Revised Common Lectionary (Semicontinuous)
એક ગરીબ માણસની પ્રાર્થના. જ્યારે તે દુ:ખી હોય છે ત્યારે તે દેવને ફરિયાદ કરે છે.
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
મારા પોકારને કાન પર આવવા દો.
2 મારા સંકટને દુ:ખના સમયમાં તમે મારાથી મુખ અવળું ના ફેરવો;
કાન ધરીને તમે મને સાંભળો અને તમે મને જલ્દી ઉત્તર આપો.
3 કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે,
અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે.
4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે;
તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.
5 મારા ઘેરા વિષાદ ને નિસાસાને કારણે ફકત ચામડીથી
ઢંકાયેલા હાડપિંજર જેવો હું થઇ ગયો છું.
6 હું દૂરના રણનાં ઘુવડ જેવો થઇ ગયો છું;
વિધ્વંસની વચ્ચે જીવતા એક ઘુવડ જેવો.
7 હું જાગતો પડ્યો રહું છું,
છાપરે બેઠેલી એકલવાયી ચકલીના જેવો થઇ ગયો છું.
8 મારા શત્રુ આખો દિવસ મને મહેણાઁ મારે છે;
અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે.
9 રોટલીને બદલે હું રાખ ખાઉં છું;
મારા આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
10 તે તમારા રોષ તથા કોપને કારણે છે;
કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે.
11 મારા દિવસો નમતી છાયા જેવા છે;
ઘાસની જેમ હું કરમાઇ ગયો છું.
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
13 જેને જ્ઞાન મળ્યું છે, અને જેણે સમજશકિત મેળવી છે, તેને ધન્ય છે. 14 કારણ કે તેનો નફો ચાંદીથી વધારે છે, અને તેનો લાભ ચોખ્ખા સુવર્ણના લાભ કરતાં શ્રેષ્ઠ છે. 15 તે કીંમતી પથ્થરો કરતાં પણ વધારે મૂલ્યવાન છે. તારી માલિકીની કોઇપણ વસ્તુ એની સાથે સરખાવાય તેમ નથી.
16 તેના જમણા હાથમાં દીર્ધાયુંષ્ય છે અને તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે. 17 તેના માર્ગો સુખદાયક અને તેના રસ્તા શાંતિપૂર્ણ છે. 18 જેઓ તેને વીટંળાય છે તેને માટે એ સંજીવનીવેલ છે, અને જેઓ તેને દ્રઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.
પાપ વિષે ચેતવણી
31 તેથી જે યહૂદિઓએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા બોધને માનવાનું ચાલુ રાખશો તો પછી તમે મારા સાચા શિષ્યો છો. 32 પછી જ તમને સત્ય સમજાશે અને સત્ય તમને મુક્ત કરશે.”
33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે ઈબ્રાહિમના લોકો છીએ. અમે કદી ગુલામ રહ્યા નથી. તેથી શા માટે તું કહે છે કે એમ મુક્ત થઈશું?”
34 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સાચું કહું છું પ્રત્યેક વ્યક્તિ જે પાપ કરે છે તે ગુલામ છે. પાપ તેનો માલિક છે. 35 ગુલામ કુટુંબ સાથે હંમેશા રહેતો નથી. પરંતુ તે દીકરો હંમેશા કુટુંબનો રહી શકે. 36 તેથી જો દીકરો તમને મુક્ત કરે તો પછી તમે ખરેખર મુક્ત થશો. 37 હું જાણું છું તમે ઈબ્રાહિમના લોકો છો. પરંતુ તમે મને મારી નાખવા ઈચ્છો છો. શા માટે? કારણ કે તમે મારા બોધનો સ્વીકાર કરવા ઈચ્છતા નથી. 38 મારા પિતાએ જે મને બતાવ્યું છે તે જ કામો હું તમને કહું છું. પરંતુ તમે તમારા પિતાએ તમને જે કહ્યું છે તે કરો છો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International