Revised Common Lectionary (Semicontinuous)
ખડકમાંથી પાણી
17 ઇસ્રાએલના લોકોના સમગ્ર સમાંજે સીનના રણમાંથી છાવણી ઉઠાવીને યહોવાની આજ્ઞા મુજબ યાત્રા કરતા કરતા આગળ વધીને તેમણે રફીદીમમાં છાવણી નાખી રોકાણ કર્યું. પરંતુ ત્યાં લોકોને પીવા માંટે પાણી પણ દુર્લભ હતું. 2 તેથી લોકોએ મૂસા સાથે તકરાર કરી અને કહ્યું, “અમને પીવા માંટે પાણી આપો.”
એટલે મૂસાએ તેમને કહ્યું, “તમે લોકો માંરી સાથે શા માંટે તકરાર કરો છો? તમે યહોવાની કસોટી શા માંટે કરો છો? તમે એમ સમજો છો કે દેવ આપણી સાથે નથી?”
3 પરંતુ લોકો બહુ તરસ્યા હતા. તેથી તે લોકોએ મૂસા વિરુદ્ધ બડબડાટ કરતાં કહ્યું કે, “તમે અમને, અમાંરાં બાળબચ્ચાંને અને ઢોરઢાંખરને તરસે માંરવા શા માંટે મિસર દેશમાંથી અહીં લઈ આવ્યા?”
4 આથી મૂસાએ યહોવાને પોકાર કર્યો, “આ લોકો સાથે હું શું કરું? તેઓ મને માંરી નાખવા તૈયાર છે.”
5 યહોવાએ મૂસાને કહ્યું, “જા, ઇસ્રાએલના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલતો થા. જે લાકડીથી તેં નાઈલ નદી પર પ્રહાર કર્યો હતો તે તારા હાથમાં રાખજે. 6 જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક ઉપર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે.”
ઇસ્રાએલીઓના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ. 7 અને મૂસાએ તે જગ્યાનું નામ માંસ્સાહ અને મરીબાહ રાખ્યું. કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં ઇસ્રાએલના લોકો એની વિરુદ્ધ થયા હતા. અને તેઓએ યહોવાની પરીક્ષા કરી હતી, તે લોકો જાણવા માંગતા હતા કે યહોવા અમાંરી વચ્ચે છે કે નહિ?
આસાફનું માસ્કીલ.
1 મારા લોકો, મારો નિયમ સાંભળો;
મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.
2 હું ષ્ટાંતો દ્વારા તમારી સાથે વાત કરીશ,
અને હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ.
3 જે વાત આપણે સાંભળી છે તથા જાણી છે;
જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.
4 યહોવાના મહિમાવંત સ્તુતિપાત્ર કૃત્યો,
તેમનું પરાક્રમ અને આશ્ચર્યકર્મો
આપણા સંતાનોથી આપણે સંતાડીશું નહિ;
આપણે આપણી ભાવિ પેઢીને જણાવીશું.
12 તેઓના પિતૃઓએ મિસર દેશમાં, સોઆનનાં મેદાનમાં;
દેવે કરેલા ચમત્કારો જોયા હતાં.
13 તેમણે તેઓની સમક્ષ સમુદ્રનાં બે ભાગ કર્યા હતાં,
તેઓને તેમાં થઇને સામે પાર મોકલ્યા હતાં.
તેઓની બંને બાજુએ પાણી દિવાલની જેમ સ્થિર થઇ ગયું હતું,
14 વળી તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત,
અગ્નિનાં પ્રકાશથી દોરતો.
15 તેમણે રણમાં ખડકને તોડીને,
ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.
16 પછી તેમણે ખડકમાંથી પાણી કાઢયું,
અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.
એક થાઓ અને એકબીજાને મદદ કરો
2 ખ્રિસ્તમાં એવી કોઈ રીત છે કે જે થકી હું તમારી પાસે કંઈ માગી શકું? શું તમારો મારા પ્રત્યેનો પ્રેમ મને દિલાસો આપવા તમને પ્રેરણા આપે છે? શું આપણે એક જ આત્માના સહભાગી છીએ? શું તમારામાં કૃપા અને મમતા છે? 2 જો તમારાંમા આ સર્વ હોય, તો હું તમને મારા માટે કંઈક કરવા વિનવું છું. જે મને આનંદથી ભરી દેશે. હું તમારી પાસે માગું છું કે એક જ અને એક સરખા વિશ્વાસમાં તમારા બધાના માનસ એક અને સંગઠીત કરો, એકબીજા પ્રત્યેના પ્રેમ માટે, એકબીજા સાથે સહમત થવાની બાબતમાં અને સમાન હેતુ સાધવા, સાથે રહીને એક અને સમાન વિચારના બનો. 3 તમે જે કંઈ કાર્ય કરો તે સ્વાર્થ અને અહંકાર પ્રેરિત ન કરશો. નમ્ર બનો અને બીજાને તમારા કરતા વિશેષ ઉત્તમ ગણો. 4 તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો.
ખ્રિસ્ત થકી નિસ્વાર્થ બનવાનું શીખો
5 તમારા જીવનમાં તમારા વિચાર અને વર્તન ખ્રિસ્ત ઈસુ જેવાં હોવાં જોઈએ.
6 ખ્રિસ્ત પોતે દેવ જેવો હતો અને દેવ સમાન હતો.
પરંતુ ખ્રિસ્ત દેવને સમાન હોવા છતાં તે સમાનતાને તે વળગી રહેવુ જરૂરી માનતો ન હતો.
7 પોતાનું દેવની સમકક્ષ હોવાનું સ્થાન તેણે છોડી દીધું.
અને દાસ જેવા બનવાનું કબૂલ્યું.
તે માનવ તરીકે જન્મ્યો અને દાસ જેવો બન્યો.
8 અને જ્યારે તે માનવ તરીકે જીવતો હતો, ત્યારે તે દેવ પ્રત્યે આજ્ઞાંકિત રહ્યો અને પોતાની જાતે વિનમ્ર બન્યો,
તે વધસ્તંભ પર મરવાની અણી પર હતો છતાં પણ આજ્ઞાંકિત રહ્યો.
9 ખ્રિસ્ત દેવની આશાનું પાલન કરતો રહ્યો, અને દેવને અનુસર્યો તેથી દેવે તેને ઉચ્ચ સ્થાન ઊપર બીરાજમાન કર્યો.
તેના નામને બધા જ નામો કરતાં દેવે શ્રેષ્ઠ જાહેર કર્યુ.
10 દેવે આ કર્યું કારણ કે આકાશમાં, પૃથ્વીમાં કે પાતાળમાં સ્થિત દરેક વ્યક્તિ ઈસુના નામે ઘૂંટણે પડીને
નમે તેવી દેવની ઈચ્છા હતી.
11 દરેક વ્યક્તિ કબૂલ કરશે (કહેશે), “ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.”
જ્યારે તેઓ આમ કહેશે ત્યારે, દેવ બાપનો મહિમા વધશે.
દેવની ઈચ્છા પ્રમાણે બનો
12 મારા વહાલા મિત્રો, તમે હમેશા આજ્ઞાંકિત રહ્યા છો. હું ત્યાં હતો, ત્યારે હમેશાં તમે દેવને અનુસર્યા છો. જ્યારે હું તમારી સાથે નથી ત્યારે તમે આજ્ઞાંકિત બનો. અને મારી મદદ વગર તમારું તારણ થાય તે વધુ મહત્વનું છે. દેવ પ્રત્યે માન અને ભય જાળવી આમ કરો. 13 હા, દેવ તમારામાં સક્રિય છે. અને દેવ તેની પ્રસન્નતા પ્રમાણેનું કાર્ય કરવા તમને મદદ કરશે. અને આમ કરવાની શક્તિ તે તમને પ્રદાન કરશે.
ઈસુના અધિકાર પર યહૂદિનેતાઓની શંકા
(માર્ક 11:27-33; લૂ. 20:1-8)
23 ઈસુ મંદિરમાં દાખલ થયો અને જ્યારે બોધ આપતો હતો ત્યારે પ્રમુખ યાજકો અને લોકોના વડીલોએ તેની પાસે જઈને પૂછયું, “કયા અધિકારથી તું આ બાબતો કરે છે? તને આવો અધિકાર કોણે આપ્યો?”
24 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને પણ એક પ્રશ્ન પૂછું છું, એનો ઉત્તર તમે મને આપશો, તો હું તમને કહીશ કે કયા અધિકારથી હું એ કામો કરું છું. 25 મને કહો: જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે કોના તરફથી મળ્યું હતું, દેવથી કે માણસથી?”
તેઓ અંદર એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે, “જો આપણે કહીશું, ‘યોહાનનું બાપ્તિસ્મા દેવ તરફથી હતું,’ તો ઈસુ આપણને પૂછશે, ‘તો તમે યોહાનમાં વિશ્વાસ કેમ નથી કરતા?’ 26 જો એમ કહીશું કે તે મનુષ્યથી હતું, તો એ લોકો આપણા પર ગુસ્સે થશે, આપણે લોકોથી ડરીએ છીએ એટલે આપણને કહેશે તમે યોહાનમાં શા માટે વિશ્વાસ કરતા નથી.”
27 તેઓએ ઈસુને ઉત્તર આપ્યો, “અમે નથી જાણતા કે યોહાનને અધિકાર ક્યાંથી મળ્યો.”
પછી ઈસુએ કહ્યું, “તો હું તમને કાંઈ જ નહિ કહું કે હું કયા અધિકારથી આ કરું છું!”
ઈસુ બે દીકરાઓની વાર્તા કહે છે
28 “સારું, બતાવો, હું કહું છું તે બાબતમાં તમે શું માનો છો? એક વ્યક્તિને બે દીકરા હતા, પહેલા દીકરાની પાસે જઈને તેણે કહ્યું, ‘આજે તું મારી દ્રાક્ષની વાડીમાં કામ કરવા જા.’
29 “પણ દીકરાએ ઉત્તર આપ્યો, ‘હું નહિ જાઉં.’ પછી એનું મન બદલાયું અને નક્કી કર્યુ કે તેણે જવું જોઈએ, અને તે ગયો.
30 “પછી તે પિતા બીજા છોકરા પાસે ગયો અને તેને કહ્યું, ‘દીકરા, મારી દ્રાક્ષની વાડીમાં જા અને ત્યાં ખેતરમાં કામ કર.’ દીકરાએ કહ્યું, ‘હા સાહેબ, હું જઈશ અને કામ કરીશ.’ પણ તે ગયો નહિ.”
31 ઈસુએ પૂછયું, “કયા દીકરાએ પિતાની આજ્ઞાનું પાલન કર્યુ?”
યહૂદિ નેતાએ કહ્યું, “પહેલા દીકરાએ.”
ઈસુએ તેમને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે તમે એમ માનો છો કે કર ઉઘરાવનાર અને વેશ્યાઓ ખરાબ લોકો છે, પરંતુ તેઓ તમારા કરતા આકાશના રાજ્યમાં તમે યત્ન કરશો તેના કરતાં પહેલા પ્રવેશ કરશે. 32 યોહાન તમને સાચો માર્ગ બતાવવા આવ્યો પણ તમે યોહાનમાં વિશ્વાસ કર્યો નહિ. પણ કર ઉઘરાવનાર અને વેશ્યાઓ તેનામાં વિશ્વાસ કરે છે એમ તમે જુઓ છો છતાં પણ તમે હજી પણ પસ્તાવો કરતાં નથી કે નથી તેનામાં વિશ્વાસ કરતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International