Read the Gospels in 40 Days
ઈસુએ પ્રેરિતોને ઉપદેશ માટે મોકલ્યા
(માર્ક 3:13-19; 6:7-13; લૂ. 6:12-16; 9:1-6)
10 ઈસુએ તેના બાર શિષ્યોને બોલાવ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓને કાઢવાની તથા દરેક જાતની માંદગી અને બીમારીમાંથી સાજા કરવાની શક્તિ આપી. 2 બાર પ્રેરિતોનાં નામ આ પ્રમાણે છે:
પ્રથમ સિમોન જે પિતર કહેવાય છે
તેનો ભાઈ આંન્દ્રિયા,
ઝબદીનો દીકરો યાકૂબ
તથા તેનો ભાઈ યોહાન.
3 ફિલિપ
અને બર્થોલ્મી;
થોમા
તથા કર ઉઘરાવનાર માથ્થી;
અલ્ફીનો દીકરો યાકૂબ
અને થદી;
4 સિમોન કનાની[a]
તથા યહૂદા ઈશ્કરિયોત, જે તેને દુશ્મનના હાથમાં સોપી દેનારો હતો.
5 આ બાર જણને બહાર મોકલતી વખતે ઈસુએ તેમને આજ્ઞા કરી કે “જ્યાં બિન-યહૂદીઓ વસે છે ત્યાં જશો નહિ અને કોઈપણ સમરૂનીઓના નગરમાં જશો નહિ. 6 પણ ઈસ્રાએલના લોકો પાસે જાઓ. તે યહૂદીઓ ખોવાયેલા ઘેંટા જેવાં છે. 7 જેવા તમે જાઓ કે તરત જ તેઓને ઉપદેશ આપો કે, ‘આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.’ 8 માંદા લોકોને સાજા કરો. મરેલાને જીવતા કરો. રક્તપિત્તના રોગીઓને સાજા કરો અને અશુદ્ધ આત્માઓને કાઢો. હું તમને આ સાર્મથ્ય વિના મૂલ્યે આપું છું. માટે તમે પણ દરેકને વિના મૂલ્યે આપો. 9 તમારી સાથે સોનું, રૂપું કે તાંબુ કે કોઈપણ પ્રકારનું નાંણુ રાખશો નહિ. 10 મુસાફરી દરમ્યાન તમારી સાથે ફક્ત તમે જે કપડા પહેર્યા છે તે તથા જે પગરખા પહેર્યા છે તે જ રાખશો. ચાલવા માટે લાકડી પણ લેશો નહિ. વધારાનાં કપડાં કે પગરખાં પણ ના રાખશો કારણ કે કામ કરનાર ને તેની જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવશે જ.
11 “જ્યારે તમે જે નગરમાં કે ગામમાં પ્રવેશો, ત્યારે કોઈ લાયક વ્યક્તિની શોધ કરો અને બીજા સ્થળે જવાનું થાય ત્યાં સુધી તેને ઘેર જ રહો. 12 જે ઘરમાં તમને આવકાર મળે તેમને કહો, ‘શાંતિ તમારી સાથે રહો.’ 13 જો ઘરના લોકો લાયક હશે તો તમારા આશીર્વાદ એમની સાથે રહેશે. પણ જો તેઓ લાયક નહિ હોય તો તમે આપેલી શાંતિની આશિષ તમારી પાસે પાછી આવશે. 14 અને જો કોઈ શહેર અથવા ઘર તમારો સત્કાર ના કરે, તો ત્યાંથી તરત જ નીકળી જાઓ અને ત્યાંની ધૂળ તમારા પગે લાગી હોય તો તે ખંખેરી નાખો. 15 હું તમને સત્ય કહું છું કે, ન્યાયના દિવસે સદોમ અને ગમોરા નગરોની હાલત તે નગરના કરતાં સારી હશે. તથા તેમના તરફ વધારે ઉદારતા બતાવાશે.
ઈસુ મુસીબતો વિષે ચેતવે છે
(માર્ક 13:9-13; લૂ. 21:12-17)
16 “સાંભળો! હું તમને એવી જગ્યાએ મોકલી રહ્યો છું કે જ્યાં વરુંઓની વચ્ચે તમે ઘેટાં જેવા લાગશો. આથી તમે સાપ જેવા ચપળ અને કબૂતર જેવા સાલસ બનો અને ખોટું કરશો નહિ. 17 લોકોથી ચેતના રહેજો, કારણ એ લોકો તમારી ધરપકડ કરશે. તમને ન્યાય માટે લઈ જશે અને સભાસ્થાનોમાં લઈ જઈ તમારા પર કોરડા ફટકારાશે. 18 તમને હાકેમો તથા રાજાઓ સમક્ષ હાજર કરવામાં આવશે. આ બધું મારા લીધે તમને કરવામાં આવશે. તમે ત્યારે મારા વિષે એ બધાને કહેજો. 19 જ્યારે તમને પકડવામાં આવે તો તમારે શું કહેવું અને કેવી રીતે કહેવું તેની ચિંતા કરશો નહિ. યોગ્ય ઉત્તર આપવાના શબ્દો તમને તે વખતે જ આપવામાં આવશે. 20 તે સમયે તમે નહિ, પરંતુ તમારા પિતાનો આત્મા તમારા દ્વારા બોલશે.
21 “ભાઈઓ, ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેમને મારી નાખશે. પિતા તેમના બાળકોની વિરૂદ્ધ થશે બાળકો તેમના માતા પિતા વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા માટે સોંપી દેશે. 22 જો તમે મારા શિષ્યો છો, તો લોકો તમારી પજવણી કરશે, પરંતુ જે અંત સુધી ટકશે તેમનો જ ઉદ્ધાર થશે. 23 જ્યારે તમારી એક નગરમાં પજવણી કરવામાં આવે તો તમે બીજા નગરમાં જતાં રહેજો. તમને સાચું જ કહું છું કે, માણસનો દીકરો આવે તે પહેલા તમે ઈસ્રાએલના તમામ નગરોમાં ફરી વળશો.
24 “ચેલો તેના ગુરુંથી મોટો નથી કે દાસ એના શેઠ કરતાં ચડિયાતો નથી. 25 ચેલાઓ પોતાના ગુરૂ જેવા બનવામાં અને દાસે તેના શેઠ જેવા બનવામાં સંતોષ માનવો જોઈએ. જો ઘરના ધણીને જ બાલઝબૂલ (શેતાન) કહેવામાં આવે તો પછી ઘરના બીજા સભ્યોને કેવા નામથી સંબોધશે!
પ્રભુથી ડરો, લોકોથી નહિ
(લૂ. 12:2-7)
26 “આથી લોકોથી ન ડરો કારણ કે જે કંઈક છુપાવેલું છે તે જાહેર કરવામાં આવશે. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ થશે. 27 હું તમને અંધકારમાં જે કહું છું તે તમે અજવાળામાં જાહેર કરો, અને મેં જે તમને કાનમાં કહ્યું, તે બધું તમે બધાજ લોકોને જાહેરમાં કહો.
28 “જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે. 29 એક પૈસામાં બે નાનાં પક્ષીઓ વેચાય છે પરંતુ તમારા બાપની ઈચ્છા વગર કોઈ એક પણ પક્ષી ધરતી પર નહિ પડી શકે. 30 દેવને તો ખબર છે કે તમારા માથા ઉપર વાળ કેટલા છે. 31 તેથી ડરો નહિ. તમારું મૂલ્ય તો એવાં નાનાં પક્ષીઓ કરતાં અધિક છે.
લોકોને તમારા વિશ્વાસ વિષે કહો
(લૂ. 12:8-9)
32 “જે કોઈ બીજા લોકોની સામે મારામાં વિશ્વાસની કબૂલાત કરશે તો, હું પણ આકાશમાંના બાપની આગળ એ મારો છે તેમ જાહેર કરીશ. 33 પરંતુ જ્યારે કોઈ માણસ બીજા લોકોની સામે મારામાં તેના વિશ્વાસને કબૂલ ન કરે, તો તેનો હું નકાર કરીશ. અને હું આકાશમાંના બાપની સમક્ષ તે મારો છે એવું જાહેર કરીશ નહિ.
ઈસુ વિષે લોકોનો અસ્વીકાર
(લૂ. 12:51-53; 14:26-27)
34 “એમ ન માનતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું, શાંતિ તો નહિ, પણ હું તલવાર લઈને આવ્યો છું.
35-36 ‘હું પુત્રને તેના પિતાની વિરૂદ્ધ,
પુત્રીને તેની મા વિરૂદ્ધ,
અને વહુને તેની સાસુ વિરૂદ્ધ કરવા આવ્યો છું.
મનુષ્યના શત્રું તો તેમના ઘરના લોકો જ બનશે.’[b]
37 “જે કોઈ મારા કરતાં વધારે તેના માતાપિતાને પ્રેમ કરે છે અને જે કોઈ મારા કરતાં તેમના દીકરા કે દીકરીને પ્રેમ કરે છે તે મારો શિષ્ય થવાને લાયક નથી. 38 જે માણસ તેને આપવામાં આવેલ વધસ્તંભનો સ્વીકાર કરતો નથી તો તે મારો શિષ્ય થવા માટે યોગ્ય નથી. 39 જે માણસ મારા કરતાં તેના જીવનને વધારે પ્રેમ કરે છે તે સાચું જીવન ગુમાવી દેશે. પણ જે મારા માટે જીવન અર્પણ કરી શકશે તેજ સાચું જીવન પ્રાપ્ત કરી શકશે.
જે વ્યક્તિ આપણી વિરુંદ્ધ નથી તે આપણા પક્ષનો છે
(માર્ક 9:41)
40 “જે માણસ તમને સ્વીકારે છે, તે મને સ્વીકારે છે, અને જે વ્યક્તિ મને સ્વીકારે છે તે જેણે મને મોકલ્યો તેને સ્વીકારે છે. 41 જો કોઈ વ્યક્તિ પ્રબોધકને સ્વીકારે છે કારણ કે તે એક પ્રબોધક છે પછી તે પ્રબોધક જે મેળવે છે તે બદલો તે વ્યક્તિ પ્રાપ્ત કરશે. જે કોઈ વ્યક્તિ સાચા માણસને સ્વીકારે છે, તે એક સારો માણસ છે પછી કે સાચો માણસ પ્રાપ્ત કરે છે તે બદલો તે વ્યક્તિને મળશે. 42 હું તમને સત્ય કહું છું કે જો કોઈ વ્યક્તિ શિષ્યના નામે નાનામાંના એકને પણ ઠંડા પાણીનો પ્યાલો પીવા આપે તો તેનું ફળ મળ્યાં વગર રહેશે જ નહિ.”
ઈસુ અને યોહાન બાપ્તિસ્ત
(લૂ. 7:18-35)
11 ઈસુ તેના બાર શિષ્યોને સૂચનાઓ આપ્યા પછી ત્યાંથી નીકળ્યો અને ત્યાંથી ગાલીલ નામના નગરમાં ઉપદેશ અને બોધ આપવા ગયો.
2 યોહાન બાપ્તિસ્ત જેલમાં હતો. ઈસુ જે કંઈ કરતો હતો તે વિષે તેણે સાંભળ્યું એટલે યોહાને તેના શિષ્યોમાંના કેટલાએકને ઈસુ પાસે મોકલ્યાં. 3 યોહાનના શિષ્યોએ આવીને ઈસુને પૂછયુ કે, “યોહાને જે માણસ વિષે કહ્યું તે આવી રહ્યો છે તે તું છે કે અમારે બીજા માણસની રાહ જોવાની છે?”
4 ઈસુએ તેમને કહ્યું કે, “તમે યોહન પાસે પાછા જાવ અને અહીં જે કાંઈ જોયું અને સાંભળ્યું, તે વિષે યોહાનને જાણ કરો. 5 આંધળા ફરી દેખતાં થયા છે; પાંગળા ચાલતા થયા છે; રક્તપિત્તિયા સાજા થઈ ગયા છે; બહેરા સાંભળતા થયા છે; અને મરણ પામેલા જીવનમાં ફરી બેઠા થયા છે. આ સુવાર્તા ગરીબ લોકોને જણાવવામાં આવી છે. 6 જે વ્યક્તિ મારો સ્વીકાર કરવા શક્તિમાન છે તેને ધન્ય છે.”
7 યોહાનના શિષ્યો પાછા ફરવા તૈયાર થયા, ઈસુએ લોકોને શું જોવા ઈચ્છો છો તે પૂછયું અને કહ્યું, “તમે ઉજજડ પ્રદેશમાં યોહાન પાસે ગયા ત્યારે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને જોવા ગયા હતા? ના! 8 તો તમે ત્યાં શું જોવા ગયા હતાં? શું જેણે ખૂબ સારા વસ્ત્રો પહેર્યા હતા તેવા માનવીને? ના! આવા સુંદર કપડા પહેરે છે તે તો રાજાના રાજમહેલમાં રહે છે. 9 તો પછી તમે શું જોવા ગયા હતાં? શું દેવના પ્રબોધકને જોવા ગયા હતાં? હા, હું તમને કહું છું, યોહાન તો પ્રબોધક કરતાં ઘણો અધિક છે. 10 યોહાન વિષે લખ્યું છે તે આ છે:
‘ધ્યાનથી સાંભળો! હું મારા દૂતને તારી આગળ મોકલું છું.
તે તમારા માટે માર્ગ તૈયાર કરશે.’ (A)
11 “હું તમને સત્ય કહું છું કે આજદિન સુધીમાં પૃથ્વી પર જન્મયા છે તેમાં યોહાન જેવો કોઈ ઉત્પન્ન થયો નથી, પણ આકાશના રાજ્યમાં સૌથી નાનો છે તે યોહાન કરતાં પણ મોટો છે. 12 યોહાન બાપ્તિસ્તના સમયથી આજદિન સુધી આકાશનું રાજ્ય આઘાત ઝીલતું રહ્યું છે, અને હિંસક સાધનોથી તેને છીનવી લેવાના પ્રયત્નો થયા છે. 13 બધાજ પ્રબોધકોએ અને નિયમશાસ્ત્રે યોહાન આવ્યો ત્યાં સુધી જે કાંઈ બનવાનું છે તે સંદેશ આપ્યો છે. 14 અને જો તમે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોએ જે કહ્યું છે તે સ્વીકારતા હો તો પછી તમારે તેનો સ્વીકાર કરવો હોય તો તે અગાઉ જણાવ્યા પ્રમાણે આવનાર એલિયા તે એ જ છે. 15 તમે લોકો મને સાંભળી શકો છો, તો ધ્યાનથી સાંભળો!
16 “આજની પેઢીના વિષે શું કહું? તેઓ કોના જેવા છે? તેઓ તો બજારમાં બેઠેલા બાળકોના જેવા છે કે જે એકબીજાને હાંક પાડે છે, હા, તેઓ તેવા જ છે.
17 ‘અમે તમારા માટે સંગીત વગાડ્યું,
પરંતુ તમે નૃત્ય કયું નહિ;
અમે તમારા માટે દર્દ ભર્યા ગીતો ગાયાં
પરંતુ તમે રડ્યા નહિ.’
18 યોહાન બાપ્તિસ્ત બીજાની જેમ ખાતો પીતો નથી આવ્યો તેથી લોકો કહે છે કે, ‘તેની અંદર ભૂત છે.’ 19 માણસનો દીકરો જે આવ્યો છે તે બીજાઓની જેમ ખાય છે. પીએ છે, ‘એના તરફ તો જુઓ! તે કેટલું બધું ખાય છે અને કેટલું બધું પીવે છે, ઉપરાંત કર ઉઘરાવનાર અને પાપીઓનો મિત્ર છે.’ પરંતુ તેનું શાણપણ પોતાના કાર્યોના પરિણામથી ન્યાયી પુરવાર થાય છે.”
અવિશ્વાસીઓને ઈસુની ચેતવણી
(લૂ. 10:13-15)
20 ઈસુએ જ્યાં જ્યાં તેનાં મોટા ભાગનાં પરાક્રમી કાર્યો કર્યા હતાં, તે નગરોની ટીકા કરી કારણ કે લોકો પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા નહિ. અને પાપકર્મો કરવાનું છોડ્યું નહિ. 21 ઈસુએ કહ્યું, “ઓ ખોરાઝીન[c] તને હાય! હાય! ઓ બેથસૈદા તને હાય! હાય! જો આ પરાક્રમો મેં દુષ્ટ એવા તૂર અને સિદોન[d] ના નગરોમાં કર્યા હોત તો ત્યાંના લોકોએ પસ્તાવો કર્યો હોત અને તેમના પર ટાટ તથા રાખ[e] નાખીને બતાવ્યું હોત કે તેઓ તેમના પાપોને માટે દુ:ખી હતાં. 22 પણ હું તમને કહું છું કે ન્યાયના દિવસે તૂર અને સિદોનને આકાશ જેટલી ઊંચી પદવીએ પહોંચાડાશે.
23 “ઓ કફર-નહૂમ, શું તું એમ માને છે કે તને ઉચ્ચ પદ માટે આકાશમાં લઈ જવામાં આવશે? ના! તને તો હાદેસના ખાડામા નાખવામા આવશે તારામાં જે ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે નગર આજ સુધી ટકી રહ્યું હોત. 24 હું કહું કે, ન્યાયના દિવસે સદોમની હાલત તારાં કરતા સારી હશે.”
ઈસુ તેના લોકોને વિસામો આપે છે
(લૂ. 10:21-22)
25 પછી ઈસુએ કહ્યું, “ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું. તારો આભારી છું કારણ તેં જ્ઞાનીઓથી આ સત્યોને ગુપ્ત રાખીને જે લોકો નાના બાળકો જેવા છે તેમની આગળ પ્રગટ કર્યુ છે. 26 હા, ઓ બાપ, આ તેં એટલા માટે કર્યુ કે તારે એ પ્રમાણે કરવું હતું.
27 “મારા બાપે મને બધું જ આપ્યું છે. બાપ સિવાય દીકરાને કોઈ ઓળખતું નથી અને બાપને દીકરા સિવાય કોઈ ઓળખી શકતું નથી. અને એવા લોકો જે બાપને ઓળખે છે તે એવા લોકો છે જેને દીકરો તેની પાસે બાપને પ્રગટ કરવા પસંદ કરે છે, તેઓ જ બાપને ઓળખે છે.
28 “તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ. 29 તમે મારો બોજ ઉઠાવો અને મારી પાસેથી શીખો. કારણ હું દીન અને નમ્ર છું તેથી તમારા જીવમાં વિસામો પામશો. 30 મારું જે કાર્ય તમને સ્વીકારવા કહું છું તે સહેલું છે અને તમારા પર જે બોજ મૂકુ છું તે ઊંચકવામાં હલકો છે.”
કેટલાક યહૂદીઓ ઈસુની ટીકા કરે છે
(માર્ક 2:23-28; લૂ. 6:1-5)
12 તે સમયે, ઈસુ વિશ્રામવારે પોતાના શિષ્યો સાથે અનાજના ખેતરોમાંથી જતો હતો. તેના શિષ્યો ભૂખ્યા થયા હતા. તેથી તેઓ અનાજના કણસલાં તોડી ખાવા લાગ્યા. 2 ફરોશીઓએ આ જોયું અને તેમણે ઈસુને કહ્યું: “જો! તારા શિષ્યો શાસ્ત્રના નિયમનો ભંગ કરે છે. અને અનાજના કણસલાં તોડે છે જે વિશ્રામવારે કરવાની મનાઈ છે.”
3 ઈસુએ તેમને કહ્યું, “શું તમે વાંચ્યું છે કે જ્યારે દાઉદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા ત્યારે દાઉદે શું કર્યુ હતું? 4 દાઉદ દેવના ઘરમાં ગયો હતો અને દેવને અર્પેલી રોટલી ખાવાની છૂટ ફક્ત યાજકોને હોય છે તે તેણે ખાધી હતી. આ નિયમશાસ્ત્રનો ભંગ ન હતો? 5 શું મૂસાના નિયમશાસ્ત્રમાં તમે કદીયે વાચ્યું નથી? વિશ્રામવારે ફરજ પાલન કરનારા યાજકો નિયમનો ભંગ કરે અને છતાં પણ તેમને દોષિત ગણાવતા નથી? 6 હું તમને કહું છું, અહીં એવું કોઈક છે કે જે મંદિર કરતાં પણ મોટો છે. 7 શાસ્ત્રો કહે છે, ‘મારે પ્રાણીના યજ્ઞો નથી જોઈતા; પણ હું લોકોમાં દયા ચાહું છું’ તમે જો શાસ્ત્રોના આ શબ્દોના સાચા અર્થો સમજતા હોત તો જેઓ નિર્દોષ છે, તેઓને દોષિત ન ઠરાવત.
8 “આ માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”
ઈસુ માણસના અપંગ હાથને સાજો કરે છે
(માર્ક 3:1-6; લૂ. 6:6-11)
9 ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યો. 10 ત્યાં સભાસ્થાનમાં એક વ્યક્તિ હતી જેનો હાથ અપંગ હતો. તેથી લોકોએ ઈસુને પૂછયું, “શું નિયમશાસ્ત્ર અનુસાર વિશ્રામવારે કોઈને સાજો કરવો એ શું યોગ્ય ગણાય?”
11 ઈસુએ ઉત્તર આપ્યો, “ધારો કે તમારી પાસે એક ઘેટું હોય અને વિશ્રામવારે તે ખાડામાં પડી ગયું હોય તો શું તમે તેને પકડી ખાડામાંથી બહાર નહિ કાઢો? 12 ઘેટાં કરતાં મનુષ્ય વધારે મૂલ્યવાન છે, માટે વિશ્રામવારે ભલાઈનાં કામ કરવાની નિયમશાસ્ત્ર અનુસાર મંજૂરી હોય છે.”
13 પછી ઈસુએ પેલા માણસને કહ્યું, “તારો હાથ મને જોવા દે.” તે માણસે પોતાને હાથ ઈસુ પાસે ધર્યો કે તરત જ તેનો હાથ બીજા હાથ જેવો થઈ ગયો. 14 ફરોશીઓ ત્યાંથી ચાલ્યા ગયા અને ઈસુને મારી નાખવાની યોજના બનાવી.
ઈસુ દેવનો પસંદ કરેલ સેવક
15 ફરોશીઓ શું કરવાના છે, તેની ઈસુને જાણ થઈ. તેથી ઈસુ તે જગ્યા છોડી ચાલ્યો ગયો. ઘણા લોકો તેની પાછળ ગયા. ઈસુએ બધા જ બિમાર લોકોને સાજા કર્યા. 16 ઈસુએ લોકોને ચેતવણી આપી કે તે કોણ હતો, તે બીજા લોકોને કહેવું નહિ. 17 આમ બન્યુ, જેથી યશાયા પ્રબોધકના શબ્દો સાચા પુરવાર થયા,
18 “જુઓ, આ મારો સેવક છે;
જેને મેં પસંદ કર્યો છે;
હું તેને પ્રેમ કરું છું
અને એનાથી હું સંતુષ્ટ છું;
હું મારો આત્મા તેનામાં મૂકીશ,
અને તે બધા દેશોના લોકોનો ન્યાય કરશે.
19 તે વાદવિવાદ કરશે નહિ કે બૂમો પાડશે નહિ;
લોકો તેને શેરીઓમાં ઊંચા અવાજે બોલતો સાંભળશે નહિ.
20 કારણ કે ન્યાયનો વિજય ન થાય ત્યાં સુધી બરું જેવા કમજોરને તે કચડી નાખશે નહિ;
કે મંદ મંદ સળગતી જ્યોતને તે હોલવી નાખશે નહિં.
બધા જ દેશોને ન્યાયનો વિજય થશે ત્યાં સુધી પોતાનું કાર્ય ચાલુ રાખશે.
21 બધા જ રાષ્ટ્રોના લોકો તેનામાં આશા રાખશે.” (B)
દેવ તરફથી પ્રાપ્ત થયેલ ઈસુનું સાર્મથ્ય
(માર્ક 3:20-30; લૂ. 11:14-23; 12:10)
22 પછી કેટલાએક માણસો એક માણસને ઈસુ પાસે લાવ્યા. તે અંધ હતો અને બોલી પણ શકતો ન હતો, કારણ તેનામાં ભૂત હતું. ઈસુએ તેને સાજો કર્યો. તે માણસ બોલતો થયો અને દેખતો પણ થયો. 23 બધા જ લોકો આશ્ર્ચર્યમુગ્ધ થઈ ગયા અને કહેવા લાગ્યા કે, “તે (ઈસુ) દાઉદનો દીકરો હોય તેમ બની શકે! જેને દેવે આપણી પાસે મોકલવાનું વચન આપ્યું છે!”
24 જ્યારે ફરોશીઓએ સાંભળ્યું ત્યારે કહેવા લાગ્યા, “ઈસુ ભૂતોના રાજા બઆલઝબૂલની મદદથી ભૂતોને હાંકી કાઢે છે.”
25 ઈસુને જ્યારે તેમના વિચારોની જાણ થઈ, ત્યારે ઈસુએ કહ્યું, “દરેક રાજ્ય અંદરો અંદર લડે તો તેનો નાશ થાય છે. દરેક શહેરમાં જ્યારે ભાગલા પડે તો તે લાંબો સમય ટકી શકતું નથી. તેમ દરેક કુટુંબમાં પણ ભાગલા પડે તો તે કુટુંબ ઊભું રહી શકે નહિ. 26 તે રીતે જો શેતાન શેતાનને હાંકી કાઢે તો તેના પોતાનાથી જ છૂટો પડે તો પછી તેનું રાજ્ય કેવી રીતે ટકાવી શકે. 27 તમે કહો છો કે ભૂતોને કાઢી મૂકવા હૂં બાલઝબૂલનો ઉપયોગ કરું છું, જો એ સાચુ હોય તો તમારા લોકો ભૂતોને હાંકી કાઢવા કઈ શક્તિનો ઉપયોગ કરે છે? આથી તમારા લોકો જાતે જ સાબિત કરે છે કે, તમે ખોટા છો. 28 પણ હું તો ભૂતોને કાઢવા દેવના આત્માના સાર્મથ્યનો ઉપયોગ કરું છું. જે બતાવે છે કે હવે દેવનું રાજ્ય તમારી નજીક આવી રહ્યું છે. 29 જો કોઈએ બળવાનના ઘરમાં પ્રવેશ કરવો હોય અને તેની વસ્તુઓ ચોરી લેવી હોય તો, પહેલા તો બળવાન માણસને તમારે બાંધી દેવો જોઈએ, પછી જ તે માણસના ઘરમાં કોઈપણ વ્યક્તિ તેની વસ્તુઓની ચોરી કરી શકે છે. 30 જો જે વ્યક્તિ મારી સાથે નથી તો તે મારી વિરૂદ્ધમાં છે. જે મારી સાથે કામ કરી શકતો નથી, તે મારી વિરૂદ્ધમાં કામ કરે છે.
31 “તેથી હું કહું છું, લોકોએ કરેલું દરેક પાપ અને પ્રત્યેક દુર્ભાષણ આ બધુજ માફ થઈ શકે છે. પણ જે કોઈ માણસ પવિત્ર આત્માની વિરૂદ્ધ જે દુર્ભાષણ કરે છે તે માણસને માફ નહિ કરાશે. 32 કોઈ માણસના દીકરાની વિરૂદ્ધ બોલે તો તેને માફ થઈ શકે, પરંતુ કોઈ પવિત્ર આત્માની વિરૂદ્ધ બોલે તો તે વ્યક્તિને માફ કરી શકાય નહિ. આ યુગમાં પણ નહિ, ને આવનાર યુગમાં પણ નહિ.
કાર્યથી માણસની ઓળખાણ
(લૂ. 6:43-45)
33 “જો તમારે સારું ફળ જોઈતું હોય તો સારું વૃક્ષ રોપવું જોઈએ, તમારું વૃક્ષ સારું નહિ હોય તો તેને ખરાબ ફળ મળશે. વૃક્ષની ઓળખાણ તેના ફળથી જાણી શકાય છે. 34 ઓ સર્પોના વંશ, તમે જ ખરાબ હો તો સારી વાત કેવી રીતે કરી શકો? તમારા હૃદયમાં જે કાંઈ ભર્યુ છે તે જ મુખ બોલે છે. 35 સારા માણસના હૃદયમાં સારી વસ્તુ સંધરેલી હોય તો તે સારું જ ખોલે છે. પણ જો દુષ્ટના હૃદયમાં ખરાબ વાત સંઘરેલી હોય તો તેને હોઠે ખરાબ વાત જ બોલાય છે. 36 પણ હું તમને કહું છું કે ન્યાયકાળે દરેક વ્યક્તિએ તેણે બોલેલા પ્રત્યેક અવિચારી શબ્દ માટે ઉત્તર આપવો પડશે. 37 તમે બોલેલા શબ્દોના આધારે જ તમારો ન્યાય કરવામાં આવશે, તમારી કહેલી કેટલીક વાતો તમને નિર્દોષ ઠરાવશે. અને તમારી કહેલી કેટલીક વાતો તમને દોષિત કરાવશે.”
ઈસુની પાસે યહૂદિઓએ નિશાની માંગી
(માર્ક 8:11-12; લૂ. 11:29-32)
38 એક દિવસે કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુની પાસે આવ્યા. તેમણે કહ્યું, “ઉપદેશક, અમને નિશાનીરૂપે કંઈ ચમત્કાર કરી બતાવ.”
39 ઈસુએ કહ્યું, “દેવળ દુષ્ટ અને અવિશ્વાસી લોકો જ નિશાની તરીકે ચમત્કારની માંગણી કરે છે. પરંતુ યૂના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ નિશાની અપાશે નહિ. 40 જેમ યૂના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રહ્યો તેમ માણસનો દોકરો પૃથ્વીના પેટમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહેશે. 41 ન્યાયકાળે નિનવેહના લોકો આજની પેઢીના તમારા લોકો સાથે ઊભા રહેશે, અને તમને દોષિત ઠરાવશે. કેમ કે જ્યારે યૂનાએ તેઓને ઉપદેશ આપ્યો, ત્યારે તેઓએ પસ્તાવો કર્યો અને પોતાના ખરાબ માર્ગ છોડી દઈ દેવની તરફ વળ્યા. પણ જુઓ યૂના કરતાં અહીં એક મોટો છે તો પણ તમે તેના પર વિશ્વાસ કરવાનો ઈન્કાર કરો છો.
42 “ન્યાયના દિવસે શેબાની રાણી આજની પેઢીના તમારા લોકો સાથે ઊભી રહેશે કારણ કે ઘણે દૂરથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી. અહીં સુલેમાન કરતાં પણ એક મોટો છે.
લોકોમાં શેતાન
(લૂ. 11:24-26)
43 “અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળ્યા પછી ઉજજડ સ્થળોએ વિસામો શોધતો ફરે છે પણ એને એવું કોઈજ સ્થળ વિસામા માટે મળતું નથી. 44 તેથી તે કહે છે, ‘જેના ઘેરથી (વ્યક્તિ) હું નીકળ્યો છું તેના જ ઘરે (વ્યક્તિ) હું પાછો જઈશ.’ તેથી તે પાછો આવે છે અને જુએ છે તો પેલા માણસનું ઘર ખાલી સ્વચ્છ અને સુઘડ બનાવેલું છે. 45 પછી તે અશુદ્ધ આત્મા જાય છે અને પોતાના કરતાં વધુ ભૂંડા એવા સાત અશુદ્ધ આત્માઓને લાવે છે. અને એ બધાજ પેલા માણસમાં પ્રવેશીને રહે છે. આ અગાઉ કરતાં તેની દશા વધારે કફોડી બને છે. આ દુષ્ટ પેઢીના લોકો જે આજે છે તેમની હાલત પણ એવી જ થશે.”
ઈસુના શિષ્યો જ તેનું કુટુંબ
(માર્ક 3:31-35; લૂ. 8:19-21)
46 ઈસુ જ્યારે લોકોને વાત કરી રહયો હતો ત્યારે તેની સાથે વાત કરવાની ઈચ્છાથી તેની મા અને ભાઈઓ ઘરની બહાર ઊભા રહ્યા હતા. 47 એક માણસે ઈસુને આવીને કહ્યું, “તારી મા અને ભાઈઓ તારી સાથે વાત કરવાની ઈચ્છાથી તારી રાહ જોઈને બહાર ઊભા રહ્યાં છે.”
48 ઈસુએ ઉત્તર આપ્યો, “કોણ મારી મા અને કોણ મારા ભાઈઓ?” 49 પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ આંગળી ચીંધી ને કહ્યું, “જુઓ! આ લોકો જ મારી મા અને મારા ભાઈઓ છે. 50 મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે જે વર્તે છે તે જ મારા ભાઈ, બહેન, અને મા છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International