Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 135

યહોવાના નામની સ્તુતિ કરો;
હે યહોવાના સેવકો,
    તમે તેમની સ્તુતિ કરો.
યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં;
    આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
યહોવાની સ્તુતિ કરો કારણ, તે ઉત્તમ છે;
    તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદદાયક છે.

યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે;
    ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.
હું યહોવાની મહાનતા જાણું છું,
    સર્વ દેવો કરતાં તે મહાન છે.
આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં
    યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.
તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે;
    અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે;
તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે;
    પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.
તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ
    અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા.
10 તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો;
    અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.
11 અમોરીઓના રાજા સીહોનને,
    તથા બાશાનના રાજા ઓગને;
    અને કનાનના સર્વ રાજ્યોને તેણે પરાજય આપ્યો.
12 તેમના દેશને તેણે પોતાના લોક ઇસ્રાએલને વારસામાં આપ્યો.

13 હે યહોવા, તારું નામ અનંતકાળ છે;
    હે યહોવા, તારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
14 યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે;
    તે તેના સેવકો પ્રતિ દયાળુ થશે.
15 બીજા રાષ્ટ્રોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે.
    તેઓ માણસોના હાથે જ બનેલા છે.
16 તેઓને મોં છે છતાં તે બોલતી નથી;
    આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી.
17 કાન હોય છે છતાં તેઓ સાંભળતા નથી;
    અને તેઓના મુખમાં શ્વાસ હોતો નથી.
18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે;
    અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.

19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
    હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો,
    જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!
21 યહોવા યરૂશાલેમમાં નિવાસ કરે છે;
    યરૂશાલેમના સર્વ લોકો, યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી ધન્ય હોજો.

યહોવાની સ્તુતિ કરો!

દાનિયેલ 6

દાનિયેલ સિંહોની ગુફામાં

દાર્યાવેશને આખા રાજ્યમાં 120 સૂબાઓ નીમવાની ઇચ્છા થઇ. એ બધા ઉપર તેણે ત્રણ અધિક્ષકો નીમ્યા, જેમાંનો એક દાનિયેલ હતો; જેથી પેલા અધિક્ષકો તેમને જવાબદાર રહે, ને રાજાને કઇં નુકશાન થાય નહિ. પોતાનામાં રહેલી ઉત્તમ શકિતને કારણે દાનિયેલ બીજા અધિક્ષકો અને સૂબાઓ કરતાં વધારે નામાંકિત થયો અને રાજાએ તેને આખા રાજ્યોનો ઉપરી બનાવવાનો વિચાર કર્યો. આને કારણે એ અધિક્ષકો અને સૂબાઓ દાનિયેલના રાજ્યવહીવટમાં ખોટ શોધવા લાગ્યા, પરંતુ તેમને કોઇ ખોટ કે, દોષ જડ્યા નહિ, કારણ દાનિયેલ પોતાની ફરજ વફાદારીપૂર્વક બજાવતો હતો.

“જ્યારે તેઓને ભૂલ કે, ખોડખાંપણ જડી નહિ, ત્યારે તેઓને પ્રતિતી થઇ કે, તેઓ તેની કામગીરી બાબત કોઇ દોષ શોધી નહિ શકે, અને તેથી તેમણે તેના નિયમ બાબતે કોઇ દોષ શોધીને, તેની સામે તેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ.”

ત્યારબાદ એ અધિક્ષકો અને સૂબાઓએ ભેગા મળીને રાજા પાસે જઇને કહ્યું, “મહારાજ દાર્યાવેશ, અમર રહો! અમે આપના રાજ્યના બધા અધિક્ષકો, સૂબાઓ, સરસૂબાઓ, નાયબસૂબાઓ અને દરબારીઓ ચર્ચા-વિચારણા પછી એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે, આપે એવી આજ્ઞા કરતો વટહુકમ બહાર પાડવો જોઇએ કે, જે કોઇ આવતા ત્રીસ દિવસ દરમ્યાન આપના સિવાય બીજા કોઇ પણ દેવ કે, માણસની આગળ અરજ કરશે, તેને સિંહોની ગુફામાં નાખવામાં આવશે. નામદાર, આપ એવો હુકમ બહાર પાડી તેના ઉપર સહીસિક્કા કરો, જેથી તેમાં ફેરફાર ન થઇ શકે. કારણ મિદિયા અને પશિર્યાના લોકોના કાયદાઓમાં ફેરફાર થઇ શકતો નથી કે, તેને રદ કરી શકાતો નથી.” આથી રાજા દાર્યાવેશે હુકમ ઉપર સહી કરી.

10 હુકમ ઉપર સહી થઇ છે એવી જાણ થતાં દાનિયેલ ઘેર આવ્યો. એના ઉપલા માળના ઓરડાની બારીઓ યરૂશાલેમની દિશામાં પડતી હતી. તેણે હંમેશની માફક રોજ ત્રણ વાર ઘૂંટણિયે પડીને દેવની સ્તુતિ કરી અને પ્રાર્થના કરવાનું ચાલું રાખ્યું.

11 ત્યારે પેલા માણસો એક સાથે દાનિયેલના ઘર તરફ ઘસી ગયા અને ત્યાં તેને પોતાના દેવને પ્રાર્થના કરતાં અને તેમની સહાય માટે યાચના કરતો જોયો. 12 તેથી તેમણે રાજા પાસે જઇને તેને પેલા હુકમની યાદ આપીને કહ્યું, “હે મહારાજ, આપે એવા હુકમ ઉપર સહી નહોતી કરી કે, જે કોઇ 30 દિવસ દરમ્યાન આપના સિવાય બીજા કોઇપણ દેવ કે, માણસને અરજ કરશે તેને સિંહોની ગુફામાં નાખવામાં આવશે?”

રાજાએ જવાબ આપ્યો, “હા, એ તો માદીઓ અને ઇરાનીઓનો કાયદો છે, જે કદી બદલાતો નથી અથવા રતબાતલ થતો નથી.”

13 ત્યારે તેમણે રાજાને કહ્યું, “યહૂદાના કેદીઓમાંનો એક દાનિયેલ આપની અને આપે સહી કરેલા હુકમની અવજ્ઞા કરે છે. તે રોજ ત્રણ વખત પોતાના દેવને પ્રાર્થના કરે છે.”

14 આ સાંભળ્યું ત્યારે રાજાને આવા કાયદા ઉપર સહી કરવા બદલ ખૂબ દુ:ખ થયું. તેણે દાનિયેલને બચાવવાનો કોઇ રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો અને સૂર્યાસ્ત સુધી એ પ્રયત્ન ચાલુ રાખ્યો. 15 સાંજે ફરીથી લોકો રાજા પાસે આવ્યા અને પૂછયું, “નામદાર, આપે જાણવું જોઇએ કે, મિદિયા અને પશિર્યાના કાયદા મુજબ રાજાએ કરેલો કોઇ હુકમ કે, કોઇ આજ્ઞા બદલી ન શકાય.”

16 છેવટે રાજાએ દાનિયેલની ધરપકડ માટે આદેશ આપ્યો અને તેને સિંહોની ગુફામાં નાખવા લઇ જવામાં આવ્યો. તેણે દાનિયેલને કહ્યું, “જે દેવની તું સતત સેવા ઉપાસના કરે છે તે તને બચાવો.” 17 પછી એક મોટો પથ્થર લાવીને ગુફાના મોઢા ઉપર મૂકવામાં આવ્યો અને રાજાએ તેના ઉપર પોતાની તથા પોતાના દરબારીઓની મુદ્રા વડે સીક્કો માર્યો, જેથી કોઇ દાનિયેલને બચાવી ન શકે. 18 પછી રાજા પોતાના મહેલમાં પાછો ગયો. આખી રાત તેણે કશું ખાધું નહિ; તેમ વાજિંત્રો પણ તેની આગળ આણવામાં આવ્યાં નહિ; અને તેને ઊંઘ ન આવી.

19 બીજા દિવસે વહેલી પરોઢે રાજા ઉતાવળો સિંહોની ગુફા આગળ ગયો. 20 ગુફા આગળ તે પહોંચ્યો ત્યારે વેદનાભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારીને કહ્યું, “હે દાનિયેલ, હે જીવંત દેવના સેવક! જેની તું સતત સેવા કરે છે, તે તારો દેવ તને સિંહોથી બચાવી શક્યો?”

21 એટલે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, “હે રાજા, તમે અમર રહો. 22 મારા દેવે પોતાના દૂતને મોકલ્યો અને તેણે સિંહોના મોં બંધ કરી દીધા એટલે તેઓ મને કશી ઇજા નથી કરી શક્યા. કારણ, દેવની નજરમાં હું નિર્દોષ ઠર્યો છું. અને હે મહારાજ, આપનો પણ મેં કોઇ ગુનો કર્યો નથી.”

23 રાજાને ઘણો આનંદ થયો; તેણે હુકમ કર્યો કે, દાનિયેલને ગુફામાંથી બહાર કાઢવામાં આવે. તેના શરીર ઉપર એક ઊઝરડો પણ જોવા મળ્યો નહિ. કારણકે તેને પોતાના દેવમાં વિશ્વાસ હતો.

24 પછી રાજાના હુકમથી દાનિયેલ ઉપર આક્ષેપ કરનારાઓને; તેમના બાળકોને અને સ્ત્રીઓને પકડી લાવીને સિંહોની ગુફામાં નાખવામાં આવ્યા, અને તેઓ ગુફાને તળીયે પહોંચે તે પહેલાં જ સિંહો તેમના ઉપર તૂટી પડ્યા અને તેમના હાડકાં સુદ્ધાં ચૂરેચૂરા કરી નાખ્યા.

25 ત્યારપછી રાજા દાર્યાવેશે આખી પૃથ્વીના, જુદીજુદી પ્રજાના તથા જુદી જુદી ભાષા બોલનારા લોકોને પત્ર લખ્યો કે,

26 સાદર પ્રણામ સાથે લખવાનું કે, આથી હું એવો હુકમ કરું છું કે, મારા આખા સામ્રાજ્યમાં સર્વ લોકોએ દાનિયેલના દેવનો ભય રાખવો અને તેને માન આપવું.

કારણકે તે જીવંત દેવ
    અને અધિકારી છે.
તેમનું રાજ્ય અવિનાશી છે
    અને તેમની સત્તાનો અંત આવતો નથી.
27 તે બચાવે છે અને છોડાવે છે.
    આકાશમાં અને પૃથ્વી પર ચમત્કારિક નિશાનીઓ અને ચમત્કારો કરે છે.
તે એક જ છે જેણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે.

28 આમ, દાર્યાવેશના રાજ્યકાળ દરમ્યાન અને ઇરાની કોરેશના રાજ્યકાળ દરમ્યાન દાનિયેલે આબાદાની ભોગવી.

1 યોહાન 2:12-17

12 વહાલા બાળકો, હું તમને લખું છું,
    કારણ કે તમારાં પાપો ખ્રિસ્ત દ્વારા માફ કરવામાં આવ્યાં છે.
13 પિતાઓ, હું તમને લખું છું
    કારણ કે આરંભથી તમે તે કોણ છે તે જાણો છો,
જુવાનો, હું તમને લખું છુ,
    કારણ કે તમે દુષ્ટ વ્યક્તિ (શેતાન) પર વિજય મેળવ્યો છે.
14 બાળકો હું તમને લખું છું,
    કારણ કે તમે પિતાને ઓળખો છો.
પિતાઓ, મેં તમને લખ્યું છે
    કારણ કે જે આરંભથી ત્યાં હતો
તેને તમે ઓળખો છો. જુવાનો, મે તમને લખ્યું છે.
    કારણ કે તમે બળવાન છો;
દેવનું વચન તમારામાં છે,
    અને તમે દુષ્ટ વ્યક્તિ પર વિજય મેળવ્યો છે.

15 જગત પર અથવા જગતમાંના વાનાં પર પ્રેમ ના રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે છે, તો તેનામાં બાપ પરનો પ્રેમ નથી. 16 જગતમાં આ દુષ્ટ વસ્તુઓ છે આપણા પાપી સ્વભાવને પ્રસન્ન કરવા માટેની ઈચ્છા, આંખોની લાલસા માટેની ઈચ્છા, આપણી સંપત્તિનું ખૂબ અભિમાન હોવું, આ બધું બાપ (દેવ) પાસેથી આવતું નથી, આ સર્વ જગતમાંથી આવે છે. 17 જગત અને દુનિયાની જે બધી વસ્તુઓ લોકો ઈચ્છે છે તેનો પણ લય થશેજ. પરંતુ જે વ્યક્તિ દેવની ઈચ્છા પ્રમાણે કરે છે તે અનંતકાળ જીવે છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International