Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી વિરુદ્ધ યુદ્ધ કરનારા સામે તમે યુદ્ધ કરો;
મારી ઉપરના તેઓના આક્રમણ સામે તમે યુદ્ધ જાહેર કરો.
2 તમે ઢાલ અને બખતર ધારણ કરી ઊભા રહો,
અને મારું રક્ષણ કરો.
3 ભાલો હાથમાં લઇને મારી પાછળ પડેલાને અટકાવો,
મારા આત્માને ખાત્રીથી કહો કે,
“તમેજ મારો ઉદ્ધાર કરનાર છો.”
4 જેઓ મારા જીવના તરસ્યા છે
તેઓ ફજેત થઇને બદનામ થાઓ;
જેઓ મારું નુકશાન ઇચ્છે છે,
તેઓ રઝળી પડો અને પાછા હઠો.
5 તેઓ પવનથી ઊડતાં ભૂંસા જેવા થાય,
અને તેમને યહોવાનો દૂત હાંકી કાઢો.
6 હે યહોવા, તેઓનો માર્ગ અંધકારમય ને લપસણો થાઓ;
યહોવાનો દૂત તેમની પાછળ પડો.
7 તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
વગર કારણે જીવ લેવા ખાડો ખોધ્યો છે.
8 તેમનાં પર અચાનક વિપત્તિ આવી પડો,
પોતાના ફાંદામાં તેઓ પોતેજ ફસાઇ જાઓ;
પોતાના ખોદેલા ખાડામાં પડી તેઓનો સંહાર થાઓ.
9 પણ હું યહોવાથી આનંદિત થઇશ,
અને તેમનાં તારણમાં સુખી થઇશ.
10 મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે,
“હે યહોવા, તમારા જેવું કોણ છે?
જે લાચારને બળવાનથી બચાવે છે,
અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
બાબિલમાં નિર્વાસિતો પર યર્મિયાનો પત્ર
29 યકોન્યા રાજા, રાજમાતા, રાજ્યના અધિકારીઓ, કુળોના આગેવાનો અને કુશળ કારીગરોને બાબિલમાં બંદીવાન તરીકે નબૂખાદનેસ્સાર લઇ ગયો. 2 ત્યારે બંદીવાસમાં ગયેલાઓમાંના બાકી રહેલા વડીલો, ત્યાંના યાજકો, પ્રબોધકો તથા જે લોકોને નબૂખાદનેસ્સાર યરૂશાલેમમાંથી બાબિલમાં લઇ ગયો હતો. 3 તે બધાની પાસે યર્મિયા પ્રબોધકે, શાફાનનો પુત્ર એલઆસાહ તથા જેને યહૂદિયાના રાજા સિદકિયાએ બાબિલમાં, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે મોકલ્યો હતો, તે હિલ્કિયાનો પુત્ર ગમાર્યા, તે બંનેની સાથે જે પત્ર મોકલ્યો, તેમાં આ પ્રમાણે લખેલું છે:
4 યરૂશાલેમમાંથી બાબિલના બંદીવાસમાં તેમણે મોકલેલા સર્વ પર સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ તરફથી આ સંદેશો છે: 5 “તમે ઘર બાંધો અને ઠરીઠામ થઇને રહો, દ્રાક્ષાનીવાડીઓ રોપો અને તેનાં ફળો ખાઓ, કારણ કે તમે ત્યાં ઘણાં વર્ષો સુધી રહેવાના છો. 6 તમે પરણો અને પ્રજા પેદા કરો. પછી તમારાં છોકરાં-છોકરીઓને પરણાવો. જેથી તેઓ પણ પ્રજા પેદા કરે. તમારે તમારી સંખ્યા વધારવાની છે, ઘટવા દેવાની નથી. 7 તે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કરો. જ્યાં મેં તમારો દેશનિકાલ કર્યો છે. તેના માટે પ્રાર્થના કરો. કારણ કે જ્યારે તે સમૃદ્ધ થશે ત્યારે તમે પણ આબાદ થશો.” 8 હું ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા, તમને કહું છું કે, “તમારામાંના પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ, 9 કારણ, એ લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેમને મોકલ્યા નથી,” એમ યહોવા કહે છે.
10 સત્ય તો આ છે: “તમે 70 વર્ષ બાબિલમાં રહેશો, પરંતુ ત્યાર પછી હું યહોવા આવીશ અને મેં આપેલા વચન પ્રમાણે સર્વ સારી બાબતો હું તમારે માટે કરીશ અને તમને ફરીથી યરૂશાલેમમાં પાછા લાવીશ. 11 તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું,” એમ યહોવા કહે છે. “તે યોજનાઓ છે તમારા સારા માટે, નહિ કે તમારું ભૂંડું થાય તે માટે. તે તો તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે. 12 તે સમય દરમિયાન તમે મારી પાસે આવીને પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ. 13 તમે મારી શોધ કરશો તો મને પામશો, કારણ, તમારી શોધ પ્રામાણિક હૃદયની હશે.” 14 યહોવા કહે છે, “હા, હું તમને જરૂર મળીશ અને તમારી ગુલામીનો અંત લાવીશ અને તમારી સમૃદ્ધિ તમને પાછી આપીશ, અને જે જે પ્રજાઓમાં અને દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હશે, ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ; જ્યાંથી મેં તમને દેશવટે મોકલ્યા હતાં ત્યાંથી હું તમને પાછા લાવીશ.” આ હું યહોવા બોલું છું.
ઈસુ ભૂત વળગેલા માણસને મુક્ત કરે છે
(માથ. 8:28-34; લૂ. 8:26-39)
5 ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરીને ગેરસાની લોકો રહેતા હતા તે પ્રદેશમાં ગયો. 2 જ્યારે ઈસુ હોડીમાંથી નીચે ઉતર્યો ત્યારે જ્યાં મરેલા માણસોને દાટવામાં આવે છે તે ગુફાઓમાંથી એક માણસ તેમની પાસે આવ્યો. આ માણસને ભૂત વળગેલ હતું. 3 તે માણસ કબરસ્તાનની ગુફાઓમાં રહેતો હતો. કોઈ માણસ તેને બાંધી શકતો ન હતો. સાંકળો પણ આ માણસને બાંધી શકતી ન હતી. 4 ઘણી વાર લોકોએ તે માણસના હાથ પગ બાંધવા સાંકળનો ઉપયોગ કર્યો. પણ તે માણસ તેના હાથપગથી સાંકળો તોડી નાખતો. કોઈ માણસ તેને કાબુમાં રાખવા પૂરતો સમર્થન હતો. 5 રાત દિવસ તે માણસ કબરસ્તાનની ગુફાઓની આસપાસ અને ટેકરીઓ પર ચાલતો હતો. તે માણસ ચીસો પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો.
6 જ્યારે ઈસુ ઘણે દૂર હતો ત્યારે તે માણસે તેને જોયો. તે માણસ ઈસુ પાસે દોડી ગયો અને તેની આગળ ઘૂંટણીએ પડ્યો. 7-8 ઈસુએ તે માણસને કહ્યું, “ઓ અશુદ્ધ આત્મા, તે માણસમાંથી બહાર નીકળ.” તેથી તે માણસે મોટા અવાજે ઘાંટો પાડ્યો, “ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસે શું ઈચ્છે છે? હું તને દેવના સોગંદ દઉં છું કે, તું મને શિક્ષા નહિ કરે!”
9 પછી ઈસુએ તે માણસને પૂછયું, “તારું નામ શું છે?”
તે માણસે જવાબ આપ્યો, “મારું નામ સેના છે. કેમ કે મારામાં ઘણા આત્માઓ છે.” 10 તે માણસમાં રહેલા આત્માઓએ ઈસુને વારંવાર વિનંતિ કરી કે તેઓને તે પ્રદેશમાંથી બહાર ન કાઢે.
11 ત્યાં નજીકમાં એક ભૂંડોનું મોટું ટોળું ટેકરીઓની બાજુમાં ચરતું હતું. 12 અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી, “અમને ભૂંડોમાં મોકલ, અમને તેઓમાં મોકલ.” 13 તેથી ઈસુએ તેઓને રજા આપી. અશુદ્ધ આત્માઓએ માણસને છોડયો અને તેઓ ભૂંડોમાં ગયા. પછી તે ભૂંડોનું ટોળું ટેકરીઓની કરાડો પરથી ધસી ગયું અને સરોવરમાં પડી ગયું. બધાંજ ભૂંડો ડૂબી ગયાં. તે ટોળામાં લગભગ 2,000 ભૂંડો હતાં.
14 જે માણસો ભૂંડોની સંભાળ રાખવાનું કામ કરતા હતા તે નાસી ગયા. તે માણસો ગામમાં ગયા અને ખેતરોમાં દોડી ગયા. તેઓએ બધાં લોકોને જે બન્યું હતું તે કહ્યું તેથી જે બન્યું હતું તે જોવા માટે તેઓ આવ્યા. 15 લોકો ઈસુ પાસે આવ્યા. તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓની સેના વળગેલો માણસ જોયો. તે માણસ બેઠો હતો અને વસ્ત્રો પહેરેલો હતો. તેનું મગજ ફરીથી સ્વસ્થ હતું. લોકો ભયભીત થયા હતા. 16 કેટલાક લોકો ત્યાં હતા અને ઈસુએ જે કર્યું તે જોયું હતું. તે લોકોએ બીજા લોકોને પેલો માણસ જેનામાં દુષ્ટાત્મા હતો તેનું શું થયું તે કહ્યું અને તેઓએ ભૂંડો વિષે પણ કહ્યું. 17 પછી તે લોકો ઈસુને તેમનો પ્રદેશ છોડી જવા વિનંતી કરવા લાગ્યા.
18 ઈસુ હોડીમાં બેસવા જતો હતો. અશુદ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે ઈસુ સાથે જવા વિનંતી કરી. 19 પણ ઈસુએ તે માણસને સાથે આવવાની ના પાડી. ઈસુએ કહ્યું, “તારે ઘેર તારા સગાંઓ પાસે જા, પ્રભુએ તારા માટે જે બધું કર્યું તે વિષે તેઓને કહે. તેમને જણાવ કે પ્રભુ તારા માટે દયાળુ હતો.”
20 તેથી તે માણસે વિદાય લીધી અને તેના માટે ઈસુએ જે મહાન કાર્યો કર્યા તે વિષે દશનગરમાં લોકોને કહ્યું. બધા લોકો નવાઈ પામ્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International