Revised Common Lectionary (Semicontinuous)
સ્તુતિગીત.
1 યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ;
કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે.
એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય
પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે.
2 યહોવાએ પોતાની તારણ શકિત બતાવી છે,
તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યુ છે.
3 તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઇસ્રાએલના લોકો માટે સંભાર્યા છે.
બધા દૂરના રાષ્ટ્રોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે,
આપણા દેવે તેમના લોકોને કેવી રીતે બચાવ્યા.
4 હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો.
આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.
5 તમે સિતારનાં તાર સાથે તાર મેળવો,
સૂર સાથે યહોવાના સ્તોત્રો ગાઓ.
6 આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો!
ભૂંગળા અને રણશિંગડા જોરથી વગાડો.
7 સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો,
આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.
8 નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો ગાન પોકારો;
યહોવાની સમક્ષ અકત્ર હર્ષનાદ કરો.
9 યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં પધારે છે.
તે ન્યાયીપણાએ પૃથ્વીનો, અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
યરૂશાલેમ આશીર્વાદિત થશે
8 ફરીથી સૈન્યોનો દેવ યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “મને યરૂશાલેમ પ્રત્યે એકનિષ્ઠ પ્રેમ છે, અને તેથી હું ખૂબ રોષે ભરાયો છું. 3 હવે યહોવા આ પ્રમાણે કહે છે; હું સિયોનમાં પાછો આવ્યો છું. અને હું યરૂશાલેમમાં રહીશ અને યરૂશાલેમ ‘સત્યનું નગર કહેવાશે’ અને સૈન્યોનો દેવ યહોવાનો ‘પવિત્રપર્વત’ કહેવાશે.”
4 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “યરૂશાલેમમાં ફરીથી તેની શેરીઓમાં વૃદ્ધ પુરૂષો અને સ્ત્રીઓ ચાલશે તેઓને ચાલવા માટે લાકડીની જરૂર પડશે, કારણ કે તેઓ લાંબો સમય જીવશે. 5 રમતાં છોકરાઓ અને છોકરીઓથી નગરની શેરીઓ ભરાઇ જશે.” 6 સૈન્યોનો દેવ યહોવા કહે છે; “જો પ્રજાના બચેલા લોકોને એમ લાગે કે આ આ અદૃભૂત છે, તો મને પણ એમ લાગે છે કે તે અદ્ભૂત છે.”
7 જુઓ, સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ; 8 યરૂશાલેમમાં શાંતિથી રહેવા માટે હું તેઓને ફરી પાછા ઘરે લાવીશ. તેઓ મારી પ્રજા થશે અને હું તેઓનો સત્યથી તથા ન્યાયી દેવ થઇશ.”
9 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હિંમત રાખો! મારા મંદિરનો પાયો નંખાયો અને બાંધકામ શરૂ થયું ત્યારે હાજર હતા તે પ્રબોધકોને મુખેથી તમે જે વચનો સાંભળ્યાં હતા તે આજે પણ પાળો છો. 10 તે સમય પહેલાં કોઇ માણસને કે પશુને મજૂરીએ રાખી શકાતું નહોતું. અને શત્રુની બીકે કોઇ સહીસલામત રીતે હરીફરી શકતું નહોતું. મેં માણસોને એકબીજાના દુશ્મન બનાવી દીધા હતા. 11 પણ હવે હું એ લોકોમાંના બચવા પામેલા માણસો સાથે પહેલાની જેમ નહિ વર્તું.” એવુ યહોવા કહે છે.
12 “હવે હું તમારી મધ્યે શાંતિ અને સમૃદ્ધિ લાવીશ. તમારાં ખેતરોમાં વધારે અનાજ પાકશે, દ્રાક્ષાવેલાઓ દ્રાક્ષાથી લચી પડશે. ઘણાં વરસાદને લીધે જમીન વધારે ફળદ્રુપ થશે. આ સર્વ આશીર્વાદો બાકી રહેલા લોકોને આપવામાં આવશે. 13 હે યહૂદિયા અને ઇસ્રાએલના વંશજો અત્યાર સુધી વિદેશી પ્રજાઓ શાપ દેવા માટે તમારા નામનો ઉપયોગ કરતી હતી, પણ હવે હું તમને ઉગારી લઇશ, અને તમારા નામ આશીર્વાદ આપવામાં વપરાશે. ડરશો નહિ. હિંમત રાખો.”
14 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમારા પિતૃઓએ મને ગુસ્સે કર્યો એ માટે તેઓ પર મેં દયા દર્શાવી નહિ, તેથી મેં તેઓને નુકસાન પહોંચાડવાની યોજના ઘડી હતી. 15 પણ હવે અત્યારે યરૂશાલેમનું અને યહૂદિયાના વંશજોનું ફરી ભલું કરવાનું ધાર્યુ છે; માટે ડરશો નહિ, 16 તમારે આટલું કરવાનું છે; એકબીજા સાથે સાચું બોલો, અને અદાલતમાં ખરો ન્યાય કરો અને શાંતિ જાળવો. 17 બીજાઓને નુકસાન કરવાની યોજનાઓ કરશો નહિ; અને કદી કોઇ જૂઠા સમ ખાવા નહિ; કારણ હું આ સર્વ કૃત્યોને ધિક્કારું છું,” એવું યહોવા કહે છે.
ઈસુ પાસે દેવની સત્તા છે
19 પરંતુ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું. દીકરો તેની જાતે કંઈ કરી શકે નહિ. દીકરો બાપને જે કંઈ કરતા જુએ છે, તે જ માત્ર કરે છે. પિતા જે કરે છે તે જ કામ દીકરો કરે છે. 20 પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને પિતા પોતે જે કઈ કરે છે તે બધું જ દીકરાને દેખાડે છે; આ માણસ સાજો થયો હતો, પરંતુ પિતા દીકરાને આના કરતાં વધારે મોટાં કામ કરવાનાં દેખાડશે. પછી તમે બધા નવાઈ પામશો. 21 પિતા મૂએલાઓને ઊઠાડે છે અને તેઓને સજીવન કરે છે. તે જ રીતે દીકરો પણ તેની ઈચ્છા હોય તો મૂએલાઓને સજીવન કરે છે.
22 “કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી. પરંતુ પિતાએ ન્યાય કરવાની સર્વ સત્તા દીકરાને આપી છે. 23 દેવે આમ કર્યુ છે કારણ કે બધા લોકો જેમ પિતાને માન આપતા તેમ દીકરાને પણ માન આપે. જો કોઈ વ્યક્તિ દીકરાને માન આપતો નથી તો પછી તે વ્યક્તિ પિતાને પણ માન આપતો નથી. જેણે દીકરાને મોકલ્યો છે તે પિતા એક જ છે.
24 “હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે. 25 હું તમને સત્ય કહું છું, હવે મહત્વનો સમય આવે છે, તે સમય અહીં આવી ચુક્યો છે. જે લોકો પાપમાં મૃત્યું પામ્યા છે, તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને તે લોકો એ જે કહે છે તેનો સ્વીકાર કરશે તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે. 26 કારણ કે પિતા (દેવ) ના પોતાનામાંથી જીવન આવે છે. તેથી પિતાએ દીકરા (ઈસુ) ને પણ જીવન આપવાનો અધિકાર આપ્યો છે. 27 અને પિતાએ દીકરાને બધા લોકોનો ન્યાય ચુકવવાનો અધિકાર પણ આપ્યો છે. શા માટે? કારણ કે તે દીકરો માણસનો દીકરો છે.
28 “આથી તમે આશ્ચર્ય પામશો નહિ. એ સમય આવે છે જ્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે અને તેઓની કબરોમાં છે તેઓ તેની વાણી સાંભળશે. 29 જે લોકોએ જીવનમાં સારા કામો કર્યા છે તેઓ સજીવન થશે અને અનંતજીવન મેળવશે. પરંતુ જે લોકોએ ભૂંડા કામ કર્યા છે તેઓને ન્યાયની સામે ઊભા કરવામાં આવશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International