Revised Common Lectionary (Semicontinuous)
એક નવો સમય આવી રહ્યો છે
17 યહોવા કહે છે, “જુઓ, હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું.
પહેલાની સૃષ્ટિને કોઇ સંભારશે નહિ,
તેનું કોઇને સ્મરણ પણ નહિ થાય.
18 પરંતુ હું જે સર્જું છું, તેથી તમે ખુશ થઇને સદા આનંદોત્સવ કરો, કારણ,
હું એક યરૂશાલેમનું સર્જન કરીશ,
જે મારા માટે આનંદ લાવશે
અને જેના લોકો મારાથી ખુશખુશાલ હશે.
19 “હું યરૂશાલેમમાં આનંદ પામીશ
અને ત્યાં રહેતા લોકોથી ખુશ રહીશ.
ત્યાં ફરીથી રૂદન
તથા આક્રંદનો અવાજ સંભળાશે નહિ.
20 ત્યાં નવાં જન્મેલા બાળકો થોડા
દિવસ જીવીને મૃત્યુ પામશે નહિ;
પૂરું આયુષ્ય ભોગવ્યા વિના કોઇ વૃદ્ધ મૃત્યુ પામશે નહિ;
અને સો વરસ પૂરાં ન જીવવું એ શાપરૂપ મનાશે.
21 “લોકો જે ઘર બાંધશે તેમાં રહેવા પામશે,
જે દ્રાક્ષની વાડીઓ રોપશે તેના ફળ ખાવા પામશે.
22 કોઇ ઘર બાંધે ને કોઇ વસે,
કોઇ વાડી રોપે ને કોઇ
ખાય એવું નહિ બને.
વૃક્ષની જેમ મારા લોકો લાંબું જીવશે.
મારા અપનાવેલા લોકો
પોતાના પરિશ્રમના ફળ ભોગવવા પામશે.
23 તેઓની મહેનત વ્યર્થ નહિ જાય,
અને તેમણે ઉછેરેલા બાળકો
આફતનો ભોગ નહિ બને,
કારણ, હું યહોવા, તેમને અને તેમના સંતાનોને આશીર્વાદ આપીશ.
24 તેઓ મને પોકારે તે પહેલાં જ હું જવાબ આપીશ,
તેઓ બોલે ના બોલે ત્યાં તો મેં સાંભળી લીધું હશે.
25 વરૂ તથા ઘેટાનું બચ્ચું સાથે ચરશે,
સિંહ બળદની જેમ કડબ ખાશે,
અને ઝેરી સર્પો કદી ડંખ મારશે નહિ!
મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે નહિ ને વિનાશ કરશે નહિ.”
એમ યહોવા કહે છે.
દેવનાં સ્તુતિગાન
12 તમે તે દિવસે ગાશો:
“હે યહોવા હું તમારો આભાર માનું છું!
તમે મારા પર રોષે ભરાયા હતા,
હવે તમારો રોષ સમી ગયો છે
અને તમે મને પ્રેમ આપ્યો છે.
2 દેવ મારા ઉદ્ધારક છે;
અને હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી;
મારો આશ્રય યહોવા દેવ જ છે;
ને મારા રક્ષણહાર એ જ છે; ને એ જ મારા ઉદ્ધારક બન્યા.”
3 અને તમે ઉદ્ધારના ઝરણામાંથી
આનંદભેર પાણી ભરશો.
4 તમે તે દિવસે કહેશો કે,
“યહોવાની સ્તુતિ ગાવ, અને તેના નામનું આહવાહન કરો;
સર્વ પ્રજામાં તેનાં કાર્યોની ઘોષણા કરો;
તેનું નામ સવોર્પરી છે એવું જાહેર કરો.”
5 યહોવાની ઝળહળતી સિદ્ધિઓ માટે
તમે તેના સર્વદા ગુણગાન ગાઓ;
ને સમગ્ર દુનિયામાં એની જાણ કરો.
6 હે સિયોનનાં વાસીઓ, આનંદના પોકાર કરો,
ઇસ્રાએલના મહાન પરમ પવિત્ર દેવ છે.
અને તમારા સૌની વચ્ચે વસે છે.
કાર્યપરાયણતા
6 ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાર્મથ્ય (અધિકાર) વડે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે જે કોઈ વિશ્વાસુ કામ કરવાનો ઈન્કાર કરે છે તેનાથી તમે દૂર રહો. જે લોકો કામ કરવા ઈન્કાર કરે છે, તેઓ અમે જે શિક્ષણ આપ્યું છે તેને અનુસરતા નથી. 7 તમે પોતે જાણો છો કે તમારે એ રીતે જીવવું જોઈએ જે રીતે અમે જીવીએ છીએ. તમારી સાથે જ્યારે અમે હતા, ત્યારે અમે આળસુ ન હતા. 8 અને જ્યારે અમે અન્ય લોકોનું અન્ન આરોગ્યું હતુ ત્યારે અમે હમેશા તેનું મૂલ્ય ચૂકવ્યું હતું. તમારા કોઈ માટે અમે બોજારુંપ ન બનીએ તેથી અમે ઘણું કામ કર્યુ હતું. અમે રાત દિવસ કામ કર્યુ હતું. 9 અમને મદદ કરવાનું તમને કહી શકવાનો અમને અધિકાર હતો. પરંતુ અમારી જાતની કાળજી લેવા પૂરતી તો અમે મહેનત કરી જ હતી. જેથી કરીને તમારા માટે અમે એક અનુસરવા યોગ્ય નમૂનો બની શકીએ. 10 જ્યારે અમે તમારી સાથે હતા, અમે તમને આ નિયમ આપ્યો હતો: “જો વ્યક્તિ કામ ન કરે તો, તેણે ખાવું નહિ.”
11 અમે એવું સાંભળીએ છીએ કે તમારા સમૂહમાં કેટલાએક લોકો ઉદ્યોગ કરતા નથી. તેઓ કશું જ કરતા નથી. અને તે લોકો બીજા લોકોના જીવનવ્યહારમાં ઘાલમેલ કરે છે. 12 અમે આવા લોકોને આજ્ઞા કરીએ છીએ કે તેઓ બીજા લોકોને હેરાન ન કરે. અમે તેઓને આજ્ઞા કરીએ છીએ કે ઉદ્યોગ કરીને પોતાની આજીવિકા પોતે જ કમાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અમે તેમને આમ કરવા વિનવીએ છીએ. 13 ભાઈઓ અને બહેનો, ભલું કરતાં થાકશો મા.
મંદિરનો વિનાશ
(માથ. 24:1-14; માર્ક 13:1-13)
5 કેટલાએક લોકો મંદિર વિષે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ એક સુંદર મંદિર ઉત્તમ પથ્થરોથી બાંધેલું છે. દેવને દાનમાં અપાયેલ ઘણી સુંદર ભેટો તો જુઓ!”
6 પણ ઈસુએ કહ્યું, “સમય આવશે ત્યારે તમે જે બધું અહી જુઓ છો તેનો નાશ થશે. આ મકાનનો પ્રત્યેક પથ્થર જમીન પર પાડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ!”
7 કેટલાએક શિષ્યોએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, આ વસ્તુઓ ક્યારે બનશે? આપણને કેવી રીતે ખબર પડશે કે તે થવાનો સમય આવ્યો છે?”
8 ઈસુએ કહ્યું, “સાવધાન રહો! કોઈ તમને મુર્ખ ન બનાવે. ઘણા લોકો મારા નામે આવશે, તેઓ કહેશે, ‘હું ખ્રિસ્ત છું’ અને ‘ખરો સમય આવ્યો છે!’ પણ તમે તેઓને અનુસરશો નહિ. 9 જ્યારે તમે યુદ્ધો તથા હુલ્લડોની અફવાઓ સાંભળો ત્યારે બીશો નહિ. આ બાબતો પ્રથમ બનશે પણ તેનો અંત પાછળથી આવશે.”
10 પછી ઈસુએ તેમને કહ્યું, “એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે લડશે. એક રાજ્ય બીજા રાજ્યની સામે લડશે. 11 ત્યાં મોટા ધરતીકંપ, મંદવાડ અને દુ:ખલાયક બાબતો ઘણી જગ્યાએ થશે. બીજી કેટલીક જગ્યાએ તો લોકોને ખાવા માટે ભોજન પણ નહિ હોય, ભયંકર બનાવો બનશે. આકાશમાંથી આશ્ચર્યજનક વસ્તુઓ લોકોને ચેતવણી આપવા આવશે.
12 “પરંતુ આ બધી વસ્તુઓ બનતા પહેલાં, લોકો તમને પકડશે અને તમારું અહિત કરશે. લોકો તેમની સભાસ્થાનોમાં તમારો ન્યાય કરશે. અને તમને કેદ કરશે, તમને જબરજસ્તી રાજાઓ અને શાસનકર્તાઓ સમક્ષ ઊભા રાખવામાં આવશે. તમે મને અનુસરો છો તેથી લોકો તમારી સામે આ બધું કરશે. 13 પણ આ તમને મારા વિષે કહેવાની તક આપશે. 14 બચાવ માટે તમારે શું કહેવું તેની પણ જરાય ચિંતા કરશો નહિ. 15 તમારો કોઈ પણ દુશ્મન ઉત્તર ન આપી શકે તેવુ કહેવા માટે બુદ્ધિ હું તમને આપીશ. 16 માતાપિતા, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રો પણ તારી વિરૂદ્ધ થશે. તેઓ તમારામાંના કેટલાકને મારી નાખશે. 17 બધા માણસો તમને ધિક્કારશે કારણ કે તમે મને અનુસરો છો. 18 પણ આમાંની કોઈ પણ વસ્તુ તમને ખરેખર નુકશાન કરી શકશે નહિ. 19 જો તમે તમારા વિશ્વાસમાં મક્કમ રહેશો તો આ બધામાંથી તમારી જાતને બચાવી લેશો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International