Revised Common Lectionary (Semicontinuous)
આસાફનું માસ્કીલ.
1 હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે?
તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?
2 હે યહોવા, સ્મરણ કરો; પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા.
તમે લોકોને બચાવ્યાં અને તેમને તમારા પોતાના બનાવ્યા.
સ્મરણ કરો સિયોન પર્વત, જે જગાએ તમે રહો છો.
3 દેવ આવો અને આ પ્રાચીન ખંડેરમાંથી ચાલ્યા આવો.
તમારા પવિત્રસ્થાનને શત્રુઓએ કેટલું મોટું નુકશાન કર્યુ છે!
4 તમે જ્યાં અમારી મુલાકાત લો છો,
તે સ્થળમાં શત્રુ ગર્જના કરે છે; પોતાનો વિજય દર્શાવવા તેઓએ પોતાની ધ્વજાઓ ઊભી કરી છે.
5 તેઓ જંગલનાં વૃક્ષો પર
કુહાડા ઉગામનારાઓના જેવા છે.
6 તેઓ તેનું તમામ નકશીદાર કામ
કુહાડી-હથોડાથી તોડી નાખે છે.
7 તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે.
તેઓએ તમારાં રહેઠાણનો નાશ કર્યો છે.
8 તેઓએ તેમને પોતાને કહ્યું હતું: “તેમને પૂરેપૂરા કચડી નાંખીએ.”
તેઓએ દેશમાંના દેવના બધાં સભા સ્થાનોને બાળી મૂક્યાં.
9 અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી,
નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વનો અંત ક્યારે?
કોણ કરી શકે?
10 હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે?
શું તમે તેઓને સદા આમ કરવા દેશો?
11 શા માટે તમે વિલંબ કરો છો?
શા માટે તમારા સાર્મથ્યને અટકાવી રાખો છો?
હાથ ઉગામીને તેઓ પર તમારો અંતિમ ઘા કરો.
12 પુરાતન કાળથી, દેવ મારા રાજા છે.
તે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી લોકોનું તારણ કરે છે.
13 તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં,
વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ.
14 પેલા પ્રચંડ પ્રાણીઓના માથાઓને ટૂકડે ટૂકડા કરીને ભાંગી નાખ્યા
અને તેમના શરીરને રણનાં પ્રાણીઓને ખાવા માટે આપી દીધાં.
15 તમારા લોકોને પાણી પૂરુ પાડવાં, ઝરણાં અને નદીઓ સઘળે વહેવડાવી;
નિરંતર વહેતી નદીઓને સૂકવીને તમે સૂકી ભૂમિનો રસ્તો તૈયાર કર્યો.
16 દિવસ અને રાત બંને તમારા છે,
અને તમે જ સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યુ છે.
17 પૃથ્વીની સીમાઓ, સ્થાપન તમે જ કરી છે;
ઉનાળો-શિયાળો ઋતુઓ પણ તમે બનાવી છે.
18 હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે,
મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે,
આ વસ્તુઓ યાદ રાખો.
19 હે યહોવા, તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓનાં હાથમાં જવા દેશો નહિ;
તમારા લોકોને ભૂલશો નહિ અને હિંસક પ્રાણીઓથી બચાવો.
20 હે યહોવા, તમે કરેલો કરારનું સ્મરણ કરો,
આ દેશના અંધકારમય ભાગમાં હિંસા વ્યાપક બની છે.
21 હે દેવ, તમારા આ દુ:ખી લોકોનું સતત અપમાન થવા ના દેશો.
દરિદ્રીઓ અને લાચારોને
તમારું સ્તવન કરવાને કારણ આપો.
22 હે દેવ તમે ઉઠો, અને તમારી લડાઇમાં લડો!
મૂર્ખો આખો દિવસ તમારું અપમાન કરે છે, તેનું સ્મરણ કરો.
23 જેઓ તમારી વિરુદ્ધ થયા છે અને નિત્ય ઊંચાને ઊંચા ચઢે છે તે તમારા શત્રુઓની ધાંધલ
અને બરાડાઓને તમે ના વિસરશો.
27 તે દિવસે યહોવા પોતાની ભયાવહ
અને સખત મોટી મજબૂત તરવાર વડે વેગવાન
ગૂંછળિયા સાપ લિવયાથાનને
એટલે સમુદ્રના અજગરને શિક્ષા કરશે.
2 તે દિવસે યહોવા પોતાની સુંદર રળિયામણી દ્રાક્ષવાટીકા વિષે ગાઓ:
3 “હું યહોવા મારી દ્રાક્ષાવાડીની ચોકી કરું છું,
હું વારંવાર એને પાણી પાઉં છું.
રખેને કોઇ એને ઇજા પહોંચાડે માટે રાતદિવસ
હું એની ચોકી કરું છું.
4 હું હવે દ્રાક્ષાવાડી પ્રત્યે ક્રોધિત નથી,
પણ હવે અહીં જો કાંટા અને ઝાંખરા ઊગે તો
હું તેનો સામનો કરી તેને બાળીને ભસ્મ કરી નાખીશ.
5 પરંતુ જો મારી દ્રાક્ષવાડીને મારું સંરક્ષણ જોઇતું હોય તો
તેને મારી સાથે સમાધાન કરવા દો,
હા, તેને મારી સાથે સમાધાન કરવા દો.
6 પછી એવો સમય આવશે જ્યારે ઇસ્રાએલી યાકૂબના વંશજના લોકો દ્રાક્ષનાવેલાની જેમ પોતાનાં મૂળ નાખશે;
તે જમીનમાં તેના દ્રાક્ષ વેલાની જેમ ફૂલશે-ફાલશે,
અને સમગ્ર પૃથ્વીને ફળોથી ભરી દેશે.”
7 ઇસ્રાએલના શત્રુઓને યહોવાએ જેવો માર માર્યો છે. તેવો એને નથી માર્યો, શત્રુઓની જેવી હત્યા કરી છે તેવી એની નથી કરી.
8 યહોવાએ પોતાના લોકોને દેશવટે મોકલીને સજા કરી હતી, ઊગમણા પવન જેવી સખત ઝાપટ મારીને તેમને હઠાવી દીધા હતા.
9 પરંતુ જ્યારે ઇસ્રાએલીઓ બીજા દેવોની વેદીઓના બધા પથ્થરોને ચૂનાની માફક પીસી નાખ્યા અને એક પણ ધૂપની વેદીને અને અશેરાહ દેવીની મૂર્તિઓના એક પણ સ્તંભને પણ રહેવા દીધો નહિ આથી, તેમનાં પાપોનું પ્રાયશ્ચિત થશે અને તેમનાં પાપો દૂર થશે.
10 તેનાં કોટવાળાં નગરો ઉજ્જડ અને ખાલી પડી રહેશે. તેના ઘરોનો ત્યાગ કરીને વેરાન બનાવી દેવામાં આવશે. તેની શેરીઓમાં ઘાસ ઊગી નીકળશે, ત્યાં વાછરડાં ચરશે, ત્યાં બેસશે, ને ડાળખાં-પાંદડાં ખાશે. 11 તેના વૃક્ષોની ડાળીઓ જ્યારે સૂકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમને બળતણ તરીકે વાપરશે; કારણ, એ પ્રજા સમજણ વગરની છે.
અને તેથી એનો સર્જનહાર દેવ, તેના પર દયા નહિ લાવે, તેના પર કૃપા નહિ કરે.
12 તે દિવસે યહોવા ફ્રાંત નદીથી તે મિસરની સરહદ સુધી ખળીમાંના અનાજને ઝૂડવાનું શરૂ કરશે. અને તમને ઇસ્રાએલના લોકોને એકે એકને ભેગા કરશે.
13 તે દિવસે મોટું રણશિંગડું ફૂંકવામાં આવશે; અને જેઓ આશ્શૂર દેશમાં ખોવાઇ ગયા હતા અથવા તો મિસર જવા માટે ફરજ પડી હતી તેઓને યરૂશાલેમમાં યહોવાના પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરવાને પાછા એકત્ર કરવામાં આવશે.
ઈસુનું મંદિરમાં આગમન
(માથ. 21:12-17; માર્ક 11:15-19; યોહ. 2:13-22)
45 ઈસુ મંદિરમાં પ્રવેશ્યો અને વસ્તુઓ વેચનારાઓની વસ્તુઓ બહાર ફેંકવા માડી. 46 ઈસુએ કહ્યું કે, “શાસ્ત્રોમાં લખ્યું છે કે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે.’(A) પરંતુ તમે તેને ‘ચોરોને છુપાવા માટેનો અડ્ડો બનાવી દીધું છે.’”
47 ઈસુ રોજ મંદિરમાં ઉપદેશ આપતો હતો. પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓ તેને મારી નાખવા ઈચ્છતા હતા. 48 પણ બધાજ લોકો ઈસુને નજીકથી એકાગ્રતાથી સાંભળતા હતા. ઈસુ જે કહેતો તેમાં તેઓને ખુબ રસ હતો. તેથી મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓને તેને કેવી રીતે મારી નાખવા શું કરવું તે સૂઝતુ ન હતું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International