Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 118:1-2

યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
    તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
    “તેમની કૃપા સદાય રહે છે.”

ગીતશાસ્ત્ર 118:14-24

14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
    તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
    યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
    અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.

17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
    અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
    પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
    અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
    યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
    અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.

22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
    તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
    આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
    આપણે તેમાં આનંદોત્સવ કરીએ.

ઉત્પત્તિ 1:20-2:4

પાંચમો દિવસ-માંછલીઓ અને પક્ષીઓ

20 પછી દેવે કહ્યું, “પાણી અનેક જળચરોથી ઊભરાઈ જાઓ અને પક્ષીઓ પૃથ્વી પર અને આકાશમાં ઊડો.” 21 એથી દેવે સમુદ્રમાં રાક્ષસી જળચર પ્રાણી બનાવ્યાં. દેવે સમુદ્રમાં રહેનાર બધાં સજીવ પ્રાણીઓ બનાવ્યાં. સમુદ્રમાં જુદી જુદી જાતિનાં જીવજંતુ હોય છે. દેવે આ બધાંની સૃષ્ટિ રચી. દેવે આકાશમાં ઉડનારાં દરેક જાતનાં પક્ષીઓ પણ બનાવ્યાં. દેવે જોયું કે, આ સારું છે.

22 પછી દેવે તે પ્રાણીઓને આશીર્વાદ આપ્યા. અને કહ્યું, “જાઓ, ઘણાં બધાં બચ્ચાં પેદા કરો અને સાગરનાં પાણીને ભરી દો. અને પક્ષીઓ પણ બહુ જ વધી જાઓ.”

23 પછી સાંજ થઇ અને સવાર થઇ. તે પાંચમો દિવસ હતો.

છઠ્ઠો દિવસ-ભૂચર જીવજંતુ અને મનુષ્ય

24 પછી દેવે કહ્યું, “પૃથ્વી બધી જાતનાં પ્રાણીઓ પેદા કરો: ‘પ્રત્યેક જાતનાં ઢોર, પેટે ચાલનારાં પ્રાણીઓ અને મોટાં જંગલી પ્રાણીઓ.’ અને આ પ્રાણીઓ પોતપોતાની જાતિ પ્રમાંણે વધારે પ્રાણીઓ ઉત્પન્ન કરે.” અને આ બધું થયું.

25 તે પછી દેવે પ્રત્યેક જાતિનાં પ્રાણીઓ બનાવ્યાં. દેવે જંગલી પ્રાણીઓ, પાળી શકાય તેવાં પ્રાણીઓ, અને પેટે ચાલનારાં પ્રાણીઓ બનાવ્યાં અને દેવે જોયું કે, આ સારું છે.

26 પછી દેવે કહ્યું, “હવે આપણે મનુષ્ય બનાવીએ, જે આપણી પ્રતિમાંરૂપ અને આપણને મળતો આવતો હોય; જે સમુદ્રમાંનાં માંછલાં પર, અને આકાશમાંનાં પક્ષીઓ પર શાસન કરે. તે પૃથ્વીનાં બધાં પ્રાણીઓ અને નાનાં પેટે ચાલનારાં જીવો પર શાસન કરે.”

27 આથી દેવે પોતાની પ્રતિમાંરૂપ મનુષ્ય પેદા કર્યો. તેણે માંણસો એટલે સ્ત્રી અને પુરુષ બનાવ્યાં. 28 દેવે તેઓને આશીર્વાદ આપ્યા. દેવે તેઓને કહ્યું, “ઘણાં સંતાનો પ્રાપ્ત કરો, પૃથ્વીને ભરી દો અને તેનું નિયંત્રણ કરો. સાગરનાં માંછલાં પર અને આકાશના પક્ષીઓ પર શાસન કરો. પૃથ્વી પરનાં પ્રત્યેક જીવ પર શાસન કરો.”

29 દેવે કહ્યું, “જુઓ, મેં તમને જમીનમાં ઊગનારાં, બધી જ જાતનાં અનાજ પેદા કરનારા છોડ અને પ્રત્યેક જાતનાં બીવાળા ફળનાં વૃક્ષો આપ્યાં છે: એ તમને સૌને ખાવાના કામમાં આવશે. 30 પૃથ્વી પરનાં પ્રત્યેક પ્રાણીને અને આકાશમાંના પ્રત્યેક પક્ષીને તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પ્રત્યેક જીવને ખાવા માંટે મેં લીલું ઘાસ અને છોડ આપ્યા છે.” અને એમ જ થયું.

31 દેવે પોતાના દ્વારા તૈયાર થયેલી પ્રત્યેક વસ્તુઓ જોઈ અને દેવે જોયું કે, પ્રત્યેક વસ્તુ ઘણી જ સારી છે.

સાંજ પડી અને સવાર થઇ, તે છઠ્ઠો દિવસ હતો.

સાતમો દિવસ-વિશ્રામ

આ રીતે પૃથ્વી, આકાશ અને તેમાંની બધી જ વસ્તુઓનું સર્જન પૂરું થયું. દેવ પોતે જે કામ કરતા હતા તે તેમણે પૂરું કર્યું. તેથી સાતમાં દિવસે દેવે પોતાનું કામ બંધ રાખ્યું. દેવે સાતમાં દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર બનાવ્યો. કેમ કે, તે દિવસે દેવ સંસારનું સર્જન કરતી વખતે જે કામ કરી રહ્યા હતા તે બધાં જ કાર્યો બંધ કર્યા.

માંનવ જાતિનો આરંભ

આ છે આકાશ અને પૃથ્વીનાં સર્જનનો ઈતિહાસ. જયારે દેવે પૃથ્વી અને આકાશ બનાવ્યાં.

1 કરિંથીઓ 15:50-58

50 ભાઈઓ અને બહેનો, હું તમને કહું છું કે હાડ-માંસ અને રક્તને દેવના રાજ્યમાં તેનો હિસ્સો હોઈ શકે નહિ. જે વસ્તુઓ નાશવંત છે તે અવિનાશી વસ્તુઓનો ભાગ મેળવી શકે નહિ. 51 પરંતુ સાંભળો, હું તમને એક રહસ્ય કહું છું: આપણે બધા મૃત્યુ નહિ પામીએ પરંતુ એક પરિવર્તન પામીશું. 52 અને આ એકમાત્ર ક્ષણમાં થશે. એક આંખના પલકારાની ત્વરાથી આપણે બદલાઈ જઈશું. જ્યારે છેલ્લું રણશિંગડું ફૂંકાશે ત્યારે આમ બનશે. રણશિંગડું ફૂંકાશે અને જે વિશ્વાસીઓ મૃત્યુ પામ્યા છે તે ચિરંતનકાળ પર્યંત જીવવા પુર્નજીવિત થશે. અને આપણે જે જીવંત છીએ તે પણ પરિવર્તન પામીશું. 53 આ શરીર કે જેનો નાશ થવાનો છે. તેણે જેનો નાશ ન કરી શકાય તેવાં વસ્ત્રો પરિધાન કરેલાં હોવા જોઈએ. અને આ શરીર જે મૃત્યુ પામે છે તેણે તેને અમરપણું પરિધાન કરેલું હોવું જોઈએ. 54 એટલે કે શરીર જે નાશવંત છે તેણે અમરપણું ધારણ કરવું જોઈએ અને આ શરીર જે મૃત્યુ પામે છે તેને અમરપણું ધારણ કરાવવું જોઈએ. જ્યારે આ બનશે ત્યારે ધર્મલેખ નીચેનું કથન સત્ય સાબિત થશે:

“મૃત્યુનો વિનાશ થયો અને આ મરણ જયમાં ગરક થઈ ગયું છે.” (A)

55 “મરણ તારો વિજય ક્યાં છે?
મરણ, તારી ઘાયલ કરવાની શક્તિ ક્યાં છે?” (B)

56 પાપ તે મૃત્યુની ઘાયલ કરવાની શક્તિ છે, અને પાપની શક્તિ તે નિયમ છે. 57 પરંતુ આપણે દેવના આભારી છીએ, દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે.

58 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, દઢ બનો. કોઈ પણ વસ્તુથી તમારી જાતને બદલવા ન દો. હંમેશા પ્રભુના કામમાં સમર્પિત બનો. તમે જાણો છો કે પ્રભુ પ્રત્યેનું તમારું કાર્ય કદી પણ નિરર્થક જતું નથી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International