Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી જાતને તને સોપું છું.
2 હું હમેશા તમારો વિશ્વાસ કરું છું.
તો મારી સાથે કોઇ એવી વસ્તુ
ન બને કે જેથી મારે શરમાવું પડે.
મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
3 જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ.
પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે.
તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.
4 હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો;
તમારા રસ્તા વિષે મને શીખવો.
5 મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ,
તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો.
હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.
6 હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.
7 મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો.
હે યહોવા, તમારા શુભ નામને માટે,
તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.
8 યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માર્ગે દોરે છે,
અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.
9 તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
અને તેઓ તેમને તેમના માર્ગે જીવવાનું શીખવે છે.
10 જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે
તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.
પ્રજા માટે દાનિયેલની પ્રાર્થના
9 અહાશ્વેરોશનો પુત્ર માદીનો દાર્યાવેશ જે બાબિલ રાજ્યનો રાજા હતો, તેના પહેલા વર્ષમાં આ બનાવ બન્યો. 2 તેની કારકિદીર્ના પ્રથમ વર્ષમાં; હું દાનિયેલ, યહોવાની વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી, તે પ્રમાણે યરૂશાલેમ 70 વર્ષ સુધી ખંઢેર રહેશે. તે ઉપરથી તે 70 વર્ષનો વિચાર પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.
3 પછી હું ગંભીરતાથી દેવ તરફ પ્રાર્થના સાથે જાણવા માટે વળ્યો, અને ઉપવાસ કરીને, ટાટ પહેરીને અને રાખના ઢગલા પર બેસીને, મેં સાચા હૃદયથી દેવ મારા માલિકની પ્રાર્થના કરી. 4 મેં દેવ યહોવાને પ્રાર્થના કરીને આપણા પાપોની કબૂલાત કરતા કહ્યું,
“હે યહોવા, હે મહાન અને ભયાવહ દેવ, તું તારા કરારને વળગી રહે છે, અને તારા ઉપર જેઓ પ્રેમ રાખે છે અને તારી આજ્ઞાઓનું જેઓ પાલન કરે છે તેમના ઉપર તું સદા કરૂણા રાખે છે.
5 “પરંતુ યહોવા અમે પાપ કર્યા છે, દુષ્ટ કૃત્યો કર્યા છે, તમારી સામે બળવો કર્યો છે, તમારી આજ્ઞાઓ અને તમારા હુકમોની ઉપેક્ષા કરી છે. 6 અમારા રાજાઓને, આગેવાનોને તથા અમારા વડવાઓને અને દેશના બધા લોકોને તારા નામે ઉપદેશ આપનાર તારા સેવકો પ્રબોધકોની વાત અમે કાને ધરી નથી.
7 “હે યહોવા, તમે તો વિશ્વાસી છો, પણ આજે શરમાવાનું તો અમારે છે-યહૂદાના માણસોને, યરૂશાલેમના બાકીના લોકોને અને દૂરના તથા નજીકના સર્વ ઇસ્રાએલીઓને અમે તમારા પ્રત્યે વિશ્વાસઘાતી નીવડ્યા તેથી અનેક દેશોમાં તમે અમને વિખેરી નાખ્યાં.
8 “હે યહોવા, આ સર્વ દેશોમાં અમારે શરમાવાનું છે, અમારા રાજાઓને, આગેવાનોને અને અમારા વડવાઓને. કારણ, અમે બધાએ તમારી વિરૂદ્ધ પાપ કર્યા છે, અમે તમારા અપરાધી બન્યા છીએ.
9 “અમારા યહોવા દેવ, તમે તો દયાળુ છો અને ક્ષમા કરો છો, પણ અમે તમારી સામે બળવો પોકાર્યો છે. 10 હે યહોવા, અમારા દેવ, અમે તમારી વાણી માની નથી. તમારા સેવક પ્રબોધકો દ્વારા તમે અમને આપેલા સર્વ નિયમોનો અમે ભંગ કર્યો છે. 11 હા, સર્વ ઇસ્રાએલે તમારી વાણી પ્રત્યે ધ્યાન આપ્યું નથી. તેથી દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે ભયાનક શાપ અમારા પર રેડી દેવામાં આવ્યો છે, કેમકે અમે તેની વિરૂદ્ધ પાપ કર્યુ છે.
12 “તમે અમને અને અમારા રાજ્યકર્તાઓને ચેતવણી આપ્યા પ્રમાણે જ કર્યું છે, અને યરૂશાલેમ પર અતિ ભારે આપત્તિ આવવા દીધી છે, પૃથ્વી પર બીજા કોઇ નગરમાં કદી એવી આપત્તિ આવી નથી. 13 મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા ઉપર ઊતરી છે, તેમ છતાં તમને, અમારા દેવ યહોવાને રીઝવવા અમે પ્રયત્ન કર્યો નથી; અમે પાપકૃત્યો છોડ્યાં નથી કે, અમે તમારા સત્યને માર્ગે ચાલ્યાં નથી. 14 હે અમારા દેવ યહોવા, તમે અમારા પર આફત ઉતારવાને રાહ જોઇને બેઠા હતા અને તમે તે ઉતારી પણ ખરી. તમે જે કઇં કર્યું છે તે બધું ન્યાયપૂર્વક કર્યું છે. કારણ, અમે તમારી આજ્ઞાનો અનાદર કર્યો છે.
3 હવે અમે તમને જે કંઈ જોયું છે અને સાંભળ્યુ છે તે કહીએ છીએ. શા માટે? કારણ કે અમે તમને અમારી સાથે ભાગીદાર બનાવવા ઈચ્છીએ છીએ. જેથી દેવ બાપ અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્ત સાથે અમને જે આનંદ અને સંગત મળ્યાં છે તેના તમે પણ ભાગીદાર બનો. 4 અમે તમને આ બાબત લખીએ છીએ તેથી તમારો પણ આનંદ અમારી સાથે સંપૂર્ણ થાય.
દેવ આપણા પાપો માફ કરે છે
5 અમે દેવ પાસેથી સાચો સંદેશો સાંભળ્યો છે. હવે અમે તે તમને કહીએ છીએ દેવ પ્રકાશ છે. દેવમાં અંધકાર નથી. 6 તેથી જો આપણે કહીએ કે આપણને દેવ સાથે સંગત છે અને આપણે અંધકારમાં જીવીએ તો પછી આપણે જૂઠાં છીએ. આપણે સત્યને અનુસરતા નથી. 7 દેવ પ્રકાશમાં છે. આપણે પણ પ્રકાશમાં જીવવું જોઈએ, જો આપણે પ્રકાશમાં જીવીએ તો, પછી આપણે એકબીજાની સાથે સંગતંમાં છીએ. અને જ્યારે આપણે પ્રકાશમાં જીવીએ છીએ, તો તેના પુત્ર ઈસુનું રકત આપણને સધળાં પાપમાંથી શુદ્ધ કરે છે.
8 જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી તો, આપણે આપણી જાતને મૂર્ખ બનાવીએ છીએ, અને સત્ય આપણી અંદર નથી. 9 પણ જો આપણે આપણાં પાપો કબૂલ કરીએ છીએ, તો દેવ આપણાં પાપ માફ કરશે. આપણે દેવ પર વિશ્વાસ કરી શકીએ છીએ. દેવ જે સત્ય છે તે જ કરે છે. આપણે કરેલા બધાં ખોટાં કામોમાંથી દેવ આપણને શુધ્ધ કરે છે. 10 જો આપણે કહીએ કે આપણે પાપ કર્યું નથી, તો આપણે દેવને જૂઠાં ઠરાવીએ છીએ આપણે દેવનાં સાચા વચનનો સ્વીકાર કરતાં નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International