Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 40-42

40 યહોવાએ અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,

“અયૂબ, તેઁ સર્વસમર્થ દેવ સાથે દલીલ કરી છે?
    તે મને ખોટું કરવા માટે દોષિત ઠરાવ્યો.
હવે તું કબૂલ કરીશ કે તું ખોટો છે?
    શું તું મને જવાબ આપીશ?”

ત્યારે અયૂબે યહોવાને જવાબ આપ્યો કે,

“મારી કશીજ વિસાત નથી.
    હું તમને કેવી રીતે જવાબ આપી શકું?
    મારો હાથ મારા મોં પર
    રાખીને હું મૌન રહું છું.
હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ.
    હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કહીશ નહિ.”

પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપ્યો કે:

“તું અયૂબ, તારી જાતને કાબૂમાં રાખ
    અને હું પ્રશ્ર્ન પૂછું તેનો જવાબ આપવા તૈયાર થા.

“અયૂબ, શું તું માને છે કે હું ગેરવાજબી છુ?
    તું કહે કે હું ખોટું કરવા માટે દોષિત છું, તેથી શું તું નિર્દોષ દેખાઇ શકીશ?
તારે મારા જેવા ભુજ છે?
    મારી જેમ તું ગર્જના કરી શકે છે?
10 તો તું જો દેવ સમાન હોય, તો તું ગર્વ કરી શકે.
    જો તું દેવ સમાન હોય, તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રો ની જેમ ધારણ કરી શકીશ.
11 જો તું દેવ સમાન હોય,
    તો તું તારો ક્રોધ વ્યકત કરી શકીશ અને ઘમંડીઓને પછાડીશ.
12 હાં અયૂબ! એ ગવિર્ષ્ઠ લોકો સામે જો
    અને તેઓને નમ્ર બનાવ. દુષ્ટો જ્યાં ઊપસ્થિત હોય, કચરી નાખ.
13 સર્વ ગવિર્ષ્ઠ લોકો ને ધૂળમાં દાટી દો.
    તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.
14 જો તું એવું કરી શકીશ તો હું પણ તારા વખાણ કરીશ મને ખાતરી થશે કે
    તું તારા પોતાના બળથી પોતાને બચાવી શકશે.

15 “ગેંડાની સામે જો.
    મેં તારી સાથે ગેંડાને ઉત્પન્ન કર્યો છે,
    તે બળદની જેમ ઘાસ ખાય છે.
16 તેના પેટમાંના સ્નાયુઓ ખુબજ બળવાન છે
    તેના શરીરમાં ઘણી શકિત છે.
17 એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ ટટ્ટાર ઊભી રહે છે,
    એની પગની પિંડીના સ્નાયુઓ કેવા મજબૂત છે!
18 તેના હાડકાં કાંસા જેવા છે.
    તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.
19 મારા પ્રાણીઓના સર્જનોમાં ગેંડો શ્રેષ્ઠ છે.
    જો કોઇ તેનું સર્જન કરવાનો દાવો કરે
    તો ભલે તે મારી સાથે તરવાર લઇને લડવા આવે.
20 જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે
    તેવા પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.
21 તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે.
    તે બરૂઓની વચ્ચે કાદવ કીચડમાં સંતાય છે.
22 કમળના છોડો તેને પોતાની છાયાથી ઢાંકે છે;
    તે નદી પાસે ઉગતા વેલા નીચે રહે છે.
23 જો નદીમાં પૂર આવે, તો ગેંડો ભાગી જશે નહિ.
    તે યર્દન નદી તેના મોઢા પર પાણી ઊડાડે તો પણ તે ગભરાતો નથી.
24 તેને આંકડીમાં ભરાવીને કોણ તેને પકડી શકે?
    તેના નાકમાં નથ કોણ નાખી શકે છે?

41 “અયૂબ, શું તું મહાકાય સમુદ્રના પ્રાણીને માછલી પકડવાના આંકડાથી પકડી શકે છે?
    શું તું તેની જીભ દોરીથી બાંધી શકશે?
શું તેના નાકમાં નથ નાખીને તું તેને નાથી શકે છે?
    તેના જડબામાં આંકડી ભરાવી શકે છે?
શું તેને છોડી દેવા માટે તે તને કાલાવાલા કરશે?
    શું તે તારી સાથે નમ્રતાથી બોલશે?
શું તે તારી સાથે એવો કરાર કરશે કે
    તે આજીવન તારો ગુલામ રહેવા સંમત થશે?
શું તું તેની સાથે પાળેલા પક્ષીઓની જેમ રમી શકશે?
    શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી નોકરાણીઓ તેની સાથે રમી શકે?
શું તારી પાસેથી લિબ્યાથ[a] ખરીદવા માટે વેપારીઓ કોશીશ કરશે?
    તેઓ વેપારીઓની વચ્ચે તેને વહેંચી નાખશે?
શું કાટાળું અસ્ત્રથી તેની ચામડીને છેદી શકાય?
    શું અણીદાર ભાલો તેના માથામાં ભોંકી શકાય?

“તારો હાથ તેના માથા પર મૂકશે ત્યારે જે યુદ્ધ થશે તે તને લાંબા સમય સુધી યાદ રહેશે.
    તું ફરીથી એવું ક્યારેય કરશે નહિ.
શું તને લાગે છે કે તું મહાકાય સમુદ્ર પ્રાણીને હરાવી શકશે?
    ભૂલી જા! એમાં કોઇ આશા નથી.
    તેને જોઇનેજ તું ગભરાઇ જઇશ.
10 તેને છંછેડીને ગુસ્સે કરે
    એવો હિંમતવાળો કોઇ નથી.

“તો મારી સામે કોણ ઊભો રહી શકે?
11 તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે?
    આખા આકાશ તળે એવો કોઇ નથી.

12 “હવે મારે, તેના પગ, મજબૂત સ્નાયુઓના સાર્મથ્ય
    તથા તેના શરીરના આકર્ષક આકાર વિષે બોલવું જ જોઇએ.
13 તેની ચામડીને કોઇ ભોંકી શકે તેમ નથી.
    તેની ચામડી એક બખ્તર જેવી છે.
14 તેનું મોઢું કોણ ઉધાડી શકે?
    કારણકે તેના દાંત લોકોને બીવડાવે છે.
15 મહાકાય સમુદ્ર પ્રાણીની પીઠ પર
    ઢાલ સંપૂર્ણપણે બંધ છે.
16 તે ઢાલો એક બીજાની એટલી નજીક છે
    કે તેમની વચ્ચે હવા પણ જઇ શકતી નથી.
17 તેઓ એકબીજા સાથે એવાં સજ્જડ ચોટેઁલાં હોય છે
    કે તેમને કશાથી ઉખેડી શકાય નહિ.
18 તે છીંકે છે ત્યારે તે વીજળી નાં ચમકારા બહાર નીકળતા હોય એવું લાગે છે.
    તેની આંખો સવારના સૂરજની જેમ ચમકે છે.
19 તેના મુખમાંથી અગ્નિની જવાળાઓ નીકળે છે
    અને અગ્નિની ચિનગારીઓ વછૂટે છે.
20 ઊકળતા ઘડા નીચેના બળતાં ખડની જેમ
    મહાકાય સમુદ્ર પ્રાણીના નાકમાંથી ધુમાડા નીકળે છે.
21 મહાકાય સમુદ્ર પ્રાણીના ઉચ્છવાસથી કોલસા પણ સળગી ઊઠે છે.
    તેના મુખમાંથી ભડકા નીકળે છે.
22 તેની ગરદનમાં બળ છે, લોકો ગભરાઇ
    અને તેનાથી દૂર ભાગી જાય છે.
23 તેની ચામડી પર કોઇ હળવા ચિહન નથી.
    તે લોઢા જેવું કઠણ છે.
24 તેનું હૃદય ખડક જેવું મજબૂત અને ઘંટીના પથ્થર જેવું સખત છે.
    તેને કોઇ ડર નથી.
25 તે મહાકાય સમુદ્ર પ્રાણી જ્યારે ઊભું થાય છે ત્યારે સૌથી બળવાન પણ તેનાથી ડરી જાય છે.
    તે જ્યારે તેની પૂંછડી હલાવે છે ત્યારે તેઓ ભાગી જાય છે.
26 મહાકાય સમુદ્ર પ્રાણીને તરવાર, ભાલો અને અણીદાર શસ્ત્ર મારવામાં આવે તો તે ફેંકાઇને પાછા આવે.
    તે શસ્ત્રો તેને જરાપણ ઈજા પહોંચાડી શકે તેમ નથી.
27 તેની આગળ લોખંડ ઘાસ જેવું
    અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે.
28 તે તેના પર બાણના મારથી પણ ગભરાતો નથી.
    પથ્થરની શિલા પણ તેને વાગીને ખરસલા ની જેમ પાછી ફરે છે.
29 જ્યારે લાકડાની ડાંગો મહાકાય સમુદ્ર પ્રાણીને વાગે છે ત્યારે તેને તો તે સળીનો ટૂકડો હોય તેમ લાગે છે,
    અને તેની ઉપર ફેંકેલા ભાલાને તે હસી કાઢે છે.
30 તેના પેટની ચામડી પરનાં ભીંગડાઁ ઠીકરાં જેવાં કઠણ અને ધારદાર હોય છે.
    તેના ચાલવાથી કાદવમાં ચાસ જેવાં નિશાન પડે છે.
31 મહાકાય સમુદ્ર પ્રાણીને ઊકળતા પાણીના ઘડાની જેમ હલાવે છે.
    ઊકળતા તેલની જેમ તે પરપોટો ઊડાવે છે.
32 જ્યારે મહાકાય સમુદ્ર પ્રાણી તરે છે ત્યારે તે તેની પાછળ માર્ગ કરી મૂકે છે, તે પાણીને હલાવી નાખે છે.
    અને પાછળ સફેદ ફીણ મૂકી દે છે.
33 પૃથ્વી પર બીજું કોઇપણ પ્રાણી
    તેનાં જેવું નિર્ભય સૃજાયેલુ નથી.
34 તે સૌથી ગવિર્ષ્ઠ પ્રાણીની પણ ઉપેક્ષા કરે છે.
    તે સર્વ ગવિર્ષ્ઠ પ્રાણીઓનો રાજા છે.
    અને મેં યહોવાએ તેનું સર્જન કર્યુ છે.”

અયૂબનો જવાબ

42 ત્યારે અયૂબે યહોવાને જવાબ આપતાં કહ્યું કે:

“હું જાણું છું કે તું ધારે તે બધુંજ કરી શકે છે.
    તને કોઇ અટકાવી શકે તેમ નથી.
યહોવા તેં આ પ્રશ્ર્ન પૂછયો: ‘આવી મૂર્ખ બાબતો બોલવાવાળો આ કોણ છે?’
    મેં એવી ઘણી બાબતોની વાત કરી જે હું સમજી શકતો નથી,
    મારા માટે અતિ અદૃભુત બાબતો જેને હું જાણતો નથી.

“તેં કહ્યું હતું કે, ‘સવાલ પૂછવાનો વારો મારો છે
    ને જવાબ આપવાનો વારો તારો છે.’
આજ સુધી મેં તારા વિષે પહેલા સાંભળ્યું જ હતું
    પરંતુ હવે મેં તને નજરે નિહાળ્યો છે.
અને યહોવા, મને શરમ આવે છે.
    હું ખૂબ દિલગીર છું.
જેવો હું ધૂળ તથા રાખ પર બેસુ,
    હું મારું હૃદય અને જીવન બદલવાનું વચન આપું છું.”

યહોવા અયૂબને એની સંપતિ પાછી આપે છેં

યહોવાએ આ બધું અયૂબને બોલી રહ્યા પછી તેણે અલીફાઝને કહ્યું કે, “હું તારા પર અને તારા બંને મિત્રો પર પણ ગુસ્સે થયો છું, કારણકે તમે, અયૂબ મારા સેવકની જેમ, મારા વિષે સાચું બોલ્યા નહિ. તેથી અલીફાઝ, સાત બળદો અને સાત નર ઘેટા લાવી આપ. આ મારા સેવક માટે લઇ આવ. તેઓને મારી નાખ અને તેઓને તારા પોતાને માટે દહનાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ પછી હું તને સજા નહિ આપું, જેને તું લાયક છે. તને સજા થવીજ જોઇએ કારણકે તું બહુ મૂર્ખ હતો. તું મારા વિષે સાચું બોલ્યો નહિ. પણ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો.”

અલીફાઝ, બિલ્દાદ, અને સોફારે યહોવાની આજ્ઞા પ્રમાણે કર્યુ ને યહોવાએ અયૂબની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.

10 ત્યારબાદ અયૂબે એના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરી. પછી યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને પૂવેર્ એની પાસે જેટલું હતું એનાથી બેવડું એને આપ્યું. 11 અયૂબના બધાંજ ભાઇઓ બહેનો અને અગાઉના મિત્રો અયૂબને મળવા આવ્યાં અને એમણે તેનાં ઘરમાં તેની સાથે ભોજન કર્યું. તેમણે તેમની સહાનુભૂતિ પ્રગટ કરી અને દેવે તેની પર જે દુ:ખ નાખ્યું એ માટે તેને દિલાસો આપ્યો. દરેક જણે તેને ચાંદીનો એકેક સિક્કો અને એક-એક સોનાની વીંટી આપી.

12 યહોવાએ અયૂબને વધારે આશીર્વાદ એની પાછલી ઉંમરમાં આપ્યાં. હવે અયૂબની પાસે 14,000 ઘેટાં, 6,000 ઊંટ, 2,000 બળદ અને 1,000 ગધેડીઓ હતી. 13 તેને પણ સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં. 14 અયૂબની સૌથી મોટી પુત્રીનું નામ યમીમાહ, વચલીનું નામ કસીઆહ અને સૌથી નાનીનું નામ કેરેન-હાપ્પૂખ હતું. 15 સમગ્ર દેશમાં અયૂબની પુત્રીઓ જેવી અન્ય કોઇ સુંદર સ્રીઓ ન હતી. તેમના પિતાએ તેઓના ભાઇઓની સાથે હિસ્સો આપ્યો.

16 ત્યાર પછી અયૂબ 140 વર્ષ સુધી જીવ્યો; અને તે પોતાના સંતાનો, પૌત્ર-પૌત્રી, પ્રપૌત્ર-પ્રપૌત્રી અને તેના સંતાનોને જોવા સુધી જીવ્યો. હા, ચાર પેઢીઓ જોઇ. 17 આ પ્રમાણે સારું જીવન જીવીને અયૂબ સંપૂર્ણ વૃદ્ધ વયે મૃત્યુ પામ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International