Revised Common Lectionary (Semicontinuous)
દાઉદની પ્રાર્થના.
1 હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની
મારી પ્રાર્થના પર ધ્યાન આપો;
કારણ કે હું પ્રામાણિક છુઁ અને સત્ય બોલું છુઁ,
જે ન્યાયી છે તે જ મેં કર્યુ છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.
2 હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે,
તમે સત્યને જોઇ શકો છો.
3 તમે મારા હૃદયને ઊંડાણમાંથી જોયું છે.
તમે રાત્રે મારી સાથે હતાં. તમે મારું પારખું કર્યુ છે
અને મારો કોઇ દોષ કાઢયો નથી.
હું કદી ખરાબ યોજના કરતો નથી અને તે તમે જાણો છો.
4 મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યુ છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું.
ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી.
5 મારા પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે,
અને મારો પગ કદી લપસ્યો નથી.
6 હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો
અને તેનો જવાબ આપો.
7 ભરોસો રાખીને જેઓ તમારી પાસે,
શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે;
તેઓને તમે તમારા જમણાં હાથે
તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.
15 પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી
હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.
યહોવાનું અભયદાન
43 પણ હવે, હે યાકૂબ તારો સર્જનહાર અને ઇસ્રાએલના ઘડવૈયા યહોવા તને કહે છે, “ડરીશ નહિ, હું તારો ઉદ્ધાર કરીશ, મેં તને તારું નામ દઇને બોલાવ્યો છે અને તું મારો પોતાનો છે. 2 જ્યારે તું અગાધ જળમાં થઇને પસાર થતો હશે, ત્યારે હું તારી સાથે રહીશ, તું નદીમાં થઇને જતો હશે, ત્યારે તેના વહેણ તને તાણી નહિ લઇ જાય, અગ્નિમાં થઇને તું ચાલશે તો તું દાઝી નહિ જાય; જવાળાઓ તને બાળશે નહિ. 3 કારણ કે હું યહોવા તારો દેવ છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા તારો ઉદ્ધારક છું, તારી મુકિતના બદલામાં મેં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે. 4 મેં તારે માટે થઇને બીજા બધાં લોકોને વિનિયોગ કર્યો છે, કારણ કે મારી ષ્ટિમાં તું મૂલ્યવાન અને સન્માનપાત્ર છે, મેં તારા પર પ્રીતિ કરી છે.
5 “તું ડરીશ નહિ, હું તારી સાથે છું. હું તારા લોકોને પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી લઇ આવી ઘરભેગા કરીશ. 6 હું ઉત્તરને કહીશ, તેમને જવા દે અને દક્ષિણને કહીશ, તેમને રોકતો નહિ. મારા પુત્ર-પુત્રીઓને દૂર દૂરથી ઠેઠ ધરતીને છેડેથી પાછા લાવો. 7 એ બધાં મારે નામે ઓળખાય છે, એમને બધાંને મેં મારો મહિમા ગાવા માટે સર્જ્યા છે, ઘડ્યા છે, નિર્માણ કર્યા છે.”
ઈસુએ 4,000 કરતાં વધુ લોકોને જમાડયા
(માર્ક 8:1-10)
32 પછી ઈસુએ તેના શિષ્યોને પાસે બોલાવ્યા અને કહ્યું, “આ લોકો પર મને દયા આવે છે કારણ કે તેઓ ત્રણ દિવસથી સતત મારી સાથે છે. હવે એમની પાસે કંઈજ ખાવાનું નથી. હું તેમને ભૂખ્યા જવા દેવા માંગતો નથી, કદાચ રસ્તામાં તેઓ જતાં જતાં ભૂખથી બેભાન થઈ જાય.”
33 પછી શિષ્યોએ કહ્યું, “આટલા બધા લોકોને જમાડવા આપણે પૂરતી રોટલી ક્યાંથી મેળવીશું અને આપણે કોઈપણ ગામથી ઘણા દૂર છીએ.”
34 ઈસુએ પૂછયું, “તમારી પાસે કેટલી રોટલી છે?”
શિષ્યોએ કહ્યું, “અમારી પાસે સાત રોટલીઓ અને થોડીક નાની માછલીઓ છે.”
35 ઈસુએ લોકોને જમીન પર બેસી જવા કહ્યુ. 36 ઈસુએ રોટલી અને માછલી લઈન દેવનો આભાર માન્યો અને તેણે રોટલીના ટૂકડા કરી શિષ્યોને આપ્યા અને શિષ્યોએ તે ટૂકડા લોકોને આપ્યા. 37 દરેકે ઘરાઈને ખાધું. પછી વધેલા ટૂકડા ભેગા કર્યા અને તેની સાત ટોપલી ભરાઈ. 38 ત્યાં જેઓએ ખાધું તેમાં સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત 4,000 પુરુંષો હતા. 39 પછી ઈસુએ લોકોને વિદાય કર્યા અને તેઓ હોડીમાં બેસી મગદાન પ્રદેશમાં ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International