New Testament in a Year
21 “તે સમયે કેટલીક વ્યક્તિઓ તમને કહેશે, ‘જુઓ, અહીં ખ્રિસ્ત છે!’ અથવા બીજી એક વ્યક્તિ કહેશે, ‘તે ત્યાં છે!’ પણ તેમનું માનશો નહિ. 22 જૂઠા ખ્રિસ્તો અને જૂઠા પ્રબોધકો આવશે અને મહાન કામો અને અદભૂત ચમત્કારો કરશે. તેઓ આ કામો દેવે પસંદ કરેલા લોકો આગળ કરશે, જો શક્ય હશે તો તેઓ આ કામો કરીને તેના લોકોને છેતરવાનો પ્રયત્ન કરશે. 23 તેથી સાવધાન રહો, હવે મેં તમને આ બધું બનતા પહેલા તે વિષે ચેતવણી આપી છે.”
24 “તે દિવસો દરમ્યાન આ વિપત્તિઓ પછી,
‘સૂર્ય અંધકારરૂપ થઈ જશે,
અને ચંદ્ર તેનો પ્રકાશ આપશે નહિ.
25 આકાશના તારાઓ ખરવા લાગશે,
અને આકાશના પરાક્રમો હલાવાશે.’[a]
26 “પછી લોકો માણસના પુત્રને ઘણાં પરાક્રમ તથા મહિમા સહિત વાદળામાં આવતો જોશે. 27 માણસનો પુત્ર પૃથ્વીની ચારેબાજુ તેના દૂતોને મોકલશે. દૂતો પૃથ્વી પરના દરેક ભાગોમાંથી તેના પસંદ કરેવા લોકોને ભેગા કરશે.
28 “અંજીરીનું વૃક્ષ આપણને એક બોધપાઠ શીખવે છે. જ્યારે અંજીરીના વૃક્ષની ડાળીઓ લીલી અને નરમ બને છે અને નવા પાંદડાં ઊગવાની શરુંઆત થાય છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે. 29 આ વસ્તુઓ સાથે એવું જ છે જે મેં તમને કહ્યું તે બનશે જ. જ્યારે તમે આ બધું બનતું જોશો, ત્યારે તમે જાણશો કે તે સમય[b] નજીક છે. 30 હું તમને સત્ય કહું. જ્યારે આ સમયના લોકો જીવતા હશે ત્યારે જ આ બધી વસ્તુઓ બનશે. 31 આખી પૃથ્વી અને આકાશનો વિનાશ થશે. પણ જે વાતો મેં કહી છે તે કદાપિ નાશ પામશે નહિ.
32 “કોઈ વ્યક્તિ જાણતી નથી કે કયા દિવસે કયા સમયે તે થશે. તે પુત્ર અને આકાશના દૂતો પણ તે જાણતા નથી. ફક્ત પિતા જ જાણે છે. 33 સાવધાન રહો! હંમેશા તૈયાર રહો! તમને ખબર નથી તે સમય ક્યારે આવશે.
34 “એક માણસ તેનું ઘર છોડીને પ્રવાસમાં જાય છે તેના જેવું આ છે. તે માણસ તેના ઘરની સંભાળ લેવાનું તેના સેવકોને સોંપે છે. તે દરેક સેવકને દરવાજાની ચોકી કરવાનું કામ સોંપે છે. તે માણસ આ સેવકને હંમેશા તૈયાર રહેવાનું કહે છે. હમણા હું તમને કહું છું તે એ જ છે. 35 તેથી તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ, તમે જાણતા નથી, ઘરનો ધણી સાંજે, મધરાતે કે વહેલી સવારે કે જ્યારે સૂર્ય ઊગે છે ત્યારે કદાચ આવે. 36 રખેને તે ધણી એકાએક પાછો ઝડપથી પણ આવે. જો તમે હંમેશા તૈયાર રહો તો પછી તે તમને ઊંઘતા જોશે નહિ. 37 હું તમને આ કહું છું, અને હું આ પ્રત્યેક વ્યક્તિને કહું છું: ‘તૈયાર રહો!’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International