Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 107:1-7

ભાગ પાંયમો

(ગીત 107–150)

યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
    કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
    અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.

કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં
    અને તેઓને વસવા નગર ન મળ્યું.
તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
    અને નબળા પડી રહ્યાં હતાં.
પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
    અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.

ગીતશાસ્ત્ર 107:33-37

33 તે જ્યાં નદીઓ છે ત્યાં રણ કરી દે;
    અને જ્યાં ઝરા વહે છે ત્યાં તરસી ભૂમિ કરી દે.
34 વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે,
    ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.
35 વળી તે રણમાં સરોવર કરે
    અને કોરી ભૂમિમાં તે ઝરણાંઓને વહેતા કરે છે
36 અને ત્યાં ભૂખ્યાંજનોને વસવા લાવે છે;
    જેથી તેઓ પોતાને રહેવા માટે નગર બાંધે છે.
37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે, અને દ્રાક્ષાવાડીઓમાઁ રોપણી કરીને;
    તેઓ તેનાં ફળની ઊપજ ઉત્પન કરે છે.

યહોશુઆ 1:1-11

યહોશુઆની ઇસ્રાએલના ઉત્તરાધિકારી તરીકે પસંદગી

મૂસા યહોવાનો સેવક હતો, નૂનનો પુત્ર યહોશુઆ મૂસાનો મદદનીશ હતો. મૂસાના મૃત્યુ પછી યહોશુઆ સાથે યહોવાએ વાત કરી અને તેણે કહ્યું: “હવે માંરા સેવક મૂસાનું અવસાન થયું છે. તેથી તું ઇસ્રાએલના લોકોનો નેતા છે. તેથી ઇસ્રાએલના બધા લોકોને લઈ અને યર્દન નદીની પેલે પાર હું તને જે દેશ આપું છું ત્યાં જા. મેં મૂસાને વચન આપ્યું હતું કે હું તમને આ જગા આપીશ. જે જમીન તમાંરા પગ નીચે આવશે તે હું તમને આપીશ. હિત્તીઓની બધી ભૂમિ રણ અને લબાનોનથી મહાન નદી યુફ્રેતીસ સુધી અને પશ્ચિમમાં છેક મહાસાગર તમાંરી સીમાંમાં હશે. તું જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી કોઈ તને રોકી શકશે નહિ. હું જેમ મૂસાની સાથે રહેતો હતો. તે જ પ્રમાંણે તારી સાથે પણ હું રહીશ.

“યહોશુઆ બળવાન અને હિમ્મતવાન થા. કારણ, તારે આ લોકોને જે દેશ તરફ દોરી જવાના છે જે મેં તેઓના પૂર્વજોની આગળ તેમને આપવા માંટે વચન આપ્યું હતું. તારે તો માંત્ર બળવાન અને હિમ્મતવાન થવાનું છે. અને માંરા સેવક મૂસાએ જે નિયમો તને આપ્યાં તેનું તારે સંપૂર્ણ પાલન કરવાનું છે. જો તું તેને સંપૂર્ણપણે અનુસરીશ તો તું જે કંઈ કરીશ તેમાં સફળ થઈશ. તેનાથી ફરતો નહિ, નહિ ડાબે કે નહિ જમણે. એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ પણ રાતદિવસ તારે એનું મનન કરવાનું છે જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે: કારણકે તો જ તું સફળ થશે અને સમૃદ્ધિ પામશે. મેં તને બળવાન અને હિમ્મતવાન થવા આજ્ઞા કરી હતી. તેથી ભયભીત કે નાહિંમ્મત થઈશ નહિ કારણ હું તારો દેવ યહોવા છું. યહોશુઆ જ્યાં ક્યાંય તું જાય છે ત્યાં તારો દેવ, હું તારી સાથે છું.”

યહોશુઆએ નેતૃત્વ કર્યુ

10 ત્યારબાદ યહોશુઆએ લોકોના આગેવાનોને આ પ્રમાંણે આજ્ઞા કરી કે, 11 “છાવણીમાં બધે ફરીને લોકોને કહો કે, ‘તમાંરી સાથે લેવા માંટે થોડું ખાવાનું તૈયાર રાખજો કારણકે યર્દન નદી ઓળંગવા માંટે તમને ત્રણ દિવસ લાગશે અને આપણા દેવ યહોવા આપણને વચન આપેલ દેશ આપશે. આપણે ત્યાં જઈશું અને રહીશું!’”

રોમનો 2:17-29

યહૂદિઓ અને નિયમશાસ્ત્ર

17 પાઉલ યહૂદિઓને કહે છે: તમારા વિષે શું કહેવું, શું માનવું? તમે તો યહૂદિ હોવાનો દાવો કરો છો. નિયમના આધારે તમે દેવની નજીક હોવાનું અભિમાન ધરાવો છો. 18 દેવ તમારી પાસે કેવી અપેક્ષા રાખે છે તે તમે સારી રીતે જાણો છો. જે બાબતો અગત્યની છે તે પણ તમે જાણો જ છો કારણ કે નિયમશાસ્ત્રમાં તમે તેવું શીખ્યા છો. 19 તમે માનો છો કે જે લોકો સાચો માર્ગ જાણતા નથી, તેઓના માર્ગદર્શક તમે છો. જે લોકો અંધકારમાં છે તેમના માટે પ્રકાશરૂપ તમે છો. 20 તમે એમ ધારો છો કે મૂર્ખ માણસોને સાચો માર્ગ તમે બતાવી શકશો જે લોકોને હજી પણ શીખવાની જરૂર છે તેમના શિક્ષક તમે છો એમ તમે માનો છો. નિયમ શીખવાથી તમે વિચારો છો કે તમે બધું જ જાણો છો અને સર્વ સત્ય તમારી પાસે જ છે. 21 તમે બીજા લોકોને ઉપદેશ આપો છો, તો પછી તમારી જાતને ઉપદેશ કેમ આપતા નથી? તમે લોકોને કહો છો કે ચોરી ન કરવી, પરંતુ તમે પોતે જ ચોરી કરો છો. 22 તમો લોકોને કહો છો કે વ્યભિચારનું પાપ ન જ કરવું જોઈએ, પરંતુ તમે પોતે એ પાપના અપરાધી છો. તમે મૂર્તિ-પૂજાને ધિક્કારો છો, પરંતુ મંદિરોને લૂટો છો. 23 દેવના નિયમશાસ્ત્રનું જ્ઞાન હોવાની તમે બડાશો મારો છો પરંતુ નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને તમે દેવને શરમાવો છો. 24 શાસ્ત્રોમાં લખેલું છે કે: “તમારા કારણે બિનયયહૂદિઓમાં દેવના નામની નિંદા થાય છે.”

25 જો તમે નિયમનું પાલન કરતા હોય તો જ સુન્નત કરાવી સાર્થક ગણાય. પરંતુ જો તમે નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતા હશો તો તમે સુન્નત કરાવી જ નથી એમ ગણાશે. 26 બિનયહૂદિયો સુન્નત કરાવતા નથી. છતાં નિયમો જે માંગે છે, તે પ્રમાણે કરતા હોય તો તેમણે સુન્નત કરાવી છે એમ મનાશે. 27 યહૂદિ લોકો પાસે તો દેવનું લેખિત નિયમશાસ્ત્ર છે અને તમે તો સુન્નત કરાવી છે. છતાં પણ તમે નિયમનો ભંગ કરતા જ રહો છો. તેથી એવા લોકો કે જેમણે શારીરિક દૃષ્ટિએ સુન્નત કરાવી નથી. છતાં દેવ-આજ્ઞાનું પાલન કરે છે, તેઓનું જીવન એ બતાવે છે તમે લોકો અપરાધી છો.

28 સાચા યહૂદિ હોવું એ માત્ર સાદી સરળ બાહ્ય નિશાનીઓની બાબત નથી. અને સાચી સુન્નત તો શારીરિક નિશાની કરતાં વધારે છે. 29 જે વ્યક્તિ પોતાના અંત:કરણમાં યહૂદિ હશે તે જ સાચો યહૂદિ ગણાશે. સાચી સુન્નત તો પવિત્ર આત્માથી કરાવાની હોય છે, લેખિત નિયમ વડે થતી સુન્નત સાચી નથી. અને જ્યારે આત્મા દ્વારા કોઈ વ્યક્તિના હૃદયની સુન્નત થાય છે, ત્યારે લોકો તેની પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમના પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમની પ્રશંસા પ્રાપ્ત થાય છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International