Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો.
મારી સાથે હમેંશા સારા રહેજો
અને મને કૃપા આપતા રહેજો.
2 હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો!
મારા ખડક બનો.
મારી સુરક્ષાની જગા બનો.
મારો કિલ્લો બનો અને મને બચાવો.
3 દેવ મારા ખડક અને કિલ્લો છો,
તેથી તમારા નામને માટે મને દોરવણી આપો
અને મને માર્ગદર્શન આપો.
અને તે પર ચલાવો.
4 મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો.
કારણ તમે મારો આશ્રય છો.
5 હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું;
હે સત્યના દેવ યહોવા,
તમે મારો ઉદ્ધાર કર્યો છે.
15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે.
મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.
16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો.
અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો.
સળગતી ઝાડી
3 હવે મૂસા પોતાના સસરાના એટલે મિધાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં ચરાવતો અને સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને રણની પશ્ચિમ દિશામાં દેવના પર્વત હોરેબ પર દોરી ગયો. 2 ત્યાં યહોવાના દૂતે ઝાડવાંમાંથી નીકળતા ભડકારૂપે તેને દર્શન દીઘાં.
તેણે જોયું તો ઝાડી સળગતી હતી, પણ બળીને ભસ્મ થતી નહોંતી. 3 તેથી મૂસાને વિચાર આવ્યો, “હું નજીક જઈને આ ચમત્કાર જોઉં. આ ઝાડી શા માંટે બળી જતી નથી?”
4 યહોવાએ જોયું કે મૂસા ઝાડીને જોવા આવી રહ્યો છે, તેથી દેવે ઝાડીમાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!”
અને મૂસાએ જવાબ આપ્યો, “હા, હું અહીં છું.”
5 ત્યારે યહોવાએ કહ્યું, “નજીક આવીશ નહિ, પગરખાં ઉતારી નાખ, કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે. 6 હું તારા પિતૃઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબનો દેવ છું.”
અને મૂસાએ પોતાનું મુખ છુપાવી દીઘું. કારણ કે દેવ તરફ જોતાં તેને ડર લાગતો હતો.
7 પછી યહોવાએ કહ્યું, “મેં મિસરમાં માંરા લોકોને દુઃખ સહન કરતાં જોયા છે. તે તેમના મુકાદમો તેમને પીડા કરે છે ત્યારે તેમના રૂદન મેં સાંભળ્યાં છે, તેમની હાડમાંરીની મને ખબર છે. 8 હું તેમને મિસરીઓનાં પંજામાંથી મુક્ત કરાવવા અને તેમને એ દેશમાંથી બીજા એક સારા વિશાળ દેશમાં લઈ જવા માંટે હું નીચે આવ્યો છું. જ્યાં દૂધ મઘની રેલછેલ છે અને જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે. 9 મેં ઇસ્રાએલના લોકોનું રૂદન સાંભળ્યું છે, અને મિસરીઓ તેમના ઉપર જે ત્રાસ અત્યાચાર કરે છે તે મેં નજરે નિહાળ્યા છે. 10 ચાલ, એટલા માંટે હું તને ફારુન પાસે મોકલું છું. જાઓ, તમે ઇસ્રાએલના માંરા લોકોને મિસરમાંથી બહાર લઈ આવો.”
11 પરંતુ મૂસાએ દેવને કહ્યું, “હું કોણ કે ફારુન પાસે જનારો અને ઇસ્રાએલના લોકોને મિસરની બહાર લાવનારો?”
12 પણ દેવે કહ્યું, “હું ચોક્કસ તારી સાથે હોઈશ, અને મેં તને મોકલ્યો છે એની એંધાણી તારા માંટે એ હશે કે જ્યારે તું એ લોકોને મિસરમાંથી બહાર કાઢી લાવીશ પછી તમે સૌ આ પર્વત પર માંરી ઉપાસના કરશો.”
સ્તેફનનું ઉદ્દબોધન
7 પ્રમુખ યાજકે સ્તેફનને કહ્યું, “શું આ હકીકત સાચી છે?” 2 સ્તેફને જવાબ આપ્યો, “મારા ભાઈઓ અને યહૂદિ વડીલો મને ધ્યાનથી સાંભળો. આપણા પૂર્વજ ઈબ્રાહિમને આપણા મહિમાવાન દેવના દર્શન થયા. ઈબ્રાહિમ મેસોપોટેમિયામાં રહેતો પછી તે હારાનમાં રહેવા ગયા હતો તે અગાઉ આ બન્યું હતું. 3 દેવે ઈબ્રાહિમને કહ્યું, ‘તારો દેશ અને તારા લોકોને છોડીને તે દેશમાં જા જે હું તને બતાવીશ.’
4 “તેથી ઈબ્રાહિમે ખાલ્દી દેશ છોડ્યો અને તે હારાનમાં રહેવા ગયો. ઈબ્રાહિમના પિતાના મૃત્યુ પછી દેવે તેને આ સ્થળે મોકલ્યો. જ્યાં હાલમાં તમે રહો છો. 5 પણ દેવે ઈબ્રાહિમને આ જમીનમાંથી કશું આપ્યું નહિ. દેવે તેને એક ડગલું પણ જમીન આપી નહિ. પણ દેવે વચન આપ્યું કે ભવિષ્યમાં તે ઈબ્રાહિમને આ જમીન તેના માટે તથા તેના સંતાનો માટે આપશે. (ઈબ્રાહિમને કોઈ સંતાન નહોતા તે અગાઉ આ હતું.)
6 “દેવે તેને જે કહ્યું તે આ છે: ‘તારા વંશજો બીજા દેશમાં રહેશે. તેઓ અજ્ઞાત હશે. ત્યાંના લોકો તેઓને 400 વરસ સુધી ગુલામીમાં રાખશે. તેઓને દુ:ખ આપશે. 7 જે રાષ્ટ્ર તેઓને ગુલામ બનાવશે તેને હું શિક્ષા કરીશ.’ અને દેવે એમ પણ કહ્યું, ‘આ હકીકતો બન્યા પછી તમારા લોકો તે દેશમાંથી બહાર આવશે. અને પછી આ સ્થળે તમારા લોકો અહી મારી સેવા કરશે.’
8 “દેવે ઈબ્રાહિમ સાથે કરાર કર્યો; આ કરારની નિશાની સુન્નત હતી. અને તેથી જ્યારે ઈબ્રાહિમને પુત્ર થયો ત્યારે તે આઠ દિવસનો થતાં જ તેણે તેની સુન્નત કરી. તેના પુત્રનું નામ ઈસહાક હતું. ઇસહાકે પણ યાકૂબની સુન્નત કરી. અને યાકૂબે તેના પુત્રો માટે એમ જ કર્યુ. આ પુત્રો આગળ જતાં બાર પૂર્વજો થયા.
9 “આ પૂર્વજોને યૂસફની (તેઓનો નાનો ભાઈ) ઈર્ષા થઈ. તેઓએ યૂસફને ગુલામ થવા માટે મિસરમાં વેચ્યો. પરંતુ દેવ યૂસફની સાથે હતો. 10 યૂસફને ત્યાં ઘણી મુશ્કેલીઓ હતી. પણ દેવે તેને તે બધી મુશ્કેલીઓમાંથી બચાવ્યો. ફારુંન મિસરનો રાજા હતો. તેને યૂસફ ગમતો અને તેને માન આપતો કારણ કે દેવે યૂસફને ડહાપણ આપ્યું. ફારુંને યૂસફને મિસરનો અધિકાર બનાવી જવાબદારી સોંપી. અને ફારુંનના મહેલના તમામ લોકો પર શાસન કરવાની જવાબદારી સોંપી. 11 પરંતુ આખા મિસર અને કનાનની બધી જમીન સુકાઇ ગઇ. જેથી ત્યાં અનાજ ઊગ્યું નહિ. આથી લોકોને ખૂબ સંકટો સહન કરવા પડ્યા. આપણા પૂર્વજો ખાવા માટે કંઈ મેળવી શક્યા નહિ.
12 “પણ યાકૂબે સાંભળ્યું કે મિસરમાં અનાજનો સંગ્રહ થતો હતો. તેથી તેણે આપણા પિતાઓને (યાકૂબનાં સંતાનો) ત્યાં મોકલ્યો. (આ તેનો મિસરનો પ્રથમ પ્રવાસ હતો.) 13 પછી તેઓ બીજી વાર ગયા. આ વખતે, યૂસફે તેના ભાઈઓને તે કોણ હતો તે કહ્યું અને ફારુંને યૂસફના પરિવાર વિષે જાણ્યું. 14 પછી યૂસફે કેટલાક લોકોને તેના પિતા યાકૂબને મિસર આવવાનું નિમંત્રણ આપવા મોકલ્યો. તેણે તેના બધા સગાં સંબંધીઓને પણ નિમંત્રણ પાઠવ્યાં (75 વ્યક્તિઓ એક સાથે) 15 તેથી યાકૂબ મિસર આવી ગયો. યાકૂબ અને આપણા પૂર્વજો મૃત્યુપર્યંત ત્યાં રહ્યા. 16 પાછળથી તેઓના શરીરોને શખેમ લઈ જવામાં આવ્યા. તેઓને કબરમાં મૂકવામાં આવ્યા. (તે એ જ કબર હતી જે ઈબ્રાહિમે હમોરના દીકરાઓ પાસેથી શખેમમાંથી ખરીદી હતી. તેણે તેઓને રૂપાનું નાણું પણ ચૂકવ્યું હતું.)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International