Revised Common Lectionary (Semicontinuous)
વાવ
41 હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે
મારું તારણ મારા પર આવો.
42 તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે,
હું તમારા વચનનો ભરોસો કરું છું.
43 ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઇ જશો,
હું તમારા ન્યાયવચનો ઉપર આધાર રાખું છું.
44 હું સદાય તમારા નિયમોને આધીન રહીશ.
45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે;
તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ.
46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ,
અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.
47 તમારા નિયમો મને બહુ પ્રિય છે;
તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
48 હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ,
હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.
મૂસાનો પ્રકાશીત ચહેરો
29 છેલ્લે મૂસા કરારની બે તકતીઓ લઈને સિનાઈ પર્વત ઉપરથી નીચે ઊતર્યો, ત્યારે તે જાણતો ન હતો કે યહોવાની સમક્ષ રહેવાથી તેનો ચહેરો પ્રકાશતો હતો. 30 હારુન અને ઇસ્રાએલીઓ મૂસાના ચહેરાને પ્રકાશતો જોઈને તેની પાસે જતાં ગભરાતાં હતાં. 31 આથી મૂસાએ તેઓને પાસે બોલાવ્યા ત્યારે હારુન અને લોકોના આગેવાનો મૂસા પાસે ગયા અને મૂસાએ તેમની સાથે વાત કરી. 32 તે પછી સર્વ ઇસ્રાએલીઓ તેની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાએ જે બધાં આદેશો આપ્યા હતા તે બધા તેણે લોકોને સંભળાવ્યા.
33 જ્યારે મૂસાએ તેઓની સાથે બોલવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના મોં ઉપર ઘૂંઘટ ઢાંકી દીધો. 34 જ્યારે જ્યારે તે યહોવા સમક્ષ વાત કરવા જતો, ત્યારે ત્યારે ઘૂંઘટ દૂર કરતો અને બહાર આવતાં સુધી ઘૂંઘટ પાછો ઢાંકતો નહિ. પછી બહાર આવીને પોતાને જે જે આજ્ઞાઓ મળી હોય તે તે ઇસ્રાએલીઓને કહી સંભળાવતો, 35 તે સમયે ઇસ્રાએલીઓને મૂસાનો ચહેરો પ્રકાશતો દેખાયો તેથી તે યહોવા સાથે ફરી વાત કરવા જતાં સુધી ઉપર પાછો ઘૂંઘટ નાખી દેતો.
વિશ્વાસ અને સારા કાર્યો
14 મારા વહાલા ભાઈઓ અને બહેનો, કોઈ કહે કે તેને વિશ્વાસ છે, પણ તે પ્રમાણે વર્તનમાં ન મૂકે, તો શો ફાયદો? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે? ના! 15 ખ્રિસ્તમાં કેટલાએક ભાઈઓ અને બહેનોને દિવસ દરમ્યાન કપડા પહેરવા ન મળે અને રોજનો પૂરતો ખોરાક ન હોય. 16 અને તમારામાંનો કોઈ તેઓને કહે કે, “દેવ તમારી સાથે રહો, શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;” છતાં શરીરને જે જોઈએ તે ખોરાક કે કપડાં ન આપો તો તમારા શબ્દો નકામાં છે. 17 એવું જ વિશ્વાસ માટે છે, વિશ્વાસમાં જો કરણી ન હોય, તો તે તેની જાતે મૃતપ્રાય છે, વિશ્વાસ એકલો પૂરતો નથી, કારણ કે કરણીઓ વિનાનો વિશ્વાસ એ વિશ્વાસ નથી.
18 કોઈ વ્યક્તિ કહેશે કે, “તને વિશ્વાસ છે, પણ મારી પાસે કરણીઓ છે.” હું તેને જવાબ આપીશ કે, તારી પાસે જે વિશ્વાસ છે તે મારી કરણીઓ વિના મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ. 19 દેવ એકજ છે એવું તમારું માનવું તે સારું છે! ભૂતો પણ એવો જ વિશ્વાસ કરે છે! અને તેઓ બીકથી ધ્રુંજે છે.
20 ઓ મૂર્ખ માણસ! શું તારે જાણવું છે? વિશ્વાસ વગરનું કામ વ્યર્થ છે તેની આજ્ઞા પ્રમાણે કામ ન કરવું તે પણ નકામું છે. 21 આપણા પૂર્વજ ઈબ્રાહિમે જ્યારે પોતાના પુત્ર ઈસહાકને યજ્ઞવેદી પર બલિદાન માટે આપ્યો. તેના એ કાર્યને લીધે તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો. 22 તું જુએ છે કે, ઈબ્રાહિમ વિશ્વાસને લીઘે બધુજ કરવા તૈયાર હતો. તેનાં સારા કાર્યોથી તેનો વિશ્વાસ સંપૂર્ણ કરાયો. 23 આ શાસ્ત્રનો અર્થ સમજાવે છે કે: “ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો, તે વિશ્વાસે ઈબ્રાહિમને દેવની નજરમાં ન્યાયી ઠરાવ્યો.”(A) ઈબ્રાબિમને “દેવનો મિત્ર”(B) કહેવામા આવ્યો. 24 તેથી તમે જુઓ માણસ તેના વિશ્વાસ એકલાથી નહિ પરંતુ સારી કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે.
25 તે જ પ્રમાણે રાહાબ વેશ્યાનું ઉદાહરણ છે. જાસૂસોનો સત્કાર કર્યો અને બીજે માર્ગેથી સુરક્ષિત બહાર મોકલી દીધા. આમ તેણે જે કાંઇ કર્યું છે તેથી તેને ન્યાયી ઠરાવવામાં આવી.
26 કારણ કે જે રીતે શરીર આત્મા વિના નિર્જીવ છે, તે જ રીતે વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે!
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International