Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 24

દાઉદનું ગીત.

આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે,
    આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે,
    અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.

યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?
    તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે,
    તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી,
તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી,
    અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.

તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે,
    અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
તેઓ પેઢીના લોકો છે
    તેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.

હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો!
    હે પ્રાચીન પ્રવેશદ્વારો,
    ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!
તે ગૌરવવાન રાજા કોણ છે?
    એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે,
    તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.

હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો.
    અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો.
હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ;
    અને ગૌરવવાન રાજા અંદર આવશે!
10 આ ગૌરવવાન રાજા કોણ છે?
    યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.

ગીતશાસ્ત્ર 29

દાઉદનું ગીત.

હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો;
    તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો.
    યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો
પહેરીને આવો અને તેમની ઉપાસના કરો,
    આવો અને તેમનું ભજન કરો.
યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે;
    ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે,
    યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે.
    લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે.
    તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
યહોવાના સાદના પડઘા રણને,
    અને કાદેશના રણને ધ્રુજાવે છે.
યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે
    અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે.
“યહોવાનો મહિમા થાય.”

10 યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા;
    અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે,
    અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.

ગીતશાસ્ત્ર 103

દાઉદનું ગીત.

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
    હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો!
    ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.
તારાં સઘળાં પાપ તે માફ કરે છે;
    અને તારાં સર્વ રોગ મટાડે છે.
અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે
    અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.
તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે;
    જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે.
જેઓ જુલમથી હેરાન થયેલા છે,
    તે સૌને માટે એ યહોવા ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.
મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માર્ગો
    અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.
યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે.
    તે દયા તથા પ્રેમથી ભરપૂર છે,
    પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.
યહોવા હંમેશા ટીકા કરતાં નથી,
    અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
10 તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા.
    તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.
11 કારણ તેના ભકતો પરની
    તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.
12 પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી,
    એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.
13 જેમ પિતા પોતાના સંતાનો પર દયાળુ છે;
    તેમ યહોવા પોતાના ભકતો પર દયાળુ છે.
14 કારણકે તે જાણે છે બંધારણ આપણું;
    માત્ર ધૂળ છીએ આપણે એવું તે સંભારે છે.
15 આપણા જીવનનાં દિવસો ઘાસ જેવા છે,
    અને તે ફૂલની જેમ ટૂંકા અને થોડા છે.
16 પવન તેના પર થઇને વાય છે, અને તે ઊડી જાય છે;
    અસ્તિત્વની નિશાની રહેતી નથી, અને તે નષ્ટ થઇ જાય છે.
17 પણ યહોવાની કૃપા તેમના ભકતો પર અનાદિકાળથી તે અનંતકાળસુધી છે.
    અને તે તેનું ન્યાયીપણું તેના બીજા વંશજોને સર્વદા બતાવવાનું ચાલુ રાખશે.
18 જેઓ તેમનો કરાર અનુસરે છે;
    અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે સર્વ પર તે કૃપા કરે છે.
19 દેવે આકાશમાં રાજ્યાસન સ્થાપ્યું છે;
    અને ત્યાંથી તે સર્વ ઉપર શાસન ચલાવે છે.
20 તેમના હુકમનો અમલ કરનારાં
    અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો,
    તમે યહોવાને ધન્યવાદ આપો.
21 હે યહોવાનાં સૈન્યો તમો બધા,
    જે તેમના સેવકો છો તે જે ઇચ્છે છે તે કરો છો,
    તેમની સ્તુતિ કરો!
22 યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે;
    હે મારા આત્મા તેમની સ્તુતિ કર;
દેવની સ્તુતિ કર!

ઝખાર્યા 9:9-12

ભવિષ્યનો રાજા

સિયોનના લોકો, આનંદોત્સવ મનાઓ,
    હે યરૂશાલેમના લોકો, હર્ષનાદ કરો! કારણ, જુઓ,
તમારો રાજા તમારી પાસે આવે છે.
    તે વિજયવંત થઇને આવે છે.
    પણ નમ્રપણે, ગધેડા પર સવારી કરીને, ખોલકાને-ગધેડીના બચ્ચાને વાહન બનાવીને આવે છે.
10 તે એફ્રાઇમ અને યરૂશાલેમમાં યુદ્ધના રથોને,
    અશ્વોને અને શસ્ત્રોનો નાશ કરશે.

સમગ્ર પ્રજાઓમાં તે શાંતિ સ્થાપશે,
    અને તેનું રાજ્ય સાગરથી સાગર સુધી
    અને ફ્રાતનદીથી પૃથ્વીના છેડા સુધી વિસ્તરશે.

યહોવા પોતાના લોકોની રક્ષા કરશે

11 યહોવા કહે છે, “તમારી સાથે લોહીથી કરેલા કરાર મુજબ
    હું દેશવટો ભોગવતા તમારા ભાઇઓને કારાવાસની ગર્તામાંથી મુકત કરું છું.
12 તમે સઘળા બંદીવાનો, સુરક્ષિત જગ્યાએ આવો,
    હજુ પણ આશા છે, હું આજે તમને કહું છું કે,
હું તમને તમે ભોગવેલાં કષ્ટો કરતા
    બેવડા આશીર્વાદ આપીશ.

ઝખાર્યા 12:9-11

“તે દિવસે હું યરૂશાલેમની સામે ચઢી આવનાર બધી પ્રજાઓનો નાશ કરનાર છું. 10 પછી હું દાઉદના અને યરૂશાલેમના વતનીઓમાં તે દિવસે કરૂણા અને પ્રાર્થનાની ભાવના જગાડીશ, અને તેઓએ જેમને રહેંસી નાખ્યા છે તેના માટે શોક કરશે જેવી રીતે જેઓ પોતાના એક જ સંતાન માટે શોક કરે છે, જેવી રીતે જેઓ પોતાના પહેલા બાળક માટે રડે છે. 11 અને મગિદોનની ખીણમાં હદાદરિમ્મોનના વિચારના જેવા ભારે વિચાર તે દિવસે યરૂશાલેમમાં થશે.

ઝખાર્યા 13:1

13 તે સમય દરમ્યાન ઇસ્રાએલ અને યરૂશાલેમ માટે એક ઝરણું વહેવડાવામાં આવશે કે જે તેઓના પાપો અને અશુદ્ધતા ધોઇ નાખશે.

ઝખાર્યા 13:7-9

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક સામે, જે માણસ મારો સાથી છે તેની સામે ઘા કરવા તૈયાર થા. પાળક ઉપર ઘા કર. જેથી ઘેટાંઓ વેરવિખેર થઇ જાય. હું નાનાઓ ઉપર મારો હાથ ઉગામીશ. અને સમગ્ર ઇસ્રાએલ દેશની વસ્તીના બે તૃતીયાંશ લોકો સંહાર પામીને માર્યા જશે. પરંતુ એક તૃતીયાંશ બચી જશે. અને, જો, એ ત્રીજા ભાગને હું પુષ્કળ મુસીબતોરૂપી અગ્નિમાં નાખી ચાંદીને શુદ્ધ કરે છે તેમ શુદ્ધ કરીશ, અને જેમ સોનાને ચકચકીત કરે છે. તેમ મારું નામ લઇને પોકાર કરશે, ને હું તેમને જવાબ આપીશ, હું કહીશ, ‘તમે મારા લોકો છો,’ અને તેઓ કહેશે કે, ‘યહોવા અમારા દેવ છે.’”

1 તિમોથી 6:12-16

12 વિશ્વાસ ટકાવી રાખવો એ સ્પર્ધાની હરીફાઈમાં ઉતરવા જેવું છે. એ સ્પર્ધા જીતવા તારાથી જેમ બને તેમ સખત પ્રયત્ન કરજે. અનંતજીવન તને પ્રાપ્ત થાય એની ખાતરી કરજે. એવું જીવન તને મળે એ માટે તને તેડવામાં આવ્યો છે. અને ખ્રિસ્ત વિષેના મહાન સત્યની તેં એવી રીતે કબૂલાત કરી છે કે જેના ઘણા લોકો સાક્ષી છે. 13 દેવ અને ઈસુ ખ્રિસ્ત આગળ હું તને આજ્ઞા આપું છું. જ્યારે ખ્રિસ્ત ઈસુ પોંતિયુસ પિલાત આગળ ઊભો રહ્યો ત્યારે તેણે પણ આજ મહાન સત્ય કબૂલ કર્યુ હતું. અને પ્રત્યેકને જીવન આપનાર એક માત્ર એવો દેવ જ છે. હવે જે હું તને કહું છું: 14 તને જે જે કાર્યો કરવાની આજ્ઞા કરવામાં આવી હતી તે કર. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન ન થાય ત્યાં સુધી તું એ કાર્યો કોઈ પણ દોષ કે ભૂલ કર્યા વગર કરતો રહે. 15 યોગ્ય સમયે એ ઘટના ઘટે એવું દેવ કરાવશે. જે ધન્ય તથા એકલો સ્વામી છે. જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. 16 દેવ એકલાને અમરપણું છે. દેવ તો એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે કે માનવો એની નજીક જઈ શક્તા નથી. કોઈ પણ વ્યક્તિએ કદી દેવને જોયો નથી. દેવને જોવા માટે કોઈ પણ વ્યક્તિ શક્તિમાન નથી. તેને સદાકાળ ગૌરવ તથા સાર્મથ્ય હો. આમીન.

લૂક 19:41-48

યરૂશાલેમ માટે ઈસુનું રૂદન

41 ઈસુ યરૂશાલેમ પાસે આવ્યો. તેણે શહેર જોયું અને તે માટે રૂદન કર્યુ. 42 ઈસુએ યરૂશાલેમને કહ્યું કે, “હું ઈચ્છું છું કે તેં આજે શાંતિ શાના વડે લાવી શકાય તે જાણ્યું હોત. પણ તેં તે જાણ્યું નથી કારણ કે તે તમારાથી ગુપ્ત રખાયેલ છે. 43 હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તારા દુશ્મનો તારી આજુબાજુ દીવાલ બાંધશે અને તને દુશ્મનો ચારે બાજુથી ઘેરી લેશે. તેઓ તને સપડાવશે અને પકડશે. 44 તેઓ તારા મકાનના એક પથ્થર પર બીજો પથ્થર પણ રહેવા દેશે નહિ. જ્યારે દેવ તારો ઉદ્ધાર કરવા આવ્યો ત્યારે તે સમયને તેં ઓળખ્યો નહિ.”

ઈસુનું મંદિરમાં આગમન

(માથ. 21:12-17; માર્ક 11:15-19; યોહ. 2:13-22)

45 ઈસુ મંદિરમાં પ્રવેશ્યો અને વસ્તુઓ વેચનારાઓની વસ્તુઓ બહાર ફેંકવા માડી. 46 ઈસુએ કહ્યું કે, “શાસ્ત્રોમાં લખ્યું છે કે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે.’(A) પરંતુ તમે તેને ‘ચોરોને છુપાવા માટેનો અડ્ડો બનાવી દીધું છે.’”

47 ઈસુ રોજ મંદિરમાં ઉપદેશ આપતો હતો. પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓ તેને મારી નાખવા ઈચ્છતા હતા. 48 પણ બધાજ લોકો ઈસુને નજીકથી એકાગ્રતાથી સાંભળતા હતા. ઈસુ જે કહેતો તેમાં તેઓને ખુબ રસ હતો. તેથી મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓને તેને કેવી રીતે મારી નાખવા શું કરવું તે સૂઝતુ ન હતું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International