Read the Gospels in 40 Days
ઈસુની વંશાવળી
(લૂ. 3:23-38)
1 આ ઈસુ ખ્રિસ્તનો કૌટુંબિક ઈતિહાસ છે. તે દાઉદના પરિવારમાંથી આવ્યો. અને દાઉદ ઈબ્રાહિમના પરિવારમાંથી આવ્યો.
2 ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો.
ઈસહાક યાકૂબનો પિતા હતો.
યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો.
3 યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો. (તેઓની મા તામાર હતી.)
પેરેસ હેસ્રોનનો પિતા હતો.
હેસ્રોન આરામનો પિતા હતો.
4 આરામ અમિનાદાબનો પિતા હતો.
અમિનાદાબ નાહશોનનો પિતા હતો.
નાહશોન સલ્મોનનો પિતા હતો.
5 સલ્મોન બોઆઝનો પિતા હતો. (બોઆઝની માતા રાહાબ હતી.)
બોઆઝ ઓબેદનો પિતા હતો. (ઓબેદની માતા રૂથ હતી.)
ઓબેદ યશાઈનો પિતા હતો.
6 યશાઈ દાઉદ રાજાનો પિતા હતો.
દાઉદ સુલેમાનનો પિતા હતો. (સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી.)
7 સુલેમાન રહાબામનો પિતા હતો.
રહાબામ અબિયાનો પિતા હતો.
અબિયા આસાનો પિતા હતો.
8 આસા યહોશાફાટનો પિતા હતો.
યહોશાફાટ યોરામનો પિતા હતો.
યોરામ ઉઝિયાનો પિતા હતો.
9 ઉઝિયા યોથામનો પિતા હતો.
યોથામ આહાઝનો પિતા હતો.
આહાઝ હિઝકિયાનો પિતા હતો.
10 હિઝકિયા મનાશ્શાનો પિતા હતો.
મનાશ્શા આમોનનો પિતા હતો.
આમોન યોશિયાનો પિતા હતો.
11 યખોન્યા અને તેના ભાઈઓના પિતા યોશિયા હતો. (યહૂદી લોકોને ગુલામ બનાવવા માટે બાબિલ મોકલવામાં આવ્યાં તે સમય દરમ્યાન તેનો જન્મ થયો.)
12 બાબિલમાં તેઓને લઈ ગયા પછી:
યખોન્યા શલથિયેલનો પિતા હતો.
શલથિયેલ ઝરુંબ્બાબેલનો પિતા હતો.
13 ઝરુંબ્બાબેલ અબિહૂદનો પિતા હતો.
અબિહૂદ એલ્યાકીમનો પિતા હતો.
એલ્યાકીમ અઝોરનો પિતા હતો.
14 અઝોર સાદોકનો પિતા હતો.
સાદોક આખીમનો પિતા હતો.
આખીમ અલિહૂદનો પિતા હતો.
15 અલિહૂદ એલ્યાઝરનો પિતા હતો.
એલ્યાઝર મથ્થાનનો પિતા હતો.
મથ્થાન યાકૂબનો પિતા હતો.
16 યાકૂબ યૂસફનો પિતા હતો.
યૂસફ મરિયમનો પતિ હતો.
અને મરિયમ ઈસુની મા હતી. ઈસુ ખ્રિસ્ત[a] તરીકે ઓળખાવા લાગ્યો.
17 આમ ઈબ્રાહિમથી દાઉદ સુધીની ચૌદ પેઢી થઈ. દાઉદથી યહૂદી લોકોને બાબિલમાં લઈ ગયા ત્યાં સુધીની પણ યૌદ પેઢી થઈ. અને એ લોકોને બાબિલમાં લઈ ગયા તે સમયથી ખ્રિસ્તના જન્મ સુધીની યૌદ પેઢી થઈ.
ઈસુ ખ્રિસ્તનો જન્મ
(લૂ. 2:1-7)
18 ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી. ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે. તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી. લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે. 19 મરિયમનો પતિ યૂસફ, ખૂબજ ભલો માણસ હતો, તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ.
20 જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહયું કે, “યૂસફ દાઉદના દીકરા[b] તું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી[c] છે. 21 તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ[d] પાડશે. તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે.”
22 આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય. 23 “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઈમ્માનુએલ પાડવામાં આવશે.”(A) (ઈમ્માનુએલ એટલે “દેવ આપણી સાથે છે.”)
24 જયારે યૂસફ જાગ્યો, ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારી ઘરે તેડી લાવ્યો. 25 પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યૂસફે તેને જાણી નહિ. તેણે તેનું નામ ઈસુ પાડ્યું.
જ્ઞાની માણસો ઈસુની મુલાકાતે
2 ઈસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો. હેરોદ[e] રાજાના સમયમાં તેનો જન્મ થયો હતો. ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશાલેમ આવ્યા. 2 જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે, “નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે? અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે. અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ.”
3 યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું. આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા. 4 હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી, તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. 5 તેઓએ ઉત્તર આપ્યો કે. “ખ્રિસ્તનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થવો જોઈએ. પ્રબોધકે ધર્મશાસ્ત્રોમાં આ વિષે લખ્યું છે.
6 ‘ઓ યદૂદિયા દેશના બેથલેહેમ,
યહૂદિયાના નગરોથી કોઈપણ રીતે તું ઉત્તરતી કક્ષાનું નથી.
તારામાંથી એક રાજા પેદા થશે તે રાજા
મારી ઈસ્રાએલની પ્રજાને દોરવણી આપશે.’” (B)
7 પછી હેરોદે પૂર્વમાંથી જ્ઞાની માણસોની એક ગુપ્ત સભા બોલાવી. હેરોદ જ્ઞાની માણસો પાસેથી તારો દેખાવાનો ચૉક્કસ સમય જાણી લીધો. 8 પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા. તેણે જ્ઞાની માણસોને કહયુ કે, “જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો. જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો. જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું.”
9 જ્ઞાની માણસોએ રાજાને સાંભળ્યો અને પછી ચાલી નીકળ્યા. તેમણે પૂર્વ દિશામાં જે તારો જોયો હતો. તે જ તારો તેમણે કરી જોયો અને તેઓ તેને અનુસર્યા. તારો તેમની આગળ ચાલ્યો અને આ બાળક જ્યાં હતું, તે જગ્યાએ તારો થંભ્યો. 10 જ્ઞાની માણસો તારાને જોઈને ખૂબજ ખુશ થયા. તેઓના આનંદનો પાર ના રહ્યો.
11 જ્ઞાની માણસો જ્યાં બાળક હતું, તે ઘરે આવી પહોચ્યાં. તેઓએ બાળક અને તેની મા મરિયમને જોઈ. તેઓએ નમન કર્યુ. અને તે બાળકનું ભજન કર્યુ. તે માણસોએ ખજાનાની પટીઓ ઉઘાડી અને બાળકને ભેટ આપવા માટે જે સોનું, લોબાન અને બોળ હતાં તે તેને અર્પણ કર્યો. 12 પણ દેવે તેમને હેરોદ પાસે પાછા નહિ જવા સ્વપ્નમાં ચેતવણી આપી. આમ, જ્ઞાની માણસો તેમના પોતાના દેશમાં બીજા રસ્તે પાછા ગયા.
ઈસુને લઈને માતા પિતાનું મિસર જવું
13 જ્ઞાની માણસોના ગયા પછી, યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા. હેરોદ બાળકની તપાસ શરૂ કરશે. તે તેને મારી નાખવા માગે છે. હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી, ત્યાં સુધી મિસરમાં જ રહેજે.”
14 તેથી યૂસફ ઊઠયો અને બાળક અને તેની માને પોતાની સાથે લઈને મિસર જવા ચાલી નીકળ્યો. તેઓ રાત્રીના સમયે ચાલી નીકળ્યા. 15 હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો. પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું, “મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો.”(C)
હેરોદે બેથલેહેમમાં કરેલી બધા જ બાળકોની હત્યા
16 જયારે હેરોદે જોયું કે જ્ઞાની માણસોએ તેને મૂર્ખ બનાવ્યો છે ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો. તેથી તેણે હૂકમ કર્યો કે બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારમાં બધા જ છોકરાઓને મારી નાખો. હેરોદે જ્ઞાની માણસો પાસેથી બાળકના જન્મનો સમય જાણી લીધો. કે જે (હાલના સમયથી) બે વર્ષ પહેલાનો સમય હતો તેથી તેણે બે વર્ષની ઉંમરના કે તેથી નાના દરેક બાળકને મારી નાખાવનો હુકમ કર્યો. 17 પ્રભુએ પ્રબોધક યર્મિયા દ્વારા જે ભવિષ્યવાણી જણાવીહતી તે પરિપૂર્ણ થઈ:
18 “રામામાં એક અવાજ સંભળાયો.
તે કારમા રૂદનનો અને અત્યંત શોકયુક્ત હતો.
રાહેલ તેના બાળકો માટે રૂદન કરી રહી છે;
તે દિલાસો મેળવવાનો નકાર કરે છે, કારણ કે તેના બાળકો મરણ પામ્યા છે.” (D)
યૂસફ અને મરિયમનું મિસરમાંથી પુનરાગમન
19 હેરોદના મરણ પછી, પ્રભુનો દૂત સ્વપ્નમાં યૂસફ પાસે આવ્યો. જ્યારે યૂસફ મિસરમાં હતો ત્યારે આમ થયું હતું. 20 દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ચાલ્યો જા. જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તે મરણ પામ્યા છે.”
21 તેથી યૂસફ બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ગયો. 22 પછી યૂસફે સાભળ્યું કે હેરોદના મરણ પછી તેનો પુત્ર આખિલાઉસ રાજા થયો છે ત્યારે યૂસફને ત્યાં જતાં ડર લાગ્યો ત્યારે સ્વપ્નમાં ચેતવણી મળી તેથી તે યહૂદિયાને બદલે ગાલીલ પ્રાંતમાં ગયો. 23 યૂસફ નાસરેથ ગામમાં ગયો. આમ એટલા માટે થયું, જેથી પ્રબોધકોનું કહેલુ પૂણ થાય. દેવે કહ્યું કે ખ્રિસ્ત નાઝારી[f] કહેવાશે.
બાપ્તિસ્મા કરનાર યોહાનનું કાર્ય
(માર્ક 1:1-8; લૂ. 3:1-9, 15-17; યોહ. 1:19-28)
3 સમયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. 2 યોહાને કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.” 3 યશાયા પ્રબોધકે જેના વિષે વાત કરી છે તે આ યોહાન બાપ્તિસ્મા કરનાર છે. યશાયા પ્રબોધકે કહ્યું છે:
“એક વ્યક્તિ ઉજજડ પ્રદેશમાં પોકાર કરે છે:
‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો;
અને તેના માટેનો માર્ગ સીધો કરો.’” (E)
4 યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હતાં. તેની કમરે ચામડાનો પટ્ટો. યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો. 5 યોહાનનો ઉપદેશ સાંભળવા લોકો યરૂશાલેમમથી, યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી તથા યહૂદિયાના તમામ પ્રદેશોમાંથી આવતા હતાં. 6 લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.
7 ફરોશીઓ[g] અને સદૂકીઓ[h] તે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં. યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે: “તમે બધા સર્પો છો! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે? 8 તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે. 9 તમે એમ ન માનતા કે ‘ઈબ્રાહિમ અમારો પિતા છે’ તેથી અમે ઉગરી જઈશું. દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે. 10 અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે. દરેક વૃક્ષ[i] જે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે, અને અગ્નિમાં ફેંકી દેશે.
11 “તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે, તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી. તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે. 12 તેના હાથમાં સૂપડું છે જેના વડે અનાજને છોતરામાંથી જુદૂં પાડશે[j] અને સાફ કરેલ સારા અનાજના દાણાને પોતાના કોઠારમાં ભરશે અને છોતરાંને એવા અગ્નિમાં બાળી નાખશે જે કદીયે હોલવાશે નહિ.”
ઈસુનું યોહાન દ્વારા બાપ્તિસ્મા
(માર્ક 1:9-11; લૂ. 3:21-22)
13 તે સમયે ઈસુ ગાલીલથી યર્દન નદીએ આવ્યો. ઈસુ યોહાન પાસે આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્મા[k] લેવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી. 14 પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો. યોહાને કહ્યું કે, “તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે?”
15 ઈસુએ ઉત્તર આપ્યો, “અત્યારે આમ જ થવા દે. દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે.” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો.
16 બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ સીધે સીધો જ પાણીમાંથી બહાર આવ્યો. પછી તે વખતે આકાશ ઊઘડાયું અને તેણે દેવના આત્માને કબૂતરની જેમ નીચે આવતો અને પોતાની ઉપર ઊતરતો જોયો. 17 અને આકાશવાણી થઈ, “આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું. અને તેનાથી હું ખૂબજ પ્રસન્ન છું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International