Print Page Options
Previous Prev Day Next DayNext

Read the Gospels in 40 Days

Read through the four Gospels--Matthew, Mark, Luke, and John--in 40 days.
Duration: 40 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
માથ્થી 23-24

ઈસુ ધાર્મિક નેતાઓની ટીકા કરે છે

(માર્ક 12:38-40; લૂ. 11:37-52; 20:45-47)

23 ઈસુએ પછી લોકોને અને તેના શિષ્યોને કહ્યું. ઈસુએ કહ્યું, “યહૂદિ શાસ્ત્રીઓને તથા ફરોશીઓને મૂસાનો ઉપદેશ તમને સમજાવવાનો અધિકાર છે. તેથી એ લોકો જે કહે તે પ્રમાણે વર્તજો અને તેમની આજ્ઞાનું પાલન કરજો. પરંતુ તે લોકો જે કરે છે તે પ્રમાણે તમે ન કરતા. હું એટલા માટે કહું છું કે, તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે તેઓ પોતે વર્તતા નથી. તેઓ એવા કડક નિયમો બનાવે છે કે લોકોને પાળવા મુશ્કેલ પડે છે. તે બીજા લોકોને નિયમોનું પાલન કરવા અનુરોધ કરે છે પરંતુ તે લોકો તેમાંનો એક પણ નિયમ પાળવા પ્રયત્ન કરતા નથી.

“તેઓ સારા કામ એટલા માટે કરે છે કે લોકો તેઓને જુએ. તેઓ પવિત્ર દેખાવા માટે શાસ્ત્ર વચનોના શબ્દો સાથેની પેટીઓ લઈ લે છે અને સ્મરણપત્રોને પહોળા બનાવે છે અને પોતાના ઝભ્ભાની ઝૂલને લાંબી કરે છે જેથી લોકો તેમને ધર્માત્મા સમજે, જુએ. આવા ફરોશીઓ અને શાસ્ત્રીઓને જમણવારોમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરવાનું ગમે છે અને સભાસ્થાનોમાં મુખ્ય સ્થાને બેસવાનુ ગમે છે. બજારમાં લોકો તેમને માન આપે તે તેમને ગમે છે અને લોકો તેમને ‘ગુરું’ કહીને બોલાવે તેવુ તે ઈચ્છે છે.

“પરંતુ તમે ‘ગુરું’ ન કહેવાઓ કારણ તમારો ગુરું તો એક જ છે અને તમે બધા તો ભાઈ બહેન છો. તમારામાંથી કોઈને પણ આ પૃથ્વી પર ‘પિતા’ ન કહો કારણ તમારો પિતા તો એક જ છે અને તે આકાશમાં છે. 10 તમે ‘સ્વામી’ પણ ન કહેવાઓ, કારણ તમારો સ્વામી તો ફક્ત એક જ છે અને તે માત્ર ખ્રિસ્ત, જે તમારા સ્વામી છે. 11 તમારામાં મહત્વપૂર્ણ વ્યક્તિ એ હશે કે જે તમારો સેવક બનશે. 12 જે પોતાની જાતને બીજા કરતા ઊંચો કરશે તેઓને નીચા કરવામાં આવશે. અને જેઓ પોતાને નીચો કરશે તેઓને ઊંચા કરવામાં આવશે.

13 “હે શાસ્ત્રીઓ અને ફરોશીઓ, તમને અફસોસ છે, તમે ઢોંગી છો, કારણ તમે આકાશના રાજ્યના દરવાજા લોકો માટે બંધ કરો છો. તમે પોતે આકાશના રાજ્યમાં પ્રવેશ કરતા નથી, અને જેઓ આકાશના રાજ્યમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે તેમને જવા દેતા નથી. [14 અરે, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ; ઢોંગીઓ, તમને અફસોસ છે! કારણ કે તમે વિધવાઓની મિલકત હડપ કરી જાઓ છો અને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરો છો તે માટે તમને સખત સજા થશે.]

15 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમારા માર્ગોને એક વ્યક્તિ અનુસરે માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો; જ્યારે તમને તે વ્યક્તિ મળે છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો!

16 “ઓ અંધ આગેવાનો તમારી કેવી દુર્દશા થશે? તમારો નિયમ છે કે ‘જો કોઈ પ્રભુ મંદિરના નામે સમ લે તો કાંઈ વાંધો નહિં, અને એ ના પાળે તો પણ ચાલે પણ મંદિરના સોનાના નામે સમ લે તો પછી તેણે તેના સમ પાળવા જોઈએ.’ 17 અરે ઓ અંધ મૂર્ખાઓ! વધારે મોટુ કયું, સોનું કે મંદિર? મંદિર મોટું છે કારણ એ મંદિરને લીધે સોનું પવિત્ર બન્યું છે.

18 “તમે એ પણ કહો છો, ‘કોઈ વેદીના સમ ખાય તો તે અગત્યનું નથી પરંતુ જો વેદી પર ચઢાવેલ વસ્તુના સમ ખાય તો તેણે તે સમ પાળવા જ જોઈએ.’ 19 અરે અંધજનો, કોણ મોટું, વેદી પર ચઢાવેલી વસ્તુ કે વેદી? જે અર્પણને પવિત્ર બનાવે છે? 20 તેથી જે કોઈ વેદીના સમ લે છે તે તેના તથા તેના પર મૂકેલ દરેક વસ્તુના સમ લે છે. 21 જે મંદિરના સમ લે છે તે તેની સાથે મંદિરમાં રહે છે તેના પણ સમ લે છે. 22 અને જે આકાશના સમ લે છે તે દેવના રાજ્યાસનની સાથે એ રાજ્યાસન પર બેસનારના પણ સમ લે છે.

23 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમે તમારી પાસે જે કાંઈ ફુદીનાનો, સૂવાનો, તથા જીરાનો દશમો ભાગ છે તે દેવને આપો છો. પરંતુ તમે વધારે નિયમશાસ્ત્રની મોટી વાતોનું પાલન કરતા નથી. તમે ન્યાયીકરણ, દયા અને વિશ્વાસની અવગણના કરો છો. તમારે આ બીજી બાબતોની ઉપેક્ષા કર્યા વિના તમારે આ બધાનું પાલન કરવું જોઈએ. 24 તમે લોકોને માર્ગદર્શન આપો છો, પણ તમે પોતે જ આંધળા છો! તમે તમારા પીણામાંથી માખી દૂર કરો છો પણ ઊંટને ગળી જાઓ છો.

25 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! તમે તમારી વાટકીઓ, થાળીઓ બહારથી સાફ કરી રાખો છો, પરંતુ તમે તમારા પોતાના સંતોષ માટે લોકોને છેતરીને તેની અંદર જુલ્મ તથા અન્યાય ભરો છો. 26 ઓ આંધળા ફરોશી, પહેલા તું તારા થાળી વાટકા અંદરથી સાફ કર તો તેની સાથે સાથે વાસણ બહારથી પણ સ્વચ્છ થઈ જશે.

27 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! કે તમે સફેદ ધોળેલી કબર જેવા છો. કારણ કે તે બહારથી સુંદર દેખાય છે પણ અંદરથી મરણ પામેલા લોકોનાં હાડકાઓ અને બધીજ જાતનો ગંદવાડ ભરેલો છે. 28 એવું જ તમારા માટે છે. લોકો તમને બહારથી જુએ છે તો તમે ન્યાયી જેવા દેખાવ છો. પણ અંદરથી તો તમે ઢોંગથી ભરેલા દુષ્ટ છો.

29 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રી અને ફરોશીઓ, તમને અફસોસ છે! કે તમે પ્રબોધકો માટે કબરો બનાવો છો અને ન્યાયી લોકોની કબરો શણગારો છો. 30 અને કહો છો, ‘જો પૂર્વજોના સમયમાં અમે હોત તો આ પ્રબોધકોને મારી નાખવા જરાપણ મદદ ન કરી હોત.’ 31 એટલે તમે એ સ્વીકારો છો કે જે લોકોએ પ્રબોધકોને મારી નાખ્યા છે તેમના જ તમે સંતાનો છો. 32 તેઓના પગલે ચાલીને અને તમારા બાપદાદાઓનાં પાપ પૂરા કરશો!

33 “ઓ સર્પો! સર્પોના વંશ! તમે નરકના દંડમાંથી કેવી રીતે બચી શકશો! 34 આથી હું તમારી પાસે પ્રબોધકને તથા જ્ઞાનીઓ તથા શાસ્ત્રીઓને મોકલું છું. તેઓમાંના કેટલાકને તમે વધસ્તંભે જડશો અને કેટલાકને મારી નાખશો. કેટલાકને તમે તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો અને ગામેગામ તેઓની પાછળ પડશો.

35 “તેથી તમે પૃથ્વી પર સારી વ્યક્તિઓને મારી નાખવા માટે ગુનેગાર ઠરશો, ન્યાયી હાબેલને મારી નાખવામાં આવ્યો. તેનાથી માંડી બેરખ્યાના દીકરા ઝખાર્યાને મંદિરની તથા હોમવેદીની વચ્ચે મારી નાખવામાં આવ્યો. તેથી હાબેલ અને ઝખાર્યાના સમયમાં જે બધા સારા લોકો રહેતા હતા તેના મરણ માટે તમે ગુનેગાર છો. 36 હું તમને સાચે જ કહું છું. આ બધી વસ્તુઓ માટે આ પેઢીના લોકોને ભોગવવું જ પડશે.

યરૂશાલેમના લોકો પર ઈસુનો ખેદ

(લૂ. 13:34-35)

37 “ઓ યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને દેવના પ્રેરિતોને પથ્થરોથી મારી નાખનાર, હું ઘણીવાર તમારાં બાળકોને ભેગા કરવા ઈચ્છતો હતો, જેમ મરઘી પોતાના બચ્ચોઓને પાંખો તળે એકઠાં કરે છે, પણ તમે એવું ઈચ્છયું નહિ. 38 હવે તારું મંદિર પૂરેપૂરું ઉજજડ થઈ જશે. 39 હું તને કહું છું, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે’(A) એવું તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી કદી જોશો નહિ.”

મંદિરના નાશની આગાહી

(માર્ક 13:1-31; લૂ. 21:5-33)

24 ઈસુએ મંદિર છોડયું અને ચાલતો હતો, ત્યારે શિષ્યો તેની પાસે આવ્યા. તેઓ તેને મંદિર બતાવવા લાગ્યા. ઈસુએ કહ્યું, “તમે આ બધું જુઓ છો? હું તમને સત્ય કહું છું, આ બધું તોડી પાડવામાં આવશે.એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામા આવશે નહિ. અને એક એક પથ્થરને જમીનદોસ્ત કરવામાં આવશે.”

પછી ઈસુ જૈતૂન પર્વત પર બેઠો હતો ત્યારે શિષ્યો તેની સાથે એકાંત માટે આવ્યા અને પૂછયું એ બધું ક્યારે બનશે? અને “અમને કહે કે તારા આગમનની અને જગતના અંતની નિશાનીઓ શું હશે?”

ઈસુએ કહ્યું, “સાવધાન રહો! તમને કોઈ ગેરમાર્ગે ન દોરે. ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે અને કહેશે, ‘હું જ ખ્રિસ્ત છું.’ અને તેઓ ઘણા લોકોને છેતરશે. પણ તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભબિષ્યનો અંત હજી બાકી છે. રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોની સામે અને રાજ્યો બીજા રાજ્યોની વિરૂદ્ધ ઊઠશે. અને એક સમય એવો આવશે કે લોકોને ખાવા માટે ખોરાક પણ નહિ હોય અને જુદા જુદા વિસ્તારોમાં ધરતીકંપ થશે. પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે.

“આ સમયે તમને શિક્ષા માટે સુપ્રત કરવામાં આવશે અને તમને મારી નાંખશે કારણ કે તમે મારા શિષ્યો છો. બધા જ રાષ્ટ્રો તમારો તિરસ્કાર કરશે. 10 આ સમયે ઘણા લોકોનો વિશ્વાસ ડગી જશે. એકબીજાની સામે થઈ જશે અને એકબીજાનો તિરસ્કાર કરશે. 11 અનેક જૂઠા પ્રબોધકો નીકળી પડશે અને તેઓ ઘણાને આડે માર્ગે દોરી જશે. 12 અનિષ્ટ સર્વત્ર પ્રસરશે. પરિણામે ઘણાનો પ્રેમ ઠંડો પડી જશે. 13 પરંતુ જે કોઈ અંત સુધી ટકશે તે જ તારણ પામશે. 14 દેવના રાજ્યની સુવાર્તા આખા વિશ્વમાં બધી જ જાતિના લોકોને સંભળાવવામાં આવશે. ત્યારે અંત આવશે.

15 “જેના વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે કે, ‘એ ભયાનક વિનાશકારી વસ્તુને’ તમે પવિત્ર જગ્યામાં (મંદિર) ઊભેલી જુઓ.” (વાંચક તેનો અર્થ સમજી લે) 16 “ત્યારે જેઓ યહૂદિયામાં રહે છે તેઓને પહાડો તરફ ભાગી જવું પડશે. 17 જેઓ ઘરના છાપરાં પર હોય તેઓએ ઘરમાં સરસામાન લેવા જવું નહિ. 18 જેઓ ખેતરોમાં હોય તેમણે પોતાના કપડાં લેવા પાછા ઘરે જવું નહિ.

19 “એ દિવસોમાં જે ગર્ભવતી સ્ત્રીઓ હશે, અને જેને ધાવણાં બાળકો હશે તેમને માટે દુ:ખદાયક દિવસ હશે. 20 પ્રાર્થના કરો કે તમારે શિયાળાનાં દિવસોમાં કે વિશ્રામવારે ભાગવું ના પડે. 21 એ દિવસોમાં એવી મોટી આપત્તિ આવશે કે સૃષ્ટિ રચી ત્યારથી અત્યાર સુધી કદી આવી નથી. અને ભવિષ્યમાં એવી આપત્તિ આવશે નહિ.

22 “આ ભયંકર આપત્તિના દિવસો લોકોને ખાતર ઓછા કરવામાં આવશે. જો તેમ ન થયું હોત તો કોઈ માણસ બચી શકત નહિ. પરંતુ દેવના પસંદ કરાયેલા માણસો માટે જ આ દિવસો ઘટાડવામાં આવશે.

23 “ત્યારે તમને જો કોઈ કહે કે જુઓ, અહીં ‘ખ્રિસ્ત’ છે અથવા તે અહીં છે તો તેનો વિશ્વાસ કરશો નહિ. 24 કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊભા થશે. અને એવા અદભૂત ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો દેવના પસંદ કરેલા લોકોને પણ તેઓ ભુલાવશે. 25 જુઓ, આ વાત તમને અગાઉથી બાતાવું છું માટે સાવધ રહેજો.

26 “તેથી કોઈ તમને કહે; ‘ખ્રિસ્ત પેલી ઉજજડ ભૂમીમાં છે!’ પણ તે ઉજજડ પ્રદેશમાં ખ્રિસ્તને જોવા જશો નહિ. કોઈ કહે, ‘ખ્રિસ્ત અમુક ઘરમાં છે તો તે તમે માનશો નહિ. 27 જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે આકાશમાં પૂર્વથી પશ્ર્ચિમે ઝબકારા જેવું થશે જે દરેક માણસ જોઈ શકશે. તે પ્રમાણે માણસનો દીકરો પ્રગટ થશે. 28 જ્યાં મડદાં હશે, ત્યાં ગીધો ભેગાં થશે.

29 “એ દિવસોમાં જ્યારે વિપત્તિ દૂર થશે કે તરત જ:

‘સૂરજ અંધકારરૂપ થઈ જશે,
    અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ.
અને તારાઓ આકાશમાંથી ખરી પડશે.
    આકાશમાં બધુંજ ઘ્રુંજી ઊઠશે.’[a]

30 “એ સમયે, માણસના દીકરાના આવવાના સંકેત આકાશમાં જોવા મળશે, તે વખતે પૃથ્વી પરના બધાજ લોકો વિલાપ કરશે અને માણસના દીકરાને પરાક્રમ અને મોટા મહિમાસહિત આકાશના વાદળોમાં આવતો જોશે. 31 માણસનો દીકરો પોતાના દૂતોને પૃથ્વીની ચારે બાજુ મોકલવા મોટા અવાજથી રણશિંગડું ફૂંકશે. દૂતો પૃથ્વીના દરેક ભાગમાંથી પસંદ કરેલા માણસોને ભેગા કરશે.

32 “અંજીર પરથી બોધપાઠ લો, જ્યારે તેની ડાળી કુમળી હોય છે અને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે તમે સમજી શકો છો કે ઉનાળો પાસે આવ્યો છે. 33 તે જ પ્રમાણે, જ્યારે તમે આ બધા જ બનાવો બનતા જુઓ, ત્યારે જાણી લેવું કે એ સમય નજીક આવી રહ્યો છે અને આવવાની તૈયારી છે. 34 હું તમને સત્ય કહું છું કે આ પેઢીનાં લોકોના જીવતાં જ આ બધી જ ઘટના બનશે. 35 આખી દુનિયા, પૃથ્વી અને આકાશનો નાશ થશે, પણ મેં તમને જે શબ્દો કહ્યાં છે તેનો કદી વિનાશ નહિ થાય!

સમય તો ફક્ત દેવ જાણે છે

(માર્ક 13:32-37; લૂ. 17:26-30, 34-36)

36 “પણ એ દિવસ અને કલાક વિષે કોઈ જાણતું નથી. આકાશના દૂતો કે દીકરો કોઈ જાણતું નથી. ફક્ત તે બાપ જ જાણે છે.

37 “નૂહના સમયમાં બન્યું એવું જ માણસના દીકરાના આગમન સમયે બનશે. 38 જળપ્રલય થયો તે પહેલા લોકો ખાતાપીતા અને પરણાવતા, આ બધુજ નૂહ વહાણ પર ન ચઢયો ત્યાં સુધી બનતું રહ્યું. 39 જળપ્રલય થયો અને બધાને તાણીને લઈ ગયો, ત્યાં સુધી ખબર ન પડી, માણસના દીકરાને આવવાનું થશે, ત્યારે આવું જ બનશે. 40 એ સમયે ખેતરમાં કામ કરતાં બે માણસોમાંથી એકને ઉઠાવી લેવાશે અને બીજો ત્યાં જ છોડી દેવાશે. 41 આ સમયે ઘંટી ચલાવતી બે સ્ત્રીઓમાંથી એક સ્ત્રીને ત્યાંથી ઊઠાવી લેવામાં આવશે અને બીજીને ત્યાંજ પાછળ રહેવા દેવામાં આવશે.

42 “એટલે તમે લોકો સાવધ રહો, કારણ કે તમારો પ્રભુ ક્યારે આવે છે તે તમે જાણતા નથી. 43 યાદ રાખો કે, જો ઘરના ધણીએ જાણ્યું હોત કે ચોર ક્યા સમયે આવશે તો તે ઘણી સજાગ રહેત અને ચોરને ઘરમાં પ્રવેશ કરવા ન દેત. 44 એટલે તમારે પણ તૈયાર રહેવું જોઈએ કારણ માણસનો દીકરો ગમે તે સમયે આવશે, જ્યારે તમને ખબર પણ નહિ પડે.

તૈયાર રહો

(લૂ. 12:41-48)

45 “ધણી પોતાના ઘરના સર્વને નિયત સમયે ખાવાનું આપવા જેને પોતાના ઘરના સેવકો પર અધિકારી નીમે છે એવો શાણો અને વિશ્વાસુ સેવક કોણ છે? 46 ધણી જ્યારે આવે ત્યારે જે સેવક આ કામ કરતો દેખાશે તે માણસ સુખી થશે. 47 હું તમને સત્ય કહું છું. એવા વફાદાર માણસને ધણી પોતાની તમામ મિલ્કતનો કારભારી બનાવશે.

48 “પણ જો નોકર દુષ્ટ હશે અને વિચારશે કે મારા ધણી તરત જ પાછા નથી આવવાના. 49 પછી તે પોતાના સાથીદાર સેવકોને મારપીટ કરશે. અને તે સેવક બીજા લોકો સાથે તેની જેમ ખાવા પીવા લાગશે. 50 પણ તે ચાકરનો ધણી એવો ઓચિંતો આવી પહોંચશે કે તેને તે દિવસની કદી આશા નહિં હોય અને તે સમય વિષે તે જાણતો નહિ હોય. 51 એનો સ્વામી એને ખરાબ રીતે સજા કરશે અને ઢોંગીઓ વચ્ચે તેનું સ્થાન નિશ્ર્ચિત કરશે. જ્યાં લોકો રૂદન કરતાં હશે. દુ:ખની પીડાથી દાંત પીસતાં થશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International