Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:97-104

મેમ

97 તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું!
    હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે;
    કારણકે મારી પાસે સર્વદા છે.
99 મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે
    કારણ કે હું તમારા સાક્ષ્યો વિષે અભ્યાસ અને ચર્ચા કરતો રહું છું.
100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું;
    કારણકે મેં તમારા નિયમો પાળ્યાં છે.
101 હું તમારું વચન પાળી શકું તે માટે મેં
    મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પણ પાછા વાળ્યા છે.
102 તમારા ન્યાયી વચનોને મેં ત્યજ્યા નથી;
    કારણકે તમે મને તે શીખવ્યા છે.
103 મારી રૂચિને તમારાં વચનો કેવા મીઠાઁ લાગે છે!
    મારા મુખને તે મધથીય વધુ મીઠાઁ લાગે છે.
104 તમારાં શાસનોથી મને સમજણ મળે છે;
    માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.

ગણના 11:1-9

લોકોની ફરિયાદો

11 લોકો પોતાની હાડમાંરીઓની ફરિયાદો યહોવા સમક્ષ કરવા લાગ્યા. યહોવા તે સાંભળીને તેઓના પર ગુસ્સે થયો. યહોવાનો અગ્નિ છાવણીના છેવાડેના લોકો વચ્ચે ભડભડી ઊઠયો અને તેનો છેડો બળી ગયો. લોકોએ મૂસાને સહાય માંટે પોકાર કરી, તેથી તેણે લોકો માંટે યહોવાને પ્રાર્થના કરી તેથી અગ્નિ શાંત થઈ ગયો. ત્યારબાદ તે જગ્યાનો વિસ્તાર તાબએરાહ નામે પ્રચલિત થયો. કારણ, ત્યાં યહોવાનો અગ્નિ તે લોકોની વચ્ચે ભડભડી ઊઠયો હતો.

સિત્તેર વડીલો

ઇસ્રાએલીઓ સાથેના કેટલાક લોકો સારું સારું ખાવાના લાલચુ હતા; તેઓને મિસરનો ખોરાક યાદ આવ્યો. ઇસ્રાએલીઓમાં પણ અસંતોષ વધતાં તેઓએ રોદણાં રડવા લાગ્યા. “અરે! અમને ખાવા માંટે માંસ કોણ આપશે? મિસરમાં તો અમે મફતમાં મજાથી માંછલીઓ ખાતા હતા, ત્યાં તો કાકડી, તડબૂચ, ડુંગળી, પ્યાજ અને લસણ પણ મળતાં હતા! અહીં તો અમાંરા શરીર દિવસે દિવસે નબળા પડી ગયા છે. દરરોજ ફકત આ માંન્ના જ અમને મળે છે.” માંન્નાનું કદ ધણાના દાણા જેટલું હતું. તેનો રંગ પીળાશ પડતો ધોળો હતો. લોકો ખેતરમાં ફરીને માંન્ના વીણીને એકત્ર કરી લાવતા અને ઘંટીમાં દળતા અથવા ખાંડણિયામાં ખાંડી લેતા અને લોટ બનાવીને તેને તપેલીમાં બાફીને તેની ભાખરી બનાવતા. એનો સ્વાદ મોવણ નાખેલી ભાખરી જેવો લાગતો. રાતના સમયે છાવણી ઉપર ઝાકળ પડતું ત્યારે તેની સાથે માંન્ના પણ પડતું.

રોમનો 16:17-20

17 ભાઈઓ તથા બહેનો, એક બીજા વચ્ચે જે લોકો ફાટફૂટ પડાવે છે એવા લોકોથી સંભાળીને રહેવા હું તમને કહું છું. અન્ય લોકોને વિશ્વાસ ડગાવી દેતા લોકોથી ચેતતા રહેજો. તમે જે સાચો ઉપદેશ શીખ્યા છો તેના તેઓ વિરોધી છે. એવા લોકોથી દૂર રહેજો. 18 એવા લોકો આપણા પ્રભુ ખ્રિસ્તની સેવા કરતા નથી. તેઓ ખ્રિસ્તને માનતા નથી. તેઓ તો ફક્ત પોતાની જાતને મઝા પડે એવાં કામો કરતા ફરે છે. જે સીધા-સાદા લોકો ભૂંડું કે પાપ વિષે કશું જાણતા નથી, એમનાં સરળ અને ભોળાં મનને ભરમાવવા તેઓ મીઠી-મીઠી કાલ્પનિક વાતો કરે છે. 19 તમે લોકો દેવની આજ્ઞા પાળો છો, એમ બધા વિશ્વાસીઓએ સાંભળ્યું છે. તેથી એ વિષે તમારે લીધે મને ઘણો આનંદ થાય છે. પરંતુ જે બધી વસ્તુઓ સારી છે તે તમે જાણો અને સમજો એમ હું ઈચ્છું છું. અને જે બાબતો ભૂંડી છે તે વિષે તમે બિલકુલ ન જાણો એમ પણ હું ઈચ્છું છું.

20 શાંતિ આપનાર દેવ હવે ટૂંક સમયમાં જ શેતાનને હરાવશે અને એના પર તમારી સત્તા ચાલે એવી તમને શક્તિ આપશે.

પ્રભુ ઈસુની દયા તમારી સાથે જ છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International