Revised Common Lectionary (Semicontinuous)
1 હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.
મને શરમિંદો કરશો નહિ.
2 મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;
મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
3 જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,
તમે મને તારવાની આજ્ઞા કરી છે
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
4 હે મારા દેવ, તમે મને દુષ્ટોના
ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
5 હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!
મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
6 હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.
મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.
હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.
20 યહોવા કહે છે, “હવે મારી સમક્ષ શેબાથી દૂરદેશાવરથી મંગાવેલ ધૂપ-લોબાન બાળવાથી કાઇં વળવાનું નથી.
તમારી કિંમતી સુગંધીઓ સાચવી રાખો!
હું તમારા અર્પણો સ્વીકારી શકતો નથી.
તેમાં મને પ્રસન્ન કરતી સુગંધ નથી.”
21 યહોવા કહે છે,
“તેથી હું મારા એ લોકોને ઠોકર ખવડાવીશ
અને તેઓ ભૂમિ પર પછડાશે;
પિતા અને પુત્ર,
પડોશી અને મિત્ર બધા જ નાશ પામશે.”
22 યહોવા કહે છે,
“ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે,
પૃથ્વીને દૂરને છેડે એક બળવાન પ્રજા યુદ્ધની તૈયારી કરી રહી છે.
23 તેઓ ક્રૂર અને નિર્દય છે,
શસ્ત્રસજ્જ થઇ ઘોડેસવારી કરતા આવે છે,
તેઓની કૂચનો અવાજ
ઘૂઘવતા સમુદ્ર જેવો છે.
હે સિયોનની દીકરી,
તેઓ તારી વિરુદ્ધ લડાઇ કરવા તૈયાર છે.”
24 લોકો કહે છે, “અમે સમાચાર સાંભળ્યા છે,
અમારા ગાત્રો ગળી ગયા છે.
અમને વેદના જાગી છે,
જાણે પ્રસૂતિની વેદના.
25 બહાર ખેતરોમાં જશો નહિ,
રસ્તાઓ પર મુસાફરી કરશો નહિ
કારણ કે સર્વત્ર શત્રુ છે અને સંહાર કરવાને તત્પર છે.
ચારે તરફ ભય છે.
26 હે મારા પ્રિય લોકો શોકનાં વસ્ત્રો ધારણ કરો,
રાખમાં બેસો,
અને એકના એક પુત્રને માટે હોય
તેમ ભગ્નહૃદયે ચિંતા કર.
કારણ કે વિનાશ કરનાર સૈન્યો
એકાએક આપણા પર ચઢી આવશે.
27 “યર્મિયા, મેં તને ધાતુઓનો પારખનાર કર્યો છે,
મારા લોકોની પરીક્ષા કર,
અને તેઓનું મૂલ્ય નક્કી કર.
તેઓ શું કહે છે તે તું સાંભળ.
અને તેઓ શું કરે છે તે તું જો.
28 એ બધા અધમ બંડખોરો
અને યહોવાની વિરુદ્ધ દુષ્ટતા ભરેલી વાતો કરનારા નથી?
તેઓ પિત્તળ જેવા કઠોર અને લોખંડ જેવા ક્રૂર છે.
29 ધમણ ચાલે છે, વેગથી હવા ફૂંકે છે.
અને શુદ્ધ કરનારો અગ્નિ વધુ પ્રબળ બની અતિશય ગરમી આપતો જાય છે.
આવો અગ્નિ પણ તેઓને શુદ્ધ કરી શકતો નથી.
કારણ કે તેઓમાંથી કોઇ જ પ્રકારની શુદ્ધતા બહાર આવી શકે તેમ નથી.
તો પછી શુદ્ધિકરણની પ્રક્રિયા શા માટે ચાલુ રાખવી?
તે બધુંજ કચરો છે.
અગ્નિ ગમે તેટલો પ્રબળ બને પણ તેઓ તો પોતાના દુષ્ટ માર્ગોમાં ચાલુ જ રહે છે.
30 તેઓ નકારેલી ચાંદી એમ કહેવાય છે.
કારણ કે યહોવાએ તેમનો નકાર કર્યો છે.”
થેસ્સલોનિકમાં પાઉલ અને સિલાસ
17 પાઉલ અને સિલાસે અમ્ફિપુલિસ અને અપલોનિયાના શહેરોમાં થઈને મુસાફરી કરી. તેઓ થેસ્સલોનિકા શહેરમાં આવ્યા. ત્યાં તે શહેરમાં યહૂદિઓનું સભાસ્થાન હતું. 2 પાઉલ આ સભાસ્થાનમાં યહૂદિઓને મળવા માટે ગયો. આ તેનો હંમેશનો રિવાજ હતો. પ્રત્યેક વિશ્રામવારે ત્રણ અઠવાડિયા સુધી પાઉલ યહૂદિઓ સાથે ધર્મશાસ્ત્રો વિષે વાતો કરતો. 3 પાઉલ યહૂદિઓને આ ધર્મશાસ્ત્રો સમજાવતો. તેણે બતાવ્યું કે ખ્રિસ્તે મૃત્યુ પામવું અને પછી મૃત્યુમાંથી પાછા ઊઠવું એ આવશ્યક હતું. પાઉલે કહ્યું, “આ માણસ ઈસુ કે જેના વિષે હું તમને કહું છું તે ખ્રિસ્ત છે.” 4 કેટલાએક યહૂદિઓના મનનું સમાધાન થયું અને તેઓ પાઉલ અને સિલાસ સાથે જોડાયા. સભાસ્થાનમાં ત્યાં કેટલાએક ગ્રીક માણસો પણ હતા જેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. ત્યાં કેટલીએક મહત્વની સ્ત્રીઓ પણ હતી, આ લોકોમાંના ઘણા પાઉલ અને સિલાસ સાથે જોડાયા.
5 પણ યહૂદિઓ જેઓ માનતા ન હતા તેઓ ઈર્ષ્યાળુ બન્યા. તેઓએ શહેરમાંથી કેટલાએક ખરાબ ભાડૂતી માણસો રાખ્યા. આ ખરાબ માણસોએ ઘણા લોકોને ભેગા કર્યા અને શહેરમાં મુશ્કેલીઓ ઊભી કરી. તે લોકો પાઉલ અને સિલાસની શોધમાં યાસોનના ઘરમાં ગયા. તે માણસો પાઉલ અને સિલાસને લોકોની આગળ બહાર કાઢવા ઇચ્છતા હતા. 6 પણ તેઓ પાઉલ અને સિલાસને શોધી શક્યા નહિ. તેથી તે લોકોએ યાસોન અને બીજા કેટલાએક વિશ્વાસીઓને શહેરના આગેવાનો આગળ ઘસડી લાવ્યા. તે બધા લોકોએ બૂમો પાડી. “આ માણસોએ વિશ્વમાં દરેક જગ્યાએ મુશ્કેલી ઊભી કરી છે. અને તેઓ હવે અહીં આવ્યા છે. 7 યાસોન તેઓને તેના ઘરમાં રાખે છે. તેઓ બધા કૈસરની નિયમની વિરૂદ્ધ ગયા અને તેઓ કહે છે કે ત્યાં બીજો એક ઈસુ નામે રાજા છે.”
8 શહેરના અધિકારીઓ અને બીજા લોકોએ આ વાતો સાંભળી. તેઓ ઘણા બેચેન બન્યા. 9 તેઓએ યાસોનને તથા બીજા વિશ્વાસીઓને દંડ કર્યો. પછી તેઓએ વિશ્વાસીઓને છોડી દીધા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International