Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 60

નિર્દેશક માટે. રાગ: “કરાર નું કમળ” શિખામણ માટે દાઉદનું મિખ્તામ, તે અરામ-નાહરાઇમ તથા અરામ-સોબાહ સાથે લડ્યો, ને યોઆબે પાછા ફરીને ખારના નીચાણમાં અદોમમાંના 12,000 સૈનિકો માર્યા તે સમયે લખાયેલું ગીત.

હે દેવ, તમે અમને તજી દીધા છે.અમારું કવચ તૂટી ગયું છે.
    હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો.
    મહેરબાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો.
તમે ધરતીકંપ કરીને પૃથ્વીને ચીરી નાખી છે.
    હે યહોવા, તેને ફરીથી યથાર્થ બનાવી દો.
    જુઓ તેના પાયા હલી ગયા છે.
તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઇ ગયાં છો,
    તમે મારેલી લપડાકોએ અમને લથડિયાં ખવડાવ્યાં છે.
તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે,
    અને ચેતવણી આપી છે, જેથી તેઓ વિનાશમાં રક્ષા પામે.

આવો અને તમારા જમણા હાથથી અમને બચાવો.
    મારી પ્રાર્થનાનો જવાબ આપો અને જેને તમે પ્રેમ કરો છો તેમને તમે બચાવો.

જ્યારે દેવે તેમની પવિત્રતાએ કહ્યું,
    “વિજય પામીને હું શખેમનાં ભાગ પાડીશ;
અને સુક્કોથની ખીણ
    મારા લોકમાં વહેંચીશ,
    ત્યારે હું ખૂબ ખુશ થઇશ.
ગિલયાદ મારું છે, મનાશ્શા મારું છે;
    અને એફ્રાઈમ મારું શિરસ્રણ છે.
    યહૂદિયા મારો રાજદંડ બનશે.
મોઆબ મારા પગ ધોવા માટેનો વાટકો છે,
    અને જે મારા પગરખાં લઇ જાય છે તે અદોમ મારૂં ગુલામ છે.
    હું પલિસ્તીઓ હરાવીશ અને વિજયના પોકાર કરીશ.”

મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે?
    અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે?
10 હે દેવ, શું તમે અમને તજી દીધા છે?
    તમે અમારા સૈન્ય સાથે આગેકૂચ કરતા નથી.
11 હા યહોવા, અમારા શત્રુઓ વિરુદ્ધ તમે અમારી સહાય કરો;
    કારણ, માણસોની સહાય વ્યર્થ છે.
12 દેવના સાથથી અમે પરાક્રમો કરીશું;
    કારણ, તેજ અમારા શત્રુઓને કચડી નાખશે.

હોશિયા 13

ઇસ્રાએલે પોતાનો વિનાશ નોતર્યો

13 “એફ્રાઇમના વંશનો બોલ પડતાં બીજા વંશના લોકો ધ્રુજી ઊઠતાં. ઇસ્રાએલમાં એ વંશનું એવું માન હતું પરંતુ બઆલની પૂજા કરવાને કારણે એ લોકો અપરાધી ઠર્યા અને માર્યા ગયા. અને હવે તેઓ પાપ ઉપર પાપ કર્યા જ જાય છે અને પોતાને માટે પોતાની કલ્પના પ્રમાણેની ચાંદીની ઢાળેલી મૂર્તિઓ બનાવડાવે છે. એ બધી તો કારીગરે બનાવેલી છે, છતાં તેઓ કહે છે કે, ‘આને બલિ ચઢાવો.’ માણસો વાછરડાઓને ચુંબન કરે છે! આથી તેઓ પરોઢના ધુમ્મસની જેમ, અથવા જોતજોતમાં ઊડી જતી ઝાકળની જેમ, અથવા ખળામાંથી પવન તણાઇ જતાં ભૂસાની જેમ કે, ધુમાડિયામાંથી નીકળતા ધુમાડાની જેમ હતા ન હતા થઇ જશે.”

યહોવા કહે છે: “તમે મિસરમાં હતાં ત્યારથી હું, યહોવા તમારો દેવ છું. મારા સિવાય તમારો કોઇ અન્ય દેવ નથી. અને મારા વિના તમારો કોઇ તારણહાર નથી. ગરમ અને સૂકા અરણ્યમાં મેં તમારી કાળજી રાખી હતી. પરંતુ તમે પેટ ભરીને ખાધુંપીધું અને ધરાયા એટલે તમને અભિમાન થઇ ગયું અને તમે મને ભુલી ગયા.

“એટલે હવે હું તમારા માટે સિંહ જેવો થઇશ, દીપડાની જેમ હું તમારા રસ્તાની બાજુમાં ટાંપીને બેસીશ. જેનાં બચ્ચાં ઝૂટવી લેવાયા હોય એવી રીંછણની જેમ હું તમને ચીરી નાખીશ; અને સિંહની જેમ હું તમારો ભક્ષ કરીશ.

દેવના ક્રોધથી ઇસ્રાએલનો વિનાશ

“હે ઇસ્રાએલવાસીઓ, જો હું તમારો વિનાશ કરીશ, તો તમને મદદ કરનાર કોણ છે? 10 તમારું રક્ષણ કરનાર તમારો રાજા ક્યાં છે? તમારું રક્ષણ કરનારા તમારા બધા રાજકર્તાઓ ક્યાં છે? તમે જ તેમની પાસે મારી માગણી કરી હતી કે, ‘અમને એક રાજા આપો, રાજકર્તાઓ આપો.’ 11 મેં મારા ક્રોધમાં તમને રાજા આપ્યો હતો. અને હવે રોષે ભરાઇને મેં તેને લઇ લીધો છે.

12 “ઇસ્રાએલના પાપો ચોપડે નોંધવામાં આવેલા છે
    અને યોગ્ય સમયે શિક્ષા માટે
    તે ભરી રાખેલા છે.
13 એના પ્રસવ માટે વેદના-પીડા શરૂ થઇ છે,
    પણ એ મૂર્ખ બાળક છે,
કારણકે સમય થયો હોવા છતાં
    એ ઉદરમાંથી બહાર આવતું નથી.

14 “હું મૂલ્ય ચૂકવીને તેને શેઓલમાંથી છોડાવી લઇશ,
    હું એમને મૃત્યુમાંથી છોડાવીશ.
તેની કસોટી કરવા માટે હે શેઓલ,
    તારી વિનાશક શકિત છૂટી મૂક.
    અરે મૃત્યુ તારી મહામારી મોકલ! કારણકે મારી આંખમાં દયા રહી નથી.
15 તેના સર્વ ભાઇઓમાં તે સૌથી વધુ નિષ્ઠાવાન ગણાતો હતો.
    પરંતુ પૂર્વનો પવન-અરણ્યમાંથી આવતો યહોવાનો પવન
તેના ઉપર પ્રચંડ રીતે આવશે અને પછી ઝરા સુકાઇ જશે.
    અને તેમના કુંવાઓ સૂકાઇ જશે
    અને તેમનો મુલ્યવાન ખજાનો પવનમાં ઘસડાઇ જશે.
16 સમરૂને દેવની વિરૂદ્ધ બંડ કર્યું છે;
    માટે તેણે તેના અપરાધના ફળ ભોગવવા પડશે.
તેના ઉપર આક્રમણ કરનાર સૈન્ય તેના લોકોનો સંહાર કરશે.
    તેમના બાળકોને ભોંયે પછાડીને મારી નાખવામાં આવશે
    અને તેમની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે.
    એ લોકો તરવારનો ભોગ બનશે.”

કલોસ્સીઓ 4:2-6

ખ્રિસ્તીઓને કેટલીક બાબતો કરવા પાઉલ જણાવે છે

પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો. અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે હમેશા દેવની આભારસ્તુતિ કરો. અમારા માટે પણ પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે દેવ અમને તેની સુવાર્તા ફેલાવવાની તક આપે. પ્રાર્થના કરો કે દેવે જે ખ્રિસ્ત વિષેનું મર્મ પ્રકાશિત કર્યુ છે તેનો અમે ઉપદેશ આપી શકીએ. હું કારાગૃહમાં છું કારણ કે હું આ સત્યનો ઉપદેશ આપું છુ. પ્રાર્થના કરો કે આ સત્યને હું લોકોને સ્પષ્ટ જાહેર કરી શકું. આ જ મારે કરવું જોઈએ.

જે લોકો વિશ્વાસુ નથી તેવા લોકો સાથે ડહાપણથી વર્તો. તમારા સમયનો સદુપયોગ કરો. જ્યારે તમે વાતચીત કરો, ત્યારે તમે હમેશા માયાળુ અને બુદ્ધિમાન રહો. પછી જ તમે પ્રત્યેક વ્યક્તિને તમારે જે રીતે ઉત્તર આપવો જોઈએ તે રીતે આપી શકશો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International