Read the Gospels in 40 Days
ઈસુના જીવન વિષે લૂક લખે છે
1 ઘણા લોકોએ આપણી વચ્ચે જે ઘટનાઓ બની હતી તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. 2 જેઓએ પોતાની જાતે આરંભથી તે ઘટનાઓ નીહાળી છે અને જેઓ પ્રભુનો સંદેશ તે લોકોને આપતા હતા. તે લોકોએ આપણને જે રીતે કહ્યું હતું તે જ પ્રમાણે તેઓએ તે બાબતો લખી છે. 3 નેકનામદાર થિયોફિલ, શરુંઆતથી જ મેં મારી જાતે આનો ચોકસાઇપૂર્વક અભ્યાસ કર્યો અને તેથી મેં તમારા માટે પુસ્તકમાં યોગ્ય ક્રમમાં વૃતાંત લખવા વિચાર્યુ. 4 હું આ બધી બાબતો તારા માટે લખું છું જેથી તને ખાતરી થશે કે તને જે કંઈ શીખવવામાં આવ્યું છે તે સાચું છે.
ઝખાર્યા અને એલિસાબેત
5 યહૂદિયાના રાજા હેરોદના સમયમાં ત્યાં અબિયાના વગૅ[a] માનો ઝખાર્યા નામનો યાજક હતો. તેની પત્નિનું નામ એલિયાબેત હતું. જે હારુંનના પરિવારની હતી. 6 ઝખાર્યા અને એલિસાબેત બંન્ને દેવની આગળ ન્યાયી હતા અને તેઓ પ્રભુની આજ્ઞાઓ અને જરુંરિયાતો પ્રમાણે બધુ કરતા હતા. તેઓ નિર્દોષ હતા. 7 પરંતુ ઝખાર્યા અને એલિસાબેત નિ:સંતાન હતા. કારણ કે એલિસાબેત મા બનવા માટે શક્તિમાન ન હતી; અને તેઓ બંન્ને ઘણાં વૃદ્ધ હતા.
8 તેના વર્ગના વતી દેવ સમક્ષ યાજક ઝખાર્યા સેવા કરતો હતો. આ વખતે તેના વર્ગને સેવા કરવા માટેનો વારો હતો. 9 યાજકોના રિવાજ પ્રમાણે મંદિરમાં પ્રવેશવા માટે અને દેવ સમક્ષ વેદી પર ધૂપ સળગાવવા માટે તેની પસંદગી થઈ. તેથી ઝખાર્યા ધૂપ સળગાવવા માટે પ્રભુના મંદિરમાં દાખલ થયો. 10 તે સમયે મંદિર બહાર પ્રાર્થના માટે ઘણા લોકો ભેગા થયા હતા. જ્યારે ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યારે તેઓ પ્રાર્થના કરતા હતા.
11 તે વખતે પ્રભુનો એક દૂત ઝખાર્યાની આગળ ધૂપવેદીની જમણી બાજુએ ઊભેલો દેખાયો. 12 જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો ત્યારે તે ચોંકી ઊઠ્યો અને ગભરાયો. 13 પરંતુ તે દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઇશ નહિ. દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તારી પત્નિ, એલિસાબેત, પુત્રને જન્મ આપશે. જેનું નામ તું યોહાન પાડશે. 14 આના કારણે તને પુષ્કળ આનંદ થશે. તેના જન્મના કારણે ઘણા લોકો પણ આનંદ પામશે. 15 યોહાન પ્રભુ માટે એક મહાન માણસ થશે. તે કદી દાક્ષારસ પીશે નહિ કે બીજુ કોઈ કેફી પીણું લેશે નહિ. જન્મથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર હશે.
16 “યોહાન યહૂદિઓને પાછા ફેરવશે પછી તેમના પ્રભુ તેમના દેવ તરફ ફેરવશે. 17 યોહાન તેની જાતે પ્રથમ દેવ આગળ ચાલશે. તે એલિયાની જેમ સામથ્યૅવાન બનશે. એલિયા પાસે હતો તેવો આત્મા તેની પાસે હશે. તે પિતા અને બાળકો વચ્ચે શાંતિ લાવશે. ઘણા લોકો પ્રભુની આજ્ઞાઓનું પાલન કરતા નથી. યોહાન તેઓને સાચા વિચારના માર્ગે વાળશે અને પ્રભુના આગમન માટે તૈયાર કરશે.”
18 ઝખાર્યાએ દૂતને પૂછયું, “હું એક ઘરડો છું, અને મારી પત્નિ પણ વૃદ્ધ છે. હું કેવી રીતે માની શકું કે તું જે કહે છે તે સાચું છે?”
19 દૂતે તેને ઉત્તર આપ્યો, “હું ગાબ્રિયેલ છું. હું દેવની સમક્ષ ઊભો રહું છું. દેવે મને આ શુભ સંદેશો આપવા માટે તારી પાસે મોકલ્યો છે. 20 તેથી ધ્યાનથી સાંભળ! જ્યાં સુધી આ બનાવ ના બને ત્યાં સુધી તું મૂંગો રહેશે. તું તારી બોલવાની શક્તિ ગુમાવીશ. શા માટે? કારણ કે મેં તને જે કહ્યું તેમાં તેં વિશ્વાસ કર્યો નથી. પરંતુ આ શબ્દો ચોક્કસ સમયે સાચા ઠરશે.”
21 બહાર લોકો હજુ પણ ઝખાર્યાની રાહ જોતા હતા. તેઓ નવાઇ પામ્યા હતા કે શા માટે મંદિરમાં તે આટલા લાંબા સમય સુધી રહ્યો. 22 જ્યારે ઝખાર્યા બહાર આવ્યો. તે તેની સાથે બોલી શક્યો નહિ. તેથી લોકોએ વિચાર્યુ કે ઝખાર્યાને મંદિરની અંદર કોઈ દર્શન થયું છે, ઝખાર્યા તે કઈ બોલી શક્યો નહિ, ઝખાર્યા લોકોને ફક્ત ઇશારા કરતો હતો. 23 જ્યારે તેનો સેવા કરવાનો સમય પૂરો થયો. ત્યારે ઝખાર્યા ઘેર પાછો ગયો.
24 થોડા સમય બાદ ઝખાર્યાની પત્નિ એલિસાબેતને ગર્ભ રહ્યો. પાંચ મહીના સુધી તે ઘરની બહાર નીકળી નહિ. એલિસાબેતે કહ્યું: 25 “જુઓ, પ્રભુએ મારા માટે શું કર્યુ છે! અગાઉ લોકો મને મહેણાં મારતા હતા. પણ હવે નિઃસંતાનનું અપમાન દૂર થયું છે.”
કુંવારી મરિયમ
26-27 એલિસાબેતની સગર્ભાવસ્થાના છઠા મહિના દરમ્યાન, દેવે એક દૂતને નાસરેથ નામે ગાલીલ શહેરમાં મોકલ્યો. જેનું નામ ગાબ્રિયેલ હતું. તે દૂતને મરિયમ નામની કુંવારી કન્યા પાસે મોકલ્યો હતો. તેની સગાઇ યૂસફ નામના માણસ સાથે થઈ હતી. જે દાઉદના વંશમાથી હતો. 28 દૂત તેની આગળ દેખાયો અને કહ્યું: “અભિનંદન! પ્રભુ તારી સાથે છે અને તને આશીર્વાદ આપવા ઈચ્છે છે.”
29 પરંતુ મરિયમ દૂતની વાત સાંભળ્યા પછી ગભરાઇ ગઇ. તે નવાઇ પામી હતી. “આ અભિનંદનનો અર્થ શો?”
30 દૂતે કહ્યું, “ગભરાઇશ નહિ, મરિયમ, દેવ તારા પર અત્યંત પ્રસન્ન થયો છે. 31 ધ્યાનથી કાળજીપૂર્વક સાંભળ! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેનું નામ તું ઈસુ પાડશે. 32 તે બાળક એક મોટો માણસ થશે અને લોકો તેને પરાત્પરનો દીકરો કહેશે. દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. 33 ઈસુ હંમેશા યાકૂબના લોકો પર શાસન કરશે. ઈસુના રાજ્યનો અંત કદી આવશે નહિ.”
34 મરિયમે દૂતને પૂછયું, “તે કેવી રીતે બનશે? હું તો હજી એક કુંવારી કન્યા છું!”
35 દૂતે મરિયમને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારી પાસે આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. જે બાળકનો જન્મ થશે તે પવિત્ર થશે. તે દેવનો દીકરો કહેવાશે. 36 જો એલિસાબેત જે તારી સબંધી છે તે પણ સગર્ભા છે અને તેની વૃધ્ધાવસ્થામાં તે એક દીકરાને જન્મ આપશે. દરેક વ્યક્તિ તેને વાંઝણી માનતા હતા. પણ તે છ માસથી સગર્ભા છે! 37 દેવ માટે કશું જ અશક્ય નથી!”
38 મરિયમે કહ્યું, “હું તો ફક્ત પ્રભુની દાસી છું. તેથી તેં મારા માટે જે કહ્યું છે તે થવા દે!” પછી તે દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.
મરિયમની ઝખાર્યા અને એલિસાબેત સાથે મુલાકાત
39 પછી મરિયમ ઉઠીને ઉતાવળથી ઈસ્ત્રાએલના પહાડી પ્રદેશના શહેરમાં પહોંચી ગઇ. 40 ઝખાર્યાના ઘરમાં પ્રવેશીને તેણે એલિસાબેતને શુભેચ્છા પાઠવી. 41 મરિયમની શુભેચ્છા સાંભળીને એલિસાબેતના પેટમાં બાળક કૂદયું. પછી એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થઈ.
42 પછી તેણે મોટા અવાજે કહ્યું, “બીજી સ્ત્રીઓની સરખામણીમાં તું દેવથી વધારે આશીર્વાદિત છે. અને જે બાળક તારી કૂંખમાંથી જન્મ લેશે તેને પણ ધન્ય છે. 43 તું મારા પ્રભુની મા છે, અને તું મારી પાસે આવી છે! આવું સારું મારી સાથે કેવી રીતે બન્યું? 44 જ્યારે મેં તારો અવાજ સાંભળ્યો, મારા પેટમાંનું બાળક આનંદથી કૂદ્યું. 45 તને ધન્ય છે કારણ કે પ્રભુએ જે તને કહ્યું છે તે ચોક્કસ થશે જ એવું તું દઢ વિશ્વાસથી માને છે.”
મરિયમ દેવની સ્તુતિ કરે છે
46 પછી મરિયમે કહ્યું,
47 “મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે.
મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે.
48 દેવે તેની સામાન્ય
અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે.
હવે પછી,
બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું,
49 કારણ કે સર્વસમર્થ દેવે મારા માટે મહાન કાર્યો કર્યા છે.
તેનું નામ પવિત્ર છે.
50 જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.
51 દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે.
તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.
52 દેવે રાજ્યકર્તાઓને રાજ્યશાસન પરથી ઉતારી પાડ્યા છે,
અને તેણે દીન માણસોને ઊંચા કર્યા છે.
53 પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે.
પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે.
54 દેવ ઈસ્ત્રાએલના બચાવ માટે આવ્યો છે. દેવે તેની સેવા માટે ઈસ્ત્રાએલના લોકોને પસંદ કર્યા છે.
દેવે તેમને મદદ કરી છે અને એમના પર દયા બતાવી છે.
55 દેવે આપણા પૂર્વજ ઈબ્રાહિમ અને તેનાં સંતાનોને આપેલું વચન હંમેશા પાળ્યું છે.”
56 લગભગ ત્રણ માસ એલિસાબેત સાથે રહ્યા પછી મરિયમ ઘેર પાછી ફરી.
યોહાનનો જન્મ
57 યોગ્ય સમયે એલિસાબેતે પુત્રને જન્મ આપ્યો. 58 તેણીના પડોશીઓ તથા સગાસબંધીઓએ જ્યારે સાંભળ્યું કે પ્રભુએ તેણી પર ખૂબ દયા દર્શાવી છે ત્યારે તેઓ તેની સાથે ખૂબ પ્રસન્ન થયા.
59 જ્યારે તે બાળક આઠ દિવસનો થયો ત્યારે તેઓ તેની સુન્નત કરવા આવ્યા. તેના પિતાનું નામ ઝખાર્યા હોવાથી તેઓની ઈચ્છા તેનું નામ ઝખાર્યા રાખવાની હતી. 60 પણ તેની માતાએ કહ્યું, “ના! તેનું નામ યોહાન રાખવામાં આવશે.”
61 લોકોએ એલિસાબેતને કહ્યું, “પણ તમારા કુટુંબમાં કોઈનું નામ યોહાન નથી.” 62 પછીથી તેઓએ પિતાને ઇશારો કરીને પૂછયું, “તને કયું નામ ગમશે?”
63 ઝખાર્યાએ લખવા માટે કંઈક માંગ્યુ. પછી તેણે લખ્યું, “તેનું નામ યોહાન છે.” દરેક જણને આશ્ચયૅ થયું. 64 પછી ઝખાર્યા બોલવા લાગ્યો. તે દેવની સ્તુતિ કરવા લાગ્યો. 65 અને તેના બધા પડોશીઓ ગભરાઇ ગયા. યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં લોકો આ બાબતો વિષે વાતો કરતા હતા. 66 આ બધા લોકો જ્યારે તેઓએ આ બાબતો વિષે સાંભળ્યું. ત્યારે અચરત પામ્યા હતા. તેઓએ વિચાર્યુ, “આ બાળક કેવો થશે?” તેઓએ આ પ્રમાણે કહ્યું કારણ કે બાળક સાથે પ્રભુનું સામથ્યૅ હતું.
ઝખાર્યાનું દેવને સ્તુતિગાન
67 પછી યોહાનનો પિતા, ઝખાર્યા પવિત્ર આત્માથી ભરપૂર હતો. તેણે લોકોને પ્રબોધ કર્યો.
68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો.
તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
69 દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ
ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
70 તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા
લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે.
71 દેવ આપણને આપણા દુશ્મનો
તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે.
72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે.
અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.
73 દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા
74 દુશ્મનોની સત્તામાંથી બચાવશે.
તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
75 જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.
76 “અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે.
તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.
77 તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.
78 “આપણા દેવની દયા વડે આકાશમાંથી
નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે.
79 જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે.
તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”
80 આમ તે નાનો છોકરો મોટો થતો ગયો અને આત્મામાં વધારે સામથ્યૅવાન થતો ગયો. ઇઝરાએલના યહૂદિઓ સમક્ષ જાહેર થવાનો સમય આવતા સુધી તે બીજા લોકોથી દૂર રહ્યો.
ઈસુનો જન્મ
(માથ. 1:18-25)
2 આ સમય દરમ્યાન કૈસર ઓગસ્તસે હુકમનામું બહાર પાડ્યું કે જે દેશો રોમન શાસન હેઠળ છે તે સમગ્ર રાજ્યની વસતી ગણતરી કરવામાં આવે. એ હુકમનામા અનુસાર બધાજ લોકોએ પોતપોતાના નામ રજિસ્ટરમાં નોધાવવાનાં હતા. 2 આ વસ્તી ગણતરી પ્રથમ વાર જ થતી હતી. તે વખતે સિરિયા પ્રાંતનો હાકેમ કુરીનિયસ હતો. 3 તેથી બધાજ લોકો પોતપોતાના શહેરમાં નામની નોંધણી કરાવવા માટે ગયા.
4 અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, 5 પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્નિ મરિયમનું નામ નોંધાવવા ગયો કેમ કે દાઉદના વંશ તથા કુળમાંનો તે હતો. 6 તેઓ ત્યાં હતાં એટલામાં તેના દહાડા પૂરા થયા. 7 ત્યાં મરિયમે તેના પ્રથમ દિકરાને જન્મ આપવાનો સમય હતો તેણે પ્રથમ દીકરાને જન્મ આપ્યો. તે વખતે ધર્મશાળામાં કોઈ ઓરડો ખાલી ન હોવાથી તેણે ગભાણમાં જ બાળકને કપડાંમાં લપેટીને સુવાડ્યો.
ઈસુના જન્મની ભરવાડોને જાણ
8 તે વખતે રાત્રે કેટલાક ભરવાડો ખેતરમાં તેમનાં ઘેટાંઓની રખેવાળી કરતા હતા. 9 પ્રભુનો દૂત ભરવાડોની સમક્ષ આવીને ઊભો રહ્યો તેમની આજુબાજુ પ્રકાશ ચમકવા લાગ્યો. તેથી ભરવાડો ગભરાઇ ગયા. 10 પ્રભુના દૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, કેમ કે હું તમને મોટા આનંદથી સુવાર્તા આપવા આવ્યો છું. જેથી આખા દેશના તમામ લોકોમાં આનંદ ઉભરાશે. 11 આજે દાઉદના શહેરમાં તમારો તારનાર જન્મ્યો છે તે જ ખ્રિસ્ત પ્રભુ છે. 12 તમે તેને ઓળખી શકો તે માટેની આ નિશાની છે. તમે એક બાળકને કપડાંમાં લપેટેલો અને ગભાણમાં સૂતેલો જોશો.”
13 પછી તો આકાશમાંથી દૂતોનો મોટો સમૂહ પેલા પ્રભુના દૂત સાથે જોડાયો. અને બધાજ દૂતો દેવની સ્તુતિ કરવા લાગ્યા.
14 “પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ,
અને પૃથ્વી પર દેવને પ્રસન્ન કરે છે તેવા લોકોને શાંતિ પ્રાપ્ત થાઓ.”
15 પ્રભુના દૂતો ભરવાડોને છોડીને આકાશમાં પાછા ચાલ્યા ગયા. ભરવાડો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા, “આપણે બેથલેહેમ જઇને અહીં જે કંઈ ઘટના બની છે તથા પ્રભુએ આપણને દર્શાવી છે તે જોવી જોઈએ.”
16 ભરવાડો તો ઝડપથી ત્યાં પહોંચી ગયા અને મરિયમ તથા યૂસફને પણ શોધી કાઢ્યા. બાળક પણ ગભાણમાં સૂતેલુ હતું. 17 ભરવાડોએ બાળકને જોયું અને પછી પ્રભુના દૂતે બાળક વિષે તેઓને શું કહ્યું હતું તે તેઓએ જણાવ્યું. 18 ભરવાડોએ તેઓને જે કહ્યું તે સાંભળીને દરેક જણ નવાઇ પામ્યા. 19 પરંતુ મરિયમે આ બધી વાતો મનમાં રાખી અને વારંવાર તેના વિષે વિચાર કરતી. 20 ભરવાડો પણ જે કંઈ જોયું અને સાંભળ્યું હતું, તે બધુ તેઓને દૂતે કહી હતી તે જ થઈ હતી. તે બધા પ્રભુનો મહિમા તથા સ્તુતિ કરતાં કરતાં ઘેર પાછા ફર્યા.
21 જ્યારે બાળક આઠ દિવસનું થયું ત્યારે તેની સુન્નત કરાવવામાં આવી અને તેનું નામ ઈસુ રાખવામાં આવ્યું. પ્રભુના દૂતે માતાના ગર્ભમાં બાળક આવતા પહેલાં જ આ નામ આપ્યું હતું.
મંદિરમાં ઈસુનું અર્પણ
22 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે શુદ્ધિકરણનો સમય આવતા યૂસફ અને મરિયમ બાળકને પ્રભુ સમક્ષ રજૂ કરવા માટે યરૂશાલેમ લઈ ગયા. 23 પ્રભુના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે પ્રમાણે, “પરિવારમાં જ્યારે પ્રથમ દીકરો જન્મ લે છે તેને પ્રભુને સારું પવિત્ર ગણવો જોઈએ.”[b] 24 વળી પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે લોકોએ બલિદાન પણ આપવાનું હોય છે. તે મુજબ હોલાંની એક જોડ અથવા કબૂતરનાં બે બચ્ચાનું બલિદાન આપવાનું હોય છે. તેથી યૂસફ અને મરિયમ આ વિધિ કરવા યરૂશાલેમ ગયા.
શિમયોન ઈસુને જુએ છે
25 યરૂશાલેમમાં શિમયોન નામનો માણસ રહેતો હતો. તે ઘણો ઉત્તમ ધાર્મિક નિષ્ઠાવાળો માણસ હતો.
તે ઈસ્ત્રાએલના લોકોના સુખ માટે પ્રભુના આગમનની વાટ જોતો હતો. પવિત્ર આત્મા તેની સાથે હતો. 26 પવિત્ર આત્માએ શિમયોનને કહ્યું હતું કે જ્યાં સુધી તે પ્રભુ ખ્રિસ્તનાં દર્શન નહિ કરે ત્યાં સુધી તેનું મૃત્યુ થશે નહિ. 27 પવિત્ર આત્માના માર્ગદર્શનથી તે મંદિરમાં ગયો. યહૂદિઓના નિયમશાસ્ત્રની વિધિ કરવા માટે મરિયમે અને યૂસફ બાળ ઈસુને લઈને મંદિરમાં આવ્યા. 28 શિમયોને બાળકને હાથમાં લીધું અને દેવનો આભાર માન્યો.
29 “પ્રભુ, હવે તેં આપેલા વચન પ્રમાણે આ તારા સેવકને શાંતિથી મૃત્યુનું શરણ લેવા દે.
30 કારણ કે મેં મારી પોતાની આંખો વડે તારા તારણનાં દર્શન કર્યા છે.
31 તમે બધાજ લોકો માટે તેને તૈયાર કર્યો છે.
32 તે જગતના લોકો માટે જ્યોતિ છે જે બીન યહૂદિઓને તમારો માર્ગ બતાવશે.
તે ઈસ્ત્રાએલના લોકોનો મહિમા વધારશે.”
33 શિમયોને ઈસુ વિષે જે કંઈ કહ્યું તે સાંભળીને તેના માતાપિતા નવાઇ પામ્યા. 34 પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈસુની મા મરિયમને કહ્યું, “ઈસ્ત્રાએલના ઘણા લોકોની ચડતી પડતી આ બાળકને કારણે થશે. તે દેવની તરફથી એંધાણીરુંપ બનશે. જેને કેટલાક લોકો સ્વીકારવા ના પાડશે. 35 લોકોના હ્રદયમાં રહેલા ગુપ્ત વિચારો જાહેર થશે. જે કંઈ ઘટનાઓ બનશે તેમાથી તારું હ્રદય દુ:ખી થશે.”
હાન્ના ઈસુને જુએ છે
36 મંદિરમાં હાન્ના નામની એક પ્રબોધિકા રહેતી હતી. જે આશેરના કુળની ફનુએલની પુત્રી હતી. હાન્ના ઘણી વૃદ્ધ હતી. લગ્નજીવનના સાત વર્ષ પછી તેના પતિનું અવસાન થતાં તે એકલી રહેતી હતી. 37 હવે તો તે 84 વર્ષની થઈ હતી અને તે વિધવા હતી. છતાં તેણે ક્યારેય મંદિર છોડ્યું ન હતું. તે મંદિરમા જ રહેતી અને રાતદિવસ ઉપવાસ અને પ્રાર્થના દ્ધારા પ્રભુની સ્તુતિ કરતી હતી.
38 તેણે ત્યાં જ તે ક્ષણે આવીને પ્રભુનો આભાર માન્યો અને જે લોકો યરૂશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે બધાએ આ બાળક વિષે કહ્યું.
યૂસફ અને મરિયમનું ઘર તરફ પ્રયાણ
39 પ્રભુની આજ્ઞાનુસાર બધી જ વિધિઓ પૂર્ણ કરીને યૂસફ અને મરિયમ ગાલીલના નાસરેથમાં પોતાને ગામ પાછા ફર્યા. 40 દેવની કૃપા તે નાના બાળક સાથે હતી. તેથી તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધારે પરાક્રમી અને બુદ્ધિશાળી થતો ગયો.
41 પ્રતિવર્ષ પાસ્ખાપર્વ વખતે ઈસુના માતાપિતા યરૂશાલેમ જતાં હતા. 42 જ્યારે ઈસુ બાર વર્ષનો થયો ત્યારે તેઓ પર્વમાં હંમેશા જે પ્રમાણે જતા હતા તે જ પ્રમાણે ગયા. 43 જ્યારે પર્વની ઉજવણી પૂરી થઈ ત્યારે તેઓ ધેર પાછા ફર્યા. પરંતુ બાળ ઈસુ તો યરૂશાલેમમાં જ રહી ગયો. તેના માતાપિતા તેના વિષે કંઈ જ જાણતા નહોતા. 44 તેમણે વિચાર્યુ કે ઈસુ તે સમુહમાં હશે. એક દિવસની મુસાફરી કર્યા પછી તેની શોધમાં તેઓ નીકળ્યા. તેઓએ તેમના પરિવારમાં તથા નજીકના મિત્રમંડળમાં શોધ કરી. તે માટે યૂસફ અને મરિયમ આખો દિવસ ફર્યા. 45 પરંતુ યૂસફ અને મરિયમને ક્યાંય ઈસુ જડ્યો નહિ. તેથી ફરી પાછા તેની શોધમાં યરૂશાલેમ ગયા.
46 ત્રણ દિવસ પછી ઈસુ તેઓને જડ્યો. ઈસુ મંદિરમાં ધર્મગુરુંઓ સાથે બેસીને પ્રશ્રોની ચર્ચા કરી રહ્યો હતો. 47 જે દરેક વ્યક્તિએ તેને સાંભળ્યો. તેના ચતુરાઇભર્યા ઉત્તરો અને સમજશક્તિ જોઈને આશ્ચર્ય પામ્યા હતા. 48 ઈસુના માતાપિતાએ જ્યારે તેને જોયો ત્યારે તેઓ પણ નવાઇ પામ્યા. તેની માએ તેને પૂછયું, “દીકરા, અમારી સાથે આવું તેં કેમ કર્યુ? તારા પિતા અને હું તારા માટે બહુ ચિંતા કરતા હતા. અને તારી શોધ પણ કરી રહ્યા હતા.”
49 ઈસુએ તેઓને કહ્યું, “તમે મારી શોધ શાં માટે કરતા હતા? તમને ખબર હોવી જોઈએ કે, હું મારા પિતાનું કામ જ્યાં છે ત્યાં જ હોઇશ!” 50 પરંતુ ઈસુએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહિ.
51 ત્યારબાદ ઈસુ તેઓની સાથે નાસરેથ પાછો ફર્યો અને હંમેશા માતાપિતા જે કંઈ કહે તે બધાનું પાલન કરતો. તેની માતા હજુ પણ તે બધી બાબતો અંગે મનમાં વિચારતી હતી. 52 ઈસુએ વધુને વધુ અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તે કદમાં ઊંચો થયો અને લોકો ઈસુને ચાહતા અને ઈસુ દેવને પ્રસન્ન કરતો.
યોહાનનો ઉપદેશ
(માથ. 3:1-12; માર્ક 1:1-8; યોહ. 1:19-28)
3 પોંતિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો.
ગાલીલ પર હેરોદ;
ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ,
લુસાનિયાસ, અબિલેનીનો રાજા હતો.
2 અન્નાસ અને કાયાફા પ્રમુખ યાજકો હતા. તે સમય દરમ્યાન ઝખાર્યાના દીકરા યોહાનને દેવે આજ્ઞા કરી. યોહાન તો અરણ્યમાં રહેતો હતો. 3 તેથી યોહાને યર્દન નદીની આજુબાજુના પ્રદેશમાં યાત્રા કરીને લોકોને પસ્તાવો કરવા માટે, પાપોની માફીની ખાતરી મેળવવા તથા બાપ્તિસ્મા પામીને જીવન ગુજારવાનો ઉપદેશ આપ્યો. 4 યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલા વચનો મુજબ:
“અરણ્યમાં કોઈ વ્યક્તિનો પોકાર સંભળાય છે:
‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો.
તેનો માર્ગ સીધો બનાવો.
5 પ્રત્યેક ખીણો પૂરી દેવાશે.
અને બધાજ પર્વતો અને ટેકરીઓ સપાટ બનાવાશે.
રસ્તાના વળાંક સીધા કરવામાં આવશે.
અને ખાડા ટેકરાવાળા રસ્તાઓ સરખા કરવામાં આવશે.
6 પ્રત્યેક વ્યક્તિ દેવનું તારણ જોશે!’” (A)
7 ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવ્યા. યોહાને તેઓને કહ્યું: “તમે ઝેરીલા સાપો જેવા છો, દેવનો કોપ અને જેણે તમને તેમાંથી બચવા માટે ચેતવણી આપી છે તેમાંથી ઉગારવા માટે તમને કોણે સાવધાન કર્યા? 8 તમે એવાં કામ કરો કે જે દર્શાવે કે તમે તમારું હ્રદય પરિવર્તન કર્યું છે. તમારી જાતને તમે કહેવાનું શરું ના કરશો. ‘ઈબ્રાહિમ અમારો પિતા છે.’ કારણ કે હું તમને કહું છું કે દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે. 9 વૃક્ષો કાપવા માટે હવે કુહાડી તૈયાર છે. દરેક વૃક્ષ જે સારાં ફળ ન આપતાં હોય તે બધાને કાપી નાખીને અજ્ઞિમાં નાખી દેવામાં આવશે.”
10 લોકોના ટોળાએ યોહાનને પૂછયું, “અમારે શું કરવું જોઈએ?”
11 યોહાને ઉત્તર આપ્યો, “જો તમારી પાસે બે અંગરખા હોય તો જેની પાસે એક પણ નથી તેને આપો. અને જેની પાસે ખોરાક હોય તો તે પણ વહેંચવો જોઈએ.”
12 જકાતનાકાના કર ઉઘરાવનારા અમલદારો પણ બાપ્તિસ્મા પામવા તેની પાસે આવ્યા. તેઓએ યોહાનને પૂછયું, “ઉપદેશક, અમારે શું કરવું?”
13 યોહાને તેમને કહ્યું, “તમને જેટલી જકાત લેવાનો હુકમ કર્યો હોય તેનાથી વધારે જકાત લોકો પાસેથી ઉઘરાવો નહિ.”
14 સૈનિકોએ યોહાનને પૂછયું, “અમારું શું? અમારે શું કરવું જોઈએ?”
યોહાને તેઓને કહ્યું, “બળજબરીથી કોઈની પાસેથી પૈસા લેશો નહિ. કોઈને માટે જુઠું બોલશો નહિ. તમને જે કંઈ પગારમાં મળે છે તેમાં સંતોષ રાખો.”
15 બધાજ લોકો ખ્રિસ્તના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા અને યોહાન અંગે નવાઇ પામી વિચારતા હતા કે, “કદાચ યોહાન એ તો ખ્રિસ્ત નહિ હોય.”
16 યોહાને બધા લોકોને ઉત્તર આપ્યો, “મેં તો તમારું ફક્ત પાણીથી બાપ્તિસ્મા કર્યુ પણ હું જે કરું છું, તેનાથી વધારે શક્તિશાળી વ્યક્તિનું આગમન થઈ રહ્યું છે. હું તો તેના પગના જોડાની દોરી ખોલવા માટે પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી અને અજ્ઞિથી તમારું બાપ્તિસ્મા કરશે. 17 તેનું સૂંપડું તેના હાથમાં છે. તે ખળીમાંથી દાણા જુદા પાડવા તેયાર છે. તે દાણા ભેગા કરશે અને તેની વખારમાં મૂકશે. અને તે ભૂસાંને આગમાં બાળશે, જે કદી હોલવાશે નહિ.” 18 યોહાને લોકોને સુવાર્તા આપવાનુ ચાલુ રાખ્યું અને લોકોને મદદરૂપ થવા બીજી ઘણી બાબતો કહી.
યોહાનની કાર્યસમાપ્તિ
19 યોહાને રાજા હેરોદની તેના ભાઈની પત્નિ સાથેના તેના સંબંધ માટે ટીકા કરી. તથા તેના બીજા ખરાબ કાર્યો માટે યોહાને તેની ટીકા કરી. 20 તેથી હેરોદે યોહાનને કેદ કરવાનું બીજું એક ખરાબ કામ કર્યુ. આમ હેરોદના દુષ્કર્મોમાં એકનો વધારો થયો.
યોહાન દ્ધારા ઈસુને બાપ્તિસ્મા
(માથ. 3:13-17; માર્ક 1:9-11)
21 યોહાનને જેલમાં કેદ કરવામાં આવ્યો તે પહેલા, બધાજ લોકો તેના દ્ધારા બાપ્તિસ્મા પામ્યા હતા. પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યો. જ્યારે ઈસુ પ્રાર્થના કરતો હતો ત્યારે, આકાશ ઊઘડ્યું. 22 પવિત્ર આત્મા કબૂતર રૂપે તેના પર ઊતર્યો. ત્યાર બાદ આકાશમાંથી આકાશવાણી થઈ, “તું મારો વહાલો દીકરો છે અને હું તને ચાહું છું. હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું.”
યૂસફની વંશાવળી
(માથ. 1:1-17)
23 ઈસુએ જ્યારે સેવાની શરૂઆત કરી ત્યારે તેની ઉંમર લગભગ 30 વર્ષની હતી. લોકોના ધાર્યા પ્રમાણે ઈસુ યૂસફનો દીકરો હતો.
એલીનો દીકરો યૂસફ હતો.
24 એલી મથ્થાતનો દીકરો હતો.
મથ્થાત લેવીનો દીકરો હતો.
મલ્ખીનો દીકરો લેવી હતો.
યન્નાયનો દીકરો મલ્ખી હતો.
યૂસફનો દીકરો યન્નાય હતો.
25 મત્તિથ્યાનો દીકરો યૂસફ હતો.
આમોસનો દીકરો મત્તિથ્યા હતો.
નહૂમનો દીકરો આમોસ હતો.
હેસ્લીનો દીકરો નહૂમ હતો.
નગ્ગયનો દીકરો હેસ્લી હતો.
26 માહથનો દીકરો નગ્ગય હતો.
મત્તિથ્યાનો દીકરો માહથ હતો.
શિમઇનો દીકરો મત્તિથ્યા હતો.
યોસેખનો દીકરો શિમઇ હતો.
યોદાનો દીકરો યોસેખ હતો.
27 યોહાનાનનો દીકરો યોદા હતો.
રેસાનો દીકરો યોદા હતો.
ઝરુંબ્બાબેલનો દીકરો રેસા હતો.
શઆલ્તીએલનો દીકરો ઝરુંબ્બાબેલ હતો.
નેરીનો દીકરો શઆલ્તીએલ હતો.
28 મલ્ખીનો દીકરો નેરી હતો.
અદીનો દીકરો મલ્ખી હતો.
કોસામનો દીકરો અદી હતો.
અલ્માદામનો દાકરો કોસામ હતો.
એરનો દીકરો અલ્માદાસ હતો.
29 યેશુનો દીકરો એર હતો.
એલીએઝેરનો દીકરો યેશુ હતો.
યોરીમનો દીકરો એલીએઝેર હતો.
મથ્થાતનો દીકરો યોરીમ હતો.
લેવીનો દીકરો મથ્થાત હતો.
30 સીમેઓનનો દીકરો લેવી હતો.
યહૂદાનો દીકરો સીમેઓન હતો.
યૂસફનો દીકરો યહૂદા હતો.
યોનામનો દીકરો યૂસફ હતો.
એલ્યાકીમનો દીકરો એલ્યાકીમ હતો.
31 મલેયાનો દીકરો યોનામ હતો.
મિન્નાનો દીકરો મલેયા હતો.
મત્તાથાનો દીકરો મિન્ના હતો.
નાથાનનો દીકરો મત્તાથા હતો.
દાઉદનો દીકરો નાથાન હતો.
32 યશાઇનો દીકરો દાઉદ હતો.
ઓબેદનો દીકરો યશાઇ હતો.
બોઆઝનો દીકરો ઓબેદ હતો.
સલ્મોનનો દીકરો બોઆઝ હતો.
નાહશોનનો દીકરો સલ્મોન હતો.
33 અમિનાદાબનો દીકરો નાહશોન હતો.
અર્નીનો દીકરો અમિનાદાબ હતો.
હેસ્ત્રોનનો દીકરો અર્ની હતો.
પેરેસનો દીકરો હેસ્ત્રોન હતો.
યહૂદાનો દીકરો પેરેસ હતો.
34 યાકૂબનો દીકરો યહૂદા હતો.
ઇસહાકનો દીકરો યાકૂબ હતો.
ઈબ્રાહિમનો દીકરો ઇસહાક હતો.
તેરાહનો દીકરો ઈબ્રાહિમ હતો.
નાહોરનો દીકરો તેરાહ હતો.
35 સરૂગનો દીકરો નાહોર હતો.
રયૂનો દીકરો સરૂગ હતો.
પેલેગનો દીકરો રયૂ હતો.
એબરનો દીકરો પેલેગ હતો.
શેલાનો દીકરો એબર હતો.
36 કાઇનાનનો દીકરો શેલા હતો.
અર્પક્ષદનો દીકરો કાઇનનાન હતો.
શેમનો દીકરો અર્પક્ષદ હતો.
નૂહનો દીકરો શેમ હતો.
લામેખનો દીકરો નૂહ હતો.
37 મથૂશેલાનો દીકરો લાખેમ હતો.
હનોખનો દીકરો મથૂશેલા હતો.
યારેદનો દિકરો હનોખ હતો.
મહાલલેલનો દીકરો યારેદ હતો.
કાઇનાનનો દીકરો મહાલલેલ હતો.
38 અનોશનો દીકરો કાઇનાન હતો.
શેથનો દીકરો અનોશ હતો.
આદમનો દીકરો શેથ હતો.
આદમ, જે દેવનો દીકરો હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International