Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 95

આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ;
    આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ;
    અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
કારણ, યહોવા મહાન દેવ છે;
    તે સર્વ દેવો પર મહાન રાજા છે.
તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
    અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ
    પણ બનાવી તેમના તે માલિક છે.
આવો આપણે તેને ભજીએ અને નમીએ;
    ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
કારણ તે આપણા દેવ છે,
    આપણે તેના ચારાના લોક
    અને તેના હાથના ઘેટાં છીએ.

આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
    દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં,
    પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
તમારા પિતૃઓએ મારી કસોટી કરી,
    પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું,
    તે લોકો અવિનયી છે.
    તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.
11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી
    કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં,
    તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”

ગીતશાસ્ત્ર 102

એક ગરીબ માણસની પ્રાર્થના. જ્યારે તે દુ:ખી હોય છે ત્યારે તે દેવને ફરિયાદ કરે છે.

હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
    મારા પોકારને કાન પર આવવા દો.
મારા સંકટને દુ:ખના સમયમાં તમે મારાથી મુખ અવળું ના ફેરવો;
    કાન ધરીને તમે મને સાંભળો અને તમે મને જલ્દી ઉત્તર આપો.
કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે,
    અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે.
મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે;
    તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.
મારા ઘેરા વિષાદ ને નિસાસાને કારણે ફકત ચામડીથી
    ઢંકાયેલા હાડપિંજર જેવો હું થઇ ગયો છું.
હું દૂરના રણનાં ઘુવડ જેવો થઇ ગયો છું;
    વિધ્વંસની વચ્ચે જીવતા એક ઘુવડ જેવો.
હું જાગતો પડ્યો રહું છું,
    છાપરે બેઠેલી એકલવાયી ચકલીના જેવો થઇ ગયો છું.
મારા શત્રુ આખો દિવસ મને મહેણાઁ મારે છે;
    અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે.
રોટલીને બદલે હું રાખ ખાઉં છું;
    મારા આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
10 તે તમારા રોષ તથા કોપને કારણે છે;
    કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે.

11 મારા દિવસો નમતી છાયા જેવા છે;
    ઘાસની જેમ હું કરમાઇ ગયો છું.
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
    પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
    તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
    અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
    અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
    અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
    અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
18 આવનાર પેઢી માટે આ સર્વ બાબતોની નોંધ કરો;
    જેથી તેઓ યહોવાની સ્તુતિ કરે.
    અને જે લોકો હજી જન્મ્યા નથી તેઓ યહોવાની સ્તુતિ કરશે.
19 તેઓને કહો કે; દેવે સ્વર્ગમાંથી
    નીચે પૃથ્વી પર દ્રૃષ્ટિ કરી છે.
20 તે બંદીવાનોની પ્રાર્થના સાંભળશે,
    જેઓ મૃત્યુ માટે દોષી ઠરાવાયા હતા તેઓને મુકત કરશે.
21 પછી સિયોનનાં લોકો યહોવાનું નામ જાહેર કરે છે
    અને તેઓ યરૂશાલેમમાં તેમની સ્તુતિ કરશે.
22 તે વખતે યહોવાની સેવા કરવા માટે લોકો
    તથા પૃથ્વીનાં રાજ્યો એકઠાં થશે.

23 મારા જીવનનાં મધ્યાહને તેમણે
    મારી શકિત ઘટાડી ને મારા દિવસો ટૂંકા કર્યા.
24 મેં તેમને પોકાર કર્યો, “હે મારા દેવ, તમે સદા સર્વકાળ જીવંત છો!
    મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો.
25 તમે યુગો પહેલાં પૃથ્વીનો પાયો નાખ્યો હતો
    અને તમારા હાથો વડે આકાશો રચ્યાં હતાં.
26 એ સર્વ પણ નાશ પામશે, તમે સર્વકાળ છો;
    તેઓ જૂના થશે, ફાટી ગયેલાં કપડા જેવાં થશે;
અને માણસ જૂનું વસ્ર ફેંકી નવું ધારણ કરે,
    તેમ તમે પણ તેઓને બદલી નાંખશો.
27 પરંતુ તમે હે દેવ, તમે કદી બદલાતાં નથી;
    અને તમારા વર્ષોનો કદી અંત આવશે નહિ.
28 તમારા સેવકોનાં બાળકો અહીં વસશે,
    અને તેમનાં વંશજો
    તમારી સમક્ષ પ્રસ્થાપિત થશે.”

ગીતશાસ્ત્ર 107:1-32

ભાગ પાંયમો

(ગીત 107–150)

યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
    કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
    અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.

કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં
    અને તેઓને વસવા નગર ન મળ્યું.
તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
    અને નબળા પડી રહ્યાં હતાં.
પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
    અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો
    માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!
કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે,
    અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાઁથી તૃપ્ત કરે છે.

10 કારણ કે તેઓએ દેવના વચનોની સામે બંડ પોકાર્યુ હતું
    તેમણે પરાત્પર દેવના બોધનો તિરસ્કાર કર્યો હતો.
11 કેટલાંક લોકોને અંધારી જેલમાં સળિયા પાછળ
    તાળું મારીને કેદ કરવામાં આવ્યાં હતા.
12 તેઓ તેમની મુશ્કેલીઓથી
    નરમ થઇ ગયાં છે.
તેઓ લથડીને નીચે પડ્યાં,
    છતાં તેમને મદદ કરનાર કોઇ ન હતું.
13 તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર કર્યો;
    એટલે તેણે તેઓને દુ:ખમાંથી તાર્યા.
14 તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી કાઢી લાવ્યાં;
    અને બંધન તોડી નાખ્યાઁ.
15 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
    અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
16 તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા
    અને તેઓની લોખંડની ભૂંગળો પણ તોડી નાખી.

17 મૂર્ખ લોકો પોતાના પાપથી
    તથા પોતાની ભૂંડાઇથી સંકટમાં આવી પડે છે.
18 સર્વ પ્રકારના ખોરાકથી, તેઓના જીવ કંટાળી જાય છે;
    અને મૃત્યુ તરફ પહોંચી જાય છે.
19 પોતાના સંકટોમા તેઓ યહોવાને પોકારે છે;
    અને યહોવા તેઓને દુ:ખમાંથી તારે છે.
20 તેઓ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે,
    અને તેણે તેઓને દુર્દશામાંથી ઉગાર્યા છે.
21 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
    અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
22 તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો.
    યહોવાના કાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.

23 જે નાવિકો સમુદ્રમાં એક બાજુએથી બીજી બાજુ સુધી નૌકા વિહાર કરે છે
    અને સમુદ્ર પર કૌશલ્યનું કામ કરે છે,
24 તેઓ પણ દેવની કાર્યશકિત નિહાળે છે;
    અને અદ્ભૂત કૃત્યો ઊંડાણોમાં જુએ છે.
25 તે આજ્ઞા આપે છે તો તોફાની પવનો ચડી આવે છે;
    તેથી મોજાઓ ઊંચા ઊછળે છે.
26 મોજા સાથે તેઓના વહાણો ઊંચા ઊંચકાય છે;
    અને પાછા ઊંડાણમાં પટકાય છે;
    લાચાર સ્થિતિમાં ખલાસીઓની હિંમત ઓગળી જાય છે.
27 તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે;
    અને તેમ તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
28 તેઓ સંકટમાં હોય ત્યારે “યહોવાને” પોકારે છે;
    તે તેઓને દુ:ખમાંથી કાઢે છે.
29 તેણે તોફાનને અટકાવ્યા
    તથા મોજાઓને શાંત કર્યા છે.
30 પછી તેઓ મહાસાગરની સ્થિરતાનો આનંદ માણે છે
    અને દેવ તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
31 તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદભૂત કાર્યો માટે;
    તેઓને યહોવાનો આભાર માનવા દો.
32 લોકોની સભામાં યહોવાને મોટા મનાવો;
    અને વડીલોના મંડળમાં તેઓની સ્તુતિ કરો.

નિર્ગમન 2:1-22

બાળક મૂસા

લેવીઓના ઘરનો એક પુરુષ જઈને પોતાની જાતની કન્યાને પરણ્યો હતો. તે સ્ત્રી ગર્ભવતી થતાં તેને પુત્ર અવતર્યો. પુત્ર રૂપાળો હતો તેથી તેણે તે બાળકને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો. પણ પછી તેને સંતાડી રાખવાનું શક્ય ન રહ્યું એટલે તેણે નેતરનો એક કરંડિયો લીધો, તેને ડામરથી લીપ્યો જેથી તે તરતો રહે. તેમાં બાળકને સુવાડીને કરંડિયો તે નદી કિનારે બરુઓમાં મૂકી આવી. પછી તે છોકરાનું શું થાય છે, તે જોવા માંટે તેની બહેનને દૂર ઊભી રાખી.

હવે પછી એવું બન્યું કે ફારુનની કુવરી નદીમાં સ્નાન કરવા માંટે આવી અને તેની દાસીઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુવરીએ બરુઓમાં પેલો કરંડિયો જોઈને પોતાની દાસીને મોકલીને તે મંગાવી લીધો. પછી તેણે ઉધાડીને જોયું, તો અંદર એક બાળક રડતું હતું, તેથી તેને તેના પર દયા આવી.

અને તેને કહ્યું, “આ કોઈ હિબ્રૂનું બાળક હોવું જોઈએ. પછી તે બાળકની બહેને ફારુનની દીકરીને કહ્યું, હું જઈને કોઈ હિબ્રૂ ઘાવને બોલાવી લાવું જે બાળકની સાચવણી કરે અને તેના લાલનપાલન કરવા માંટે તમાંરી મદદ કરે?”

ફારુનની કુવરીએ કહ્યું, “જા, બોલાવી લાવ.”

એટલે તે છોકરી જઈને બાળકની માંને બોલાવી લાવી.

કુવરીએ તેને કહ્યું, “આ બાળકને લઈ જા અને માંરા વતી તેની સાચવણી કર અને તેને ઘવડાવ. હું તને તે બદલ પગાર આપીશ.”

તેથી સ્ત્રી તેનું બાળક લઈ ગઈ અને તેની સાચવણી કરી. 10 પછી તે બાળક મોટું થયું એટલે તે તેને ફારુનની કુંવરી આગળ લઈ આવી અને તેણે તેને પુત્રની જેમ રાખ્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢયો હતો, ‘એમ કહીને કુવરીએ પુત્રનું નામ મૂસા રાખ્યું.’”

મૂસાની પોતાના લોકોને મદદ

11 મૂસા મોટો થયો. અને એક દિવસ પોતાના લોકો પાસે ગયો. તેણે પોતાના માંણસો પર સખ્ત કામ કરવા માંટે બળજબરી થતા જોઈ. અને તેણે એક મિસરીને એક હિબ્રૂને માંરતા જોયો. 12 તેણે આમતેમ નજર કરી છતાં તેને કોઈ દેખાયું નહિ એટલે તેણે મિસરીને માંરી નાખીને રેતીમાં દાટી દીઘો.

13 અને બીજે દિવસે તે બહાર ફરવા નીકળ્યો, ત્યારે તેણે બે હિબ્રૂઓને લડતાં જોયા. તેણે જેનો વાંક હતો તે માંણસને કહ્યું, “શા માંટે તું તારા જાતભાઈને માંરે છે?”

14 એટલે તે માંણસે તેને કહ્યું, “તને અમાંરો ઉપરી અને ન્યાયાધીશ કોણે બનાવ્યો છે? તે જેમ પેલા મિસરીની હત્યા કરી તેમ માંરી હત્યા કરવા માંગે છે?”

તે સાંભળીને મૂસા ડરી ગયો તેથી વિચાર કરવા લાગ્યો કે, “હવે બધાંને ખબર પડી ગઈ છે કે મેં શું કર્યુ છે.”

15 આ વાતની જાણ ફારુનને થતા, તે મૂસાને માંરી નાખવા તૈયાર થયો. પણ મૂસા ફારુનને ત્યાંથી નાસી જઈને મિધાન દેશમાં જઈને વસ્યો.

મૂસાનું મિધાનમાં આગમન

એક વખત તે કૂવા પાસે બેઠો હતો 16 ત્યારે મિધાનના યાજકની સાત પુત્રીઓ ત્યાં આવી. અને પોતાના બાપનાં ઘેટાંબકરાને પાણી પીવડાવવા માંટે કૂવામાંથી પાણી ખેંચીને હવાડા ભરવા લાગી. 17 ત્યાં તો ભરવાડો ત્યાં આવ્યા અને તેમને કાઢી મૂકવા લાગ્યા, પણ મૂસા તેમની જોડે આવી પહોંચ્ચોં અને તેમનાં ઘેટાંબકરાંને પાણી પાયું.

18 જ્યારે તેઓ તેમના પિતા રેઉએલ પાસે ગઈ ત્યારે તે બોલ્યા, “આજે તમે આટલાં વહેલાં કેમ આવ્યાં?”

19 એટલે તેમણે જવાબ આપ્યો, “અમને એક મિસરીએ ભરવાડોથી બચાવી અને છોડાવી વળી અમને પાણી પણ કાઢી આપ્યું, અને ઘેટાંબકરાંને પાયું.”

20 એટલે પછી તેણે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? અને તમે તેને મૂકીને શા માંટે આવ્યાં? જાઓ, તેને જમવા માંટે બોલાવી લાવો.”

21 મૂસા તે માંણસ સાથે રહેવા સંમત થયો, અને પોતાની પુત્રી સિપ્પોરાહના લગ્ન મૂસા સાથે તેણે કર્યા. 22 પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ મૂસાએ ગેર્શોમ એટલા માંટે પાડયું કે, મૂસા બીજાનાં દેશમાં અજાણ્યો હતો.

1 કરિંથીઓ 12:27-13:3

27 તમે બધા સમૂહ તરીકે ખ્રિસ્તનું શરીર છો. વ્યક્તિગત રીતે તમે દરેક તે શરીરનો કોઈ એક અવયવ છો. 28 અને મંડળીમાં દેવે પ્રેરિતોને પ્રથમ સ્થાન, પ્રબોધકોને દ્વિતીય સ્થાન અને તૃતીય સ્થાન ઉપદેશકને આપેલું છે. પછી દેવે જે લોકો ચમત્કારો કરે છે તેઓને માટે પણ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે. અને તે જ રીતે જે લોકોની પાસે રોગીઓને સાજા કરવાની ક્ષમતા છે, જે લોકો અન્યને મદદરુંપ થાય છે, જે લોકોમાં અગ્રેસરનો ગુણ છે અને જે લોકો વિવિધ ભાષાઓ બોલે છે તેઓને માટે પણ દેવે કોઈ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે. 29 બધા લોકો પ્રેરિતો નથી કે બધા લોકો પ્રબોધકો થઈ શકે નહિ. બધા લોકો ચમત્કારો પણ કરી શકતા નથી. 30 કે બધાની પાસે બીજાને સાજા કરવાની ક્ષમતા પણ નથી. બધા લોકો જુદી જુદી ભાષામાં બોલી શકતા નથી. બધા લોકો આ ભાષાઓનું અર્થઘટન કરવા માટે સમર્થ નથી હોતા. 31 તમારે તો ખરેખર આત્માના ઉત્તમ કૃપાદાનોની જ ઈચ્છા રાખવી જોઈએ. હું તમને સૌથી ઉત્તમ માર્ગ દર્શાવીશ.

પ્રીતિ એજ શ્રેષ્ઠ દાન છે

13 જો હું માણસોની તથા દૂતોની વિવિધ ભાષા બોલી શકું, પરંતુ જો મારામાં પ્રીતિ ન હોય તો હું રણકારો કરનાર ઘૂઘરી કે ઝમકાર કરતી એક ઝાઝ માત્ર છું. જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય તો, હું દેવની તમામ રહસ્યપૂર્ણ વાતો જાણતો હોઉં અને સર્વ બાબતમાં જ્ઞાની હોઉં, અને પર્વતોને હઠાવી દે એવો મારો વિશ્વાસ હોય. પરંતુ આ બધી બાબતો ઉપરાંત જો મારામાં પ્રીતિ ન હોય તો હું કશું જ નથી. મારી પાસે જે કઈ છે તે બધું જ હું લોકોને ખવડાવવા માટે આપી દઉં. અને હું મારું શરીર પણ અર્પણ તરીકે અગ્રિને સોંપી દઉં. પરંતુ જો મારામાં પ્રીતિ ન હોય તો પછી મને કોઈ લાભ નથી.

માર્ક 9:2-13

ઈસુ મૂસા અને એલિયા સાથે

(માથ. 17:1-13; લૂ. 9:28-36)

છ દિવસો પછી ઈસુ પિતર, યાકૂબ તથા યોહાનને લઈને એક ઊંચા પર્વત પર ગયો. તેઓ બધા ત્યાં એકલા હતા. જ્યારે શિષ્યોની નજર સમક્ષ તેનું રૂપાંતર થયું, ત્યારે ઈસુનાં કપડાં સફેદ ચમકતાં થયાં. કપડા બીજી વ્યક્તિ બનાવી શકે તેના કરતાં વધારે ઉજળાં હતા. પછી ત્યાં બે માણસો આવ્યા અને ઈસુ સાથે વાતો કરવા લાગ્યા. તે માણસો મૂસા અને એલિયા હતા.

પિતરે ઈસુને કહ્યું, “ઉપદેશક, તે સારું છે કે આપણે અહીં છીએ. અહીં આપણે ત્રણ માંડવા બાંધીએ. એક તારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે.” પિતરે શું કહેવું તે જાણતો ન હતો. કારણ કે તે અને બીજા બે શિષ્યો બહુ બીધા હતા.

પછી એક વાદળ આવ્યું અને તેઓ પર છાયા કરી. વાદળમાંથી એક અવાજ આવ્યો અને કહ્યું, “આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું. તેને તાબે થાઓ!”

પછી પિતર, યાકૂબ, અને યોહાને જોયું, પણ તેઆએે ફક્ત ત્યાં ઈસુને તેઓની સાથે એકલો જોયો.

ઈસુ અને તેના શિષ્યો પર્વત પરથી નીચે પાછા ઉતરતા હતા ત્યારે ઈસુએ શિષ્યોને આજ્ઞા કરી, “તમે પર્વત પર જે વસ્તુઓ જોઈ છે તે વિષે કોઈ વ્યક્તિને કહેશો નહિ. માણસનો પુત્ર મૂએલામાંથી સજીવન ન થાય ત્યાં સુધી રાહ જુઓ. પછી તમે જે જોયું છે તે લોકોને કહી શકો છો.” 10 તેથી શિષ્યોએ ઈસુની આજ્ઞા માની, અને તેઓએ જે જોયું હતું તે વિષે કશું કહ્યું નહિ. પણ તેઓએ મૂએલામાંથી સજીવન થવા વિષે ઈસુ શું સમજે છે તેની ચર્ચા કરી. 11 શિષ્યોએ ઈસુને પૂછયું, “પ્રથમ એલિયાએ આવવું જોઈએ એવું શાસ્ત્રીઓ શા માટે કહે છે?”

12 ઈસુએ ઉત્તર આપ્યો, “એલિયાએ પ્રથમ આવવું જોઈએ એ કહેવા માટે તેઓ સાચા છે. એલિયા બધી વસ્તુઓ જે રીતે હોવી જોઈએ તેવી બનાવે છે. પણ શાસ્ત્ર એવું શા માટે કહે છે કે માણસનો પુત્ર ઘણું સહન કરશે અને લોકો તેનો અસ્વીકાર કરશે? 13 હું કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે; અને તેના વિષે શાસ્ત્રમાં કહ્લું છે તે પ્રમાણે લોકોએ જેમ ચાહ્યું તેમ તેને કર્યુ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International