Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો.
મારી સાથે હમેંશા સારા રહેજો
અને મને કૃપા આપતા રહેજો.
2 હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો!
મારા ખડક બનો.
મારી સુરક્ષાની જગા બનો.
મારો કિલ્લો બનો અને મને બચાવો.
3 દેવ મારા ખડક અને કિલ્લો છો,
તેથી તમારા નામને માટે મને દોરવણી આપો
અને મને માર્ગદર્શન આપો.
અને તે પર ચલાવો.
4 મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો.
કારણ તમે મારો આશ્રય છો.
5 હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું;
હે સત્યના દેવ યહોવા,
તમે મારો ઉદ્ધાર કર્યો છે.
15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે.
મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.
16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો.
અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો.
20 વળી શમાયાનો પુત્ર ઊરિયા કિર્યાથ-યઆરીમનો વતની હતો અને યહોવાનો બીજો સાચો પ્રબોધક હતો. યર્મિયાના સમયમાં તે પણ આ નગર તથા દેશની વિરુદ્ધ ભવિષ્યવચન કહેતો હતો. 21 રાજા યહોયાકીમે પોતાના બધા અમલદારો અને અંગરક્ષકો સહિત તેણે જે કહ્યું તે સાંભળ્યું હતું. અને તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે ઊરિયાને એની ખબર પડી ત્યારે ભયભીત થઇ મિસર ભાગી ગયો. 22 ત્યારે યહોયાકીમ રાજાએ ઊરિયાને બંદીવાન કરવા માટે આખ્બોરના પુત્ર એલ્નાથાનને અને તેની સાથે કેટલાંક માણસોને મિસરમાં મોકલ્યા. 23 તેઓ તેને બંદીવાન બનાવીને યહોયાકીમ રાજાની હજૂરમાં લઇ આવ્યા, ત્યારે રાજાએ તેનો તરવારથી વધ કરાવ્યો, અને તેના મૃતદેહને હલકા લોકોના કબ્રસ્તાનમાં દાટયો.
24 પરંતુ શાફાનના પુત્ર અને રાજવી મંત્રી અહીકામે યર્મિયાનો પક્ષ લીધો અને ન્યાયસભાને સમજાવ્યું કે યાજકો, પ્રબોધકો, લોકોના હાથમાં યર્મિયાને સોંપવો નહિ, કે તેઓ તેને મારી નાખે.
ઈસુ પોતાના વિષે અને ઈબ્રાહિમ વિષે વાત કરે છે
48 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે કહીએ છીએ કે તું સમરૂની છે, અમે કહીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે. અને તને ગાંડો બનાવ્યો છે! અમે આ બાબત કહીએ છીએ ત્યારે શું અમે સાચા નથી?”
49 ઈસુએ ઉત્તર આપ્યો, “મારામાં કોઈ શેતાન પ્રવેશ્યો નથી. હું મારા પિતાને આદર આપું છું. પણ તમે કોઈ મારો આદર કરતા નથી. 50 હું મારી જાત માટે આદર મેળવવા પ્રયત્ન કરતો નથી. મને આદર અપાવવાની ઈચ્છા કરનાર ત્યાં એક જ છે. તે ન્યાય કરનાર છે. 51 હું તમને સત્ય કહું છું. જો કોઈ મારું વચન પાળે છે, તો પછી તે કદી મૃત્યુ પામશે નહિ.”
52 યહૂદિઓએ ઈસુને કહ્યું, “હવે અમે જાણીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે! ઈબ્રાહિમ અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. પણ તું કહે છે કે, ‘જે વ્યક્તિ મારાં વચનોને પાળશે તે કદી મૃત્યુ પામશે નહિ.’ 53 શું તું ધારે છે કે તું અમારા પિતા ઈબ્રાહિમ કરતાં વધારે મહાન છે? ઈબ્રાહિમ મૃત્યુ પામ્યો અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. તું કોણ હોવાનો દાવો કરે છે?”
54 ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું મારી જાતને માન આપું તો પછી તે આદરની કોઈ કિંમત નથી. જે એક મારો આદર કરે છે તે મારો પિતા છે. અને તમે દાવો કરો છો કે તે તમારો દેવ છે. 55 પણ ખરેખર તમે તેને ઓળખતા નથી. હું તેને ઓળખું છું. જો હું કહું કે હું તેને જાણતો નથી, તો પછી હું તમારા જેવો જૂઠો ઠરું. પણ હું તેને ઓળખું છું અને તે જે કહે છે તેનું હું પાલન કરું છું. 56 તમારો પિતા ઈબ્રાહિમ ઘણો ખુશ હતો, કારણ કે જ્યારે હું આવ્યો તે દિવસ તેણે જોયો અને તે સુખી થયો.”
57 યહૂદિઓએ ઈસુને કહ્યું, “શું તેં ઈબ્રાહિમને જોયો છે? હજુ તો તું 50 વરસનો પણ થયો નથી.”
58 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું, ઈબ્રાહિમનો જન્મ થયા પહેલાનો હું છું.” 59 જ્યારે ઈસુએ આ કહ્યું, ત્યારે લોકોએ તેના તરફ ફેંકવા માટે પથ્થર ઉપાડ્યા. પરંતુ ઈસુ છુપાઈને મંદિરમાંથી બહાર નીકળી ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International