Revised Common Lectionary (Semicontinuous)
આભારસ્તુતિનું ગીત.
1 હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
2 આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં;
તેમની સમક્ષ આવો.
3 અને તમે જાણો, યહોવા તે જ દેવ છે;
તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ;
આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
4 આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો,
અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો;
આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
5 કારણ, યહોવા ઉત્તમ છે,
તેમની કૃપા સર્વકાળ છે;
અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.
23 ત્યાર બાદ હું યહોવા, એમની સંભાળ લેવા માટે મારા સેવક દાઉદ જેવો એક ભરવાડ નીમીશ. તે તેમને ચારશે અને તેમનો ભરવાડ બનશે. 24 હું, યહોવા, તેમનો દેવ થઇશ અને મારો સેવક દાઉદ મારા લોકોમાં રાજકર્તા સમાન થશે. હું યહોવા એમ બોલ્યો છું.
25 “હું તેઓની સાથે શાંતિનો કરાર કરીશ અને દેશમાંથી જંગલી પશુઓને હાંકી કાઢીશ એટલે બધા ખુલ્લા ગૌચરમાં શાંતિને સુરક્ષામાં વાસો કરશે અને જંગલમાં સૂશે. 26 મારી ટેકરીની આસપાસ હું મારા લોકોને ત્યાં વસાવીશ અને તેઓનાં ઘરોને આશીર્વાદ આપીશ. અને હું ઋતુ પ્રમાણે વરસાદ વરસાવીશ અને વરસાદ આશીર્વાદ લાવશે. 27 તેઓના ફળના વૃક્ષો ફળ આપશે અને ખેતરોમાં મબલખ પાક થશે. સર્વ લોકો સુરક્ષિત રહેશે. જ્યારે હું તેઓની ગુલામીની સાંકળો તોડી નાખીશ અને તેઓના ભોગે લાભ મેળવનારાઓથી હું તેઓને છોડાવીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. 28 હવે પછી ફરી કદી ન તો વિદેશી પ્રજાઓ તેમને સતાવશે કે ન તો જંગલી પ્રાણીઓ તેમને ખાઇ જશે. તેઓ શાંત ચિત્તે કોઇનાપણ ભય વગર રહેશે. 29 હું તેમની ભૂમિને એવી ફળદ્રુપ બનાવીશ કે તેની કીર્તિ ચોમેર થશે. ફરી કદી દુકાળ પડશે નહિ. કે કોઇ વિદેશી પ્રજા તેમને ટોણા મારી લજ્જિત કરશે નહિ. 30 તેમને ખાતરી થશે કે, હું, યહોવા તેમનો દેવ તેમની જોડે છું અને તેઓ મારી ઇસ્રાએલી પ્રજા છે.” આ હું યહોવા દેવ બોલું છું.
31 “તમે મારા ઘેટાં છો, જેમનો હું ચારનાર ભરવાડ છું; હું તમારો દેવ છું.” આ યહોવા મારા માલિકના વચન છે.
20-21 હવે આપણા પ્રભુ ઈસુ ઘેંટાઓના મહાન ભરવાડ છે. તેણે પોતાના રક્તથી સર્વકાળના કરાર પર મહોર લગાવી અને દેવે તેને મરણમાંથી સજીવન કર્યો.
તે શાંતિનો દેવ છે. તમને પ્રત્યેક સારી વસ્તુઓમાં પરિપૂર્ણ બનાવો તેથી તમે તેની ઈચ્છાઓ પૂર્ણ કરી શકો. વળી આપણામાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા જે વસ્તુઓ તેને પ્રસન્ન કરે છે તે કરવા દો. ઈસુનો ગૌરવ સદાસર્વકાળ હો. આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International