Revised Common Lectionary (Semicontinuous)
મંદિર પર ચઢવા માટેનું ગીત.
1 હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો;
તમે યહોવાને સ્તુત્ય માનો.
2 પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો
અને યહોવાની સ્તુતિ કરો.
3 સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે
તમને આશીર્વાદ આપો!
ત્રણ અતિથિ
18 પછી ફરીથી યહોવા ઇબ્રાહિમ આગળ માંમરેનાં એલોનવૃક્ષો પાસે પ્રગટ થયા. તે દિવસે બપોરે, ઇબ્રાહિમ તેના તંબુના પ્રવેશદ્વાર આગળ બેઠો હતો. 2 ઇબ્રાહિમે આંખ ઊંચી કરીને જોયું, તો પોતાની સામે ત્રણ માંણસોને ઊભેલા જોયા. તે તેમની પાસે દોડતો દોડતો ગયો અને તેઓને પ્રણામ કર્યા. 3 ઇબ્રાહિમે કહ્યું, “માંરા સ્વામી, જો માંરા પર આપની કૃપાદૃષ્ટિ હોય, તો આ સેવકની સાથે થોડીવાર ઊભા રહો. 4 હું તમાંરા લોકોના ચરણો ધોવા માંટે પાણી લાવું છું. તમે પેલા વૃક્ષ નીચે આરામ કરો. 5 હું તમાંરા લોકો માંટે થોડું ભોજન લાવું છું. આપની ઈચ્છા હોય તેટલું આપ ખાઓ, તાજા થાઓ અને પછી તમે લોકો આગળની યાત્રાનો આરંભ કરો.”
ત્રણેએ કહ્યું, “હા, એ ઘણું સારું છે. તું જેમ કહે છે તેમ ભલે કર.”
6 ઇબ્રાહિમ ઉતાવળો ઉતાવળો તંબુમાં ગયો અને સારાને કહ્યું, “ઝટપટ ત્રણ માંપિયાં ઝીણો મેંદાનો લોટ લઈને ગૂંદીને રોટલી બનાવી નાખ.” 7 પછી ઇબ્રાહિમ ઢોરના ધણ તરફ દોડતો દોડતો ગયો અને એક કુમળું વાછરડું લાવીને તેણે નોકરોને આપ્યો અને કહ્યું, “તમે આ વાછરડાને વધેરી ભોજન તૈયાર કરો.” 8 પછી ઇબ્રાહિમ એ ત્રણેય ને ભોજન માંટે માંસ આપ્યું. અને દૂધ દહીં પણ પીરસ્યાં, જયાં સુધી એ ત્રણે જણ ખાતાં રહ્યાં ત્યાં સુધી ઇબ્રાહિમ તેમની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો.
9 તે વ્યકિતઓએ ઇબ્રાહિમને કહ્યું, “તારી પત્ની સારા કયાં છે?”
ઇબ્રાહિમે કહ્યું, “તે તંબુમાં છે.”
10 ત્યારે યહોવાએ કહ્યું, “હું વસંતમાં આવતા વરસે પાછો આવીશ. તે સમયે તારી પત્ની સારા એક બાળકને જન્મ આપશે.”
સારા તંબુમાં બારણા પાસે ઊભી રહીને આ વાતો સાંભળતી હતી. 11 ઇબ્રાહિમ અને સારા ઘણા વૃદ્વ થઈ ગયા હતા. સારાનો તો સ્ત્રીધર્મ પણ બંધ થઈ ગયો હતો. 12 એટલે સારા મનોમન હસી. તેને પોતાના પર વિશ્વાસ ન રહ્યો, તેણે પોતાની જાતને કહ્યું, “હું અને માંરો પતિ બંન્ને વૃદ્વ છીએ. હું બાળકને જન્મ આપવા માંટેની ઉમર વટાવી ચૂકી છું.”
13 યહોવાએ ઇબ્રાહિમને કહ્યું, “સારા હસીને કેમ બોલી કે, ‘મને બાળક જન્મશે ખરું?’ હું તો ઘરડી થઈ છું! 14 શું યહોવાને માંટે કશું અસંભવ છે? નહિ, હું ફરી વસંતમાં નક્કી કરેલા સમયે આવતા વર્ષે તારે ત્યાં જરૂર આવીશ. અને તારી પત્ની સારાના ખોળામાં પુત્ર રમતો હશે જ.”
23 તમે પુર્નજન્મ પામ્યા છો. આ નવજીવન વિનાશી બીજમાંથી આવ્યું નથી. પરંતુ અવિનાશીથી તમને આ નવજીવન પ્રાપ્ત થયું છે. દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુર્નજન્મ આપવામાં આવ્યો છે. 24 પવિત્રશાસ્ત્ર કહે છે કે,
“લોકો અમર નથી, તેઓ તો ઘાસ જેવા છે.
અને તેઓનુ સઘળુ ગૌરવ ઘાસના ફૂલ જેવું છે.
ઘાસ સુકાઈ જાય છે.
અને ફૂલ ખરી પડે છે.
25 પરંતુ પ્રભુનું વચન સદાકાળ રહે છે.” (A)
અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામા આવ્યું હતું તે એ જ છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International