Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “કરાર નું કમળ” શિખામણ માટે દાઉદનું મિખ્તામ, તે અરામ-નાહરાઇમ તથા અરામ-સોબાહ સાથે લડ્યો, ને યોઆબે પાછા ફરીને ખારના નીચાણમાં અદોમમાંના 12,000 સૈનિકો માર્યા તે સમયે લખાયેલું ગીત.
1 હે દેવ, તમે અમને તજી દીધા છે.અમારું કવચ તૂટી ગયું છે.
હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો.
મહેરબાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો.
2 તમે ધરતીકંપ કરીને પૃથ્વીને ચીરી નાખી છે.
હે યહોવા, તેને ફરીથી યથાર્થ બનાવી દો.
જુઓ તેના પાયા હલી ગયા છે.
3 તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઇ ગયાં છો,
તમે મારેલી લપડાકોએ અમને લથડિયાં ખવડાવ્યાં છે.
4 તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે,
અને ચેતવણી આપી છે, જેથી તેઓ વિનાશમાં રક્ષા પામે.
5 આવો અને તમારા જમણા હાથથી અમને બચાવો.
મારી પ્રાર્થનાનો જવાબ આપો અને જેને તમે પ્રેમ કરો છો તેમને તમે બચાવો.
6 જ્યારે દેવે તેમની પવિત્રતાએ કહ્યું,
“વિજય પામીને હું શખેમનાં ભાગ પાડીશ;
અને સુક્કોથની ખીણ
મારા લોકમાં વહેંચીશ,
ત્યારે હું ખૂબ ખુશ થઇશ.
7 ગિલયાદ મારું છે, મનાશ્શા મારું છે;
અને એફ્રાઈમ મારું શિરસ્રણ છે.
યહૂદિયા મારો રાજદંડ બનશે.
8 મોઆબ મારા પગ ધોવા માટેનો વાટકો છે,
અને જે મારા પગરખાં લઇ જાય છે તે અદોમ મારૂં ગુલામ છે.
હું પલિસ્તીઓ હરાવીશ અને વિજયના પોકાર કરીશ.”
9 મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે?
અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે?
10 હે દેવ, શું તમે અમને તજી દીધા છે?
તમે અમારા સૈન્ય સાથે આગેકૂચ કરતા નથી.
11 હા યહોવા, અમારા શત્રુઓ વિરુદ્ધ તમે અમારી સહાય કરો;
કારણ, માણસોની સહાય વ્યર્થ છે.
12 દેવના સાથથી અમે પરાક્રમો કરીશું;
કારણ, તેજ અમારા શત્રુઓને કચડી નાખશે.
યહોવા તરફ પ્રયાણ
14 હે ઇસ્રાએલના લોકો, તમારા યહોવા દેવ પાસે પાછા આવો, તમારા દુષ્કૃત્યોને લીધે તમે ઠોકર ખાઇને પછડાયા છો. 2 તમારી વિનંતી રજૂ કરો. યહોવા પાસે આવો અને કહો:
“હે યહોવા, અમારાં પાપો દૂર કરીને અમારામાંનું સારું હોય,
તેનો સ્વીકાર કરો.
અમે તમને સ્તુતિઓ અપીર્શું.
3 “આશ્શૂર અમને બચાવી શકશે નહિ;
હવે અમે કદી યુદ્ધના ઘોડાને ભરોસે રહીશું નહિ,
અને હવે અમે કદી હાથે ઘડેલી મૂર્તિને
‘અમારો દેવ કહીશું નહિ’ તમે જ અનાથના નાથ છો.”
યહોવા ઇસ્રાએલને ક્ષમાં કરશે
4 યહોવા કહે છે,
“હું મારા લોકોના વિશ્વાસઘાતનો રસ્તો કરીશ.
હું ઉદારતાથી અને છૂટથી તેમના પર પ્રેમ રાખીશ.
કારણકે હું તેમના પર રોષે નથી.
5 હું ઇસ્રાએલને માટે ઝાકળ જેવો થઇશ;
તે કમળની જેમ ખીલશે,
લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ હજુ ઊંડા જશે,
6 તેને નવા ફણગાં ફૂટશે,
અને તેની ડાળીઓ ફેલાઇ જશે,
તેનો દેખાવ એક સુંદર જૈંતવૃક્ષ જેવો હશે
અને લબાનોનના ગંધતરુઁઓ જેવી તેની સુવાસ હશે.
7 ફરી તેઓ મારા છાયડામાં વાસો કરશે;
તેઓ બગીચાની જેમ ફૂલશે ફાલશે,
દ્રાક્ષાવાડીની જેમ વધશે;
તેઓની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે.
ઇસ્રાએલને મૂર્તિઓ વિષે યહોવાની ચેતવણી
8 “હે ઇસ્રાએલ, તારે મૂર્તિઓ સાથે કઇં કરવાનું નહિ રહે.
હું એ છું જે તમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપુ છું.
અને હું તમારી સંભાળ રાખુ છું.
તમારી સારસંભાળ રાખું છું.
હું સદા લીલાછમ રહેતા વૃક્ષ જેવો છું.
મારી પાસેથી જ તમને ફળ મળે છે.”
અંતિમ ચેતવણી
9 સમજુ ડાહ્યો હોય તે આ બાબતોને સમજે, બુદ્ધિશાળી વ્યકિત તે સાંભળે,
જેનામાં સમજણ હોય તે,
એનો અર્થ હૈયામાં રાખે,
કારણકે યહોવાના રસ્તાઓ સત્ય અને ન્યાયી છે,
અને સારો માણસ તેના ઉપર ચાલે છે,
પણ પાપી માણસો ઠોકર ખાઇને પછડાય છે.
દેવના રાજ્યને પ્રથમ સ્થાન આપવું
(માથ. 6:25-34, 19-21)
22 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તેથી હું તમને કહું છું કે, તમારે જીવવા માટે જે ખોરાક જોઈએ તેની ચિંતા કરશો નહિ, તમારા શરીર માટે જરૂરી કપડાંની તમે ચિંતા કરશો નહિ. 23 જીવન ખોરાક કરતા વધારે મહત્વનું છે અને શરીર કપડાં કરતા વધારે મહત્વનું છે. 24 પક્ષીઓ તરફ જુઓ, તેઓ વાવતા નથી કે લણતાં નથી. પક્ષીઓ વખારમાં કે ઘરમાં અનાજ બચાવતા નથી. પરંતુ દેવ તેમની સંભાળ રાખે છે. અને તમે તો પક્ષીઓ કરતાં ઘણા મૂલ્યવાન છો. 25 તમારામાંથી કોઈ પણ તેના અંગે ચિંતાઓ કરીને તમારા જીવનમાં થોડા સમયનો પણ વધારો કરી શકતો નથી. 26 જો તમે નાની બાબત પણ કરી શકતા નથી તો પછી બીજી બાબતોની ચિંતા શા માટે કરો છો?
27 “જંગલી ફૂલોને જુઓ, તેઓ કેવી રીતે ઊગે છે. તેઓ તેમની જાત માટે નથી કપડાં બનાવતા કે નથી કંઈ કામ કરતાં. પણ હું તમને કહું છું કે મહાન ધનવાન રાજા સુલેમાન પણ સુંદર રીતે શણગારાએલાં ફૂલોમાંના એક જેવો પણ પહેરેલો ન હતો. 28 એ પ્રમાણે દેવ ખેતરના ઘાસને સુંદર વસ્ત્રો પહેરાવે છે તેમ ઘાસ આજે જીવે છે. પણ આવતીકાલે તેને બાળી નાખવા આગમાં નંખાય છે. તેથી તું જાણ કે દેવ તને વધારે સારું પહેરાવશે. તેથી આવો અલ્પવિશ્વાસ ન રાખો.
29 “તેથી હંમેશા તમે શું ખાશો અને શું પીશો તેના વિષે વિચાર ન કરો. તેના વિષે ચિંતા ન કરો. 30 જગતના બધા લોકો તે વસ્તુઓ મેળવવા પ્રયત્ન કરે છે. તમારો પિતા જાણે છે કે તમારે તે વસ્તુઓની જરૂર છે. 31 જે વસ્તુઓ તમને જોઈએ છે તે દેવનું રાજ્ય છે. પછી આ બધી જરૂરી વસ્તુઓ તમને આપવામાં આવશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International