Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.
1 હે પ્રેમાળ દયાળુ દેવ!
મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
મારા પાપો ભૂંસી નાખો.
2 હે યહોવા, મારા અપરાધ
અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
તેથી તમે તમારા નિર્ણયો
અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
5 હું પાપમાં જન્મ્યો હતો,
મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
6 તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
7 મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
9 મારા પાપો તરફ જોશો નહિ,
ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
મારા આત્માને મજબૂત,
તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ,
અને પાપીઓ તમારા તરફ ફરશે.
14 હે મારા દેવ, મારા તારણહાર;
મને મૃત્યુદંડથી બચાવો;
હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ,
અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.
15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો;
એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
16 તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
17 દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત,
પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ.
18 દેવ, તમે સિયોનનું ભલું કરો,
અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો.
19 અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે,
અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી,
દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે.
નિર્દેશક માટે. રાગ: “શોશાન્નીમ.” દાઉદનું ગીત.
1 હે દેવ, મારા માથા સુધી પાણી ચઢી આવ્યું છે,
મારી રક્ષા કરો.
2 કીચડમાં હું ઊંડે ને ઊંડે ખૂપતો જાઉં છું,
જ્યાં ઊભા રહેવાને પણ આધાર નથી,
હું ઊઁડા જળમાં આવી પડ્યો છું,
જળપ્રલયે મને ડૂબાડી દીધો છે.
3 હું રડી રડીને નિર્ગત થઇ ગયો છું અને મારું ગળું સુકાઇ ગયું છે.
મારા દેવની વાટ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
4 જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે,
તેઓ મારા માથાના વાળથી વધારે છે;
હું નિર્દોષ છું છતાં મારો સંહાર કરવાની યોજના ઘડનારાં વધુ શકિતશાળી બન્યાં છે.
તે શત્રુઓ મારા વિષે અસત્ય બોલે છે.
કહે છે મેં વસ્તુઓ ચોરી હતી.
તેઓએ મેં જે વસ્તુઓ ચોરી ન હતી તેનું ભરણ કરવા મને ફરજ પાડે છે.
5 હે દેવ, તમે મારી મૂર્ખાઇ જાણો છો,
અને મારા પાપો તમારાથી છુપાવેલા નથી.
6 હે સૈન્યના પ્રભુ યહોવા, મારા લીધે તમારા અનુયાયીઓ શરમીંદા ન થાય.
હે ઇસ્રાએલનાં દેવ, ભલે જેઓ તમને શોધવા નીકળ્યા છે તેઓનું મારા લીધે અપમાન ન થાય.
7 મેં તમારા માટે શરમ સહન કરી છે,
ને મારું મુખ પણ શરમથી ઢંકાયેલું છે.
8 મારા ભાઇઓને મન હું પારકા જેવો છું,
અને મારી માના પુત્રને મન હું પરદેશી જેવો થયો છું.
9 કારણ, મારું હૃદય દેવ અને તેનાં મંદિર માટેના ઉત્સાહથી ઉત્તેજીત થયું છે.
જેઓ તમારું અપમાન કરે છે તેમના અપમાનો મારી ઉપર આવ્યાં છે.
10 જ્યારે હું યહોવા સમક્ષ રૂદન અને ઉપવાસ કરું છું,
ત્યારે તેઓ મારી મશ્કરી કરીને નિંદા કરે છે.
11 જ્યારે હું મારા પાપનું દુ:ખ પ્રગટ કરવા અને આત્માનું રાંકપણું દર્શાવવાં ટાટનાં વસ્ર ધારણ કરું છું,
ત્યારે તેઓ મારી મશ્કરી કરે છે.
12 ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે.
અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
13 પરંતુ હે યહોવા, તમારી કૃપાનાં સમયમાં મેં તમારી પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું છે,
તમારાં ભરપૂર પ્રેમમાં, તારણની સત્યતાએ પ્રત્યુતર આપો.
14 મને કીચડમાંથી કાઢો,
મને ઊંડા પાણીમાં ડૂબવાં દેશો નહિ
અને દ્વેષીઓથી
મારી રક્ષા કરો.
15 રેલ સંકટ મારા પર ફરી ન વળે,
સાગરનાં ઊંડાણ મને ગળી ન જાય;
અને ડરાવનાર કબરમાં મારી રક્ષા કરો.
16 હે યહોવા, મારી પ્રાર્થનાનો ઉત્તર આપો; કારણ તારી કૃપ ઉત્તમ છે;
તમારા પુષ્કળ વાત્સલ્ય મુજબ મારા તરફ વળો.
17 તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ,
હું અપાર સંકટોમાં છું, મને જલદી ઉત્તર આપો.
18 હે યહોવા, આવો, મારા આત્માની રક્ષા કરો!
મને મારા સર્વ શત્રુઓથી મુકત કરો.
19 તમે જાણો છો કે મારે શરમ તથા અપમાન અને નિંદા
સહન કરવાં પડે છે.
મારા શત્રુઓએ મારી સાથે કરેલી વસ્તુઓ તમે જોઇ છે.
20 નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે,
અને હું લાંબુ જીવવા
માટે ખૂબ દુર્બળ બની ગયો છું.
દિલાસો અને આરામ
બતાવનારની રાહ જોઇ
પરંતુ મને કોઇ પણ મળ્યું નહિ.
21 ખોરાકને બદલે મને પિત્ત ખાવા મળ્યું,
ને તરસ લાગતાં મને સરકો પાવામાં આવ્યો.
22 ભલે તેમનું મેજ તેમના માટે છટકું બને,
અને તેમનું મૈત્રીભોજન તેમનો ફાંસલો બને.
23 ભલે તેઓની આંખો કઇપણ જોવા માટે ઝાંખી બને,
અને ભલે તેઓ અંધ બની જાય.
અને ભલે તેમની કમરો નબળી બને.
પોતાના વિનાશ પર યરૂશાલેમનો વિલાપ
1 એ શહેર કેવું એકલવાયું પડી રહ્યું છે!
જે એક વાર લોકોથી ધમધમતું હતું,
દેશવિદેશમાં મહાન ગણાતું હતુ,
તે શા માટે વિધવા જેવું થઇ ગયુ?
જે શહેરોની મહારાણી જેવું હતું,
તે બીજી પ્રજાઓનું ગુલામ કેમ થઇ ગયુ?
2 તે રાત્રે પોક મૂકી રડે છે,
ને તેના ગાલે અશ્રુધારા વહે છે;
આશ્વાસન આપનાર કોઇ રહ્યું નથી,
તેણીના મિત્રોએ તેને છેતરી છે
અને તેણી જેઓને ચાહે છે
તેઓ તેના શત્રુ થયા છે.
6 સિયોનના બધા મહત્વના
લોકોએ તેને છોડી દીધી છે.
સરદારો ચારા વગરનાં હરણો જેવા;
અને તેમને જેઓ પકડે છે
તેમનાથી દૂર ભાગી જવાની શકિત
વગરના થઇ ગયા છે.
7 પોતાના દુ:ખ સંતાપનાં દિવસોમાં,
યરૂશાલેમ અતીતની સમૃદ્ધિ સંભારે છે.
તેના લોકો શત્રુના હાથમાં પડ્યા છે.
કોઇ તેની સાથે જનાર નથી તેથી શત્રુઓ તેની પાયમાલી જોઇ ઉપહાસ કરે છે.
8 યરૂશાલેમે ઘોર અપરાધ કર્યો છે,
તેથી જ તે અશુદ્ધ સ્ત્રીની જેમ થઇ પડ્યું છે.
જેઓ તેને માન આપતા હતા તેઓ તેને તુચ્છ ગણે છ,ે
કારણ કે, તેઓએ તેની નગ્નતા જોઇ લીધી છે.
અને તે પોતે મોં સંતાડીને નિસાસા નાખ્યા કરે છે.
9 તેણીની અશુદ્ધતા તેના ઝભ્ભાની કિનારી
સુધી ફેલાઇ ગઇ હતી,
જેઓ તેને પહેલા માન આપતાં હતા, અત્યારે તેને નાપસંદ કરે છે,
કારણ કે તેઓએ તેની નગ્નતાને જોઇ છે.
અને તે પોતે જ નિસાસા નાખે છે
અને પોતાનું મોઢું ફેરવી લે છે.
10 બધી કિંમતી વસ્તુઓ પર શત્રુએ
પોતાનો હાથ મૂક્યો છે,
ને તેણે પોતાના મંદિરમાં વિધર્મી પ્રજાને પ્રવેશ કરતી જોઇ છે;
જ્યાં યહોવાએ તે વિદેશીઓને પ્રવેશવાની મનાઇ કરી હતી.
11 તેના બધા લોકો આર્તનાદ કરે છે.
તેઓ રોટલાની ભીખ માંગે છે.
ઝવેરાત આપી અન્ન ખરીદે છે;
ને ભૂખ શમાવી, નગરી પોકારે છે,
“હે યહોવા, નજર કરો અને જુઓ;
મુજ અધમનો કેવો તિરસ્કાર થાય છે?
12 ઓ, જનાર સૌ લોકો, જરા નજર કરો;
કોઇને ય મારા જેવું દુ:ખ પડ્યું છે?
જે યહોવાએ મને ક્રોધમાં આવીને દીધું છે?
1 ખ્રિસ્ત ઈસુના, પ્રેરિત પાઉલ તરફથી, કુશળતા હો હું એક પ્રેરિત છું કારણ કે દેવની એવી ઈચ્છા હતી. આપણો ભાઈ તિમોથી જે ખ્રિસ્તમાં છે તેના તરફથી પણ અભિવાદન.
દેવની મંડળી જે કરિંથમાં છે અને આખા અખાયામાંના દેશના દેવના બધાજ લોકોને:
2 આપણા દેવ પિતા તરફથી તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
પાઉલ દેવનો આભાર માને છે
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ અને પિતાને ધન્ય હો. દેવ પિતા છે જે દયાથી પૂર્ણ છે. તે સર્વ દિલાસાનો બાપ છે. 4 જ્યારે પણ આપણને મુશ્કેલી નડે ત્યારે તે આપણને દિલાસો આપે છે કે જેથી અન્ય લોકો જેઓને કોઈ પણ જાતની મુશ્કેલીઓ હોય, ત્યારે આપણે તેમને દિલાસો આપી શકીએ. જે રીતે દેવ આપણને જે દિલાસો આપે છે તે જ દિલાસો આપણે તેમને આપી શકીએ. 5 આપણે ખ્રિસ્તની ધણી પીડાઓમાં ભાગીદાર થઈ શકીએ. એજ રીતે ધણો દિલાસો આપણને ખ્રિસ્ત તરફથી મળે છે. 6 જો અમને મુશ્કેલીઓ નડે, તો તે મુશ્કેલીઓ તમારા દિલાસા અને તમારા ઉદ્ધાર માટે છે. જો અમને દિલાસો મળે તો તે તમારા દિલાસા માટે છે. અમારા જેવી જ પીડાને ધૈર્ય પૂર્વક સ્વીકારવા માટે આ તમને મદદરૂપ નીવડે છે. 7 તમારા માટેની અમારી આશા મજબૂત છે. અમે જાણીએ છીએ કે અમારા દુ:ખમાં તમે સહભાગીદાર છો. તેથી અમે જાણીએ છીએ કે અમારા દિલાસામાં પણ તમે ભાગીદાર છો.
નિષ્ફળ અંજીરી
(માથ. 21:18-19)
12 બીજે દિવસે, જેવું તેઓએ બેથનિયા છોડ્યું, ઈસુ ભૂખ્યો થયો હતો. 13 ઈસુએ દૂર એક અંજીરીનું ઝાડ જેને પાંદડા આવ્યાં હતાં તે જોયું. તેથી ઈસુ તે ઝાડ પાસે ગયો કે કદાચ તેને તે પરથી કઈ મળે, પણ ઈસુએ તે ઝાડ પર કોઈ અંજીર જોયા નહિ. ત્યાં ફક્ત પાંદડાઓ હતાં. કેમ કે અંજીરોની ઋતુ ન હતી. 14 તેથી ઈસુએ તે ઝાડને કહ્યું, “લોકો તારા પરથી ફરી કદી ફળ ખાશે નહિ.” ઈસુના શિષ્યોએ તેને આ કહેતા સાંભળ્યું.
ઈસુનું મંદિરમાં જવું
(માથ. 21:12-17; લૂ. 19:45-48; યોહ. 2:13-22)
15 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમમાં ગયા. તે મંદિરમાં ગયો. ઈસુએ ત્યાં જે લોકો વસ્તુઓ વેચતા હતા અને ખરીદતા હતા તેઓને બહાર કાઢવાની શરૂઆત કરી. ઈસુએ નાણાવટીઓની મેજો તથા કબૂતર વેચનારાઓની પાટલીઓ ઊંઘી વાળી. 16 ઈસુએ મંદિરમાંથી કોઈ પણ માણસને વસ્તુઓ લઈ જવાની પરવાનગી આપવાની ના પાડી. 17 પછી ઈસુએ લોકોને ઉપદેશ આપ્યો. તેણે કહ્યું, “શાસ્ત્રોમાં તે લખેલું છે. ‘મારું ઘર બધા લોકો માટેનું પ્રાર્થનાનુ ઘર કહેવાશે.’ પરંતુ તમે દેવના ઘરને ‘ચોરોને છુપાવા માટેની જગ્યામાં ફેરવો છો.’”
18 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ આ બાબતો સાંભળી. તેઓ ઈસુને મારી નાખવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ ઈસુથી ડરતા હતા. કારણ કે બધા લોકો તેના ઉપદેશથી અચરજ પામતા હતા. 19 તે રાત્રે, ઈસુ અને તેના શિષ્યોએ તે શહેર છોડ્યું.
ઈસુ વિશ્વાસનું સામથ્યૅ બતાવે છે
(માથ. 21:20-22)
20 બીજી સવારે ઈસુ તેના શિષ્યો સાથે ચાલતો હતો. તેઓએ અંજીરીનું ઝાડ જોયું. ઈસુ આગલા દિવસે જે વિષે બોલ્યો હતો. એ અંજીરનું વૃક્ષ તેના મૂળ સાથે સૂકાઇ ગયેલું જોયું. 21 પિતરે વૃક્ષનું સ્મરણ કરીને ઈસુને કહ્યું, “ઉપદેશક, જો! ગઈકાલે, તે કહ્યું કે અંજીરનું વૃક્ષ મૂળમાંથી સૂકાઇ જશે. હવે તેં સૂકું અને મરેલું છે!”
22 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવમાં વિશ્વાસ રાખો. 23 હું તમને સત્ય કહું છું. તમે આ પર્વતને કહી શકો છો, ‘જા, દરિયામાં પડ.’ અને જો તમને તમારા મનમાં શંકા ના હોય અને વિશ્વાસ હોય કે તમે જે કહેશો તે બનશે તો દેવ તે તમારા માટે કરશે. 24 તેથી હું તમને કહું છું કે પ્રાર્થનામાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખે, તો તે તમને મળશે. 25 જ્યારે તમે પ્રાર્થના કરો છો, અને તમે યાદ કરો છો કે તમે બીજા કોઈ એક વ્યક્તિ સાથે કઈક કારણસર ગુસ્સે થયા છો. તો તે વ્યક્તિને માફ કરો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International