Revised Common Lectionary (Semicontinuous)
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
18 આવનાર પેઢી માટે આ સર્વ બાબતોની નોંધ કરો;
જેથી તેઓ યહોવાની સ્તુતિ કરે.
અને જે લોકો હજી જન્મ્યા નથી તેઓ યહોવાની સ્તુતિ કરશે.
19 તેઓને કહો કે; દેવે સ્વર્ગમાંથી
નીચે પૃથ્વી પર દ્રૃષ્ટિ કરી છે.
20 તે બંદીવાનોની પ્રાર્થના સાંભળશે,
જેઓ મૃત્યુ માટે દોષી ઠરાવાયા હતા તેઓને મુકત કરશે.
21 પછી સિયોનનાં લોકો યહોવાનું નામ જાહેર કરે છે
અને તેઓ યરૂશાલેમમાં તેમની સ્તુતિ કરશે.
22 તે વખતે યહોવાની સેવા કરવા માટે લોકો
તથા પૃથ્વીનાં રાજ્યો એકઠાં થશે.
23 મારા જીવનનાં મધ્યાહને તેમણે
મારી શકિત ઘટાડી ને મારા દિવસો ટૂંકા કર્યા.
24 મેં તેમને પોકાર કર્યો, “હે મારા દેવ, તમે સદા સર્વકાળ જીવંત છો!
મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો.
25 તમે યુગો પહેલાં પૃથ્વીનો પાયો નાખ્યો હતો
અને તમારા હાથો વડે આકાશો રચ્યાં હતાં.
26 એ સર્વ પણ નાશ પામશે, તમે સર્વકાળ છો;
તેઓ જૂના થશે, ફાટી ગયેલાં કપડા જેવાં થશે;
અને માણસ જૂનું વસ્ર ફેંકી નવું ધારણ કરે,
તેમ તમે પણ તેઓને બદલી નાંખશો.
27 પરંતુ તમે હે દેવ, તમે કદી બદલાતાં નથી;
અને તમારા વર્ષોનો કદી અંત આવશે નહિ.
28 તમારા સેવકોનાં બાળકો અહીં વસશે,
અને તેમનાં વંશજો
તમારી સમક્ષ પ્રસ્થાપિત થશે.”
શૂનેમની સ્ત્રીની સંપતિનું પુન:સ્થાપન
8 જે સ્રીના છોકરાને એલિશાએ ફરી સજીવન કર્યો હતો તેને તેણે કહ્યું હતું કે, “તું તારા પરિવાર સાથે ચાલી જા અને જયાં નિવાસ મળે ત્યાં કોઈ પરદેશમાં રહે, કારણ, યહોવા દેશમાં સાત વર્ષનો દુકાળ પાડનાર છે અને તે આવી પહોંચ્યો જાણ.”
2 તે સ્રીએ ઝટપટ દેવના માણસ એલિશાના કહેવા પ્રમાણે કર્યું; તે તેના કુટુંબ સાથે નીકળી પડી, અને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી. 3 સાત વર્ષ પૂરાં થતાં તેણે પાછાં આવીને પોતાનું ઘર અને જમીન પાછાં મેળવવા માટે રાજાને જઈને ફરિયાદ કરી.
4 હવે બન્યું એવું કે રાજા એલિશાના નોકર ગેહઝીની સાથે વાત કરતો હતો, તે કહેતો હતો, “દેવના માણસ એલિશાએ કરેલા બધા ચમત્કારોની તું મને વાત કર.”
5 ગેહઝી રાજાને એલિશાએ સજીવન કરેલા છોકરાની વાત કરતો હતો, ત્યાં જ તે સ્ત્રીએ રાજાને પોતાનું ઘર અને જમીન પાછાં અપાવવા વિનંતી કરી, એટલે ગેહઝી બોલ્યો, “મારા મુરબ્બી અને રાજા, આ જ તે સ્ત્રીછે અને આ જ તેનો છોકરો છે, જેને એલિશાએ સજીવન કર્યો હતો.”
6 રાજાએ તે સ્રીને પૂછયું, “શું આ સાચી વાત છે?”
સ્ત્રીએ કહ્યું, “હા, એવું જ બન્યું હતું.” તેથી રાજાએ એક અધિકારીને આજ્ઞા કરી કે, આ સ્ત્રીની માલિકીનું જે સર્વ છે તે તેને સોંપી દેવામાં આવે અને તેની ગેરહાજરીમાં તેની જમીનમાં આ જ સુધી થયેલી ઊપજનાં નાણાં પણ તેને આપવામાં આવે.
પાઉલ અને બાર્નાબાસનું છૂટા પડવું
36 થોડા દિવસો પછી. પાઉલે બાર્નાબાસને કહ્યું, “આપણે પ્રભુની વાત ઘણા શહેરોમાં પ્રગટ કરી છે. આપણે તે બધા શહેરમાં ભાઈઓ અને બહેનોની મુલાકાત લઈને તેઓ કેમ છે તે જોવા પાછા જવું જોઈએ.”
37 યોહાન માર્ક ને તેઓની સાથે લેવાની ઈચ્છા બાર્નાબાસની હતી. 38 પરંતુ તેઓની પ્રથમ યાત્રામાં યોહાન માર્કે તેઓને પમ્ફુલિયામાં છોડી દીધા. તેણે તેઓની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું નહિ. તેથી પાઉલે તેને સાથે લઈ જવો એ સારો વિચાર છે એમ માન્યું નહી. 39 પાઉલ અને બાર્નાબાસને આ બાબતમાં તીવ્ર મતભેદ થયા. તેઓ જુદા પડ્યા અને જુદા જુદા રસ્તે ગયા. બાર્નાબાસે સૈપ્રત તરફ વહાણ હંકાર્યુ અને માર્કને તેની સાથે લીધો.
40 પાઉલે તેની સાથે જવા સિલાસની પસંદગી કરી. અંત્યોખના ભાઈઓએ પાઉલને દેવની કૃપાને સોંપ્યા પછી તેને બહાર મોકલ્યો. 41 પાઉલ અને સિલાસ સિરિયા તથા કિલીકિયાના શહેરમાં થઈને મંડળીઓને વધારે મજબૂત બનાવવામાં સહાયરૂપ થતાં ગયાં.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International