Revised Common Lectionary (Semicontinuous)
15 પછી દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસની ચોવીસમી તારીખે તેઓએ આવીને પોતાના સૈન્યોનો દેવ, યહોવાના મંદિરનું કામ શરૂ કરી દીધું.
નવા મંદિરમાં દેવનો ભાવી વૈભવ
2 એ જ વરસના સાતમા મહિનાની એકવીસમી તારીખે પ્રબોધક હાગ્ગાયને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “યહૂદિયાના સૂબા શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલને તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆને તથા બાકી રહેલા લોકોને હવે કહે કે, 3 ‘આ મંદિરનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઇ તમારામાં જીવતો રહ્યો છે? અને હાલ તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત્ત નથી? 4 તોપણ હવે, યહોવા કહે છે, “હે ઝરુબ્બાબેલ, હિંમત હારીશ નહિ,” હે યહોસાદાકના પુત્ર યહોશુઆ, પ્રમુખ યાજક, “બળવાન થા; યહોવા કહે છે, હે દેશના સર્વ લોકો, તમે બળવાન થઇને કામે લાગો; કારણકે હું તમારી સાથે છું,” સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.
5 “‘તમે જ્યારે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે મેં તમને વચન આપ્યા પ્રમાણે મારો આત્મા તમારામાં હતો; તેથી ડરશો નહિ,’ 6 કારણ કે સૈન્યોનો દેવ યહોવા કહે છે, ‘હું થોડી જ વારમાં ફરીથી આકાશ, પૃથ્વી, સમુદ્ર અને સૂકી ધરતીને હચમચાવી મૂકીશ. 7 હું આ બધા રાષ્ટ્રોને હચમચાવી મૂકીશ, અને તેમની ધનસંપતિ અહીં આવશે અને આ મંદિરને હું ખજાનાથી ભરી દઇશ.’ 8 એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે, ‘તેઓની ચાંદી અને સોનું મારું છે. 9 તેથી આ મંદિરની પ્રતિષ્ઠા હવે પહેલાના કરતાં ઘણી વધારે હશે. અને આ મંદિરને હું સુખ અને શાંતિ આપીશ.’ આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.”
દાઉદનું ગીત.
1 હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
2 હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
3 યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
5 હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!
સ્તુતિગીત.
1 યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ;
કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે.
એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય
પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે.
2 યહોવાએ પોતાની તારણ શકિત બતાવી છે,
તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યુ છે.
3 તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઇસ્રાએલના લોકો માટે સંભાર્યા છે.
બધા દૂરના રાષ્ટ્રોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે,
આપણા દેવે તેમના લોકોને કેવી રીતે બચાવ્યા.
4 હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો.
આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.
5 તમે સિતારનાં તાર સાથે તાર મેળવો,
સૂર સાથે યહોવાના સ્તોત્રો ગાઓ.
6 આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો!
ભૂંગળા અને રણશિંગડા જોરથી વગાડો.
7 સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો,
આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.
8 નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો ગાન પોકારો;
યહોવાની સમક્ષ અકત્ર હર્ષનાદ કરો.
9 યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં પધારે છે.
તે ન્યાયીપણાએ પૃથ્વીનો, અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
અનિષ્ટ ઘટનાઓ ઘટશે
2 ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિષે અમારે કઈક કહેવાનું છે. જ્યારે આપણે તેની (ઈસુની) સાથે ભેગા થઈશું તે સમય વિષે અમારે તમને કહેવું છે. 2 તમારા વિચારોમાં તમે જલ્દી બેચેન ના બની જતા કે ગભરાઈ ન જતા. જ્યારે તમે એમ સાંભળો કે પ્રભુના દિવસનું આગમન તો ક્યારનું થઈ યૂક્યું છે. કેટલીએક વ્યક્તિઓ પ્રબોધ કરતી વખતે કે સંદેશ આપતી વખતે આમ કહેશે. અથવા પત્રમાં તમે એમ પણ વાંચો કે કેટલાએક લોકો એમ દાવો કરે કે તમે કોઈ આત્મા, વચનથી કે, જાણે અમારા તરફથી આવ્યા છો. 3 કોઈ વ્યક્તિ કોઈ પણ રીતે તમને ભરમાવે નહિ. પ્રભુનો દિવસ જ્યાં સુધી ધર્મત્યાગ ન થાય ત્યાં સુધી આવશે નહિ. અને તે દિવસ જ્યાં સુધી વિનાશનો પુત્ર એટલે પાપનો માણસ પ્રગટ થશે નહિ. ત્યાં સુધી આવશે નહિ. 4 જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે. તે બધાની વિરુંદ્ધમાં પાપનો માણસ છે અને તે દુષ્ટ માણસ પોતાની જાતને દેવ તરીકે અને લોકો જેની ઉપાસના કરે છે તેની ઉપર તે પોતાની જાતને ઓળખાવે છે. અને તે દુષ્ટ માણસ તો દેવના મંદિરમાં જાય છે અને ત્યાં બેસે છે. અને પછી તે કહે છે કે તે દેવ છે.
5 મેં તમને અગાઉ જણાવેલું કે આવી ઘટનાઓ ઘટશે. યાદ છે?
તારણ માટે તમારી પસંદગી થઈ છે
13 ભાઈઓ અને બહેનો, પ્રભુ તમને પ્રેમ કરે છે. પ્રારંભથી જ દેવે તારણ કરવા માટે તમારી પસંદગી કરેલ છે. તેથી અમે હમેશા તમારા માટે દેવની સ્તુતિ કરીએ છીએ. આત્મા દ્વારા તમને પવિત્ર કરવાથી અને સત્ય વિશ્વાસ વડે તમારું તારણ થયું છે. 14 તારણ પ્રાપ્ત કરવા માટે દેવે તમને તેડયા છે. અમે જે સુવાર્તાનો ઉપદેશ આપ્યા, તેના ઉપયોગથી તેણે (દેવે) તમને તેડયા છે. દેવે તમને તેડયા જેથી કરીને આપણા પ્રભુ ખ્રિસ્તના મહિમામાં તમે સહભાગી બની શકો. 15 તેથી, ભાઈઓ અને બહેનો, દઢ ઊભા રહો અને જે શિક્ષણ અમે તમને આપ્યું છે તેમાં વિશ્વાસ કરવાનું ચાલુ રાખો. અમારી વાણી અને તમારા પરના અમારા પત્રો દ્વારા અમે તમને તે બાબતો શીખવી છે.
16-17 અમે પ્રાર્થીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અને દેવ આપણો બાપ તમને દિલાસો આપે અને તમારા દરેક કાર્ય અને વાણીને પ્રોત્સાહિત કરી સક્ષમ બનાવે. દેવે આપણા પર પ્રેમ કર્યો છે. તેની કૃપા (દયા) દ્વારા નિરંતર જળવાઈ રહે તેવી એક આશા અને પ્રોત્સાહન તેણે આપણને પ્રદાન કર્યા છે.
કેટલાએક સદૂકિઓની ઈસુ સામેની યુક્તિ
(માથ. 22:23-33; માર્ક 12:18-27)
27 કેટલાએક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા. (સદૂકીઓ માને છે કે મૃત્યુ પછી પુનરુંત્થાન નથી.) તેઓએ ઈસુને પૂછયું કે; 28 “ઉપદેશક, મૂસાએ આપણા માટે લખ્યું છે કે જો પરણીત માણસ મૃત્યુ પામે અને તેની પત્નીને બાળક ના હોય તો પછી તેના ભાઈએ તે સ્ત્રીને પરણવું જોઈએ. પછી તેઓને તેના મૃત્યુ પામેલા ભાઈ માટે બાળકો થશે. 29 ત્યાં સાત ભાઈઓ હતા. પહેલો ભાઈ એક સ્ત્રીને પરણ્યો, પણ મૃત્યુ પામ્યો. તેને બાળકો ન હતાં. 30 પછી બીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો અને તે મૃત્યુ પામ્યો. 31 અને ત્રીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો અને તે મૃત્યુ પામ્યો. આ જ ઘટના બધાજ સાતે ભાઈઓ સાથે બની. તેઓ બધા મૃત્યુ પામ્યા. અને તેઓને બાળકો ન હતા. 32 છેલ્લે મૃત્યુ પામનાર સ્ત્રી હતી. 33 પરંતુ બધા સાતે ભાઈઓ તેણીને પરણ્યા. તેથી જ્યારે મૃત્યુ પછી પુનરુંત્થનનો સમય આવશે, ત્યારે આ સ્ત્રી કોની પત્ની થશે?”
34 ઈસુએ સદૂકીઓને કહ્યું કે, “પૃથ્વી પર લોકો પરણે છે. 35 જે લોકો મૃત્યુ પછી પુનરુંત્થાન થવા માટે યોગ્ય રીતે ન્યાયી ઠરશે અને આ જીવન પછી ફરી જીવશે. તે નવા જીવનમાં તેઓ પરણશે નહિ. 36 તે જીવન દરમ્યાન લોકો દેવદૂત જેવાં હોય છે અને તેઓનું કદી મૃત્યુ થતું નથી. તેઓ દેવના બાળકો છે કારણ કે તેઓ મૃત્યુમાંથી સજીવન થાય છે. 37 મૂસાએ સ્પષ્ટ બતાવ્યું છે કે લોકો મૃત્યુમાંથી ઊઠે છે. જ્યારે મૂસા બળતા ઝાડવામાં દેવ દર્શનના પ્રસંગનું વર્ણન કરે છે. ત્યારે તે પ્રભુને ‘ઈબ્રાહિમનો દેવ, ઈસહાકનો દેવ અને યાકૂબનો દેવ કહે છે.’[a] 38 જો દેવ કહે કે તે તેઓના દેવ છે તો પછી આ માણસો ખરેખર મૃત્યુ પામેલા નથી. તે ફક્ત જીવતા લોકોનો જ દેવ છે. બધાં જ લોકો દેવના છે તે જીવતા છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International