Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત. તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનુ ગીત.
1 હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો?
જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ;
તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે!
ને દેહ તલપે છે.
2 તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા,
પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
3 કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે
તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
4 હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ,
ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
5 મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું,
અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
6 જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે,
આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
7 તમે મને સહાય કરી છે,
અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ.
8 મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે,
તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.
યહોવાનું ગૌરવ
34 ત્યારબાદ મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું. 35 મૂસા મુલાકાત મંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે, વાદળ તેના પર સ્થિર થયું હતું, અને યહોવાનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.
36 ઇસ્રાએલીઓના પ્રવાસના પ્રત્યેક મુકામે જયારે વાદળ મંડપ પરથી હઠી જતું ત્યારે તે લોકો મુકામ ઉપાડતા. 37 પણ જો વાદળ પવિત્રમંડપ ઉપર સ્થિર થતું તો વાદળ હઠે નહિ ત્યાં સુધી તેઓ મુકામ ઉપાડતા નહિ. 38 દિવસ દરમ્યાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇસ્રાએલી લોકો સમગ્ર પ્રવાસ દરમ્યાન પ્રત્યેક મુકામને જોઈ શકતા.
બાબિલોનનો વિનાશ
18 પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી નીચે આવતા જોયો. આ દૂત પાસે વધારે સત્તા હતી. તે દૂતના મહિમાથી પૃથ્વી પ્રકાશિત થઈ. 2 તે દૂતે મોટા શક્તિશાળી અવાજ સાથે બૂમ પાડી કે:
“તેનો વિનાશ થયો છે!
તે મોટા શહેર બાબિલોનનો નાશ થયો છે!
તે ભૂતોનું ઘર બન્યું.
તે શહેર દરેક અશુદ્ધ આત્માઓને રહેવા માટેનું સ્થળ બન્યું છે.
તે બધી જાતના અશુદ્ધ પક્ષીઓથી ભરેલું શહેર બન્યું છે.
તે બધા અશુદ્ધ તિરસ્કૃત પ્રાણીઓનું શહેર બન્યું છે.
3 પૃથ્વી પરના બધા લોકોએ તેના વ્યભિચારના પાપનો તથા દેવના કોપનો દ્રાક્ષારસ પીધો છે.
પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા છે
અને પૃથ્વી પરના વેપારીઓ તેની સમૃદ્ધ સંપત્તિ અને મોજશોખમાંથી શ્રીમંત થયા છે.”
4 પછી મેં બીજો એક અવાજ આકાશમાંથી કહેતા સાંભળ્યો કે:
“મારા લોકો, તે શહેરમાથી બહાર આવો,
જેથી તમે તેના પાપોના ભાગીદાર ન થાઓ.
પછી તમે તેના પર આવનારી વિપત્તિઓને તમારે સહન કરવી પડશે નહિ.
5 તે શહેરનાં પાપો દૂર આકાશ સુધી પહોંચ્યા છે.
તેણે જે ખરાબ કૃત્યો કર્યા છે તે દેવ ભૂલ્યો નથી.
6 તે શહેરને એટલું ભરી આપો, જેટલું તેણે બીજાઓને ભરી આપ્યું છે.
તેણે જેટલું કર્યુ છે તેનાથી બમણું આપો;
તેને માટે દ્રાક્ષારસ જેટલો તેણે બીજાઓ માટે તૈયાર કર્યો હતો તેનાથી બમણો તેજ તૈયાર કરો.
7 બાબિલોને પોતાને મોટી કીર્તિ અને મોજશોખ જીવનમાં પ્રાપ્ત કર્યા,
તેટલાં દુ:ખો અને વેદનાઓ પણ તેને આપો;
તે તેની જાતને કહે છે, ‘હું મારા રાજ્યાસન પર બેઠેલી એક રાણી છું.
હું વિધવા નથી,
હું કદી ઉદાસ થનાર નથી.’
8 તેથી એક દિવસમાં આ બધી
ખરાબ બાબતો મૃત્યુ, શોક અને દુકાળ તેની પાસે આવશે.
તેનો અગ્નિથી નાશ થશે,
કારણ કે પ્રભુ દેવ જે તેનો ન્યાય કરે છે તે શક્તિશાળી છે.”
9 પૃથ્વીના રાજાઓ, જેમણે તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા અને તેની સંપત્તિમાં ભાગ પડાવ્યો તેઓ તેની આગનો ધૂમાડો જોશે. પછી તે રાજાઓ તેના મૃત્યુને કારણે રડશે અને દુ:ખી થશે. 10 તેની વેદનાના ભયથી તે રાજાઓ દૂર ઊભા રહેશે. તે રાજાઓ કહેશે કે:
“અરેરે! ભયંકર! કેવું ભયંકર, મહાન બાબિલોન નગર,
બાબિલોનનું બળવાન નગર!
તારી શિક્ષા એક કલાકમાં થઈ!”
19 તેઓએ પોતાનાં માથાં પર ધૂળ ફેંકી. તેઓ રડ્યા અને વિલાપ કરવા લાગ્યાં. તેઓએ મોટા સાદે કહ્યું કે:
“અરેરે! ભયંકર! કેવું ભયંકર તે મહાન નગર!
તે બધા લોકો જેમની પાસે સમુદ્ર પર વહાણો છે, તેઓ તથા તેની સંપતિને કારણે તેઓ ધનવાન થયા.
પરંતુ તેનો વિનાશ એક કલાકમાં થયો!
20 ઓ આકાશ! આના કારણે આનંદિત થાઓ.
સંતો, પ્રેરિતો અને પ્રબોધકો, આનંદ કરો.
તેણે તમારી સાથે જે કાંઇ કર્યું તેને કારણે દેવે તેને શિક્ષા કરી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International