્યારે તને તારો બદલો વાળી આપશે. 13 તેને બદલે જ્યારે તું મિજબાની આપે ત્યારે કૂબડા લોકોને, અપંગોને અને આંધળાઓને નિમંત્રણ આપ. 14 તેથી તું ધન્ય થશે, કારણ કે આ લોકો તને કશું પાછું આપી શકે તેમ નથી. તેઓની પાસે કંઈ નથી. પણ જ્યારે સારા લોકો મૃત્યુમાંથી ઊભા થશે ત્યારે તને બદલો આપવામાં આવશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International