Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.
1 હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
અમને પ્રકાશ આપો!
2 એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
અમને તારવાને આવ.
8 તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
9 તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.
17 તમારા જમણા હાથે જે માણસ છે,
અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
18 પછી માલિક તેઓના માથાં, પગ, તથા ગળા ફરતે પહેરવાના સર્વ આભૂષણો લઇ લેશે; 19 ગળામાં તથા હાથ પર પહેરવાનાં ઘરેણાં, બુટ્ટી, પોંચી, દુપટ્ટા; 20 માથા પરના રૂમાલ, બાજુબંધ પગનાં ઝાંઝર, રેશમી કમરપટ્ટા, સુગંધી દ્રવ્યો, માદળિયાં, 21 વીંટીઓ, વાળીઓ, 22 સુંદર વસ્ત્રો, ઝભ્ભાઓ, ટોપીઓ, અને બુરખાઓ, અલંકૃત પર્સ, 23 કિંનારવાળા કપડાં, મલમલના કપડાં.
24 પછી સુગંધને બદલે દુર્ગંધ, કમરબંધને બદલે દોરડું, સુંદર અંબોડાને બદલે તાલ, કીંમતી વસ્ત્રને બદલે ચીંથરો, અને સુંદરતાને બદલે કુરુપતા રહેશે.
25 સિયોનનગરીના પુરુષો તરવારનો ભોગ થઇ પડશે. એના વીર યોદ્ધાઓ રણમાં ખપી જશે. 26 પછી એના દરવાજા પણ આક્રંદ કરશે અને મરશિયા ગાશે; અને એ નગરીની દશા સર્વસ્વ ગુમાવીને ભોંય પર બેઠેલી સ્ત્રીના જેવી થશે.
4 તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે કે, “અમે અમારો પોતાનો રોટલો ખાઇશું અને અમારાઁ પોતાનાં વસ્ત્રો પહેરીશું. પણ તું અમને તારે નામે ઓળખાવા દે, જેથી અમારું કુવારાંપણાનું મહેણું ટળે.”
2 તે દિવસે યહોવા ઇસ્રાએલનાઁ વૃક્ષો અને ખેતરોને સુંદર અને મબલખ પાકથી ભરી દેશે. અને જમીનની પેદાશ ઇસ્રાએલના બચી ગયેલા માણસો માટે અભિમાન અને ગૌરવનો વિષય બની રહેશે. 3 સિયોનમાં તથા યરૂશાલેમમાં જેઓ બાકી રહ્યા હશે, જીવવા નિર્માયા હશે તેઓ પવિત્ર કહેવાશે.
4 જ્યારે માલિકે, ન્યાયના પાવક અગ્નિ વડે સિયોનની પુત્રીઓના ગંદવાડને ધોઇ નાખ્યો હશે, અને યરૂશાલેમનું રકત ન્યાયના તથા દહનના આત્માથકી તેનામાંથી નિર્મળ કરી નાખ્યું હશે, 5 યહોવા સિયોનના પર્વતને અને ત્યાં ભેગા થયેલા લોકો ને દિવસ દરમ્યાન વાદળ દ્વારા અને રાત દરમ્યાન જ્યોતિ અને ધુમાડાથી ભરી દેશે. 6 દિવસ દરમ્યાન તાપથી છાયા તરીકે, ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે યહોવાનો મહિમા ચંદરવાની જેમ છવાઇ જશે.
15 “જેના વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે કે, ‘એ ભયાનક વિનાશકારી વસ્તુને’ તમે પવિત્ર જગ્યામાં (મંદિર) ઊભેલી જુઓ.” (વાંચક તેનો અર્થ સમજી લે) 16 “ત્યારે જેઓ યહૂદિયામાં રહે છે તેઓને પહાડો તરફ ભાગી જવું પડશે. 17 જેઓ ઘરના છાપરાં પર હોય તેઓએ ઘરમાં સરસામાન લેવા જવું નહિ. 18 જેઓ ખેતરોમાં હોય તેમણે પોતાના કપડાં લેવા પાછા ઘરે જવું નહિ.
19 “એ દિવસોમાં જે ગર્ભવતી સ્ત્રીઓ હશે, અને જેને ધાવણાં બાળકો હશે તેમને માટે દુ:ખદાયક દિવસ હશે. 20 પ્રાર્થના કરો કે તમારે શિયાળાનાં દિવસોમાં કે વિશ્રામવારે ભાગવું ના પડે. 21 એ દિવસોમાં એવી મોટી આપત્તિ આવશે કે સૃષ્ટિ રચી ત્યારથી અત્યાર સુધી કદી આવી નથી. અને ભવિષ્યમાં એવી આપત્તિ આવશે નહિ.
22 “આ ભયંકર આપત્તિના દિવસો લોકોને ખાતર ઓછા કરવામાં આવશે. જો તેમ ન થયું હોત તો કોઈ માણસ બચી શકત નહિ. પરંતુ દેવના પસંદ કરાયેલા માણસો માટે જ આ દિવસો ઘટાડવામાં આવશે.
23 “ત્યારે તમને જો કોઈ કહે કે જુઓ, અહીં ‘ખ્રિસ્ત’ છે અથવા તે અહીં છે તો તેનો વિશ્વાસ કરશો નહિ. 24 કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊભા થશે. અને એવા અદભૂત ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો દેવના પસંદ કરેલા લોકોને પણ તેઓ ભુલાવશે. 25 જુઓ, આ વાત તમને અગાઉથી બાતાવું છું માટે સાવધ રહેજો.
26 “તેથી કોઈ તમને કહે; ‘ખ્રિસ્ત પેલી ઉજજડ ભૂમીમાં છે!’ પણ તે ઉજજડ પ્રદેશમાં ખ્રિસ્તને જોવા જશો નહિ. કોઈ કહે, ‘ખ્રિસ્ત અમુક ઘરમાં છે તો તે તમે માનશો નહિ. 27 જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે આકાશમાં પૂર્વથી પશ્ર્ચિમે ઝબકારા જેવું થશે જે દરેક માણસ જોઈ શકશે. તે પ્રમાણે માણસનો દીકરો પ્રગટ થશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International